યશસ્વી જયસ્વાલે છગ્ગો મારીને જીત સાથે પોતાની સદી પૂરી ન કરવા માટે શું કારણ આપ્યું?

આઈપીએલ 2023

ઇમેજ સ્રોત, ANI

    • લેેખક, મોહમ્મદ શાહિદ
    • પદ, બીબીસી સંવાદદાતા

"અમને તેમની (બેટિંગ) ની આદત પડી ગઈ છે. અમે જાણીએ છીએ કે યશસ્વી જયસ્વાલ શું કરી શકે છે. જ્યારે તેઓ બેટિંગ કરે છે તો બૉલર્સ જાણે છે કે પાવરપ્લેમાં તેઓ કેવું પ્રદર્શન આપશે. તેઓ તેને ઘણું એન્જૉય કરે છે."

પોસ્ટ મૅચ સૅરિમનીમાં રાજસ્થાન રૉયલ્સના કૅપ્ટન સંજુ સૅમસનના આ શબ્દો હતા. રાજસ્થાને ગુરુવારે કોલકાતા નાઇટરાઇડર્સ સામે નવ વિકેટે મૅચ જીતી અને આ મૅચના સૌથી મોટા હીરો રહ્યા યશસ્વી જયસ્વાલ.

જોકે, કોલકાતા નાઇટરાઇડર્સનો સ્કોર 149 રન પર રોકવામાં રાજસ્થાનના બૉલર્સ અને ફીલ્ડર્સનું મોટું યોગદાન રહ્યું. રાજસ્થાન તરફથી રમી રહેલા યુજવેન્દ્ર ચહલે 25 રન આપીને ચાર વિકેટ લીધી. આ સાથે જ તેઓ આઈપીએલમાં સર્વાધિક (187) વિકેટ લેનારા બૉલર પણ બની ગયા.

આ બધા સિવાય ગુરુવારે કોલકાતાના ઈડન ગાર્ડનમાં માત્ર એક જ નામ ગુંજતું રહ્યું અને એ હતું યશસ્વી જયસ્વાલનું...

યશસ્વીએ 13 બૉલમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અડધી સદી પૂર્ણ કરી. જે આઈપીએલની સૌથી ઝડપી અડધી સદી છે. આ પહેલાં કેએલ રાહુલ અને પૅટ કમિન્સ પાસે આ રૅકર્ડ હતો. બંનેએ 14 બૉલમાં અડધી સદી ફટકારી હતી.

યશસ્વીએ ગુરુવારની મૅચમાં 47 બૉલમાં 12 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકારીને અણનમ 98 રન માર્યા. તેમણે 208ના સ્ટ્રાઇક રેટથી આ રન બનાવ્યા હતા.

આ સાથે જ આઈપીએલની આ સિઝનમાં તેમના 575 રન થઈ ગયા અને તેઓ ઑરેન્જ કૅપથી માત્ર એક રન દૂર છે.

હાલમાં ઑરેન્જ કૅપ રૉયલ ચેલેન્જર્સ બૅંગ્લોરના કૅપ્ટન ફાફ ડુપ્લેસી પાસે છે. જેમના 576 રન છે.

ગ્રે લાઇન

યશસ્વીનો યશ

આઈપીએલ 2023

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કોલકાતા નાઇટરાઇડર્સે જ્યારે રાજસ્થાન રૉયલ્સને 150 રનોનો લક્ષ્યાંક આપ્યો ત્યારે લાગી રહ્યું હતું કે આ લક્ષ્ય આરામથી પાર કરી શકાય એમ છે. પણ એ આટલા આરામથી પાર થશે, તેનો અંદાજ પણ નહોતો.

પહેલી જ ઓવરમાં યશસ્વીએ નીતિશ રાણાની બૉલિંગનો સામનો કર્યો તો કોઈ શરમ રાખ્યા વગર 26 રન ફટકારી નાખ્યા. બીજી ઓવરમાં જૉસ બટલર આઉટ થયા. ત્યાર પછી રાજસ્થાનની ઇનિંગમાં એક પણ વિકેટ પડી ન હતી.

યશસ્વી જયસ્વાલને યશ ભલે આઈપીએલથી મળ્યો હોય પરંતુ તેમની આ ધમાકેદાર બેટિંગની ઘડામણ ડૉમેસ્ટિક ક્રિકેટથી જ થઈ છે.

પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૅફનું કહેવું છે કે "યશસ્વી જયસ્વાલ પ્રૉપર ગેમ રમે છે. તેઓ સૂર્યકુમાર યાદવની જેમ વીડિયો ગેમ રમતા નથી. તેમણે દરેક બૉલ પર કટ, ડ્રાઇવ જેવા શૉટ્સ રમ્યા. જે દર્શાવે છે કે તેમની પાસે ટૅકનિક છે."

યશસ્વી જયસ્વાલ માત્ર એક ગેમના ખેલાડી નથી. તેઓ સતત દરેક મૅચ અને સિરિઝમાં ચાલે છે.

વર્ષ 2020માં તેમણે રાજસ્થાન રૉયલ્સ તરફથી આઈપીએલમાં ડૅબ્યૂ કર્યું હતું. તે વર્ષે તેઓ માત્ર ત્રણ મૅચ રમ્યા હતા અને 40 રન બનાવ્યા હતા, પરંતુ એ માત્ર શરૂઆત હતી કારણ કે તેમણે ધીરેધીરે પોતાની બેટિંગને ધાર આપી છે.

2021માં યશસ્વી 10 મૅચ રમ્યા. જેમાં તેમણે 148ના સ્ટ્રાઇક રેટથી 249 રન બનાવ્યા. આ દરમિયાન તેમણે આઈપીએલમાં પ્રથમ અડધી સદી ફટકારી. તેમની બેટિંગમાં પણ સતત સુધારો જોવા મળ્યો હતો.

વર્ષ 2022માં તેઓ 10 મૅચ રમ્યા. જેમાં 132ના સ્ટ્રાઇક રેટથી 258 રન ફટકાર્યા. આ વર્ષે પણ તેમણે એક અડધી સદી મારી.

આ વર્ષે આઈપીએલમાં તેઓ 12 મૅચ રમી ચૂક્યા છે અને અત્યાર સુધી તેમણે 575 રન બનાવી દીધા છે. જેમાં એક સદી અને ચાર અડધી સદીનો સમાવેશ થાય છે.

યશસ્વીની બેટિંગનું અનુમાન એ વાતથી જ લગાવી શકાય છે કે તેમણે મુંબઈ ઇન્ડિયન્સ જેવી ટીમ સામે પોતાની પ્રથમ આઈપીએલ સદી ફટકારી હતી તેમણે મુંબઈના હોમ ગ્રાઉન્ડ વાનખેડેમાં 124 રન ફટકાર્યા હતા.

યશસ્વીએ આ આઈપીએલ સિઝનમાં અત્યાર સુધી 344 બૉલનો સામનો કર્યો છે. જેમાં 74 ચોગ્ગા અને 26 છગ્ગાનો સમાવેશ થાય છે. તેમનું ઍવરેજ 52.27 અને સ્ટ્રાઇક રેટ 167.15નો રહ્યો છે. જે તેમની કાબેલિયતને રજૂ કરે છે.

ગ્રે લાઇન

યશસ્વીએ સદી કેમ ન ફટકારી?

આઈપીએલ 2023

ઇમેજ સ્રોત, ANI

ગુરુવારની મૅચમાં જ્યારે રાજસ્થાનને જીતવા માટે ત્રણ રનની જરૂર હતી અને યશસ્વી જયસ્વાલ 94 રનના સ્કોર પર રમી રહ્યા તા. ત્યારે 12મી ઓવરના અંતિમ બૉલ પર સંજુ સૅમસને એક પણ રન ન લીધો. એવું લાગી રહ્યું હતું કે સૅમસને જાણી જોઈને યશસ્વી માટે સ્ટ્રાઇક છોડી જેથી તેઓ છગ્ગો મારીને પોતાની સદી પૂર્ણ કરી શકે.

સંજુ સૅમસને ઇશારામાં યશસ્વીને લાંબો શૉટ ફટકારવા કહ્યું, પરંતુ યશસ્વીએ છગ્ગાની જગ્યાએ ચોગ્ગો મારીને મૅચ જીતાવી દીધી.

પોસ્ટ મૅચ સૅરેમની દરમિયાન યશસ્વીને ક્રિકેટ કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ પૂછ્યું હતું કે શું તેમના દિમાગમાં સદી વિશે કંઈ ચાલી રહ્યું હતું?

તેનો જવાબ આપતા યશસ્વીએ કહ્યું, "હું એ જ વિચારીને રમી રહ્યો હતો કે અમારી ટીમનો નેટ રનરેટ ઊંચો રહે. કારણ કે હું અને સંજુભાઈ એ વાત કરી રહ્યા હતા કે જો અમે ઝડપથી સ્કોર કરીશું તો અમારો નેટ રનરેટ ઊંચો રહેશે. એટલે હું ત્યાં જ શૉટ મારી રહ્યો હતો, જ્યાં હું મારી શકું તેમ હતો."

રાજસ્થાનની ઇનિંગની બીજી જ ઓવરમાં જૉસ બટલર સંકલનના અભાવે રનઆઉટ થયા હતા.

આ રનઆઉટને લઈને જ્યારે યશસ્વીને સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું, "મને લાગે છે કે ગેમમાં આવું થતું રહે છે અને કોઈ જાણી જોઈને આમ કરતું નથી. પણ આમ થયા બાદ મારા પર જવાબદારી વધી ગઈ હતી કે હું ગેમને આગળ વધારું. હું વિચારી જ રહ્યો હતો એવામાં સંજુભાઈએ આવીને કહ્યું કે કોઈ ચિંતા ન કર અને પોતાની ગેમ પર ધ્યાન આપ."

યશસ્વીએ પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે તેમણે જ્યારે અડધી સદી ફટકારી ત્યારે તેમને ખબર ન હતી કે તે આઈપીએલની સૌથી ઝડપી અડધી સદી છે. તેમને મૅચ બાદ આ વાત જાણવા મળી હતી.

આઈપીએલ 2023

પ્લેઑફની તસવીર હજુ પણ અસ્પષ્ટ

આઈપીએલ 2023

ઇમેજ સ્રોત, ANI

આ જીત સાથે રાજસ્થાન રૉયલ્સ પૉઇન્ટ્સ ટેબલમાં પાંચમા ક્રમાંકેથી ત્રીજા ક્રમાંકે પહોંચી ગયું છે. પરંતુ અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે પ્લેઑફમાં કઈ-કઈ ટીમ પહોંચશે.

આઈપીએલમાં હવે દરેક મૅચ બાદ પ્લેઑફની તસવીર સ્પષ્ટ થવા લાગશે. ગુરુવારની હાર બાદ કોલકાતા નાઇટરાઇડર્સ છઠ્ઠા ક્રમાંકથી ખસીને સાતમા ક્રમાંકે પહોંચી ગયું છે.

જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ નવમા ક્રમાંકે છે અને દિલ્હી કૅપિટલ્સ 10મા ક્રમાંકે.

હૈદરાબાદની હજી ચાર મૅચ બાકી છે, જ્યારે દિલ્હીની પણ ત્રણ મૅચ બાકી છે. જો આ ટીમો ઘણા ઊંચા રનરેટ સાથે તમામ મૅચ જીતે તો તેઓ પણ પ્લેઑફ સુધી પહોંચી શકે છે.

આ દૃષ્ટિએ કોઈ પણ ટીમ માચે કંઈ સ્પષ્ટપણે કહી શકાય એમ નથી. કોઈ પણ ટીમ આઈપીએલમાં કોઈ પણ ક્રમાંકે પહોંચી શકે છે, એ વાત પણ સાબિત થઈ ગઈ છે.

જો મૅચોની વાત કરીએ તો આજે શુક્રવારે મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મૅચ યોજાશે. ગુજરાત હાલ 16 પૉઇન્ટ્સ સાથે ટેબલમાં સૌથી ટોચ પર છે અને મુંબઈ 12 પૉઇન્ટ્સ સાથે ચોથા ક્રમાંકે છે.

ગુજરાત ટોચ પર હોવા છતા એ સ્પષ્ટ નથી કે શું તેઓ પ્લેઑફ સુધી પહોંચશે કે કેમ? કારણ કે હજી પણ અન્ય ટીમોની ત્રણ-ચાર મૅચો બાકી છે.

રેડ લાઇન
રેડ લાઇન