સુરતમાં ફૉર્મ રદ થયા બાદ નીલેશ કુંભાણી સામે આવ્યા, કૉંગ્રેસ પર કેવા આક્ષેપ કર્યા?

- લેેખક, શીતલ પટેલ અને રૂપેશ સોનવણે
- પદ, બીબીસી ગુજરાતી માટે
સુરત લોકસભા બેઠક પર ફૉર્મ રદ થયા બાદ ભૂગર્ભમાં ઊતરી ગયેલા કૉંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી હવે પત્રકારો સમક્ષ પ્રગટ થયા છે અને કૉંગેસ પર દગો કરવાનો આરોપ લગાવ્યો છે.
બીબીસી ગુજરાતી સાથેની વાચીતમાં તેમણે જણાવ્યું, "મારું ફૉર્મ રદ થયા બાદ હું ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન કરવા માટે નીકળ્યો હતો. જોકે, કરજણ પહોંચ્યો ત્યારે મને જાણવા મળ્યું કે કૉંગ્રેસના કાર્યકરો મારા ઘરે વિરોધ કરવા માટે આવ્યા છે. એ બાદ મેં નક્કી કર્યું કે હવે હું કૉંગ્રેસ સાથે નહીં રહું."
મીડિયા સાથેની વાતચીતમાં નીલેશ કુંભાણીએ કૉંગ્રેસ પર કેટલાક ગંભીર આરોપ પણ લગાવ્યા છે. જોકે અગાઉ કૉંગ્રેસે નીલેશ કુંભાણીને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.
ઉલ્લેખનીય છે કે સુરત લોકસભા બેઠક પરથી કૉંગ્રેસે નીલેશ કુંભાણીને ટિકિટ આપી હતી. બાદમાં ટેકેદારોની સહી મામલે થયેલા વિવાદ બાદ તેમનું ફૉર્મ રદ કરવામાં આવ્યું હતું અને અંતિમ સમયમાં બસપા સહિત અપક્ષના તમામ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ આ બેઠક પર બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.
નીલેશ કુંભાણીએ કૉંગ્રેસ પાર્ટી, ફૉર્મ રદ થવાની સ્થિતિ અંગે વાત કરી હતી.
નીલેશ કુંભાણીએ કૉંગ્રેસ પર શું આરોપ મૂક્યા?

ઇમેજ સ્રોત, @NILESHKUMBHAN10
મીડિયા સાથેની વાતચીતમાં નીલેશ કુંભાણીએ કહ્યું કે "2017માં કૉંગ્રેસે 'ટિકિટનો સોદો' કર્યો હતો, મને મૅૅન્ડેટ આપ્યું અને પછી 100 લોકો સાથે ભાજપમાંથી આવેલાી વ્યક્તિને ટિકિટ આપીને મારી સાથે 'ગદ્દારી' કરી હતી. મારા ટેકેદારો અને કાર્યકર્તાઓએ આ ગદ્દારીનો બદલો લીધો છે અને તેમની સાથે હું પણ છું."
તેમણે કહ્યું કે "જે ટેકેદારો હતા એમાં એક જ મારા સંબંધી હતા. બાકીના કૉંગ્રેસના હતા."
બીબીસી સાથેની વાતચીતમાં નીલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે "ટેકેદારો મને સમજાવતા હતા કે આપણે ચૂંટણી નથી લડવી. ટેકેદારો કૉંગ્રેસના કાર્યકર્તાઓથી થાકી ગયા હતા. આમ આદમી પાર્ટીના નેતા અમારી સાથે કામ કરતા તેનો પણ કૉંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ કરતા હતા. તેથી મારા ટેકેદારોએ મને ઘણી વખત કહેતા કે રહેવા દો, ચૂંટણી નથી લડવી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કુંભાણીએ જણાવ્યું કે, "ચૂંટણી રદ થાય તેવો કોઈ ઈરાદો ન હતો. મારી સાથે બીજા 15 જેટલા લોકોએ ફૉર્મ ભર્યાં હતાં જેમાં કૉંગ્રેસના પણ અપક્ષ ઉમેદવાર હતા અને અન્ય પણ હતા, તેમણે કેમ ફૉર્મ પાછાં ખેંચી લીધાં એ તેમને જઈને પૂછો."
નીલેશ કુંભાણીએ આરોપ લગાવ્યો કે કૉંગ્રેસના નેતાઓએ ચૂંટણીપ્રચાર દરમિયાન સાથ ન આપ્યો. પરેશ ધાનાણી જ્યારે સુરતમાં આવ્યા હતા ત્યારે કૉંગ્રેસના એક પણ મોટા આગેવાન તેમની સાથે સ્ટેજ પર ન હતા અને મારી સાથે કોઈ પણ પ્રચારમાં પણ આવતું ન હતું, માત્ર મતદારો જ મારી સાથે હતા.
નીલેશ કુંભાણીએ પ્રેસ-કૉન્ફરન્સમાં જણાવ્યું કે "મારું ફૉર્મ રદ થયા બાદ હું અમદાવાદ હાઈકોર્ટમાં પિટિશન કરવા માટે નીકળ્યો હતો. પરંતુ કરજણ પહોંચ્યા હતા ત્યાં મને જાણવા મળ્યું કે કૉંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા મારા ઘરે વિરોધ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ મેં નક્કી કરી લીધું કે હવે કૉંગ્રેસ સાથે નહીં રહું."
ચૂંટણી સમાપ્ત થયા પછી અચાનક મીડિયા સમક્ષ શા માટે આવ્યા? બીબીસીના આ સવાલનો જવાબ આપતા નીલેશ કુંભાણીએ જણાવ્યું કે "મારા નિવેદનથી કૉંગ્રેસને નુકસાન ન થાય એટલે હું ચૂંટણી પછી સામે આવ્યો છું. પરેશ ધાનાણી અને શક્તિસિંહ ગોહિલની મર્યાદા મારે જાળવવાની હતી, એ મારા સન્માનનીય નેતા છે. માટે હું અત્યાર સુધી ચૂપ રહ્યો."
નીલેશ કુંભાણી ભાજપમાં જોડાશે?

ઇમેજ સ્રોત, BBC/ SHEETAL PATEL
ગુજરાતમાં મીડિયામાં એવી ચર્ચા થતી હતી કે નીલેશ કુંભાણી ભાજપમાં જોડાઈ શકે છે.
જોકે બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે હું ભાજપમાં જોડાવાનો નથી.
કુંભાણીએ જણાવ્યું કે "હાલ મને કૉંગ્રેસ પાર્ટીએ સસ્પેન્ડ કર્યો છે, એટલે હું કોઈ પાર્ટીમાં નથી. આવનારા દિવસોમાં મારા કાર્યકરો સાથે ચર્ચાને આગળ વધીશું. હાલ હું કોઈ ભાજપની વ્યક્તિ સાથે સંપર્કમાં નથી, ન ભાજપની કોઈ વ્યક્તિએ મારો સંપર્ક કર્યો છે."
ટેકેદારોના અપહરણની વાત પર નીલેશ કુંભાણીએ કહ્યું કે "મારા ટેકેદારોનું અપહરણ થયું ન હતું. માત્ર તેઓ મારાથી સંપર્કવિહોણા થયા હતા અને ત્યાર બાદ ટેકેદારે મને જણાવ્યું કે અમે સુરક્ષિત જગ્યાએ છીએ."
નીલેશ કુંભાણીના આરોપ પર કૉંગ્રેસે શું કહ્યું?
નીલેશ કુંભાણીએ કૉંગ્રેસ પર લગાવેલા આરોપ પર કૉંગ્રેસના નેતા પ્રતાપ દૂધાતે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું હતું કે "નીલેશ કુંભાણીએ ભાજપના નેજા હેઠળ આ આખું કાવતરું રચ્યું છે અને લોકો સાથે ગદ્દારી કરી છે તે ખુલ્લી કિતાબ છે. ભારતીય જનતા પાર્ટી નીલેશ કુંભાણીને સંઘરવાનું કામ કરી રહી છે."
