પદ્માવત : '...કેટલાય દિવસોથી સરકસ ચાલી રહ્યું છે'

સંજય લીલા ભણસાણીની ફિલ્મ 'પદ્માવત'ના વિરોધે અમદાવાદમાં હિંસક રૂપ લઈ લીધું છે.

ત્યારે આ અંગે અમદાવાદના 'વાઇડ એન્ગલ' મલ્ટીપ્લેક્સના માલિક રાકેશભાઈ સાથે વાતચીત કરી હતી.

'પદ્માવત' રજૂ કરવા પર અસહમતી દર્શાવતા રાકેશભાઈએ પૂછ્યું હતું કે ફિલ્મ જોઈ રહેલા પ્રેક્ષક સાથે કોઈ અણછાજતી ઘટના બની તો એની જવાબદારી કોણ લેશે?

'સરકારે સલામતી આપવાની હોય, માગવાની નહીં'

લાઇવમાં હાજર રહેલા ઑન્ટ્રપ્રનર સ્નેહએ કહ્યું, 'છેલ્લા કેટલાય દિવસથી આ સરકસ ચાલી રહ્યું છે.

"સરકાર આ મામલે સલામતી આપી શકતી નથી. સરકારે સલામતી આપવાની હોય, સરકારે સલામતી માગવાની ના હોય."

"જો સરકાર મને સલામતી ના આપી શકે તો મારે એ વિચારવાનું કે મારે અહીં રહેવું કે કોઈ બીજા રાજ્યમાં જતું રહેવું."

તમને આ પણ વાંચવું ગમશે

"પ્રેક્ષકો અને લોકોએ પણ સાથે મળીને થિયેટરના માલિકોને વિશ્વાસ અપાવવો જોઈએ કે તેમને ફિલ્મ રજૂ કરવા અને અમને ફિલ્મ જોવા માટે કોઈ રોકી ના શકે."

જોકે, રાકેશભાઈએ પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યું હતું, "પોલીસ દ્વારા સુરક્ષા અપાઈ છે. પણ આ મામલો સતત ગૂંચવાઈ રહ્યો છે. વકરી રહ્યો છે."

"ત્યારે જો કોઈ અઘટતી ઘટના બને તો? એની જવાબદારી કોણ લેશે?"

'કેટલાય દિવસોથી સરકસ ચાલે છે'

લાઇવમાં હાજર અન્ય એક યુવાન નીતિને જણાવ્યું હતું, 'લોકો કદાચ આ ફિલ્મ જોવા નહીં આવે.'

નીતિને એવું પણ પૂછ્યું હતું કે, 'મારી સાથે ફિલ્મ જોવા આવનારી વ્યક્તિની સુરક્ષાની જવાબદારી કોણ લેશે?'

એ વખતે રાકેશભાઈએ ઉમેર્યું હતું કે મહાકાલ સેના, કટ્ટર રાજપૂત સેના, કરણી સેના, બજરંગ દળ જેવા સંગઠનોએ તેમને પત્ર લખીને ફિલ્મ રજૂ ના કરવા અપીલ કરી હતી.

આ પાત્રો પર સવાલ કરતા સ્નેહનું કહેવું હતું, 'આ બધા પત્રો તમે જોયા? એ કોણ લખે છે? એની ડિઝાઇન શું છે? એ બધાની પેટર્ન એકસમાન છે.

આ પાછળ રાજકારણ છે. અને આ ડિઝાઇનને આગળ પ્રસરતા અહીં જ અટકાવી દેવી જોઈએ.

આ દરમિયાન લાઇવમાં કૉમેન્ટ અભિ વાઘેલાએ સવાલ કર્યો કે ફિલ્મ જોયા વગર તેના પર પ્રતિબંધ કેવી રીતે લાગી શકે.

આ તરફ ઘણાં લોકો એવા પણ હતાં કે જેમણે ફેસબુક પર લાઇવ દરમિયાન સરકાર પર નિશાન સાધ્યું હતું.

આશિષ ચાવડીયા નામના એક ફેસબુક યુઝરે લખ્યું કે સરકારને ચાર-ચાર બંગડી લાવી પહેરાવો.

તો 'પદ્માવત' ફિલ્મના વિરોધને સમર્થન આપતા કેટલાક લોકોએ ખુલ્લેઆમ ધમકી પણ આપી.

જાડેજા રિશીરાજ સિંહ નામના ફેસબુક યુઝરે કૉમેન્ટમાં સિનેમાઘરોના માલિકોને ધમકી આપી હતી. અને કહ્યું હતું કે જે સિનેમા થીએટરમાં પદ્માવત ફિલ્મ રિલીઝ કરવામાં આવશે, તેમણે આજીવન રક્ષણ હેઠળ જીવવું પડશે.

મહત્ત્વનું છે કે, ફિલ્મમાં રાણી પદ્માવતીની છબીને નુકસાન પહોંચાડવાના આરોપસર કરણી સેના અને રાજપૂત સંગઠનોએ ખૂબ હોબાળો મચાવ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો