ચૂંટણીપંચને જાણીતા લોકોનો પત્ર, ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા વધારવા પગલાં ભરવાની અપીલ

ચૂંટણી

ઇમેજ સ્રોત, ANI

લોકસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં થયેલા મતદાનના આંકડાઓમાં 'મોટી અનિશ્ચિતત' જોતાં સિવિલ સોસાયટીના કેટલાક જાણીતા લોકોએ ચૂંટણીપંચને અપીલ કરી છે કે તે મતદાન ટકાવારીના આંકડાની પુષ્ટિ માટે ફૉર્મ 17સીના પાર્ટ-વનના આંકડા તેની વેબસાઇટ પર જાહેર કરે.

આ પત્રમાં સહી કરનાર લોકોમાં ટ્રાન્સપરન્સી ઍક્ટિવિસ્ટ અંજિલ ભારદ્વાજ, વકીલ અને ઍક્ટિવિસ્ટ પ્રશાંત ભૂષણ, વૃંદા કરાત, પૂર્વ કેન્દ્રીય માહિતી કમિશનર શૈલેશ ગાંધી, સ્વરાજ અભિયાનના યોગેન્દ્ર યાદવ અને પૂર્વ બ્યૂરોક્રેટ્સ એમ. જી. દેવાસહાયમ, સુંદર બુર્રા, દેવ મુખરજી, અશોક શર્મા, અદિતિ મહેતા, અર્થશાસ્ત્રી જયતી ઘોષ, અનહદનાં શબનમ હાશમી સામેલ છે.

મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોના નામે લખાયેલા આ પત્રમાં 'કન્ડક્ટ ઑફ ઇલેક્શન્સ રૂલ્સ'ના નિયમ સંખ્યા 49એસનો હવાલો આપીને કહેવાયું કે પ્રિસાઇડિંગ ઑફિસરને મતદાન પૂરું થવા પર ફૉર્મ 17સીના પાર્ટ-વનમાં બૂથ પર પડેલા કુલ મતનો હિસાબ કરવાનો હોય છે અને તેની એક પ્રમાણિત નકલ દરેક પોલિંગ ઍજન્ટને આપવાની હોય છે.

ચૂંટણીના પહેલા તબક્કા માટે ચૂંટણીપંચે મતદાનના દિવસે એટલે કે 19 એપ્રિલે એક પ્રેસ નોટ જાહેર કરી હતી. જેમાં કહેવાયું હતું કે સાંજે સાત વાગ્યા સુધી અનુમાનિત વોટર ટર્નઆઉટ 60 ટકાથી ઉપર રહ્યું છે. 11 દિવસ બાદ 30 એપ્રિલે ચૂંટણીપંચે મતદાનની ટકાવારીના જે આંકડા જાહેર કર્યા, તેમાં 66.14 ટકા મતદાન થયું હોવાનું કહેવાયું હતું. આ આંકડો છ ટકાથી વધારે હતો.

આવી જ રીતે બીજા તબક્કા માટે ચૂંટણીપંચે મતદાનના દિવસે એટલે કે 26 એપ્રિલે જે આંકડા રજૂ કર્યા, તેમાં સાંજે સાત વાગ્યા સુધીનું મતદાન 60.96 ટકા કહ્યું હતું, પરંતુ 30 એપ્રિલે જાહેર કરેલી પ્રેસ નોટમાં તેને સંશોધિત કરીને મતદાનની ટકાવારીના આંકડા વધારીને 66.71 ટકા કરી દીધા હતા.

પત્રમાં શું મુદ્દા ઉઠાવાયા છે?

ચૂંટણી

ઇમેજ સ્રોત, IDREES MOHAMMED/AFP VIA GETTY IMAGES

પત્ર અનુસાર, 30 એપ્રિલ, 2024એ જાહેર કરેલી ચૂંટણીપંચની પ્રેસ નોટમાં વોટર ટર્નઆઉટના આંકડા આપવામાં કરેલું અસામાન્ય મોડું અને મતદાનની ટકાવારીના આંકડામાં અસાધારણ રીતે કરેલા મોટા ફેરફાર(લગભગ છ ટકા)નું કોઈ સ્પષ્ટીકરણ આપ્યું નહોતું. આ વોટર ટર્નઆઉટના આંકડાઓને લઈને લોકોમાં ચિંતા અને સંદેહ પેદા થાય છે.

પત્રમાં માગ કરાઈ છે કે "આપણું લોકતંત્ર મજબૂતીથી ચાલતું રહે એ સુનિશ્ચિત કરવા માટે ચૂંટણીપ્રક્રિયામાં લોકોનો વિશ્વાસ તેનો પાયો છે. આથી અમે ભારતના ચૂંટણીપંચને એ અપીલ કરીએ છીએ કે તે ચૂંટણીપંચની વેબસાઇટ પર પ્રથમ ત્રણ તબક્કામાં થયેલા મતદાનનાં બધાં મતદાનકેન્દ્રોના ફૉર્મ 17સીના પાર્ટ-વનની વાંચી શકાય તેવી કૉપી સ્કેન કરીને અપલૉડ કરે."

બાકીના તબક્કા માટે પત્રમાં કહેવાયું કે "આ માહિતી મતદાન પૂરું થવાના 48 કલાકમાં ચૂંટણીપંચની વેબસાઇટ પર સાર્વજનિક કરવી જોઈએ. ફૉર્મ 17સીના પાર્ટ-વનની સ્કેન્ડ કૉપી અપલૉડ કરવાની સાથે વિધાનસભા વિસ્તાર અને મતદાનકેન્દ્રના હિસાબે વોટર ટર્નઆઉટના કુલ આંકડા પણ ચૂંટણીપંચની વેબસાઇટ પર જાહેર કરવા જોઈએ."

સિવિલ સોસાયટીના આ સમૂહે પોતાના પત્રમાં લખ્યું, "અમે આશા રાખીએ છીએ કે ચૂંટણીપંચ આ મહત્ત્વના મુદ્દાને ધ્યાને લેશે અને જલદી જરૂરી પગલાં ભરે, જેથી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને મતદારોનો ભરોસો વધારી શકાય."

સુપ્રીમ કોર્ટમાં અરજી

ચૂંટણી

ઇમેજ સ્રોત, ANI

સિવિલ સોસાયટીના આ લોકોએ જે મુદ્દા પોતાના પત્રમાં ઉઠાવ્યા છે, એ જ માગ સાથે એક બિનસરકારી સંગઠને સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી છે.

'ઍસોસિયેશન ફૉર ડેમોક્રૅટિક રિફૉર્મ્સે' પોતાની અરજીમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટ ચૂંટણીપંચને વર્તમાન લોકસભા ચૂંટણીના દરેક તબક્કાનું મતદાન પૂરું થયા બાદ 48 કલાકમાં પ્રત્યેક મતદાનકેન્દ્ર પર નખાયેલા મતોના આંકડા પોતાની વેબસાઇટ પર જાહેર કરવાનો નિર્દેશ કરે.

એડીઆરે વર્ષ 2019માં દાખલ કરેલી એક જાહેરહિત અરજીમાં એક વગચાળાનું આવેદન દાખલ કરીને કહ્યું કે ચૂંટણીપંચને દરેક પોલિંગ બૂથ પર મતદાન પૂરું થયા બાદ ફૉર્મ 17સીના પાર્ટ-વનની વાંચી શકાય તેવી સ્કેન્ડ કૉપી વેબસાઇટ પર અપલૉડ કરવાનો નિર્દેશ આપવામાં આવે.

પોતાની અરજીમાં એડીઆરે કહ્યું કે તેમની અરજી એ સુનિશ્ચિત કરવા માટે દાખલ કરાઈ છે કે ચૂંટણી અનિયમિતતાઓથી લોકતાંત્રિક પ્રક્રિયાને નુકસાન ન પહોંચે.

"આ આશંકાઓનું નિવારણ કરવું જોઈએ, જેથી તેના પર પૂર્ણવિરામ લગાવી શકાય."

વિપક્ષની પ્રતિક્રિયા

ચૂંટણી

ઇમેજ સ્રોત, ANI

મતદાનના આંકડા જાહેર કરવામાં મોડું થવા પર વિપક્ષે આશંકા વ્યક્ત કરી છે.

વિપક્ષનો તર્ક છે કે આવું અગાઉ ક્યારેય નથી થયું. અનેક વિપક્ષી નેતાઓને લાગે છે કે ચૂંટણીપંચનું પગલું શંકા ઉપજાવે છે.

કૉંગ્રેસે કહ્યું કે લોકસભા ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કાના મતદાનના અંતિમ આંકડાની માહિતી આપવામાં થતું મોડું 'અસ્વીકાર્ય' છે અને આવું ક્યારેય થયું નથી.

કૉંગ્રેસ નેતા જયરામ રમેશે બુધવારે એક પત્રકારપરિષદમાં કહ્યું કે હવે જ્યારે આંકડા જાહેર જ કરી દીધા છે, પણ તેમને આશા છે કે ચૂંટણીના બાકી તબક્કામાં આવું નહીં થાય.

જાણકારો અનુસાર, મતદાનના દિવસે સાંજ સુધી ચૂંટણીપંચ એક મોટો આંકડો જાહેર કરે છે, તેમાં વધુ માહિતી આવ્યા બાદ તેમાં સુધારો કરાય છે અને પછી કેટલાક કલાકોમાં મતદાનનો અંતિમ આંકડો જાહેર કરાય છે.

વિપક્ષ સીપીએમ નેતા સીતારામ યેચુરીએ પણ કહ્યું કે આ બહુ પરેશાન કરનારું છે. તેમાં પરિણામમાં ગરબડનો ગંભીર શક પેદા થાય છે.

પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ પણ ચૂંટણીપંચની મંશા પર સવાલ ઉઠાવીને ચૂંટણીપંચને પૂછ્યું કે અંતિમ આંકડા આવવામાં આટલું મોડું કેમ થયું?

પૂર્વ ચૂંટણી કમિશનરે શું કહ્યું?

પૂર્વ ચૂંટણી કમિશનર એન ગોપાલાસ્વામી

ઇમેજ સ્રોત, PRAKASH SINGH/AFP VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, પૂર્વ ચૂંટણી કમિશનર એન. ગોપાલાસ્વામી

પૂર્વ ચૂંટણી કમિશનર એન ગોપાલાસ્વામી માને છે કે ચૂંટણીપંચ તરફથી અંતિમ આંકડામાં થતું મોડું ખોટી બાબત છે.

તેઓ કહે છે, "દસ દિવસના મોડા થવાનો સવાલ ક્યાં પેદા થાય છે? તમે શું વાત કરો છો? હું મતદાનના કુલ આંકડાની વાત કરી રહ્યો છું."

તેઓ કહે છે કે આ વખતે એક નવી ઍપ પર મતદાનમથકથી આવતી દરેક કલાકની માહિતી અપાઈ અને પ્રિસાઇડિંગ અધિકારીએ એ ઍપ પર માહિતી આપવાની હતી, અને બની શકે કે કેટલાક અંશે માહિતી ન આવી શકી હોય.

ગોપાલાસ્વામી કહે છે કે પુષ્ટ ચૂંટણી સંખ્યા ત્યારે ઉપલબ્ધ થાય છે, જ્યારે મતદાનના અંતમાં ફૉર્મ 17સીને જમા કરવામાં આવે છે. આ ફૉર્મ પર નાખેલા મતની કુલ સંખ્યા હોય છે.

જો આ વર્ષે જાહેર કરાયેલા આંકડાની સરખામણી વર્ષ 2019માં ચૂંટણીપંચે જાહેર કરેલા આંકડા સાથે કરવામાં આવે તો એ વર્ષે પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલે થયું હતું અને 13 એપ્રિલે ચૂંટણી અંગે કેટલાય પ્રકારના આંકડા જાહેર કરાયા હતા. એમાં કરાયેલા મતદાનની સંખ્યામાં પણ સામેલ છે.

પૂર્વ ચૂંટણી કમિશનર વી.એસ. સંપત

ઇમેજ સ્રોત, RAJ K RAJ/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, પૂર્વ ચૂંટણી કમિશનર વી.એસ. સંપતનો ફાઇલ ફોટો

જોકે, ચૂંટણીપંચના એક અધિકારીએ જણાવ્યું, "જેટલી મને ખબર છે, એ પ્રમાણે હંમેશાં વૉટર ટર્નઆઉટ ટકામાં જ આવે છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં તમે આ સવાલ ના પૂછ્યો?"

બીજી તરફ પૂર્વ ચૂંટણી કમિશનર વી.એસ. સંપતને નથી લાગતું કે ચૂંટણીપંચ કોઈ ગોટાળો કરી શકે અને તેમના મતે આ ટીકા 'અવાસ્તવિક' છે.

તેઓ કહે છે, "સામાન્ય રીતે મોટા ભાગની જાણકારી મતદાનના દિવસે જ મળી જતી હોય છે. દૂરના વિસ્તારોમાંથી જાણકારી થોડી મોડી આવી શકે. "

"જોકે,સામાન્ય રીતે મતદાનના 24 કલાકની અંદર જ તમામ જાણકારી મળી જતી હોય છે. જો જાણકારી મળવામાં આનાથી વધારે સમય લાગે તો એ એમની અક્ષમતા દર્શાવે છે. પણ, મને નથી લાગતું કે તેઓ કોઈ ખોટું કરી શકે."

મતની સંખ્યાના બદલે ટકાવારીમાં જાણકારી મળવા અંગે વી.એસ. સંપત જણાવે છે કે જેને આ જાણકારી જોઈતી હોય તે ચૂંટણીપંચ પાસેથી માગી શકે છે. સંપતના જણાવ્યા અનુસાર આ બધુ ચૂંટણીપંચમાં થોડો 'અવિશ્વાસ' દર્શાવે છે.

બીબીસી
બીબીસી