સચીન તેંડુલકરની એ જાદુઈ ઇનિંગ જેના કારણે તેઓ કહેવાયા 'ક્રિકેટના ભગવાન'

સચીન તેંડુલકર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, પ્રદીપ કુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બૅટ્સમેન અને માસ્ટર બ્લાસ્ટર નામથી પ્રસિદ્ધ સચીન તેંડુલકરનો આજે 50મો જન્મદિવસ છે.

22 ઍપ્રિલ, 1998ના રોજ પોતાના જન્મદિવસના બે દિવસ પહેલાં તેંડુલકરે શારજાહ સ્ટેડિયમમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મૅચમાં શાનદાર બેટિંગ કરી હતી. તે સમયે તેમની ઉંમર 25 વર્ષ હતી.

આ ઇનિંગનું મહત્ત્વ એ વાતથી સમજી શકાય છે કે ક્રિકેટના ઘણા સમીક્ષકો અને ચાહકો એ ઇનિંગ બાદ સચીનને 'ક્રિકેટના ભગવાન' કહેવા લાગ્યા.

25 વર્ષ બાદ સચીન તેંડુલકરે પોતાની ઇનિંગને યાદ કરી હતી. તેમણે શનિવારે એ ઇનિંગને 25 વર્ષ પૂર્ણ થતાં કેક પણ કાપી હતી.

સચીન તેંડુલકર સાથે તેમના ઘણા ચાહકો પણ હતા. કેક પર સચીનના શારજાહમાં 22 ઍપ્રિલ 1998ના રોજ રમવામાં આવેલી ઇનિંગની તસવીર પણ લાગેલી હતી. આ ઇનિંગને 'ડેઝર્ટ સ્ટૉર્મ' તરીકે પણ યાદ કરવામાં આવે છે.

સચીન તેંડુલકર

ઇમેજ સ્રોત, ANI

કોકાકોલા કપના ફાઇનલમાં ભારતીય ક્રિકેટ ટીમ પહોંચશે કે નહીં, તે ઑસ્ટ્રેલિયા સામે રમાનારી એ મૅચથી નક્કી થવાનું હતું.

સ્ટીવ વૉએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. માઇકલ બેવને અણનમ 101 રન અને માર્ક વૉના જોરદાર 81 રનના કારણે ઑસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 284 રન ફટકાર્યા.

ભારતને ફાઇનલમાં પહોંચવા માટે 254 રન બનાવવા હતા. ત્યારે નેટ રનરેટ પ્રમાણે ન્યૂઝીલૅન્ડને પાછળ છોડી શકતી હતી.

સચીન તેંડુલકર ટીમના ઓપનિંગ બૅટ્સમેનની ભૂમિકામાં હતા.

29 ઓવર સુધીમાં ભારતે ચાર વિકેટ ગુમાવી દીધી હતી અને ટીમનો સ્કોર હતો 138 રન. ત્યારે જ ધૂળની ડમરીઓ ઉડી પણ સચીન પીચ પર ટકી રહેલા હતા.

એ વિશે સચીન તેંડુલકરે પોતાની આત્મકથા 'પ્લેઇંગ ઇટ માય વે'માં લખ્યું છે, "મેં મારા જીવનમાં ક્યારેય ધૂળની ડમરીઓ જોઈ નહોતી. જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હતો."

"હું પાંચ ફૂટ પાંચ ઇંચનો હતો. હું ડરી ગયો હતો. મને એમ હતું કે તોફાન મને ઉડાવી શકે છે."

"તેથી હું ઑસ્ટ્રેલિયન વિકેટકીપર ઍડમ ગિલક્રિસ્ટની પાછળ ઊભો રહ્યો કે જો હું ઉડવા લાગું તો તેમને પકડી લઉં."

ગ્રે લાઇન

સચીનની યાદગાર ઇનિંગ્સ

સચીન તેંડુલકર

ઇમેજ સ્રોત, PTI

જોકે, આ ડમરીઓ તેંડુલકરને ન રોકી શકી. માહોલ શાંત થયા બાદ મૅચ પાછી ચાલુ થઈ ત્યારે ભારતને જીતવા માટે 46 ઓવરમાં 276 રન બનાવવાના હતા અને ફાઇનલમાં પહોંચવા માટે 237 રન. એટલે કે 17 ઓવરમાં ઓછામાં ઓછા 100 રન બનાવવાના હતા.

સચીન તેંડુલકરે એકલાહાથે મોરચો સંભાળ્યો અને આવતાની સાથે જ ઑસ્ટ્રેલિયન બૉલર ટૉમ મૂડીના બૉલ પર છગ્ગો ફટકારી દીધો.

તેમણે 131 બૉલમાં નવ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 143 રન માર્યા હતા.

તેંડુલકરની આ ઇનિંગના કારણે ભારતીય ટીમ મૅચ તો ન જીતી શકી પણ ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી.

તેમની ઇનિંગના કારણે લોકો 'સૅન્ડ સ્ટૉર્મ' (ધૂળની ડમરીઓ)ને ભૂલી ગયા અને એ મૅચને 'સચીન સ્ટૉર્મ' નામથી યાદ રાખવા લાગ્યા.

સચીને પોતાની એ ઇનિંગમાં ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બૉલર કાસ્પરોવિજને આંચકો આપ્યો હતો, ડૅમિયન ફ્લેમિંગને ભરોસો નહોતો થઈ રહ્યો અને શેન વૉર્ને તો બાદમાં એમ પણ કહ્યું હતું કે સચીનના છગ્ગા તેમને સપનામાં ડરાવતા હતા.

જો સચીન તેંડુલકર 43મી ઓવરમાં ડેમિયન ફ્લેમિંગના બૉલ પર આઉટ ન થયા હોત તો તેઓ મૅચને જીતાડવાની સ્થિતિમાં હતા.

ગ્રે લાઇન

ત્યાર પછીની મૅચ

સચીન તેંડુલકર

ઇમેજ સ્રોત, Getty Images

જે બૉલ પર તેમને આઉટ આપવામાં આવ્યા, તેને સચીન સહિત તમામ વિશ્લેષકો નો-બૉલ માનતા હતા. સચીનની આ ઇનિંગને લોકો 25 વર્ષ બાદ પણ ભૂલ્યા નથી. તેમની સાથેસાથે ટીવી પર મૅચની કૉમેન્ટરી કરી રહેલા ટોની ગ્રેગનો અવાજ પણ લોકોને યાદ છે.

જોકે, એ મૅચમાં સચીન જે ન કરી શક્યા, તે તેમણે તેના બે દિવસ બાદ 24 ઍપ્રિલે રમાયેલી ફાઇનલમાં પૂરું કરીને બતાવ્યું.

તેમણે ફાઇનલમાં 131 બૉલમાં 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 134 રન ફટકાર્યા હતા. તેમની શતકીય ઇનિંગના કારણે ભારતે કોકાકોલા કપ જીતી લીધો હતો.

બાદમાં પ્રેસ કૉન્ફરન્સમાં ઑસ્ટ્રેલિયન કૅપ્ટન સ્ટીવ વૉએ કહ્યું પણ હતું કે તેમની ટીમ સચીન તેંડુલકર સામે હારી ગઈ.

સચીન તેંડુલકરે પોતાના કરિયરમાં 100 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી પરંતુ જ્યારેજ્યારે તેમણે ફટકારેલી ખાસ સદીઓની વાત થાય છે તો શારજાહમાં સતત બે મૅચોમાં ફટકારવામાં આવેલી બે સદીઓની વાત સૌથી પહેલાં થાય છે.

રેડ લાઇન
રેડ લાઇન