ગુજરાત સામે સૂર્યકુમારે છેલ્લા બૉલે મારેલો એ શૉટ, જેને આખા સ્ટેડિયમે ઊભા થઈને વધાવી લીધો

સૂર્યકુમાર

ઇમેજ સ્રોત, Getty Images

IPLમાં શુક્રવારે 57મી મૅચ મુંબઈના વાનખેડ સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ અને તેમાં મુંબઈએ પ્રથમ બેટિંગ કરીને ગુજરાતને 219 રનનો લક્ષ્યાંક આપ્યો. જોકે, ચર્ચા મુંબઈના સ્ટાર બૅટ્સમૅન સૂર્યકુમાર યાદવની રહી, જેમણે 49 બૉલમાં છ સિક્સ સાથે 11 ફોરની મદદથી 103 રન કર્યા.

આઈપીએલમાં સૂર્યુકુમાર યાદવની આ પ્રથમ સદી છે. મુંબઈની એક સમયે ધડાધડ ત્રણ વિકેટ પડી ગઈ હતી, જોકે એ બાદ સૂર્યકુમારે બાજી સંભાળી લીધી અને ધૂંઆધાર બેટિંગ કરી. સૂર્યકુમાર અને વિષ્ણુ વિનોદે 65 રનની ભાગીદારી નોંધાવી. વિનોદ આઉટ થયા બાદ પણ સૂર્યકુમારના બૅટમાંથી રન સતત નીકળતા રહ્યા. એટલું જ નહીં, એમણે ઇનિંગના અંતિમ બૉલ પર સિક્સ ફટાકરીને પોતાની સદી પૂર્ણ કરી. આ સાથે જ સ્ટેડિયમમાં હાજર લોકો ઊભા થઈ ગયા અને સૂર્યકુમારને વધાવી લીધા.

મુંબઈને જે ઝડપથી રન બનાવવાની જરૂર હતી એનો આરંભ ઇશાન કિશન અને રોહિત શર્માએ કર્યો. જોકે, સાતમી ઓવરના પ્રથમ બૉલે જ રોહિત શર્મા 29 રન કરીને આઉટ થઈ ગયા. એ જ ઓવરમાં રાશિદ ખાને ઈશાન કિશનને પણ એલબીડબલ્યુ આઉટ કર્યા. નવમી ઓવરમાં ખાને મુંબઈની વધુ એક મહત્ત્વની વિકેટ લીધી અને નિહાલ વઢેરા માત્ર 15 રન કરીને જ આઉટ થઈ ગયા. પણ એ બાદ આવેલા સૂર્યકુમારે શાનદાર બેટિંગ કરી અને સોને મંત્રમુગ્ધ કરી દીધા.

હાલના સમયે પૉઇન્ટ ટેબલ પર ગુજરાત 11માંથી 8 મૅચ જીતીને 16 પૉઇન્ટ્સ પર ટૉપ પર છે. તો બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સ 11માંથી 6 મૅચ જીતીને 12 પૉઇન્ટ્સ સાથે ચોથા ક્રમે છે.

2018માં રોહિત શર્માએ સૂર્યકુમારને મુંબઈ ઇન્ડિયન્સ માટે ખરીદ્યા ત્યારથી તેમના નસીબે જોરદાર પલટો માર્યો છે. સૂર્યકુમાર મુંબઈ ઇન્ડિયન્સની કરોડરજ્જુ બન્યા છે.

ગ્રે લાઇન

ટીમમાં સામેલ થવા જોવી પડી હતી રાહ

સૂર્યકુમાર

ઇમેજ સ્રોત, ANI

ભારતીય ક્રિકેટની વર્તમાન ટીમના કદાચ સૌથી મોટા ફટકાબાજ સૂર્યકુમાર યાદવે ટીમમાં સ્થાન મેળવવા માટે લાંબો સમય રાહ જોવી પડી છે.

સૂર્યકુમારે 2010ની 15 ડિસેમ્બરથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી, પરંતુ દેશ માટે સૌપ્રથમવાર રમવાની તક તેમને 2021માં મળી હતી. તેનો અર્થ એ થયો કે ડૉમેસ્ટિક ક્રિકેટથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ માટે તેમણે 11 વર્ષ રાહ જોવી પડી હતી.

અગાઉ ઑસ્ટ્રેલિયામાં રમાયેલી વર્લ્ડ ટી-20 ટૂર્નામૅન્ટમાં તેમણે ધમાકેદાર ફટકાબાજી વડે આખા વિશ્વને આશ્ચર્યચકિત કરી નાખ્યું છે.

ભારતીય ટીમને વર્લ્ડ ટી-20 ટૂર્નામેન્ટના સેમિફાઈનલ સુધી પહોંચાડવામાં સૂર્યકુમારે મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

તેમને 360 ડિગ્રી બૅટ્સમૅન કહેવામાં આવે છે. તેનો અર્થ એ કે, તેઓ મેદાનના દરેક હિસ્સામાં શોટ ફટકારી શકવાની ક્ષમતા ધરાવતા બૅટર છે.

આ કૌશલ્યને કારણે તેમની સરખામણી એ.બી.ડિવિલિયર્સ સાથે કરવામાં આવી રહી છે. જોકે, સૂર્યકુમાર યાદવ માટે આ સફર ઉતાર-ચડાવ ભરેલી રહી છે.

ડૉમેસ્ટિક ક્રિકેટમાં ઢગલો રન કરતા હતા, ત્યારે રાષ્ટ્રીય ટીમમાં સ્થાન ન મળવા છતાં સૂર્યકુમારે આશા છોડી ન હતી.

ગ્રે લાઇન

માઈક હસી આદર્શ

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સંઘર્ષના દિવસોમાં સૂર્યકુમાર ઑસ્ટ્રેલિયાના એક ક્રિકેટર માઈક હસીને પોતાના આદર્શ માનતા રહ્યા હતા. ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં મહાન ખેલાડીઓ સામેલ હોવાના કારણે માઈક હસીએ પણ દસ વર્ષ સુધી રાહ જોવી પડી હતી.

તેમણે આ બાબતે કોઈ ફરિયાદ કે નારાજગી વ્યક્ત કરી ન હતી. તેઓ રનના ઢગલા ખડકતા રહ્યા હતા અને આખરે તેમને તક મળી હતી.

સૂર્યકુમારે આઈપીએલની 2014ની સીઝનથી કોલકાતા નાઈટ રાઇડર્સ માટે રમવાનું શરૂ કર્યું હતું. એ સમયે ગૌતમ ગંભીર કોલકાતા નાઈટ રાઇડર્સના કૅપ્ટન હતા.

પ્રેકટિસ દરમિયાન ગૌતમ ગંભીર તેમને ‘સ્કાય’ કહીને બોલાવતા હતા. સૂર્યકુમારે પહેલાં તો તેના પર ધ્યાન આપ્યું નહોતું, પરંતુ આ બાબતે તેમણે પૂછ્યું ત્યારે ગૌતમ ગંભીરે કહ્યું હતું કે, “સૂર્યકુમાર યાદવ નામના પહેલા પ્રત્યેક અક્ષર (એસકેવાય)ને જોડીએ તો સ્કાય શબ્દ બને છે.”

બહુ ઓછા લોકોને ખબર હશે કે, ટી20 વર્લ્ડકપની તૈયારી માટે સૂર્યકુમારે મુંબઈના પારસી જીમખાનામાં ગ્રીન પીચ બનાવવાની વિનંતી કરી હતી. ગ્રીન પીચ પર બૉલ ઊછળતો હોય છે.

મુંબઈના ભૂતપૂર્વ ખેલાડી વિનાયક માનેના માર્ગદર્શન હેઠળ સૂર્યકુમારે તે પીચ પર અથાક અભ્યાસ કર્યો હતો. વરિષ્ઠ ખેલ પત્રકાર મકરંદ વાયંગકરે એક ટ્વીટમાં લખ્યુ હતું કે, “દરરોજ ચાર કલાકના સત્રમાં તેમણે સૂર્યકુમારના વિવિધ સ્ટ્રોકને વધારે કૉમ્પેક્ટ તથા સટીક બનાવવા માટે કામ કર્યું હતું.”

રેડ લાઇન
રેડ લાઇન