You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભણસાલીની દરેક ફિલ્મની રિલીઝ વખતે જ વિવાદ કેમ થાય છે?
દિગ્દર્શક સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'નો દેશના અનેક વિસ્તારોમાં વિરોધ થઈ રહ્યો છે.
ઉત્તર ભારતનાં અનેક શહેરોમાં ભારતીય દંડ સંહિતાની કલમક્રમાંક 144નો અમલ કરાવવામાં આવી રહ્યો છે.
જોકે, સંજય લીલા ભણસાલીની કોઈ ફિલ્મ બાબતે વિવાદ સર્જાયો હોય તેવી આ પહેલી ઘટના નથી. તેમની અગાઉની દરેક ફિલ્મે વિવાદનો સામનો કર્યો છે.
સંજય લીલા ભણસાલીની કઈ ફિલ્મો વિવાદમાં ફસાઈ હતી અને તેનું કારણ શું હતો એ જાણી લો.
• પદ્માવત
'પદ્માવત'નું ટ્રેલર રિલીઝ થવાની સાથે જ વિવાદ શરૂ થઈ ગયો હતો.
ફિલ્મની રિલીઝ પહેલાં અમદાવાદ અને કાનપુરમાં થિયેટરોની બહાર હિંસક વિરોધની ઘટનાઓ બની હતી.
ભણસાલી પર એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે એક સમુદાયની લાગણી ભડકે તેવી ફિલ્મ તેમણે જાણીજોઈને બનાવી છે.
જોકે, વિવાદ શરૂ થયો પછી ફિલ્મનું મૂળ 'પદ્માવતી' નામ બદલીને 'પદ્માવત' કરવામાં આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ ઉપરાંત ફિલ્મમાંથી કેટલાંક દૃશ્યો કટ કરવામાં આવ્યાં હતાં, તેમ છતાં વિવાદ અટક્યો નથી.
• બાજીરાવ મસ્તાની
સતરમી સદીના શાસક પેશ્વા બાજીરાવ દ્વિતિય વિશેની આ ફિલ્મ બાબતે પણ ભણસાલીએ વિવાદનો સામનો કરવો પડ્યો હતો.
આ ફિલ્મનાં બે મુખ્ય પાત્રો કાશીબાઈ અને મસ્તાની નૃત્ય કરતાં હોય તેવું 'પિંગા' ગીત દર્શાવવામાં આવ્યું હતું.
પેશ્વાઓના શાસનકાળમાં રાજવી પરિવારની મહિલાઓ આ રીતે નાચતી ન હોવાનું કહેવામાં આવ્યું હતું.
ઈંદોરના રાજવી પરિવારે પણ આ ફિલ્મ સામે વાંધો લીધો હતો.
એટલું જ નહીં, કાશીબાઈ એટલે કે પ્રિયંકા ચોપડા અને મસ્તાની એટલે કે દીપિકા પાદુકોણ ફિલ્મમાં અનેક દૃશ્યોમાં સાથે જોવા મળ્યાં હતાં.
પેશ્વા બાજીરાવના વંશજોએ આ સંબંધે જણાવ્યું હતું કે બાજીરાવ અને મસ્તાનીની મુલાકાત માત્ર એક વાર થઈ હતી.
જોરદાર વિવાદ છતાં 'બાજીરાવ મસ્તાની' રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર અત્યંત સફળ થઈ હતી.
• ગોલિયોં કી રાસલીલા રામ-લીલા
'બાજીરાવ મસ્તાની' પહેલાં ભણસાલીએ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સાથે 'રામ-લીલા' ફિલ્મ બનાવી હતી.
ફિલ્મનું નામ જાહેર થવાની સાથે જ એ બાબતે એવો વિવાદ શરૂ થયો હતો કે ફિલ્મનું નામ બદલીને 'ગોલિયોં કી રાસલીલા રામ-લીલા' રાખવું પડ્યું હતું.
આ ફિલ્મનાં મુખ્ય પાત્રોની અટક 'જાડેજા' હોવાનો રાજપૂત સમાજે વિરોધ કર્યો હતો. એ પછી 'સનેડા' અને 'રાજાડી' સરનેમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ ફિલ્મમાં ઉપયોગમાં લેવાયેલા રવિન્દ્રનાથ ટાગોરના ગીતના ગુજરાતી અનુવાદ 'મારું મન મોર બની થનગાટ કરે' બાબતે વિવાદ સર્જાયો હતો.
રવિન્દ્રનાથ ટાગોરના મૂળ બંગાળી ગીતનો ગુજરાતીમાં અનુવાદ ઝવેરચંદ મેઘાણીએ કર્યો હતો, પણ ફિલ્મમાં તેમને ક્રેડિટ આપવામાં આવી ન હતી.
• ગુઝારિશ
રિતિક રોશન અને ઐશ્વર્યા રાયની મુખ્ય ભૂમિકાઓમાં ચમકાવતી આ ફિલ્મ વિશે સલમાન ખાને વાંધાજનક નિવેદન આપ્યું હતું.
એ ઉપરાંત સ્ટોરી ચોરવાનો આક્ષેપ પણ ફિલ્મના નિર્માતાઓ પર કરવામાં આવ્યો હતો.
• દેવદાસ
ભણસાલીની કરિઅરની સૌથી ખાસ ફિલ્મો પૈકીની એક 'દેવદાસ'ના ગીત 'ડોલા રે ડોલા રે' મામલે વિવાદ સર્જાયો હતો.
તેનું કારણ એ હતું કે મૂળ 'દેવદાસ' નવલકથામાં બે મુખ્ય પાત્રો પારો અને ચંદ્રમુખી વચ્ચે મુલાકાત થઈ ન હતી.
જોકે, 'દેવદાસ' ફિલ્મમાં ઐશ્વર્યાએ પારોનું, જ્યારે માધુરી દીક્ષિતે ચંદ્રમુખીનું પાત્ર ભજવ્યું હતું અને 'ડોલા રે ડોલા રે' ગીતમાં સાથે નૃત્ય કર્યું હતું.
વિવાદ શા માટે?
સંજય લીલા ભણસાલી પર એવો આક્ષેપ કરવામાં આવે છે કે તેઓ વિવાદ સર્જાય તેવા વિષયોની પસંદગી ફિલ્મ બનાવવા માટે જાણીજોઈને કરે છે.
તેમ છતાં ભણસાલીની ગણતરી સિનેમેટોગ્રાફી માટે વિખ્યાત હોય તેવા દિગ્દર્શકોમાં કરવામાં આવે છે.
ભણસાલીની ફિલ્મોમાં એક્ટર કે એકટ્રેસને બદલે તેમનું કેમેરાવર્ક અસલી હીરો હોય છે અને એ કેમેરાવર્કને લીધે તેમની ફિલ્મો કરોડોનો બિઝનેસ કરતી હોય છે.
ભારતના રાજવી પરિવારોના વૈભવશાળી ઈતિહાસને સંજય લીલા ભણસાલીનો કેમેરા 70 એમએમના પડદા પર જીવંત કરતો હોય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો