મનસુખ વસાવા અને ચૈતર વસાવા ચૂંટણીના પરિણામ અગાઉ કેમ જાહેરમાં બાખડ્યા?

ઇમેજ સ્રોત, SAJID PATEL
આપના નેતા ચૈતર વસાવા અને ભાજપના નેતા મનસુખ વસાવા શુક્રવારે સાંજે જાહેરમાં બાખડી પડ્યા હતા. મામલો કાબૂ બહાર જતાં પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી.
બંને નેતાઓ વચ્ચેની બોલાચાલીનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
ચૈતર વસાવા અને મનસુખ વસાવા ભરૂચની લોકસભા ચૂંટણીમાં સામસામે હતા, મતદાન પૂર્ણ થઈ ગયું છે અને ચાર જૂને પરિણામ જાહેર થશે.
આ વખતે બંને નેતાઓ અને તેમના સમર્થકોએ એકબીજા પર ગંભીર આરોપ મૂક્યા હતા. ચૈતર વસાવાએ મોડી રાત્રે પોલીસ સમક્ષ અરજી કરી હતી.
ચૈતર વસાવા સાંસદ સામે રાજકીય કિન્નાખોરીનો આરોપ લગાવી રહ્યા છે, તો બીજી બાજુ સાંસદ મનસુખ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય પર અધિકારીઓને ધમકાવવાનો આક્ષેપ કરી રહ્યા છે.
સમગ્ર મામલો શું છે?

ઇમેજ સ્રોત, Facebook@ Mansukh Vasasva
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના વિસ્તારનાં કામોની રજૂઆત કરવા માટે શુક્રવારે ડેડિયાપાડા તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ) કચેરીએ ગયા હતા. તેઓ ત્યાં પહોંચ્યા બાદ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટસ પર કાર્યકર્તાઓના નામે મૅસેજ કર્યો હતો અને કાર્યકર્તાઓને ટીડીઓ ઑફિસ પર ભેગા થવા માટે જણાવ્યું હતું.
મૅસેજમાં તેમણે લખ્યું હતું કે, 'ડેડિયાપાડામાં તાલુકા પંચાયતની કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી સાથે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ધાકધમકી અપાય છે. બંધ ઑફિસમાં સ્ટાફના બીજા લોકોને બહાર કાઢી મૂકી અધિકારી સાથે ગેરવર્તન થતાં ઑફિસના કર્મીઓમાં ડરનો માહોલ ફેલાયો છે જે બાબતની જાણ થતાં હું ડેડિયાપાડા પહોંચી રહ્યો છું. બીજા તાલુકા પંચાયતના સભ્યો પણ કચેરીએ પહોંચે. કોઈ પણ કર્મચારીને ગભરાવવાની જરૂર નથી. સરકાર તમારી સાથે છે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મૅસેજ વાઇરલ થતા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ટીડીઓ કચેરીઓ ભેગા થયા હતા. મનસુખ વસાવા પહોંચતા પોલીસનો કાફલો પણ કચેરીએ પહોંચી ગયો હતો. ભરૂચના સાંસદના મૅસેજ વિશે જાણ થતા ચૈતર વસાવા પણ ટીડીઓ કચેરીએ પહોચ્યા હતા અને બંને નેતાઓ જાહેરમાં બાખડી પડ્યા હતા.
ચૈતર વસાવાએ સોશિયલ મીડિયા પોસ્ટ વિશે ખુલાસો કરવા માટે કહેતા મનુસખ વસાવા ગુસ્સે થઈ ગયા હતા અને બંને વચ્ચે સાતથી આઠ મિનિટ સુધી જાહેરમાં બોલાચાલી થઈ હતી.
ચૈતર વસાવાએ સાંસદ પર ‘ખૌફનો માહોલ’ ઊભો કરવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે મનસુખ વસાવાને પુરાવા રજૂ કરવા માટે કહેતા બોલાચાલી ઉગ્ર બની ગઈ હતી.
ચૈતર વસાવા અને મનસુખ વસાવાએ શું આક્ષેપો કર્યા?

ઇમેજ સ્રોત, SAJID PATEL
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ચૈતર વસાવાએ મૅસેજ વિશે પૂછતાં સાંસદે કહ્યું કે, "તમે ટીડીઓને ધમકાવ્યા એ મને ખબર પડી એટલે હું દોડી આવ્યો છું અને માહિતી મેળવી રહ્યો છું. આ મારો લોકસભા મતવિસ્તાર છે અને એટલે મને માહિતી મળતા હું આવ્યો છું. ટીડીઓ આવશે ત્યારે એમને મળીને હું બધું પૂછીશ. મારો અધિકારી છે એટલે મારી ફરજ છે અહીં આવવાની."
