યુપી: મત આપવા આવેલા અનેક મુસ્લિમોને પોલીસે માર માર્યાનો આરોપ, પ્રશાસન શું કહે છે?

લોકસભાની ચૂંટણી

ઇમેજ સ્રોત, TARIQUE AZIM

    • લેેખક, તારીક અઝીમ
    • પદ, બીબીસી હિંદી માટે, સંભલથી

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન સંભલમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ઝિયાઉર્રહમાન બર્કે આરોપ લગાવ્યો છે કે પોલીસે એ વિસ્તારમાં વીણીવીણીને સખ્તાઈ દાખવી છે, જ્યાં તેમના સમર્થનમાં મતદાન થતું હતું.

જોકે સંભલ પ્રશાસને આ આરોપોનો ઇનકાર કર્યો છે.

સંભલમાં મંગળવારે મતદાન સમયે શું થયું એ જાણવા બીબીસીએ કેટલાક સ્થાનિક લોકો સાથે વાત કરી હતી.

શહેરથી લગભગ 20 કિલોમીટર દૂર અસમૌલી વિસ્તારના શહબાઝપૂર ગામમાં મેડિકલ સ્ટોર ચલાવતા શાદાબે જણાવ્યું કે "મલમપટ્ટીઓ અને દુખાવાની દવાઓ ખતમ થઈ ગઈ છે. પોલીસે મતદાન કરતા લોકોએ પર લાઠીચાર્જ કર્યો, બાદમાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા. તેઓ અમારા સ્ટોરમાં રહેલી બધી દવાઓ ખરીદીને લઈ ગયા."

નજીકના ઓવરી ગામની સ્થિતિ પણ આવી જ હતી. ઓવરી મુસ્લિમ આબાદીવાળું ગામ છે. મંગળવારે મતદાન શરૂ થતાંની સાથે જ મતદાનમથકો પર લાઇન લાગી હતી.

મુસ્લિમ મતદારોએ અહીં પણ આરોપ લગાવ્યો છે કે પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો હતો.

ઓવરી ગામની પ્રાથમિક શાળાનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં મતદારોની ભીડ મતદાનમથકમાંથી બહાર ભાગી રહી છે તેવું દેખાઈ રહ્યું છે. તેની પાછળ પોલીસ પણ જોવા મળે છે.

આ પ્રકારના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે.

ત્રીજા તબક્કામાં મતદાન દરમિયાન પશ્ચિમ ઉત્તરપ્રદેશના સંભલના કેટલાક મુસ્લિમ પ્રભુત્વવાળા વિસ્તારોમાંથી રિપોર્ટ આવ્યા કે પોલીસે કેટલાય મતદારો સાથે મારપીટ કરી હતી.

અનેક મુસ્લિમ પ્રભુત્વવાળા વિસ્તારના મતદારોએ આરોપ લગાવ્યો કે પોલીસે તેમને મતદાનમથક પરથી મારપીટ કરીને ખદેડ્યા હતા.

ઇન્ડિયા ગઠબંધનથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ઝિયાઉર્રહમાન બર્કે પણ વહીવટીતંત્ર પર આરોપ લગાવ્યો છે કે કારણ વગર મુસ્લિમ મતદારો સામે કડક કાર્યવાહી કરાઈ હતી.

જોકે, સંભલ પોલીસતંત્રે આ આરોપોને નકાર્યા હતા.

સંભલના પોલીસ અધિકારી કુલદીપસિંહ ગુણાવતે બીબીસીને જણાવ્યું, “મતદાન શાંતિપૂર્વક રહ્યું હતું, કોઈને પણ મતદાન કરવાથી રોકવામાં આવ્યા નથી.”

ઉત્તરપ્રદેશના સંભલમાં મંગળવારે શું થયું હતું?

સંભલ મતદાન

ઇમેજ સ્રોત, X@SAMBHALPOLICE

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીબીસીએ તે ગામોની મુલાકાત લીધી જ્યાં મતદારો સાથે મારપીટ અને મતદાનમથકથી ભગાડવાના આરોપ સાથે વીડિયો વાઇરલ થયા હતા.

અહીં રહેતા લોકોનો આરોપ છે કે પોલીસદળ અચાનક આવ્યું અને કોઈ પણ પૂછપરછ વગર લાઠીચાર્જ કર્યો હતો. જે લોકો મતદાનમથક પર મત આપી રહ્યા હતા તેમને મારીને બહાર કાઢી મૂક્યા હતા.

જોકે પોલીસતંત્રે આ આરોપોને નકાર્યા છે.

સંભલના પોલીસ અધિકારી કુલદીપસિંહ ગુણાવતે બીબીસીને કહ્યું, “શાળાની અંદર કેટલાક લોકો હતા જેમને બહાર કાઢવામાં આવ્યા હતા, કારણ કે ત્યાં નાસભાગ મચી ગઈ હતી. લોકોએ સ્થિતિ સામાન્ય થયા બાદ ફરીથી મતદાન કર્યું હતું. કોઈ પણને મતદાન કરવાથી રોકવામાં આવ્યા નથી.”

જોકે, અમે જે ગામોની મુલાકાત લીધી ત્યાં કેટલાક લોકોનાં શરીર પર ઈજાનાં નિશાન દેખાતાં હતાં.

ઓવરી ગામનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એક વૃદ્ધ વ્યક્તિ રસ્તા પર પડેલી દેખાય છે અને પાછળ કેટલાક પોલીસવાળા ઊભા છે.

આ વૃદ્ધ 80 વર્ષીય રઈસ અહમદ છે.

રઈસ ઘરેથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા નીકળ્યા હતા. જોકે, તેમણે કહ્યું કે પોલીસની મારપીટને કારણે તેમને ઘણી ઈજા થઈ અને લોકો તેમને ઉપાડીને ઘરે લાવ્યા હતા.

રઈસ અહમદની સાથે તેમના દીકરા મહંમદ આલમ પણ મત આપવા ગયા હતા. તેમણે આરોપ લગાવ્યો કે પોલીસે તેમની સાથે પણ મારપીટ કરી.

મહંમદ આલમ પીએસીમાં સિપાઈ છે અને રજા પર ગામમાં આવ્યા હતા.

મહંમદ આલમે કહ્યું, “પોલીસે અચાનક મારપીટ શરૂ કરી હતી. હું અરજ કરતો રહ્યો કે હું પણ પોલીસદળમાં જ છું પરંતુ કોઈએ મારી વાત ન સાંભળી. મને પણ જબરદસ્તી ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશને લઈ ગયા. મારી માતા અને બહેન મને બચાવવા આવ્યાં તો તેમને પણ મારી સામે માર માર્યો.”

આલમે કહ્યું, “મારા પિતા બેભાન પડ્યા હતા. પોલીસ મને જબરદસ્તી લઈ જઈ રહી હતી. મારી માતા અને બહેનની સાથે મારપીટ કરવામાં આવી અને જ્યારે મારો ભાઈ મોહમ્મદ મુસ્તકીમ બચાવવા આવ્યો તો તેને પણ ખરાબ રીતે મારવામાં આવ્યો હતો.”

આલમે આરોપ લગાવ્યો છે કે પોલીસ મુસ્તકીમને ગાડીમાં તેમની સાથે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ત્યાર બાદ તેનું (મુસ્તકીમ) નિવેદન નોંધીને સાંજે છોડી મૂક્યો હતો.

આરોપ છે કે મુસ્તકીમ સાથે પોલીસ સ્ટેશનમાં પણ મારપીટ કરવામાં આવી હતી. જોકે, પોલીસે આ બધા જ આરોપોને નકાર્યા છે.

મીડિયાને જાહેર કરેલા એક નિવેદનમાં પોલીસે કહ્યું, “મતદાન દરમિયાન શાંતિભંગ કરનાર 50 લોકોની અલગ-અલગ જગ્યા પરથી અટકાયત કરવામાં આવી હતી.”

રઈસ અહમદ અને તેમના પરિવારનો આરોપ છે કે પોલીસે તેમને મારતી વખતે કહ્યું, “અહીં સાઇકલ નહીં ચાલવા દઈએ.”

સમાજવાદી પાર્ટીનું ચૂંટણીચિહ્ન સાઇકલ છે.

વહીવટીતંત્રે આરોપોને નકાર્યા

રઇસ અહમદ

ઇમેજ સ્રોત, TARIQUE AZIM

બીબીસીએ સંભલના ચૂંટણી અધિકારી અને જિલ્લા અધિકારી મનીષ બંસલ પાસેથી આ આરોપો વિશે તેમનો પક્ષ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, બીબીસીને કોઈ જવાબ મળ્યો નથી.

આ પહેલાં જિલ્લા અધિકારીએ બીબીસીને કહ્યું હતું કે જિલ્લામાં શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે.

મોડી સાંજે પોલીસ સ્ટેશનથી પાછા ફરેલા રઈસના પુત્ર મુસ્તકીમે કહ્યું, “પોલીસે મને નિવેદન આપવા માટે મજબૂર કર્યો હતો કે હું મતદાનમથક પર ગુંડાગીરી કરી રહ્યો હતો. જોકે, હકીકત એ છે કે હું મતદાન કરવા માટે લાઇનમાં ઊભો હતો.”

આ ઘટનાક્રમ છતાં રઈસના પરિવારના મોટા ભાગના લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જોકે, તેમનાં પત્ની કુલસુમ ઈજાગ્રસ્ત હોવાને કારણે મત આપી શક્યાં નહોતાં.

શહબાઝપુર ગામના લોકોની પણ આવી જ કહાણી છે. શહબાઝપુરમાં મોડી સાંજે પણ ઘરોમાંથી ચાંદીને પીટવાનો અવાજ આવી રહ્યો હતો. આ મુસ્લિમ બહુમતી ધરાવતા ગામમાં મોટા ભાગના લોકો ચાંદી પીટીને પોતાનું જીવન ચલાવે છે.

લોકો અહીં પણ દાવો કરે છે મતદાન કરતી વેળાએ પોલીસે તેમની સાથે મારપીટ કરી હતી. લીવરની બીમારીના દર્દી મોહમ્મદ અનીસ પલંગ પર સૂતા છે.

અનીસે કહ્યું, “હું મત આપવા માટે લાઇનમાં ઊભો હતો. પોલીસે અચાનક આવીને મારપીટ શરૂ કરી દીધી હતી.”

અનીસનાં પત્ની શબનમ

ઇમેજ સ્રોત, TARIQUE AZIM

ઇમેજ કૅપ્શન, અનીસનાં પત્ની શબનમ

અનીસની સંભાળ રાખતા તેમનાં પત્ની શબનમે કહ્યું, “મારા પતિ બીમાર રહે છે. મુરાદાબાદની હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહે છે. મત આપવા ગયા હતા, ઈજાગ્રસ્ત થઈને આવ્યા છે.”

અનીસના ઘરની બહાર નીકળતાંની સાથે જ કેટલાક છોકરાઓએ કહ્યું કે આવો તમને પોલીસની મારપીટનાં નિશાન દેખાડીએ.

લાલ ટ્રાઉઝર પહેરેલા શાને આલમે પોતાની કમર અને હાથ પર આવેલા સોજા દેખાડ્યા.

તેમણે કહ્યું, “અમારો ગુનો માત્ર એટલો જ હતો કે અમે અમારી મરજી મુજબ મત આપી રહ્યા હતા.”

શાને આલમ નામના જ બીજા એક યુવકે પોતાને થયેલી ઈજા દેખાડી અને કહ્યું કે અમે લોકતંત્રનો એક અલગ જ રંગ જોઈ લીધો.

આ દરમિયાન સંભલનાં અધિક પોલીસ અધીક્ષક અનુકૃતિનો મતદાનમથક પરનો એક વીડિયો શૅર થઈ રહ્યો છે, જેમાં તેઓ પોલીસને સમજાવી રહ્યાં છે કે મતદારોનું આધાર કાર્ડ તપાસવાનું કામ તેમનું નથી પરંતુ મતદાન કરાવવા આવેલી ટીમનું છે.

આ વીડિયોમાં અનુકૃતિ એમ કહેતાં જોવાં મળે છે કે પોલીસના કારણે કોઈ મતદારને મુશ્કેલીનો સામનો કરવો ન પડે.

રાજકીય પક્ષોએ આ ઘટના વિશે શું કહ્યું?

લોકસભાની ચૂંટણી

ઇમેજ સ્રોત, TARIQUE AZIM

સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ઝિયાઉર્રહમાન બર્કે આરોપ લગાવ્યો કે પોલીસે તે વિસ્તારોમાં કડક કાર્યવાહી કરી છે જ્યાં મારા સમર્થનમાં મતદાન થઈ રહ્યું હતું.

