અબ્દુલ સલામ: ભાજપના લોકસભાના મુસ્લિમ ઉમેદવાર કોણ છે? ભાજપે ટિકિટ કેમ આપી?

ઇમેજ સ્રોત, OFFICE OF ABDUL SALAM
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બીબીસી હિન્દી માટે, બેંગલુરુથી
કેરળની કાલિકટ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર અને મૃદા પ્રબંધનના નિષ્ણાત અબ્દુલ સલામે ભાજપમાં વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી કરીને એક રેકર્ડ બનાવ્યો છે.
અબ્દુલ સલામને ટિકિટ મળવી એ મહત્ત્વનું એટલા માટે છે કે છેલ્લી લોકસભા ચૂંટણીમાં ભાજપે એક પણ મુસલમાન ઉમેદવારને ટિકિટ નહોતી આપી.
આ કારણે ભાજપને તમામ પ્રકારની ટીકા કરવાનો સામનો કરવો પડ્યો હતો.
આ ટીકાના જવાબમાં ભાજપનું કહેવું હતું કે ભાજપને મુસલમાન સમુદાય તરફથી મત નથી મળતા, આથી તે મુસલમાન ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનું યોગ્ય નથી માનતો.
ભાજપે રણનીતિ બદલી?
વર્ષ 2021માં ભાજપે મલ્લપુરમ સીટ પર પેટાચૂંટણીમાં એપી અબ્દુલ્લાકુટ્ટીને ટિકિટ આપીને પોતાની નીતિમાં પરિવર્તન કર્યું હતું.
આ ચૂંટણીમાં અબ્દુલ્લાકુટ્ટીને 69,935 મત મળ્યા હતા. ભાજપે અગાઉ 2016માં તિરુર વિધાનસભા સીટ પરથી સલામને મેદાનમાં ઉતાર્યા હતા. ત્યારે સલામને માત્ર 9,097 (5.33 ટકા) મત મળ્યા હતા.
ભાજપે અબ્દુલ સલામને કેરળની જે સીટ પરથી ટિકિટ આપી છે, ત્યાં મુસલમાન મતદાતા મોટી સંખ્યામાં છે.
એવામાં ભાજપની આ રણનીતિ કૉંગ્રેસ, તેના નેતૃત્વવાળા યુનાઇટેડ ડેમૉક્રેકિટ ફ્રન્ટના ઘટક ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ અને લેફ્ટ ડેમૉક્રેટિક ફ્રન્ટને પડકાર આપવાના પ્રયાસમાં રૂપમાં જોવાઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાજપે અબ્દુલ સલામના નામની જાહેરાત પોતાની પહેલી સૂચિમાં કરી છે.
બીબીસીએ સલામને પસંદ કરવાનું કારણ પૂછ્યું તો તેમનું કહેવું હતું, "હું તમને તેમના નંબર આપું છું. તમે બીએલ સંતોષ (ભાજપના સંગઠન સચિવ), નરેન્દ્ર મોદીજી અને નડ્ડાજીને ફોન કરીને પૂછો. તેમણે મારામાં કંઈક જોયું હશે. અથવા તો ચૂંટણી જીતવાનું ફૅક્ટર હશે."
71 વર્ષીય અબ્દુલ સલામ એક ગરીબ પૃષ્ઠભૂમિમાં આવે છે. તેમનાં એક બહેન અને નવ ભાઈઓ છે.
મૃદા પ્રબંધનના ક્ષેત્રમાં અનુસ્નાતક બનતા પહેલાં તેઓ સ્કૂલ જવા માટે દરરોજ નવ કિલોમીટરની મુસાફરી કરતા હતા.
પાકનું પોષણ અને કાજુના પાક પર શોધ કર્યા બાદ તેમણે અધ્યાપનની દિશામાં પગલું ભર્યું.
ત્યાર બાદ તેમણે વિભાગીય અધ્યક્ષથી લઈને ઍસોસિએટ ડીન જેવાં પદો સંભાળ્યાં.
તેમણે કુવૈત અને સુરિનામમાં વિઝિટિંગ પ્રોફેસરના રૂપમાં પણ કામ કર્યું છે.
તેમજ તેમણે 153 પેપર અને 13 પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. તેઓ વર્ષ 2011થી 2015 સુધી કાલિકટ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર હતા.
'મોદીએ મને મંત્રમુગ્ધ કર્યો'

ઇમેજ સ્રોત, OFFICE OF ABDUL SALAM
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પરંતુ સલામ એક એવા શખ્સ છે, જે પીએમ મોદીનાં વખાણ કરતાં થાકતા નથી.
તેઓ કહે છે, "તેઓ (મોદી) એક એવા શખ્સ છે, જેમણે મને મંત્રમુગ્ધ કરી દીધો છે."
તેનું કારણ જણાવતા તેઓ કહે છે, "આખી દુનિયા મોદીજીની આસપાસ ઘૂમી રહી છે. આ તેમનાં વ્યક્તિત્વ, તેમના વિચાર, તેમનાં મિશન અને તેમનાં કામની તાકત છે. તેમના મનમાં બધાને સાથે લઈને ચાલવાનો ભાવ છે. તેઓ આખા દેશને એક નજરે જુએ છે. તમે આવો કોઈ અન્ય નેતા બતાવો. હું તેમની સાથે ઊભો રહી જઈશ. મેં તેમને છેલ્લાં 21 વર્ષમાં ગુજરાતથી દિલ્હી પહોંચતા જોયા છે."
મોદીની કથિત મુસલમાનવિરોધી છબિ પર સલામ કહે છે, "આ મોદીવિરોધી લોકોએ ઘડેલું નૅરેટિવ છે. હકીકતમાં આ બધું નકલી છે. તેઓ ક્યારેય કોઈ પણ ઘટના માટે સીધી રીતે જવાબદાર નહોતા. આ બધું મનઘડંત નૅરેટિવ છે. તમે એ લોકો સાથે વાત કરો જે એકતરફી ઝુકેલા નથી અને તથ્યોને ધ્યાનમાં રાખીને વિશ્લેષણ કરો."
સલામ કહે છે કે મલ્લપુરમના લોકો કાલિકટ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરના રૂપમાં તેમની સિદ્ધિઓ અને આઈયુએમએલની ખામીઓથી અવગત છે.
તેઓ કહે છે, "મદરેસાઓમાં જે ભણાવાઈ રહ્યું છે, તેણે લોકોનું મગજ ખરાબ કરી નાખ્યું છે. માબાપને જન્નત મોકલવાથી લઈને તમામ વાતોના માધ્યમથી મગજમાં ઝેર ભરાય છે. એના લીધે અનેક લોકોએ આતંકવાદનો રસ્તો પસંદ કરી લીધો છે. મારું કામ એ છે કે દર્શાવવાનું છે કે હું નિષ્પક્ષ છું."
"હવે મારું કામ ગરીબોના મગજમાં તેમના નેતાઓએ ભરેલા અંધારાને દૂર કરીને 'મોદી પ્રકાશ' ભરવાનું છે. ધીરે ધીરે હું એ જણાવીશ જે પવિત્ર કુરાનમાં લખેલું છે કે આપણે બધાને અલ્લાહે બનાવ્યા છે. તેમની ઇબાદત કરો. તેમના પર ભરોસો રાખો. હજ જાઓ, રોઝા રાખો અને ઇસ્લામના સિદ્ધાંત પર ચાલો. આ બધી ચીજો વૈશ્વિક માનવતા અને બધા લોકોને પોતાના માનવાની શીખ આપે છે."
સલામ સ્થાનિક મૌલવીઓની નિંદા કરે છે.
તેઓ કહે છે, "સ્થાનિક મુલ્લાઓની વાત પર ધ્યાન આપવાની જરૂર નથી કે આ કાફિર કે તે કાફિર. કાફિર કોણ હોય છે? જ્યાં સુધી તમે ઇસ્લામ સ્વીકાર્યો નહોતો ત્યાં સુધી તમે પણ કાફિર હતા. તેમને કાફિર રહેવા દો."
"મારું અસલી કામ મોદીના પ્રકાશમાં આ બધું અજ્ઞાન દૂર કરવાનું છે. મારો મંત્ર છે કે અલ્લાહ, કુરાન, બાઇબલ અને ભગવદગીતામાં વિશ્વાસ રાખો. બધા ધાર્મિક ગ્રંથોને જોશો તો તમને દેખાશે કે દરેક જગ્યાએ માનવતા, પ્રેમ અને એકબીજાનું ધ્યાન રાખવાની શીખ અપાઈ છે. મોદીજી પણ આમાં વિશ્વાસ રાખે છે."
તેમણે કહ્યું, "મેં મોદીથી વધુ સારો કોઈ માણસ જોયો નથી. તેઓ હિન્દુ હશે, પણ આ તેમની અયોગ્યતા નથી. તેઓ સનાતન ધર્મમાં વિશ્વાસ રાખે છે. તમે જુઓ કે કુરાનમાં આ બધા બાબતો છે. કેટલાક મુલ્લાઓએ મૂળ કુરાનને તોડીમરોડીને રજૂ કરી છે અને નવયુવાનોને ભરમાવ્યા છે."
પીએમ મોદીની પોતાની મુલાકાત અંગે જણાવતા સલામ કહે છે, "તેઓ હસ્યા નહીં, પણ મારી સાથે હાથ મિલાવ્યો. હું હજુ પણ તેમની હથેળીની કોમળતા અનુભવી શકું છું. હું ઊર્જાથી ભરાઈ ગયો હોય એવો અનુભવ થયો."
સલામ એ જાણે છે કે આઈયુએમએલના ગઢમાં મલ્લપુરમમાં તેમને પડકાર ફેંકવો ઘણું મુશ્કેલ હશે.
તેઓ કહે છે, "તમે એક દિવસ અચાનક જઈને વડના ઝાડ સાથે લડી શકો છો. તમારે ધીમી ધીમે વિકાસનું મૉડલ દેખાડીને તેને ઉખાડવાની જરૂર હોય છે."
આઈયુએમએલના સાંસદ મોહમ્મદ બશીરે બીબીસી હિન્દીને કહ્યું કે "આ વાત પર મૌન રહેવું જ વધુ સારું છે."
ભાજપ પાસે ગુમાવવાનું કંઈ નથી

ઇમેજ સ્રોત, OFFICE OF ABDUL SALAM
રાજકીય ટીકાકાર અને કેરળ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પ્રોફેસર જે પ્રભાષ બીબીસીને કહે છે, "સલામની ઉમેદવારી પ્રતીકાત્મક છે, કેમકે પાર્ટી પાસે ગુમાવવાનું કશું નથી. જો પાર્ટી બિહાર કે ગુજરાતમાં કોઈને મેદાનમાં ઉતારે તો એમ કહી શકાય કે તે જીતવા માટે આવું કરી રહી છે. પણ અહીં એક તીરથી ત્રણ નિશાન સાધવાની કોશિશ થઈ રહી છે."
તેઓ કહે છે, "ભાજપ આ માધ્યમથી મુસલમાન ઉમેદવારને ન ઉતારવાની ટીકાથી પર થવા માગે છે. બીજી વાત એ છે કે આ ઉમેદવાર કોઈ પણ રીતે જીતી નહીં શકે. આથી ભવિષ્યમાં કોઈ સમસ્યા નહીં થાય. તેઓ મુસલમાન મતદાતાઓનું મન કળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પાર્ટી એક દીર્ઘકાલીન પ્રયોગ કરીને એ જોઈ શકે છે કે તેને ફાયદો થાય છે કે નહીં."
"એ સ્પષ્ટ છે કે પાર્ટી પોતાની મુસલમાનવિરોધી હોવાની છબિને ખોટી ઠેરવવા માગે છે. પણ હકીકતમાં મુદ્દો એ છે કે અમારા જેવા શિક્ષણવિદોની કોઈ રાજકીય છબિ નથી."














