ગુજરાત ટાઇટન્સ : સદી ફટકારી પ્લેઑફમાં પહોંચાડનારા શુભમન ગિલની ટીમે લવન્ડર કલરની કીટ કેમ પહેરી હતી?

શુભમન ગિલ

ઇમેજ સ્રોત, ANI

101 રન, 13 ચોગ્ગા, એક છગ્ગો અને 174.13નો સ્ટ્રાઇક રેટ એ ગુજરાત ટાઇટન્સ માટે પ્લેઑફની ટિકિટ લાવનારી સદી હતી. આ સનરાઇઝર્સ હૈદરાબાદને પ્લેઑફની રેસમાંથી બહાર કરનારી સૅન્ચુરી હતી.

શુભમન ગિલની તેના માટે 'પ્લેયર ઑફ ધ મૅચ' તરીકે પસંદગી થઈ, તેનાથી કોઈને મુશ્કેલી થઈ નહોતી.

જ્યારે આઈપીએલની ડિફેન્ડિંગ ચૅમ્પિયન ટીમ અને ટ્રૉફી વચ્ચે અવરોધ બની શકે તેવી તમામ ટીમોના બૉલરોને તેમણે સીધી ચેતવણી આપી ત્યારે પણ આશ્ચર્ય થયું નહોતું.

બીબીસી ગુજરાતી

ગુજરાત ટાઇટન્સની પહેલ

ગુજરાત ટાઇટન્સ આઈપીએલ 2023

ઇમેજ સ્રોત, ANI

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાર્દિક પંડ્યાની કપ્તાનીવાળી ટીમે આઈપીએલ મૅચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો સામનો કર્યો હતો.

આ મૅચમાં ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓએ કૅન્સર સામેની લડાઈના સમર્થનમાં લવન્ડર જર્સી પહેરી હતી.

તેમની આ લવન્ડર જર્સી પહેરવાની પહેલનો ઉદ્દેશ કૅન્સર અંગે જાગૃતિ ફેલાવાનો છે, જે ભારતમાં અને દુનિયાભરમાં બીમારી અને મૃત્યુદરમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે.

સમાચાર સંસ્થા પીટીઆઈના રિપોર્ટ અનુસાર, લવન્ડર કલર પસંદ કરવાનું કારણ એ છે કે આ રંગ તમામ પ્રકારના કૅન્સરનું પ્રતીક છે.

ગુજરાત ટાઇટન્સનું લક્ષ્ય લવન્ડર જર્સી પહેરીને કૅન્સરની પ્રારંભિક તપાસ અને તેને રોકવા વિશે જાગૃતિ વધારવાનું છે. જેમાં જીવનશૈલીમાં પરિવર્તન કૅન્સરનો સામનો કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે, તેની પર ભાર મૂકવામાં આવ્યો છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ પહેલ દ્વારા ગુજરાત ટાઇટન્સ લોકોને કૅન્સરને રોકવા અને તેના માટે જીવનશૈલીમાં જરૂરી ફેરફારો વિષે વધુ જાણવા માટે પ્રેરિત કરે છે અને પ્રારંભિક તપાસ માટે નિયમિત તપાસની સાથે-સાથે આવશ્યક જીવનશૈલીમાં બદલાવની આશા રાખે છે, જેનાથી બીમારીનું જોખમ ઘણું ઓછું થઈ શકે છે.

ગુજરાત ટાઇટન્સના કપ્તાન હાર્દિક પંડ્યાએ કહ્યું છે કે, “કૅન્સર એ ભારત અને દુનિયાભરમાં લાખો લોકો દ્વારા લડવામાં આવેલી લડાઈ છે. એક ટીમ તરીકે અમે આ જીવલેણ બીમારી વિશે જાગૃતિ લાવવા માટે પ્રયાસરત છીએ.”

"લવન્ડર જર્સી પહેરવી એ કૅન્સરના દર્દીઓ, બચી ગયેલા લોકો અને તેમના પરિવારો સાથે એકતા દર્શાવવાની અમારી રીત છે. અમે આશા રાખીએ છીએ કે અમારું આ કાર્ય અન્ય લોકોને નિવારક પગલાં લેવા અને આ લડાઈ લડી રહેલા લોકોને ટેકો આપવા માટે પ્રેરણા આપશે.”

વૈશ્વિક સ્તરે કૅન્સર મૃત્યુના બીજા સૌથી સામાન્ય કારણ તરીકેનું સ્થાન ધરાવે છે, જેનાથી 2020માં આશરે 9.9 મિલિયન મૃત્યુ થયાં છે. છેલ્લા દાયકામાં વિશ્વભરમાં કૅન્સરના કેસોમાં 26 ટકાનો વધારો જોવા મળ્યો હતો, જ્યારે કૅન્સર સંબંધિત મૃત્યુમાં 21 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

ભારતમાં નવમાંથી એક વ્યક્તિને તેમના જીવનકાળ દરમિયાન કૅન્સર થવાની સંભાવના રહે છે. 2020માં દેશમાં કૅન્સરના નવા કેસો અંદાજિત 14.16 લાખથી વધુ હતા, તેમજ 2020ની સરખામણીમાં 2025 સુધીમાં કૅન્સરના કેસોમાં અંદાજે 12.8 ટકાનો વધારો થયો છે.

બીબીસી ગુજરાતી

આઈપીએલ 2023: ચાર દિવસમાં ત્રણ સદી

  • 12મેના રોજ મુંબઈના સૂર્યકુમાર યાદવે ગુજરાત ટાઇટન્સ સામે અણનમ 103 રન બનાવ્યા હતા
  • 13મેના રોજ પંજાબના પ્રભસિમરન સિંહે દિલ્હી કૅપિટલ્સ સામે 103 રન બનાવ્યા હતા
  • 15 મેના રોજ ગુજરાત ટાઇટન્સના ઓપનર શુભમન ગિલે 101 રનની ઇનિંગ રમી હતી.
બીબીસી ગુજરાતી

ગિલના દાવામાં કેટલો દમ?

શુભમન ગિલ

ઇમેજ સ્રોત, ANI

હૈદરાબાદ સામે આઈપીએલની પ્રથમ સદી ફટકારનારા શુભમન ગિલે કહ્યું કે, "આશા છે કે હું આ સિઝનમાં હજી વધુ સદી બનાવીશ."

આઈપીએલ 2023માં છેલ્લા ચાર દિવસમાં ત્રણ સદી ફટકારવામાં આવી છે.

ફરક એટલો છે કે ટી-20ના મિસ્ટર 360 કહેવાતા સૂર્યકુમાર યાદવ હોય કે પ્રભસિમરન સિંહ - બંનેમાંથી કોઈએ દાવો કર્યો નથી કે તેઓ આગામી મૅચોમાં પણ સદી ફટકારશે.

જોકે જ્યારે ગિલે આ દાવો કર્યો હતો, ત્યારે તેને ફગાવી દેવાની ભૂલ કમસે કમ તેમના વિરોધીઓ નહીં કરે.

આ પાછળ એક નહીં પરંતુ ઘણાં કારણો છે.

પહેલું કારણ એ દાવો છે, જે ગિલે 7મી મેના રોજ લખનઉ સામેની મૅચ બાદ કર્યો હતો. ગિલે લખનઉ સામેની મૅચમાં અણનમ 94 રન બનાવ્યા હતા. ત્યારે તેઓ આઈપીએલમાં પોતાની પ્રથમ સદી ફટકારવાથી માત્ર છ રન ચૂકી ગયા હતા.

ત્યારે તેમણે કહ્યું હતું કે, "ચિંતા કરશો નહીં. હજુ પાંચ-છ મૅચ બાકી છે. આશા છે કે હું તેમાંથી કોઈ પણ મૅચમાં સદી ફટકારીશ."

એટલે કે હૈદરાબાદ સામેની મૅચના આઠ દિવસ પહેલાં જ ગિલને ખાતરી હતી કે આઈપીએલમાં તેની પ્રથમ સદી હવે પહોંચથી દૂર નથી.

ગિલના મતે તેનમી પહેલી સદી માટે હૈદરાબાદથી સારી ટીમ મળી ન હોત.

