અર્જુન મોઢવાડિયા અને અંબરીષ ડેરે રાહુલ ગાંધી ગુજરાત આવે એ પહેલાં કૉંગ્રેસ કેમ છોડી? તેમના જવાથી શું અસર થશે?

લોકસભા ચૂંટણી પહેલાં અર્જુન મોઢવાડિયા અને અંબરીષ ડેરે કૉંગ્રેસ પાર્ટી છોડી દીધી છે

ઇમેજ સ્રોત, facebook

ઇમેજ કૅપ્શન, લોકસભા ચૂંટણી પહેલાં અર્જુન મોઢવાડિયા અને અંબરીષ ડેરે કૉંગ્રેસ પાર્ટી છોડી દીધી છે
    • લેેખક, સુરેશ ગવાણિયા
    • પદ, બીબીસી ગુજરાતી

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા પર છે અને તેમની આ યાત્રા આગામી સાત તારીખે ગુજરાતમાં પ્રવેશ કરવાની છે. જોકે એ પહેલાં ગુજરાતના બે કૉંગ્રેસના નેતાએ પાર્ટી છોડી એ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

લોકસભા ચૂંટણી પહેલાં કૉંગ્રેસની આ સ્થિતિ રાજકીય નિષ્ણાતોના મતે "કૉંગ્રેસ માટે ચિંતાજનક અને મનોમંથનની" છે.

સામાન્ય રીતે ચૂંટણી પહેલાં ગુજરાત કૉંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો, કાર્યકરોનું ભાજપમાં જવું એ કોઈ નવી વાત નથી. આ સિલસિલો ઘણા સમયથી ચાલ્યો આવે છે.

જોકે આ વખતે ચર્ચા એ માટે વધુ થઈ રહી છે કે એક સમયના કૉંગ્રેસના વિપક્ષ નેતા, પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા એવા દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ કૉંગ્રેસ પાર્ટી છોડી છે. હવે તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે.

અર્જુન મોઢવાડિયાની ગણના ગુજરાતના એ નેતાઓમાં થતી રહી છે જે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે દરેક મુદ્દા પર ભાજપ પર પ્રહાર કરતા હતા.

બીજું નામ છે અમરેલીના મજબૂત નેતા અંબરીષ ડેરનું. રાજુલાના પૂર્વ ધારાસભ્ય એવા અંબરીષ ડેરે ચાર માર્ચે કૉંગ્રેસ પાર્ટી છોડી દીધી છે અને હવે તેઓ પણ ભાજપમાં જોડાઈ ગયા છે.

અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે "મેં આજે ધારાસભ્ય તરીકે, કૉંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી અને તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે."

તેમણે કહ્યું કે "જ્યારે રામમંદિરનું કૉંગ્રેસને આમંત્રણ મળ્યું ત્યારે તેનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો, જેનો મેં વિરોધ કર્યો હતો. ત્યાર બાદમાં મેં મારો સંદેશ પહોંચાડવાની કોશિશ કરી હતી, પણ મને સફળતા મળી નહોતી. આથી મેં આ નિર્ણય લીધો છે."

બીબીસી

રાહુલ ગાંધીના ગુજરાતમાં આગમન પહેલાં કૉંગ્રેસનું તૂટવું

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આગામી સાત તારીખે ગુજરાતમાં પ્રવેશ કરવાની છે.

સંજોગ કહો કે ગમે તે પણ સ્થિતિ એવી હતી કે રાહુલ ગાંધીની યાત્રાની તૈયારી અને સ્વાગત માટે કૉંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા અને મધુસૂદન મિસ્ત્રીએ અગાઉ લીમખેડા અને ગોધરાની મુલાકાત લીધી હતી અને કાર્યકરોને યાત્રામાં જોડાવા આવાહન કર્યું હતું.

રાહુલ ગાંધીની યાત્રા આઠમી તારીખે ઝાલોદથી નીકળી મુંબઈ તરફ રવાના થશે.

રાહુલ ગાંધીની યાત્રાની તૈયારી અંગે મીડિયા સાથેની વાતચીતમાં મોઢવાડિયાએ જણાવ્યું હતું કે "કૉંગ્રેસ અને રાહુલ ગાંધીનો સંદેશ લોકો સુધી પહોંચે, ઘરેઘરે પહોંચે એની તૈયારી માટે આવ્યા હતા." તેમણે કહ્યું હતું કે કાર્યકરોમાં જબરો ઉત્સાહ છે.

ગુજરાતના મીડિયામાં જ્યારે અર્જુન મોઢવાડિયાનું નિવેદન ચાલી રહ્યું હતું એ સમયે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેરે કૉંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી. તો કૉંગ્રેસે પણ અંબરીષ ડેરને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા.

તો એ જ સમયે મીડિયામાં અર્જુન મોઢવાડિયાની રાહુલ ગાંધીની યાત્રાની તૈયારી અંગેનું નિવેદન મીડિયામાં ચાલી રહ્યું હતું અને તેઓ કૉંગ્રેસ છોડી રહ્યા છે એવી ચર્ચા પણ ચાલી રહી હતી. અને એ આખરે સાચી પડી.

બીબીસી

કૉંગ્રેસના નેતાઓ કેમ ભાજપમાં જોડાઈ રહ્યા છે?

ગુજરાતમાં એક સભા દરમિયાન સોનિયા ગાંધી સાથે અર્જુન મોઢવાડિયા (ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં એક સભા દરમિયાન સોનિયા ગાંધી સાથે અર્જુન મોઢવાડિયા (ફાઇલ ફોટો)
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી તેમાં કૉંગ્રેસને 77 સીટ અને ભાજપને 99 સીટ મળી હતી. જોકે એ પછીની ચૂંટણીમાં ભાજપને અત્યાર સુધીની સૌથી વધુ 156 સીટ મળી હતી.

2022ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના 17 ધારાસભ્યો ચૂંટણી જીત્યા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ કૉંગ્રેસના બે ધારાસભ્ય કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ચૂક્યા છે.

હવે મોઢવાડિયાએ રાજીનામું આપી દેતા કૉંગ્રેસ પાસે 14 ધારાસભ્યો બચ્યા છે.

તો લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાતના દિગ્ગજ આદિવાસી નેતા અને પાંચ વાર સાંસદ રહી ચૂકેલા કૉંગ્રેસ નેતા નારણ રાઠવા ભાજપમાં જોડાઈ ગયા છે.

કૉંગ્રેસના સ્થાનિક નેતૃત્વ પર અને સંગઠન પર રાજકીય વિશ્લેષકો અગાઉ પણ સવાલ ઉઠાવતા રહ્યા છે અને તેમનું કહેવું છે કે "કૉંગ્રેસને નેતૃત્વ નબળું પડી ગયું છે અને ધીમેધીમે ખતમ થઈ રહ્યું" છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના રાજકારણને નજીકથી જાણનારા રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, "એવું લાગે છે કે કૉંગ્રેસના કેન્દ્રીય મોવડીમંડળે ગુજરાતના નેતાઓ સાથેનો સંપર્ક ગુમાવી દીધો છે. કેન્દ્રીય નેતૃત્વ એ ગુજરાતની વાસ્તવિક સ્થિતિ સમજી શકતું નથી. અને રાજ્યના સ્થાનિક નેતૃત્વમાં પણ કોઈ દમ નથી."

તેમના મતે, "અત્યાર સુધી જે કૉંગ્રેસના ધારાસભ્યો પક્ષની કથળેલી હાલત હોવા છતાં પક્ષની સાથે રહ્યા હતા એમને હવે તેમની રાજકીય કારકિર્દી અસ્ત થઈ હોય એવું દેખાઈ રહ્યું છે. એટલે એક પછી એક નેતાઓ અને ધારાસભ્યો કૉંગ્રેસ છોડી રહ્યા છે.

બીબીસી

કૉંગ્રેસ નેતાઓને પાર્ટીમાં ભવિષ્ય નથી દેખાતું?

રાજુલાના પૂર્વ ધારાસભ્ય એવા અંબરીષ ડેરે કૉંગ્રેસ પાર્ટી છોડી દીધી છે અને હવે તેઓ પણ ભાજપમાં જોડાઈ જવાના છે

ઇમેજ સ્રોત, Ambarish Der/fb

ઇમેજ કૅપ્શન, રાજુલાના પૂર્વ ધારાસભ્ય એવા અંબરીષ ડેરે કૉંગ્રેસ પાર્ટી છોડી દીધી છે અને હવે તેઓ પણ ભાજપમાં જોડાઈ જવાના છે

ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં એક 'ત્રિપુટી'એ ભારે ચર્ચા જગવી હતી અને એ યુવા ચહેરા હતા જિજ્ઞેશ મેવાણી, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર.

એક સમયે ભાજપ સામે 'મોટો પડકાર' મનાતા આ નેતાઓ સમય જતાં રાજકીય પાર્ટીમાં જોડાઈ ગયા. હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર કૉંગ્રેસમાં જોડાયા હતા અને બાદમાં ભાજપમાં જોડાઈ ગયા.

તો જિજ્ઞેશ મેવાણી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા અને પછી કૉંગ્રેસમાં જોડાયા અને ફરી કૉંગ્રેસમાંથી ધારાસભ્ય બન્યા હતા. હાલ આ ત્રણેય ધારાસભ્ય છે.

એમ. એસ. યુનિવર્સિટીના પૉલિટિકલ સાયન્સ વિભાગના પ્રોફેસર અમિત ધોળકિયાના મતે ગુજરાતમાં કૉંગ્રેસના નેતાઓને હવે તેમનું ભવિષ્ય દેખાતું નથી.

બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "ગુજરાત કૉંગ્રેસમાં યોગ્ય નેતૃત્વ અને યોગ્ય વ્યૂહરચનાનો અભાવ હોવાને કારણે મોટા ભાગના નેતાઓ અને કાર્યકરોને ગુજરાત કૉંગ્રેસમાં ભવિષ્ય દેખાતું નથી. ગુજરાતમાં જાણે કે વિરોધ પક્ષનું અસ્તિત્વ જ નથી એ પ્રકારનો માહોલ ઊભો થઈ રહ્યો છે."

"ચૂંટણીના સમયે અન્ય પક્ષના નેતાઓ ભાજપમાં જોડાતા જતા હોય છે અને ધારાસભ્યો તૂટતા હોય છે. આથી કૉંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વે મનોમંથન કરવાની જરૂર છે કે કેવી રીતે કૉંગ્રેસનો પરિવાર ગુજરાતમાં પુનર્જીવિત કરી શકાય."

"અત્યારે પ્રશ્ન એ છે કે કૉંગ્રેસ હાલ ગુજરાતમાં વિરોધ પક્ષની ભૂમિકા પણ ભજવી રહી નથી. એવું લાગે છે કે ભવિષ્યમાં પણ કૉંગ્રેસના અન્ય નેતાઓ જતા રહેશે એની કોઈ નવાઈ નહીં હોય."

બીબીસી

ગુજરાતમાં કૉંગ્રેસની હાલત

ગુજરાતમાં કૉંગ્રેસ છેલ્લાં અનેક વર્ષોથી સત્તા નથી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં કૉંગ્રેસ છેલ્લાં અનેક વર્ષોથી સત્તા નથી

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કૉંગ્રેસ છેલ્લાં 28 વર્ષથી સત્તામાં નથી અને એટલે અન્ય પાર્ટીના નેતાઓ, કાર્યકરો ભાજપમાં જાય છે એવું પણ રાજકીય નિષ્ણાતોનું માનવું છે.

રાજકીય વિશ્લેષક કૌશિક મહેતા કહે છે, "ભાજપે આ વખતે નક્કી કર્યું છે કે હેટ્રિક ઉપરાંત દરેક સીટ પરથી પાંચ લાખની લીડથી જીત મેળવવી. હવે પાંચ લાખની લીડ મેળવવા ભાજપ એટલો જોરાવર (મજબૂત) નથી કે એટલી લીડ મળે. એના માટે જે કંઈ કરવું પડે એ બધું જ ભાજપ કરી રહ્યો છે અને આ એનો એક ભાગ ગણી શકો."

અર્જુન મોઢવાડિયાનાં વલણ અને નેતૃત્વ અંગે તેઓ કહે છે કે અર્જુનભાઈની છેલ્લા કેટલાક સમયથી કૉંગ્રેસમાં લીડરશિપ ઘડતી જાય છે. તેઓ થોડા નારાજ પણ જણાયા છે.

"કૉંગ્રેસની વાત કરીએ તો કૉંગ્રેસ આખા દેશમાં તૂટી રહી છે એ વાત સાવ સાચી છે અને ગુજરાતમાં સૌથી વધારે તૂટેલી છે."

તેઓ કહે છે કે "ગુજરાતમાં કૉંગ્રેસનો કાર્યકર નિષ્ક્રિય છે, હતાશ છે, નિરાશ છે. શક્તિસિંહ આવ્યા પછી કૉંગ્રેસ બેઠી થઈ હોય કે કાર્યકરોમાં જોશ આવ્યો હોય એવું લાગતું નથી. એટલે ગુજરાતમાં પાંચ લાખની લીડ માટે રાહુલ ગાંધી ગુજરાત આવે એટલા 'મેદાન સાફ' કરી નાખવું એ ભાજપનો ઇરાદો છે."

તેઓ એમ પણ કહે છે કે આખા ગુજરાતમાં લોકોને ચહેરો મળે, જેને લોકો ઓળખતા હોય એવા નેતાઓ પણ ગુજરાતમાં કૉંગ્રેસ પાસે નથી રહ્યા. જ્યારે ભાજપ પાસે અનેક ચહેરા છે.

તો જગદીશ આચાર્ય કહે છે, "અંબરીષ ડેર અને અર્જુન મોઢવાડિયા જેવા નેતા કૉંગ્રેસ છોડે એનો મતલબ એ થાય કે સૌરાષ્ટ્રમાં હવે કૉંગ્રેસનું અસ્તિત્વ ખતમ થવામાં છે. અગાઉ કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા, રાઘવજી પટેલ પણ કૉંગ્રેસ પાર્ટી છોડી ચૂક્યા છે."

"ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ભાજપ માટે આમ પણ સારી સ્થિતિ હતી અને હવે આ નેતાઓના જવાથી એની જીત વધુ સરળ થઈ જશે. એટલે જે નાનો મોટો પડકાર હતો એ પણ ખતમ થઈ ગયો."

કૉંગ્રેસ પાર્ટી કેમ છોડી?

અર્જુન મોઢવાડિયા

ઇમેજ સ્રોત, Getty Images

અંબરીષ ડેર એવા નેતા છે જ્યારે આખા ગુજરાતમાં મોદીનું વાવાઝોડું ફરી વળ્યું હતું એ સમયે (2017) પણ ભાજપના દિગ્ગજ નેતા હીરા સોલંકીને હરાવીને વિધાનસભા ચૂંટણી જીત્યા હતા.

કૉંગ્રેસમાંથી રાજીનામું આપવાનું કારણ જણાવતા અંબરીષ ડેરે કહ્યું કે "છેલ્લાં ત્રણ વર્ષથી સીઆર પાટીલ મને ભાજપમાં જોડાવવા માટે આમંત્રણ આપતા હતા, પણ હું ગયો નથી. પણ રામમંદિરના નિર્ણયથી હું નારાજ હતો. હું કોઈની ટીકા કરવા માગતો નથી."

અર્જુન મોઢવાડિયા વિદ્યાર્થીકાળથી કૉંગ્રેસમાં જોડાયા હતા અને પોરબંદર જિલ્લામાં તેમનું વર્ચસ્વ છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભાજપના દિગ્ગજ નેતા બાબુભાઈ બોખીરિયાને હરાવીને ચૂંટણી જીત્યા હતા.

આટલાં વર્ષો પછી કૉંગ્રેસ પાર્ટી છોડવાનું કારણ જણાવતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે "હવે કૉંગ્રેસના નેતૃત્વે વિચારવાનું છે કે મારા જેવા કાર્યકરે શા માટે પાર્ટી છોડી. જે રીતે ચાલે છે એનાં પરિણામ દેશ અને ગુજરાત સામે છે, જે કચાશ રહી ગઈ છે એને દૂર કરવાની કોશિશ ન થઈ એટલે હવે તેમણે (કેન્દ્રીય નેતૃત્વ) વિચારવાનું છે."

ભાજપમાં જવા અંગે મીડિયા પૂછેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે "હું મિત્રોને પૂછીને હવે મારી રાજકીય કારકિર્દી અંગે વિચારીશ. હું ભાજપમાં જોડાવાનો હોઈશ તો એ લોકો (ભાજપ)ની ઉદારતા હશે."

કૉંગ્રેસનું શું કહેવું છે?

મનીષ દોશી

ઇમેજ સ્રોત, Dr.Manish Doshi/FB

તો ગુજરાત કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશી કહે છે કે કૉંગ્રેસનો કાર્યકર અગાઉ પણ અને અત્યારે પણ એટલો જ મજબૂત છે.

બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે, "નાના અને હજારો કાર્યકરોની રાતદિવસની મહેનતથી કોઈ નેતા બનતો હોય છે, ધારાસભ્ય બનતો હોય છે, સાંસદ બનતો હોય છે. 2021થી 2023નો તમે ઘટનાક્રમ જુઓ તો 'કૉંગ્રેસમુક્ત ભારત' અને 'કૉંગ્રેસમુક્ત ગુજરાત'ની વાત કરતા ભાજપની 156 સીટ લાવ્યા પછી પણ એવી શી મજબૂરી છે કે કૉંગ્રેસના નેતાઓને લેવા પડે છે."

તેમનો દાવો છે કે એનો મતલબ એ કે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદો કામગીરીમાં નિષ્ફળ છે. પ્રજાનો અવાજ સમજી શકતા નથી. આજે મંત્રીમંડળમાં અંદાજે 30 ટકા લોકો કૉંગ્રેસના છે.

નેતાઓની કૉંગ્રેસ છોડવાની અસર પર તેઓ કહે છે, "કોઈ પણ નાનો કાર્યકર પણ પાર્ટીમાંથી જાય તો ચોક્કસ કૉંગ્રેસને નુકસાન છે. નેતાઓ જાય છે, પણ કાર્યકરોને કોઈ તકલીફ નથી. કૉંગ્રેસના કાર્યકરો વધુ કામ કરશે, અમારી ખામીઓ હશે એ સુધારશું, લોકો વચ્ચે જશું. પણ કૉંગ્રેસ સિદ્ધાંતોમાં કોઈ બાંધછોડ નહીં કરે."

બીબીસી
બીબીસી