બીબીસી સાથેની વાતચીતમાં બર્કે કહ્યું, “સંભલ પોલીસે બંધારણ અને લોકતંત્રને અપમાન કરીને આખા દેશમાં સંભલનું નામ ખરાબ કર્યું છે. મારા પક્ષમાં જ્યાં-જ્યાં મતદાન થઈ રહ્યું હતું પોલીસે ત્યાં જઈને લોકો પર બળજબરી કરી હતી. હું સુપ્રીમ કોર્ટને અપીલ કરું છું કે આ મામલે હસ્તક્ષેપ કરે અને જવાબદાર પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી કરે.”

ઝિયાઉર્રહમાનનો આરોપ છે કે પોલીસની કડકાઈને કારણે મતદાનની ટકાવારી ઘટી છે. જો પોલીસે હસ્તક્ષેપ ન કર્યો હોત તો દસ ટકા મતદાન વધારે થયું હોત.

જોકે, ભાજપે આ આરોપોને ફગાવી દીધા છે.

સંભલમાં ભાજપના જિલ્લા અધ્યક્ષ ચૌધરી હરેન્દ્રસિંહે કહ્યું, “પોલીસે કડકાઈ માત્ર એ મતદાનમથકો પર કરી છે જ્યાં નકલી મતદાન કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. અમારાં પણ કેટલાંક મતદાનમથકો પર પોલીસે કડકાઈ કરી હતી. મતદાન એકદમ નિષ્પક્ષ જ થયું છે.”

સમાજવાદી પાર્ટીના ઉમેદવારના પોલીસ પર શાસક પક્ષને સમર્થન કરવાના આરોપો પર હરેન્દ્રસિંહે કહ્યું, “એવા કેટલાય વિસ્તારો છે જ્યાં નકલી મતદાન થતું હોય છે. પોલીસે ત્યાં નકલી મતદાન રોકવાનો પ્રયત્ન કર્યો છે. સમાજવાદી પાર્ટીના કાર્યકરો નકલી ઓળખપત્રો થકી મતો અપાવવાની કોશિશ કરી રહ્યા હતા. પોલીસ માત્ર એ જ મતદાનમથકો પર કડક હતી જ્યાં નકલી મતદાન થઈ રહ્યું હતું.”

મંગળવારે મતદાન થયું હતું

સંભલમાં ત્રીજા તબક્કામાં મતદાન થયું હતું. સંભલ ભારતની એ મહત્ત્વની બેઠકોમાં આવે છે જ્યાં મુસ્લિમ મતદારો નિર્ણાયક સંખ્યામાં છે.

ઉત્તરપ્રદેશની રામપુર, મુરાદાબાદ, અમરોહા અને મેરઠ જેવી બેઠકો પર પહેલા બે તબક્કામાં મતદાન થયું હતું જ્યાં મુસ્લિમ મતદારો મોટી સંખ્યામાં છે.

પહેલા બંને તબક્કા દરમિયાન મતદારો સાથે બળજબરીના અહેવાલો નહોતા આવ્યા.

જોકે, સંભલમાં થયેલી ઘટનાને કારણે પોલીસ અને વહીવટીતંત્ર પર કેટલાક ગંભીર સવાલો ઊઠી રહ્યા છે. સંભલમાં આ વખતે 62.81 ટકા મતદાન થયું છે. 2019ની લોકસભા ચૂંટણીમાં આ આંકડો 64.71 ટકા હતો.

એક સ્થાનિક પત્રકારે કહ્યું, “સવારે જ કેટલીક જગ્યા પર થયેલા લાઠીચાર્જના વીડિયો વાઇરલ થયા હતા. ત્યાર બાદ મુસ્લિમ મતદારોએ મતદાનમાં વધારે જુસ્સા સાથે ભાગ લીધો હતો.”

શહબાઝપુર ગામના કેટલાક યુવાનોએ જણાવ્યું કે પોલીસની કાર્યવાહી બાદ પણ ગામના લોકો મતદાનથી પાછળ હટ્યા નથી, એવું જ ઓવારી ગામના લોકોએ કહ્યું હતું.