ખુલાસા કરવા બાબતે કહેવામાં આવતા તેમણે કહ્યું કે, "તમને ખુલાસો કરવાની મને કોઈ જરૂર નથી. સોશિયલ મીડિયામાં મૅસેજ મેં જ કર્યો છે."
તો સામે તરફે મનસુખ વસાવાએ ચૈતર પર 'ટોળું ભેગું કરીને હુમલા કરવાનો' આરોપ મૂક્યો હતો અને ડેડિયાપાડામાં 'ખૌફ જમાવવા'નો આક્ષેપ કર્યો હતો. તેમણે ચૈતર પર અધિકારીઓને ધમકાવવાનો આરોપ મૂક્યો હતો.
બોલાચાલીમાં ચૈતર વસાવાએ મનુસખ વસાવા પર 'બુટલેગરો સાથે ફરતા' હોવાનું કહેતા મામલો વણસી ગયો હતો અને બંને પક્ષના કાર્યકર્તાઓએ એકબીજા પર વિવિધ આક્ષેપ કર્યા હતા. જોકે પોલીસ મધ્યસ્થી કરતા આખરે મામલો થાળે પડ્યો હતો.
બાદમાં મોડી રાત્રે ચૈતર વસાવા નર્મદા જિલ્લા ડીવાયએસપી લોકેશ યાદવને મળીને લેખિતમાં રજૂઆત કરી હતી.
તેમણે રજૂઆત કરતા કહ્યું કે, "ટીડીઓએ જણાવ્યું છે કે મેં કોઈને ધમકાવ્યા નથી છતાં ભરૂચના સાંસદ અહીંનો માહોલ બગાડવા માગે છે અને પોતાના પદનો દુરુપયોગ કરવા માગે છે. અમારી માગ છે કે બધાની સામે પગલાં લેવામાં આવે."
ચૈતર વસાવાનું શું કહેવું છે?
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચના સાંસદ મનસુખ વસાવા પર વિવિધ આક્ષેપ કર્યા હતા.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેઓ કહે છે કે, "લોકોનાં કામ માટેની રજૂઆત કરવા હું તાલુકા વિકાસ અધિકારીને મળવા માટે ગયો હતો, પરંતુ સાંસદે મારા પર અધિકારીને ધમકાવવાનો આક્ષેપ કર્યો. ડેડિયાપાડામાં સાંસદ દરેક બાબતમાં ચંચુપાત કરતા હોય છે, પછી ભલે તે વિકાસનાં કામોની વાત કેમ ન હોય."
તેમણે મનસુખ વસાવા પર આરોપ મૂક્યો કે "તેઓ અધિકારીઓને ધમકાવે છે. રાજપીપળાથી આવીને અહીં લોકોને ઉશ્કેરે છે અને વહીવટીતંત્રનો દુરુપયોગ કરે છે. ડેડિયાપાડાના ઘણા એવા પ્રશ્નો છે જેનો હજી સુધી ઉકેલ આવ્યો નથી અને સાંસદ એ દિશા તરફ કામ પણ કરતા નથી."
મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર શું આરોપ મૂક્યો?
બીબીસીએ મનસુખ વસાવાનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પણ તેમનો પક્ષ જાણી શકાયો નહોતો.
જોકે મીડિયા સાથેની વાતચીતમાં સાંસદ મનસુખ વસાવાએ ડેડિયાપાડાના ધારાસભ્ય પર અધિકારીઓને ધમકાવાનો આરોપ મૂક્યો હતો.
તેમણે કહ્યું કે, "તાલુકા વિકાસ અધિકારીની ઑફિસમાં ઘૂસી ગયા. ટીડીઓને ડરાવવો અને ધમકાવવો એ યોગ્ય ન કહેવાય. ધારાસભ્યને આ શોભતું નથી. આજે એક અધિકારીને ધમકાવે અને કાલે બીજાને ધમકાવે એવી રીતે જો ચાલતું રહેશે તો તાલુકામાં વહીવટ કઈ રીતે ચાલશે? તેઓ બધાને ડરાવીને અને ધમકાવીને પોતાના શરણે કરવા માગે છે અને પોતાની મનમાની કરવા માગે છે."
"વહીવટમાં ભૂલ થઈ શકે છે પરંતુ યોગ્ય જગ્યાએ તેની રજૂઆત થવી જોઈએ. ડરાવવો અને ધમકાવવો યોગ્ય નથી. ટીડીઓ ગભરાઈ ગયા છે અને ક્યાંક નીકળી ગયા છે. મને ખબર પડી એટલે હું તરત આવ્યો છું. હું આ બાબતે રજૂઆત કરીશ. આ આખા તાલુકાનો પ્રશ્ન છે."
