1 Above દુર્ઘટના : 'એ આઘાતજનક સાંજ ક્યારેય નહીં ભુલાય'

    • લેેખક, અંકૂર જૈન
    • પદ, એડિટર, બીબીસી ગુજરાતી

28મી ડિસેમ્બરે અડધી રાત્રે મુંબઈની કમલા મીલ્સ કમ્પાઉન્ડ સ્થિત રેસ્ટોરાંમાં આગ લાગી, ત્યારે બીબીસી ન્યૂઝ ગુજરાતીના સંપાદક અંકૂર જૈન સંજોગવસાત ત્યાં જ હાજર હતા.

અંકૂરના બહેન અને મિત્રો બિલ્ડિંગમાંથી સલામત રીતે નીકળી શક્યાં હતાં.

તેમણે અને તેમના મિત્રોએ ત્યાં શું જોયું તથા કેવી રીતે બચી નીકળ્યાં, તે વિશે અંકૂર તેમનો અનુભવ જણાવે છે.

તમને આ પણ વાંચવું ગમશે

સામાન્ય રીતે મુંબઈની કોઈ રેસ્ટોરાંમાં સાંજે જેવું દ્રશ્ય હોય, તેવું જ દ્રશ્ય હતું. મને અંદાજ પણ ન હતો કે મારા જીવનની ભયાનક સાંજમાંની આ એક બની જશે.

લોઅર પરેલમાં કમલા મીલ્સ કમ્પાઉન્ડ સ્થિત રેસ્ટોરાંમાં હાજર લગભગ એકસો જેટલાં લોકો એ સાંજ ક્યારેય નહીં ભૂલી શકે.

હું મારી બહેન અને મિત્રો સાથે સાંજના ભોજન માટે બહાર નીકળ્યો હતો.

મોડી સાંજે અમે ચાર લોકો '1 Above' રેસ્ટોરાં પહોંચ્યાં. પરંતુ રેસ્ટોરાંમાં વેઇટિંગ હોવાનાં કારણે અમે ડીજે કૉન્સોલની પાસે રાહ જોતાં ઊભા રહ્યાં.

રાત્રે સાડા બાર વાગ્યા હશે કે અમને કોઇની બૂમ સંભળાઈ, 'આગ લાગી છે.....અહીંથી નીકળી જાવ' આ ચેતવણી સાંભળીને અમે સતર્ક થઈ ગયાં, અમે આગની જ્વાળાઓ જોઈ શકતાં હતાં.

મને લાગ્યું કે, નાની આગ છે, જેના પર તરત જ કાબૂ મેળવી લેવાશે, પરંતુ મારી માન્યતા ભૂલ ભરેલી હતી.

'ગ્રૂપમાંથી એક વ્યક્તિ ગૂમ'

થોડી જ ક્ષણોમાં અમને અંદાજ આવી ગયો કે આગ ભયાનક બની ગઈ છે અને બધું ભરખી જશે.

રેસ્ટોરાંની આર્ટિફિશિયલ સિલિંગને કારણે ગણતરીના સેકંડોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

જ્વાળાઓ છતને સ્પર્શી કે આગ ફેલાવા લાગી, પછી તેને અટકાવી શકાય તેમ ન હતી.

સ્ટાફે અમને સૂચના આપી કે ફાયર એગ્ઝિટમાંથી (તાકીદના સંજોગોમાં બહાર નીકળવાનો માર્ગ) બહાર નીકળી જઇએ, અમે જોયું તો બહાર નીકળવાના રસ્તા સુધી આગ પહોંચી ગઈ હતી.

આજુબાજુમાં જે કાંઈ હતું તે સળગવા લાગ્યું હતું. જેમતેમ કરીને અમે દાદર સુધી પહોંચ્યાં.

અચાનક જ અમને ભાન થયું કે ગ્રૂપમાંથી એક વ્યક્તિ ગૂમ છે.

'બેબાકળી નજરે આજુબાજુ જોઈ રહ્યાં હતાં'

અમને ખબર ન હતી કે તે ક્યાં છે, અમારા પેટમાં ફાળ પડી. અમે એનાં નામની બૂમો પાડી રહ્યાં હતાં.

કોઇકે અમને કહ્યું કે કેટલાક લોકો બીજા રસ્તે બહાર નીકળી ગયાં છે. અમે બેબાકળી નજરે આજુબાજુ જોઈ રહ્યાં હતાં.