તેમણે કહ્યું હતું કે, “આઈપીએલમાં મારો ડેબ્યૂ (પ્રથમ મૅચ) એસઆરએસ સામે હતો. આઈપીએલમાં મારી સદી તેમની સામે જ બની છે. હું ખૂબ ખુશ છું કે આ ચક્ર પૂર્ણ થઈ ગયું.”

ગિલે એ દાવો પણ કર્યો છે કે આ પ્રથમ સદી છે, સિઝનની છેલ્લી સદી નથી.

બીબીસી ગુજરાતી

2023માં સદી દર સદી

શુભમન ગિલ

ઇમેજ સ્રોત, Getty Images

ગિલના દાવાને ગંભીરતાથી લેવાનું બીજું કારણ એ છે કે આ વર્ષની ક્રિકેટમાં તેઓ સૌથી મોટી સદી ફટકારનાર તરીકે ઊભરી આવ્યા છે.

ટી20 હોય, વનડે મૅચ હોય કે ટેસ્ટ મૅચ હોય, શુભમન ગિલના બૅટમાંથી ધડાધડ સદી ફટકારાઈ રહી છે.

આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમણે ટેસ્ટ અને ટી20 મૅચમાં એક-એક સદી ફટકારી છે. તેમણે આ વર્ષે વનડેમાં ત્રણ સદી ફટકારી છે. જેમાં 208 રનની યાદગાર ઇનિંગ સામેલ છે.

શુભમન ગિલ અને ક્રિકેટના તમામ ચાહકોને આ આંકડા યાદ છે, તો આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સની વિરોધી ટીમના બૉલર તેમને કેવી રીતે ભૂલી શકે.

બીબીસી ગુજરાતી

સૌથી વધુ રન બનાવનારા બૅટ્સમૅનમાં શુભમન બીજા ક્રમે

આઈપીએલ-16માં સૌથી વધુ રન બનાવનારા બૅટ્સમૅનમાં તેઓ બીજા ક્રમે છે.

શુભમન ગિલે 13 મૅચમાં 48ની એવરેજથી 576 રન બનાવ્યા છે. એક સદી ઉપરાંત તેમણે ચાર અડધી સદી પણ ફટકારી છે.

પૂર્વ ક્રિકેટર મિતાલી રાજે પણ શુભમન ગિલના ફોર્મના વખાણ કર્યા હતા.

શુભમનની સદી બાદ મિતાલીએ ટ્વિટર પર લખ્યું હતું કે, "શુભમન ગિલની શું આ શાનદાર સદી છે! તેમનું ફોર્મ આ વર્ષે ગુજરાત ટાઇટન્સ માટે ઉત્તેજનાભર્યું રહ્યું છે. તેમણે આજે ગુજરાત ટાઇટન્સ માટે પ્રથમ સદી ફટકારનારા ખેલાડી બનીને ઇતિહાસ રચ્યો છે."

એ વાત સાચી છે કે આઈપીએલની વર્તમાન સિઝનમાં સદી ફટકારનાર શુભમન ગિલ એકમાત્ર બૅટ્સમૅન નથી. આ વર્ષે અત્યાર સુધીમાં કુલ છ સદી ફટકારવામાં આવી છે.

બીબીસી ગુજરાતી

સૌથી સ્પેશિયલ શુભમન ગિલ

શુભમન ગિલ

ઇમેજ સ્રોત, Getty Images

શુભમન ગિલને અન્ય શતાબ્દી ખેલાડીઓથી જે વાત અલગ કરે છે, તે તેમની બેટિંગ શૈલી છે.

શુભમન ગિલ આડા-અવળા શૉટ રમીને રન બનાવતા નથી. તે ક્રિકેટના શાસ્ત્રીય શૉટ્સ દ્વારા રન એકત્રિત કરે છે. સોમવારે સૌથી મોટા શતાબ્દી ખેલાડી સુનીલ ગાવસ્કરે પણ તેમની સ્ટાઈલના વખાણ કર્યા હતા.