તેમણે વધુમાં કહે છે કે બપોરે 1230 વાગ્યે ધારાસભ્ય ચૈતર વસાવા ટીડીઓને મળવા ગયા હતા, જે બાદ ટીડીઓ ગભરાઈ ગયા હતા અને ગાયબ થઈ ગયા હતા. મારા એક કાર્યકર ટીડીઓ કચેરીમાં ગયા તો તેમને આ વિશે મને માહિતી આપી હતી.
"મને કેટલાક અધિકારીઓએ ફરિયાદ કરી કે આ રીતે કામ કેવી રીતે કરી શકીએ. હું તાલુકા વિકાસ અધિકારી કચેરીએ ગયો ત્યારે ચૈતર વસાવા 150થી વધુ માણસો લઈને આવી પહોચ્યા હતા."
તેમણે આરોપ લગાવ્યો કે "કેટલાક લોકો 'નશો કરેલી હાલતમાં' હતા અને ધારાસભ્યને ન શોભે તેવું વર્તન કર્યું હતું. ચૈતર વસાવા ગુંડા પ્રકારના લોકોને પોતાની સાથે રાખે છે અને લોકોને ડરાવે–ધમકાવે છે. જૂના ઑડિયો વાઇરલ થયો હતો જેના અનુસંધાને ચૈતર વસાવા તાલુકા વિકાસ અધિકારીને ધમકાવવા ગયા હતા."
આદિવાસી વિસ્તારમાં બંને નેતા વચ્ચે વર્ચસ્વની લડાઈ?

ઇમેજ સ્રોત, SAJID PATEL
ભરૂચ લોકસભા બેઠકમાં ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા વચ્ચે શાબ્દિક લડાઈ શરૂ થઈ હતી, જે સમય જતાં વધુ તીવ્ર બની હતી.
મનસુખ વસાવા અને ચૈતર વસાવા બંને સંબંધી છે, તેમ છતાં બંને નેતાઓ અગાઉ પણ એકબીજા પણ અનેક આક્ષેપ કરી ચૂક્યા છે અને લોકસભાની ચૂંટણી વખતે પણ આમ થયું હતું.
બીબીસી સહયોગી સાજિદ પટેલ કહે છે કે, "આ આદિવાસી વિસ્તારમાં વર્ચસ્વની લડાઈ છે. 2022 સુધી ભરૂચ લોકસભા મતવિસ્તારમાં મનસુખ વસાવા સામે ઊભો થઈ શકે એવો કોઈ ચહેરો નહોતો. ચૈતર વસાવા એક આદિવાસી નેતા તરીકે ઊભરી આવ્યા. તેમણે વિધાનસભાની ચૂંટણી લડી અને ધારાસભ્ય બન્યા. હવે લોકસભાની ચૂંટણી લડી છે."
"બે વર્ષની અંદર ચૈતર વસાવાએ આદિવાસી વિસ્તારોમાં સારી એવી લોકપ્રિયતા મેળવી છે. આદિવાસી યુવાઓમાં ચૈતર વસાવા લોકપ્રિય છે અને આદિવાસી મતદારો પણ સારા એવા પ્રમાણમાં છે. ચૈતર વસાવા આદિવાસી નેતા તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યા છે જે પણ એક મોટું કારણ છે."
રાજકીય વિશ્લેષક નરેશ વરિયા પણ આ વાત સ્વીકારે છે. બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે કે, "ચૈતર વસાવાએ પોતાની એક લડાયક નેતા તરીકેની છાપ આદિવાસી વિસ્તારમાં ઊભી કરી છે. તેઓ લોકોના મુદ્દાઓ આક્રમક રીતે ઉઠાવે છે જેના કારણે તેમની લોકપ્રિયતા વધી રહી છે. સ્વાભાવિક છે કે મનસુખ વસાવાને લાગે છે કે ચૈતર આવનારા સમયમાં વધુ મજબૂત બની જશે અને એટલા માટે તેઓ તેમને પડકાર આપી રહ્યા છે."
"હાલમાં ચૈતર વસાવા સામે કોઈ એવો પડકાર નથી. તેઓ યુવાન છે અને રાજકરણમાં ઘણું મેળવવાનું બાકી છે. ચૂંટણી હારી ગયા બાદ પણ ચૈતર એક આદિવાસી નેતા તરીકે વધુ મજબૂત બનશે. પોલીસ કેસ થયા બાદ પણ તેમની લોકચાહના વધી છે જે ભાજપ અને ખાસ કરીને મનસુખ વસાવા માટે એક સંકેત છે."
મનસુખ વસાવા આદિવાસી વિસ્તારમાં ભાજપના દિગ્ગજ નેતા છે અને અત્યાર સુધીમાં તેઓ ભરૂચ બેઠક પરથી સાત વાર ચૂંટણી લડી ચૂક્યા છે અને છ વાર સાંસદ રહી ચૂક્યા છે.