પ્રતાપ દૂધાતે કહ્યું કે "જો કૉંગ્રેસે તેમની સાથે ગદ્દારી કરી હોય તો 2022ની ધારાસભ્યની ચૂંટણી તેઓ શા માટે લડ્યા હતા. આ બધી વાહિયાત વાતો છે. આ ભાઈએ પ્રજાની મશ્કરી કરી છે, સુરતની પ્રજા સાથે દ્રોહ થયો છે."
સુરત શહેર કૉંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતે કુંભાણીના આરોપ અંગે વાત કરતાં જણાવ્યું, "જે નિવેદન આપ્યું છે તેના પરથી સાબિત થાય છે કે આ એમનું પ્રી-પ્લાન્ડ ષડ્યંત્ર હતું. રાષ્ટ્રીય સ્તરે તેમણે કૉંગ્રેસ પાર્ટીને બદનામ કરવાનું કામ કર્યું છે. તેની સામે અમે ક્રિમિનલ કેસ દાખલ કરીશું અને કોર્ટમાં જઈશું."
નીલેશ કુંભાણી મામલે ખરેખર શું થયું?

ઇમેજ સ્રોત, @BJP4GUJARAT
ગુજરાતમાં લોકસભા ચૂંટણી અગાઉ સુરતના કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફૉર્મ રદ કરી દેવાયું હતું અને ભાજપના મુકેશ દલાલને બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા.
કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીના ઉમેદવારીપત્રક અંગે ભાજપે વાંધો ઉઠાવ્યો હતો. વિવાદ બાદ કૉંગ્રેસના ઉમેદવારના ટેકેદારો હાજર ન થતાં આ ફૉર્મ રદ થયું હતું.
આ મામલે રિટર્નિંગ ઑફિસર સમક્ષ બંને પક્ષોએ પોતપોતાની દલીલો રજૂ કરી હતી અને પછી ચુકાદો આપવામાં આવ્યો છે.
નીલેશ કુંભાણીના ટેકેદારો તરીકે જે ચાર વ્યક્તિઓએ સહી કરી હતી તેમાંથી ત્રણ લોકોએ સોગંદનામું કર્યું હતું કે તેમણે આ ફૉર્મમાં સહી કરી નથી. આથી, કલેક્ટરે નીલેશ કુંભાણી પાસેથી ખુલાસો માગ્યો હતો.
ત્યાર બાદ નીલેશ કુંભાણીએ એવો દાવો કર્યો હતો કે તેમના ટેકેદારો હાજર થશે. જોકે, તેમના ટેકેદારો હાજર થયા ન હતા અને રિટર્નિંગ ઑફિસર સામે બંને પક્ષોએ પોતપોતાની દલીલો રજૂ કરી હતી. બાદમાં તેમનું ફૉર્મ રદ કરી દેવાયું હતું.
નીલેશ કુંભાણી કોણ છે?
નીલેશ કુંભાણી છેલ્લા બે દાયકા કરતાં પણ વધુ સમયથી કૉંગ્રેસના કાર્યકર્તા રહ્યા છે. તેઓ ભૂતકાળમાં બે વખત સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન અને એક વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. તેઓ કૉર્પોરેટર પણ રહી ચૂક્યા છે.
2022ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ તરફથી તેઓ સુરતની કામરેજ વિધાનસભાથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ એ ચૂંટણીમાં તેમની હાર થઈ હતી અને તેઓ માત્ર આઠ ટકા મત મેળવીને ત્રીજા ક્રમે રહ્યા હતા. કામરેજ બેઠક પર ભાજપના નેતા પ્રફુલ પાનશેરિયાનો વિજય થયો હતો અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર રામ ધડુક બીજા ક્રમે રહ્યા હતા.
સુરત લોકસભા બેઠકથી પહેલાં કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ અહીંથી સાંસદ હતાં. 1989થી આ બેઠક પર ભાજપનો કબજો છે અને કાશીરામ રાણા અહીંથી છ વાર ભાજપના સાંસદ તરીકે ચૂંટાયા હતા.