તે બચી ગઈ હશે તેવી આશાએ અમે બહાર નીકળ્યાં. સદનસીબે અમારી ધારણા સાચી પડી હતી.

એક સંબંધીનો ફોન આવ્યો અને તેમણે અમને આગ્રહ કર્યો કે અમે ધીમેધીમે બહાર નીકળી જઇએ. ગમે તેમ કરીને અમે બહાર નીકળી ગયા.

'મિત્રોને માટે શોધવા માટે બૂમો પાડી રહ્યાં હતાં'

અમે રેસ્ટોરાં છોડીને નીકળવાનાં હતાં કે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું.

એગ્ઝિટની નજીક હોવાને કારણે અમે સમયસર બહાર નીકળી શક્યાં.

અમે બહાર નીકળીને જોયું તો નીચે રહેલા લોકો તેમના પરિવારજનો અને મિત્રોને માટે શોધવા માટે બૂમો પાડી રહ્યાં હતાં.

એ સમયે કોઇને અંદાજ ન હતો કે રેસ્ટોરાંની છત પર ભયાનક દુર્ઘટના આકાર લઈ રહી છે. છત જાણે કે આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી.

'તે ખૂબ જ આઘાતજનક હતું'

સુરક્ષા ગાર્ડ્સ અને વોચમેન લોકોને બૂમો મારીને જગ્યા છોડી દેવા જણાવી રહ્યા હતા.

ટૂંક સમયમાં ફાયર બ્રિગેડનાં ફાઇટર વાહનો ઘટનાસ્થળે આવી પહોંચ્યા.

અમને જાણવા મળ્યું કે, ત્રણ લોકો ઘાયલ થયાં છે. લગભગ રાત્રિનો પોણો એક-એક વાગ્યો હશે.

અમે ઘરે પરત ફર્યાં, પરંતુ સતત આગના સમચારો જોઈ રહ્યાં હતાં. તે ખૂબ જ આઘાતજનક અને વિચલિત કરી દેનારા દૃશ્યો હતા.

દુર્ઘટનામાં 15 લોકોનાં મોત

લગભગ સવારે આગ બુઝાવી શકાઈ હતી, ત્યારે અમે રાહતનો શ્વાસ લીધો. જોકે, બીજો આઘાત વહેલી સવારે લાગવાનો હતો.

એ દુર્ઘટનામાં 15 લોકોનાં મોત થયાં હતાં. સામાન્ય જણાતી આગ ભયાનક દુર્ઘટના બની ગઈ હતી, કારણ કે આજુબાજુમાં સળગી ઉઠે તેવી ચીજો હતી.

રેસ્ટોરાંના માલિકો અને સત્તાધીશોએ કદાચ આગ જેવી આપાતકાલીન સ્થિતિમાં કર્મચારીઓ અને ગ્રાહકોની સલામતી અંગે વિચાર્યું નહીં હોય.

મહિલાઓના વોશ-રૂમમાં સૌથી વધુ જાનહાનિ

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મહિલાઓના વોશ-રૂમમાં સૌથી વધુ જાનહાનિ થઈ હતી.

મને યાદ છે કે ત્યાં પાસે જ ફાયર એગ્ઝિટ હતું. અમારાં ગ્રૂપનાં એક સભ્ય થોડીવાર પહેલાં જ એ વોશરૂમમાં ગયાં હતાં.

એ વિચારીને જ ધ્રૂજારી છૂટી જાય છે કે તેઓ તત્કાળ પરત ફર્યાં ન હોત તો?

ફાયર એગ્ઝિટમાં જ સૌ પહેલા આગ લાગી હતી, કારણ કે ત્યાં બન્ને બાજુએ બોક્સ રાખેલાં હતાં.

માણસોની સૌથી વધુ અવર-જવર વાળી જગ્યાએ આગને બુઝાવવા માટે પૂરતી વ્યવસ્થા ન હતી, તે જાણીને ભારે આઘાત લાગ્યો.

મોતના શકંજા જેવી રેસ્ટોરાંને લાઇસન્સ કેવી રીતે મળી ગયું હશે? પ્રશ્ન થયો.

(રેસ્ટોરાં દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે તેમણે અગ્નિશમન માટે પૂરતી વ્યવસ્થા કરી હતી અને તેમની પાસે જરૂરી તમામ લાઇસન્સ હતાં. આ અંગે પોલીસ તપાસ કરી રહી છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો