એ ટેસ્ટ મૅચ જેમાં ભારતીય ટીમે ફૉલો-ઑન છતાં કાંગારુઓનો ‘વિજયરથ’ રોકી ઇતિહાસ સર્જી દીધો

ભારતીય ટીમે ઐતિહાસિક જીતની ખુશી મનાવી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતીય ટીમે ઐતિહાસિક જીતની ખુશી મનાવી હતી
બીબીસી ગુજરાતી
  • અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની અંતિમ ટેસ્ટમૅચ ભારત માટે મહત્ત્વપૂર્ણ છે
  • જો ભારત આ ટેસ્ટ મૅચમાં જીત હાંસલ કરે તો તે માત્ર સિરીઝમાં જીત મેળવવામાં જ સફળ નહીં રહે પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પણ જગ્યા બનાવી લેશે
  • અમદાવાદની આ મૅચનું મહત્ત્વ જાણીને પ્રતિષ્ઠિત બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની ઇડન ગાર્ડનમાં રમાયેલી ટેસ્ટમૅચ યાદ આવી જાય એ સ્વાભાવિક છે. આ એક ઐતિહાસિક મૅચ હતી.
બીબીસી ગુજરાતી

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (અગાઉના સરદાર પટેલ – મોટેરા સ્ટેડિયમ) બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની ચોથી અને ફાઇનલ ટેસ્ટમૅચ રમાઈ રહી છે.

આ મૅચ જીતવું એ ભારત માટે ખૂબ જ અગત્યનું છે. જો ભારત આ મૅચ જીતે તો જૂન માસમાં યોજાનાર વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં તે ઑસ્ટ્રેલિયાનો સામનો કરશે.

આ સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાને રહેલ ઑસ્ટ્રેલિયન ટીમને હરાવીને સતત ચોથી વખત પ્રતિષ્ઠિત બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી જીતી લેશે.

આ મૅચનું મહત્ત્વ જાણીને વર્ષ 2001ની બૉર્ડર ગાવસ્કર ટ્રૉફીની પશ્ચિમ બંગાળના કોલકાતાના આઇકૉનિક ક્રિકેટ મેદાન ઇડન ગાર્ડન્સમાં રમાયેલ ટેસ્ટમૅચની પણ યાદ આવે એ સ્વાભાવિક છે.

આ ટેસ્ટ મૅચમાં સૌરવ ગાંગુલીની આગેવાનીવાળી ટીમ ઇન્ડિયાએ ફૉલો-ઑન બાદ ‘અજય’ મનાતી ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને હરાવીને ટીમનું નામ ઇતિહાસમાં સામેલ કરી લીધું હતું.

સાથે જ આ જીતથી ટીમનું મનોબળ એવું તો વધ્યું કે મુંબઈ ખાતે સિરીઝની પ્રથમ ટેસ્ટ મૅચ દસ વિકેટે હાર્યા બાદ પાછળની બંને ટેસ્ટ મૅચોમાં જીત નોંધાવીને ભારતે સિરીઝ પર કબજો કરી લીધો હતો.

ગ્રે લાઇન

‘ટેસ્ટ ઇતિહાસની સૌથી યાદગાર મૅચો પૈકી એક’

સતત 17મી ટેસ્ટમૅચ જીતવાની ઑસ્ટ્રેલિયન ટીમની આશા પર પાણી ફરી વળ્યું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સતત 17મી ટેસ્ટ મૅચ જીતવાની ઑસ્ટ્રેલિયન ટીમની આશા પર પાણી ફરી વળ્યું

મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ભારતીય ટીમને દસ વિકેટે હરાવનાર સ્ટીવ વૉની આગેવાનીવાળી ઑસ્ટ્રેલિયન ટીમ સતત 16 ટેસ્ટ મૅચો જીતીને સિરીઝની આગામી મૅચો જીતવા માટે ફૅવરિટ મનાઈ રહી હતી.

ઑસ્ટ્રેલિયન ટીમ પાસે સ્ટાર ખેલાડીઓની પણ કોઈ કમી નહોતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મૅથ્યૂ હેડન, જસ્ટિન લૅંગર, સ્ટીવ વૉ, માર્ક વૉ અને રિકી પૉન્ટિંગ જેવા દિગ્ગજો પાસે બેટિંગ ધુરા હતી તો ગ્લેન મેકગ્રા, જેસ ગિલિસ્પી અને શૅન વૉર્ન સ્વરૂપે વિશ્વનો કદાચ સૌથી કારગત બૉલિંગ ઍટેક પણ ઑસ્ટ્રેલિયા પાસે જ હતો.

ઑસ્ટ્રેલિયાની આત્મવિશ્વાસથી ભરેલ ટીમે ટૉસ જીત્યો અને પ્રથમ બેટિંગ કરવાનું ઠરાવ્યું.

ઑસ્ટ્રેલિયન ટીમે સ્ટીવ વૉની સદીની મદદથી 445 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો.

રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, વીવીએસ લક્ષ્મણ અને સચીન તેંડુલકર જેવા સ્ટાર ખેલાડીઓવાળી ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં ઑસ્ટ્રેલિયાના બૉલિંગ ઍટેક સામે માત્ર 171 રને જ સમેટાઈ ગઈ.

દબાણ હેઠળ રહેલ ભારતીય ટીમ સામે હજુ 276 રનની જંગી લીડ હતી. મહેમાન ટીમે મેજબાન ટીમને ફૉલો-ઓન આપવાનું નક્કી કર્યું.

ટેસ્ટ ક્રિકેટમાં ફૉલો-ઑન એટલે હારની ગૅરંટી એવું મનાતું.

ફૉલો-ઑન મેળવી ફરી પાછી બેટિંગ કરવા ઊતરેલી ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયાના બૉલિંગ આક્રમણ સામે કડડભૂસ થઈ જશે તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી હતી.

પરંતુ ઇડન ગાર્ડન્સના ઐતિહાસિક મેદાન પર તો સૌરવ ગાંગુલીની આગેવાનીવાળી ટીમ ઇતિહાસ બદલવાના મૂડમાં ઊતરી હોય તેવું લાગી રહ્યું હતું.

ગ્રે લાઇન

લક્ષ્મણ-દ્રવિડની ઐતિહાસિક પાર્ટનરશિપ

ઇડન ગાર્ડન્સમાં રમાયેલી આ ઐતિહાસિક મૅચમાં લક્ષ્મણ-દ્રવિડની જોડીએ ઑસ્ટ્રેલિયન બૉલરોને હંફાવ્યા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇડન ગાર્ડન્સમાં રમાયેલી આ ઐતિહાસિક મૅચમાં લક્ષ્મણ-દ્રવિડની જોડીએ ઑસ્ટ્રેલિયન બૉલરોને હંફાવ્યા હતા

ટેસ્ટ મૅચના ત્રીજા દિવસે ફૉલો-ઑન મેળવીને ફરી બેટિંગ કરવા ઊતરેલી ભારતીય ટીમ તમામ આશંકાઓને ખોટી પાડીને દિવસના અંત સુધી 250 રન બનાવી લીધા હતા.

ચોથા દિવસે ક્રીઝ પર ભારતીય બેટિંગ લાઇનઅપના ‘ધ વૉલ’ રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણ ટકેલા હતા.

જોતજોતામાં જોડીએ 376 રનની ઐતિહાસિક પાર્ટનરશિપ નોંધાવી.

પાંચમા દિવસની રમત શરૂ થઈ ત્યારે મૅચના સ્ટાર વીવીએસ લક્ષ્મણ 281 રન બનાવી આઉટ થયા અને રાહુલ દ્રવિડ પણ 180 રનના વ્યક્તિગત સ્કોરે રનઆઉટ થયા.

તેની થોડી વાર બાદ જ કપ્તાન સૌરવ ગાંગુલીએ સાત વિકેટે 657 રનના સ્કોરે ભારતનો દાવ ડિક્લેર કરી દીધો.

પાંચમા દિવસે મૅચ જીતવા માટે ઑસ્ટ્રેલિયાની ટીમે 75 ઓવરમાં 384 રનનો ટાર્ગેટ હાંસલ કરવાનો હતો.

ઑસ્ટ્રેલિયાની પાંચ વિકેટ ખેરવીને યુવાન હરભજનસિંહે મહેમાનોની મુશ્કેલી વધારી દીધી.

પરિણામ એ આવ્યું જેની કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય.

પ્રથમ ઇનિંગમાં સરેરાશ પ્રદર્શન કરનારી ભારતની ટીમ આખરે ક્રિકેટજગતમાં દબદબો ધરાવનાર ઑસ્ટ્રેલિયાની ટીમને 171 રને હરાવવામાં સફળ રહી. આ જીત સાથે જ ઇડન ગાર્ડનમાં રમાયેલી આ મૅચ ઇતિહાસમાં નોંધાઈ ગઈ.

ક્રિકેટના ઇતિહાસમાં ફૉલો-ઑન મેળવનાર ટીમ જીતી હોય તેવી આ ત્રીજી ઘટના હતી.

આ પહેલાં અનુક્રમે 1894 અને 1981માં રમાયેલ ટેસ્ટ મૅચોમાં માત્ર ઇંગ્લૅન્ડની ટીમ આ સિદ્ધિ હાંસલ કરી શકી હતી.

આ સિવાય ભારતે સતત 16 ટેસ્ટમાં જીત મેળવનારી સ્ટીવ વૉની ઑસ્ટ્રેલિયન ટીમનો ‘વિજયરથ’ સફળતાપૂર્વક રોકી દીધો.

આ ટેસ્ટ મૅચમાં મળેલી જીતથી ભારતીય ટીમનો આત્મવિશ્વાસ એવો તો વધ્યો કે સિરીઝની ચેન્નાઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલ અંતિમ મૅચમાં પણ ટીમે જીત હાંસલ કરી. અને તે સમયે ‘અપરાજિત’ મનાતી ઑસ્ટ્રેલિયાની ટીમને હરાવીને કવિ દુષ્યંતની પંક્તિઓ સાર્થક કરી બતાવી.

“કૌન કહતા હૈ આસમાં મે સુરાખ નહીં હોતા, એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારો.”

રેડ લાઇન
રેડ લાઇન