ક્રિકેટ સમીક્ષક હર્ષ ભોગલેએ જણાવ્યું હતું કે શા માટે શુભમન ગિલને ખૂબ જ ખાસ બૅટ્સમૅન કહેવામાં આવે છે.

સોમવારે જ્યારે શુભમન ગિલે હૈદરાબાદ સામે પોતાની અડધી સદી પૂરી કરી હતી, ત્યારે હર્ષા ભોગલેએ એક ટ્વીટ કર્યું હતું.

તેમણે લખ્યું હતું કે, "જો તમારે જાણવું હોય કે શુભમન ગિલ ખૂબ જ ખાસ ખેલાડી કેમ છે, તો તેમની આ ઇનિંગ જુઓ. 23 બૉલમાં 56 રન. કોઈ પણ છગ્ગા કે ગુસ્સામાં રમાયેલા શૉટ નહીં. આ માત્ર સમયનો કમાલ છે."

ગિલે સદી પૂરી કરી હોવા છતાં તેમના નામે માત્ર એક છગ્ગો હતો.

હૈદરાબાદના કપ્તાન એડન માર્કરને પણ કહ્યું હતું કે ગુજરાત સામે તેમની ટીમની હારનું સૌથી મોટું કારણ શુભમન ગિલની ઇનિંગ્સ હતી.

તેમણે કહ્યું હતું કે, "શુભમનની ઇનિંગે અમને દબાણમાં લાવી દીધા હતા. તે અવિશ્વસનીય ઇનિંગ હતી."

બીબીસી ગુજરાતી

ગુજરાત ટાઇટન્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદ

  • ગુજરાતે હૈદરાબાદને 34 રનથી હરાવ્યું હતું
  • ગુજરાત ટાઇટન્સ: 188/9 (20 ઓવર), શુભમન ગિલ 101 રન, ભુવનેશ્વર કુમાર 5/30
  • સનરાઇઝર્સ હૈદરાબાદ: 154/9 (20 ઓવર), હેનરિક ક્લાસેન 64 રન, મોહમ્મદ શમી 4/21
  • શુભમન ગિલ મૅન ઑફ ધ મૅચ
બીબીસી ગુજરાતી

પ્લેઑફમાં પહોંચ્યું ગુજરાત

મોહમ્મદ શમી

ઇમેજ સ્રોત, Getty Images

હૈદરાબાદ સામે શુભમન ગિલે બૅટથી કમાલ કર્યો હતો, ત્યારે બૉલથી મોહમ્મદ શમી છવાયા હતા.

શમીએ માત્ર 21 રન આપીને ચાર વિકેટ લીધી હતી. આ સાથે જ તેમના નામે આઈપીએલની વર્તમાન સિઝનમાં 23 વિકેટ થઈ ગઈ છે અને પર્પલ કૅપ તેમના માથે આવી ગઈ છે.

ગુજરાતને હૈદરાબાદ સામે 34 રને મળેલી જીતમાં ચાર વિકેટ લઈને મોહિત શર્માએ યોગદાન આપ્યું છે.

જીત સાથે ગુજરાત ટાઇટન્સ પ્લેઑફમાં પહોંચાડનારી પ્રથમ ટીમ બની ગઈ છે.

ગુજરાતના કપ્તાન હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે, “મને અમારા ખેલાડીઓ પર ગર્વ છે. અમે બીજી વખત આઈપીએલ રમી રહ્યા છીએ અને બીજીવાર પ્લેઑફમાં છીએ. અમારા ખેલાડીઓએ યોગ્ય જગ્યાએ ફોકસ કર્યું, તેથી અમે અહીં છીએ.”

ગુજરાત ટાઇટન્સ ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે અને તેનો ઇરાદો ખિતાબ બચાવવાનો છે.

તેની માટે તેમની પાસે એક જ પ્લાન છે, જે અંગે સોમવારે શુભમન ગિલે વાત કરી હતી.

ગિલે કહ્યું હતું કે, “અમારી ટીમ સૌથી ખુશ છે. અમારી ટીમ પ્રોસેસથી રમતી ટીમ છે. અમારું ફોકસ રિઝલ્ટ પર નહીં, પરંતુ પ્રોસેસ પર હોય છે."

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી