નયન મોંગિયા : ઑસ્ટ્રેલિયાની ખતરનાક ટીમ સામે ભારતે ઓપનિંગમાં અખતરો કર્યો અને મૅચ જીતી

નયન મોંગિયા

ઇમેજ સ્રોત, Getty Images

1996ના ઑક્ટોબરમાં ભારતના પ્રવાસે આવેલી ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ સામે ભારતે સચીન તેંડુલકરની આગેવાનીમાં એક અખતરો કર્યો અને વિકેટકીપર નયન મોંગિયાને ઇનિંગ્સમાં પ્રારંભ કરવા ઉતાર્યા.

એ વખતે સૌને આશ્ચર્ય થયું હતું કે ફિરોઝશાહ કોટલા ખાતે ગ્લેન મેકગ્રા, પૉલ રાઇફલ અને બ્રેડ હોગ જેવા ધુરંધરો સામે બરોડાની રણજી ટીમના આ વિકેટકીપર કેવી રીતે રમી શકશે પરંતુ મોંગિયાએ જોરદાર બેટિંગ કરી અને અંતે ભારત એ મૅચ સાત વિકેટે જીતી ગયું.

એ અરસામાં ઑસ્ટ્રેલિયાને ભારતની ધરતી પર હરાવવું પણ કઠિન હતું.

આ ઉપરાંત એ મૅચમાં નયન મોંગિયાને મૅન ઑફ ધ મૅચ પણ જાહેર કરાયા હતા.

વાત એમ હતી કે ઑક્ટોબરમાં ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ અગાઉ ભારતીય ટીમ ઇંગ્લૅન્ડના પ્રવાસે ગઈ હતી અને અઝહરુદ્દીનની આગેવાનીમાં તેઓ 0-2થી ટેસ્ટ સિરીઝ હારી ગયા હતા.

એ વખતે વિક્રમ રાઠોડ અને અજય જાડેજા ઇનિંગ્સનો પ્રારંભ કરતા હતા.

આ વાત વીરેન્દ્ર સેહવાગ નિયમિત ઓપનર બન્યા તેનાં ચાર કે પાંચ વર્ષ અગાઉની છે.

ભારત પાસે નિયમિત ઓપનર ન હતો અને નવા ઓપનરની શોધ ચાલી રહી હતી.

સચીન તેંડુલકરને આ પ્રયોગ કરતાં અગાઉ એ પણ ખબર હતી કે મોંગિયાએ આ અગાઉ પણ ટેસ્ટમાં ભારત માટે ઓપનિંગ કરેલું હતું અને તેનું યોગદાન મહત્ત્વનું એટલા માટે હતું કે તેઓ કમસે કમ પ્રારંભમાં વિકેટ બચાવી રાખતા હતા.

આમ મોંગિયાને અચાનક ઓપનિંગમાં ઉતારવામાં આવ્યા ન હતા, પણ કમાલ એ રહી કે મોંગિયાએ ઑસ્ટ્રેલિયાના એ ધુરંધર બૉલરો સામે સદી ફટકારી અને તેય 152 રન.

ગ્રે લાઇન

નયન મોંગિયાની સંઘર્ષમય કારકિર્દી

નયન મોંગિયાની કારકિર્દીમાં ઉપર વાત કરી એ ઇનિંગ સૌથી મોટો વળાંક સાબિત થઈ, કેમ કે તે અગાઉ તેને માત્ર વિકેટકીપર તરીકે જ ટીમમાં સ્થાન મળતું હતું પરંતુ હવે તેમને એક બૅટ્સમૅનની તરીકે જોવામાં આવી રહ્યા હતા.

આમ છતાં વડોદરામાં 1969ની 19મી ડિસેમ્બરે જન્મેલા નયન મોંગિયાએ કારકિર્દીમાં ઓછો સંઘર્ષ કર્યો નથી.

અન્ય ક્રિકેટરની સરખામણીએ વિકેટકીપરને વધારે સંઘર્ષ કરવો પડતો હોય છે, કેમ કે કોઈ પણ ટીમમાં વિકેટકીપર તો એક જ હોય.

બૅટ્સમૅન એક કરતાં વધારે લઈ શકાય કે ઑલરાઉન્ડર હોય તેને તકલીફ પડે નહીં.

આમાં પણ નયન મોંગિયાને તો છેક પાયાના સ્તરથી આ પ્રકારની સ્પર્ધા કરવાની આવી હતી.

કારણ એ જ કે બરોડાની રણજી ટ્રૉફી ટીમમાં કિરણ મોરે જેવા ઇન્ટરનેશનલ વિકેટકીપર હતા એટલે સ્વાભાવિકપણે જ નયન મોંગિયાને રાહ જોવી પડી.

ગ્રે લાઇન

કિરણ મોરે સાથે સ્પર્ધા

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

1984માં જુનિયર ક્રિકેટ રમવાનું શરૂ કર્યા બાદ 1989માં તો તે ભારતની અંડર-19 ટીમમાં રમતા હતા અને પાકિસ્તાનનો પ્રવાસ પણ કરી આવ્યા હતા.

તો એવી જ રીતે તે જુનિયર ટીમ સાથે ન્યૂઝીલૅન્ડમાં જઈને પણ રમી આવ્યા હતા.

પણ, જેમ કિરણ મોરેને તેમના અરસામાં ચંદ્રકાન્ત પંડિત સાથે સ્પર્ધા હતી તેવી જ રીતે નયન મોંગિયા જુનિયર હોવા છતાં તેના સ્થાન માટે તેમણે પોતાની જ રણજી ટીમના સાથી કિરણ મોરે સાથે સ્પર્ધા કરવી પડી હતી.

જોકે કિરણ મોરે અને ચંદ્રકાન્ત પંડિતને તો ભારતે ઇંગ્લૅન્ડના પ્રવાસમાં એક જ ટીમમાં સામેલ કર્યા હતા જેમાં એક વિકેટકીપર અને બીજા બૅટ્સમૅન તરીકે રમ્યા હતા પરંતુ મોંગિયાના નસીબમાં આ લખ્યું ન હતું, કેમ કે તે વખતના પસંદગીકારો આ પ્રકારનું જોખમ લેવા માગતા ન હતા અથવા તો તેઓ મોંગિયાને (કે કિરણ મોરેને પણ) નિયમિત બૅટ્સમૅન માનતા ન હતા.

આવું જ કંઈ 1993ના ઑક્ટોબરમાં રાજકોટ, વડોદરા અને વલસાડમાં રમાયેલી દુલીપ ટ્રૉફી અને દેવધર ટ્રૉફીમાં બન્યું જ્યાં કિરણ મોરેએ કીપિંગ કર્યું અને મોંગિયા પેવેલિયનમાં બેસીને પોતાનો વારો આવે તેની પ્રતીક્ષા કરતા રહ્યા. રણજી ટ્રૉફીમાં તો આવું બનતું જ રહેતું હતું.

બીબીસી ગુજરાતી

બૅટ્સમૅન તરીકે તક મળવાની શરૂઆત

મોંગિયા

ઇમેજ સ્રોત, Getty Images

બે વિદેશપ્રવાસ બાદ મોંગિયાને આખરે બરોડા માટે રણજી મૅચ રમવાની તક મળી.

પ્રારંભમાં સૌરાષ્ટ્ર સામે પોતાની પહેલી જ રણજી મૅચમાં તેઓ શૂન્ય પર આઉટ થયા, તો ગુજરાત સામે રમાયેલી બીજી મૅચમાં તેઓ ખાસ નોંધપાત્ર દેખાવ કરી શક્યા નહીં.

પણ થોડા જ દિવસ બાદ મહારાષ્ટ્ર સામે પુણે ખાતે રમાયેલી મૅચમાં તેમણે પોતાનું હીર દેખાડ્યું અને શાનદાર 80 રન ફટકારી દીધા.

મોંગિયાને ઓપનિંગમાં ઉતારવાનો વિચાર સચીનને ભલે 1996માં આવ્યો હોય પરંતુ જે સામાન્ય રમતપ્રેમી 1996માં જાણતા ન હતા તે હકીકત એ છે કે અગાઉ ભારતની અંડર-19 ટીમ માટે મોંગિયા નિયમિતપણે ઓપનિંગ જ કરતા હતા.

આવી જ રીતે તેમણે ટેસ્ટ મૅચમાં પણ ભારત માટે ઇનિંગ્સનો પ્રારંભ કર્યો હતો પરંતુ દિલ્હીની ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટની સદીએ તેમને સ્થાપિત ઓપનર બનાવી દીધા.

પુણેમાં મહારાષ્ટ્ર સામે 80 રન ફટકાર્યાના એકાદ મહિના બાદ બરોડાની ટીમ દિલ્હી સામે રમી રહી હતી જેમાં મોંગિયાએ પ્રથમ દાવમાં 41 રન ફટકાર્યા તેનાથી પ્રભાવિત થઈને તેમને પાંચમા ક્રમે મોકલવામાં આવ્યા જ્યાં તેમણે 124 બૉલમાં અણનમ 101 રન ફટકારી દીધા.

આ એ સમય હતો જ્યારે ભારતીય બૅટ્સમૅન હજી વનડેમાં પણ આ પ્રકારની આક્રમક બેટિંગ કરતા ન હતા અને ટી20 શું કહેવાય તેનો તો કોઈને વિચાર સુધ્ધાં આવ્યો ન હતો ત્યારે રણજી ટ્રૉફીમાં 124 બોલમાં 101 રન ઘણા ઝડપી કહેવાયા હતા.

અહીંથી ભારતની 15 સદસ્યની ટીમમા મોંગિયાને સ્થાન મળવા લાગ્યું પરંતુ હજી ટેસ્ટ કારકિર્દીને વાર હતી.

1990માં ભારતની ટીમ ઇંગ્લૅન્ડના પ્રવાસે ગઈ તેમાં મુખ્ય વિકેટકીપર કિરણ મોરેની સાથે મોંગિયા પણ હતા પરંતુ તેમને ભાગે માત્ર ટૂર મૅચ જ આવી હતી.

જોકે તેમાંય તેમણે પોતાની કીપિંગ અને બેટિંગથી કોઈને નિરાશ કર્યા ન હતા અને લેસ્ટરશાયર સામેની ઇંગ્લૅન્ડના ગુજરાત ગણાતા લેસ્ટર ખાતેની મૅચમાં આ ગુજરાતીએ શાનદાર અડધી સદી ફટકારી.

પ્રવાસમા તેમણે કૅચ અને સ્ટમ્પ સહિત 12 શિકાર ઝડપ્યા જ્યારે તેમના સાથી કિરણ મોરેએ ટેસ્ટ સહિત કુલ 18 શિકાર ઝડપ્યા હતા.

આમ મોંગિયાની ગણતરી હવે ઇન્ટરનેશનલ ક્રિકેટરમાં થવા લાગી હતી. 1992 બાદ તેઓ ભારતના નિયમિત વિકેટકીપર બની ગયા અને 1996ના વર્લ્ડકપમાં તો તેઓ તમામ મૅચ રમ્યા હતા.

બીબીસી ગુજરાતી

વિકેટ પાછળ પણ હાંસલ કરી સિદ્ધિ

મોંગિયા

ઇમેજ સ્રોત, Getty Images

સદાય હસતા રહેતા નયન મોંગિયાએ વિકેટ પાછળ પણ એવી જ કમાલ કરેલી છે.

ક્યારેક હરીફ ટીમનો બૅટ્સમૅન તેનાથી અકળાતો પણ હશે પરંતુ મોંગિયાએ મોટા ભાગે સ્લેજિંગનો સહારો લીધો નથી.

તેમની કારકિર્દી દરમિયાન સૌથી કપરું કીપિંગ હોય તો તે અનિલ કુંબલે સામે હતું.

એવી જ રીતે જવાગલ શ્રીનાથ અને વેંકટેશ પ્રસાદની ઝડપી બૉલિંગ સામે પણ મોંગિયાનું કીપિંગ ઝળકી ઊઠતું હતું.

શ્રીનાથની બૉલિંગમાં મોંગિયાએ 27 કૅચ ઝડપ્યા હતા, તો પ્રસાદની બૉલિંગમાં 22 અને કુંબલેના ઘાતક સ્પિન સામે તેમણે 16 શિકાર ઝડપ્યા હતા.

આમ તેઓ દરેક પ્રકારના બૉલર સામે ચુસ્ત રહેતા હતા. તેમાં લેગ સ્પિનર કુંબલે હોય કે લેફ્ટ આર્મ સ્પિનર વેંકટપથી રાજુ અને ઑફ સ્પિનર રાજેશ ચૌહાણ આ તમામની બૉલિંગમાં મોંગિયાએ ક્યારેય નિરાશ કર્યા ન હતા.

તેમના ચુસ્ત વિકેટકીપિંગનો પુરાવો એ છે કે કિરણ મોરેની નિવૃત્તિ અને પાર્થિવ પટેલના આગમન અગાઉ તેમને જે તક મળી તેમાં તેમણે સફળતા હાંસલ કરી હતી.

44 ટેસ્ટમાં મોંગિયાએ 99 કૅચ અને આઠ સ્ટમ્પ સાથે 105 શિકાર ઝડપ્યા હતા તો તેના કરતાંય પ્રભાવશાળી તેઓ વનડેમાં રહ્યા છે, જ્યાં તેમણે 140 મૅચમાં 110 કૅચ અને 44 સ્ટમ્પિંગ એટલે કે 154 શિકાર ઝડપ્યા છે.

રણજી ટ્રૉફી કે અન્ય મૅચોમાં પણ તેમની સફળતા આવી જ રહી છે, કેમ કે 70 રણજી મૅચમાં તેમના કુલ શિકારનો આંક 200 ઉપર છે જેમાં 177 કૅચનો સમાવેશ થાય છે.

ઓવરઑલ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેઓ 400નો આંકથી બે જ કૅચ પાછળ રહી ગયા છે, કેમ કે અહીં તેમણે 355 કેચ ઉપરાંત 43 સ્ટમ્પ એટલે કે 398 શિકાર ઝડપ્યા છે.

નયન મોંગિયા વિશે એમ કહી શકાય કે તેમને નિયમિત તક મળતી ન હતી તેમ છતાં તેઓ આજેય ભારતના મોખરાના વિકેટકીપરમાં સ્થાન ધરાવે છે.

તેમણે એક જ ઇનિંગ્સમાં પાંચ કે તેથી વધુ કૅચ ઝડપ્યા હોય તેમ છ વખત બન્યું છે અને તેમાંય ભારત અને પાકિસ્તાન વચ્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે 1999ના ફેબ્રુઆરીમાં રમાયેલી એશિયન ટેસ્ટ ચૅમ્પિયનશિપની મૅચમાં તેમણે પાંચ કૅચ ઝડપ્યા હતા.

તેમને પંજાબના બૅટ્સમૅન વધુ પસંદ હોય તેમ રેસ્ટ ઑફ ઇન્ડિયા વતી રમતા રણજી ચૅમ્પિયન્સ પંજાબ સામે તેમણે છ કૅચ ઝડપ્યા હતા અને એ જ પંજાબની ટીમ સામે બરોડા વતી રણજી મૅચ રમતી વખતે પણ તેમણે છ કૅચ ઝડપ્યા હતા.

અને, આ બંને સિદ્ધિઓનું ખાસ મહત્ત્વ એ છે કે બંને મૅચ દસ વર્ષના લાંબા ગાળામાં રમાઈ હતી એટલે કે મોંગિયાની ફિટનેસ વિશે કોઈ સવાલ થઈ શકે તેમ નથી.

1993માં પંજાબ સામે છ કૅચ ઝડપ્યા બાદ 2003માં તેમણે આ સિદ્ધિનું પુનરાવર્તન કર્યું હતું.

રેડ લાઇન
રેડ લાઇન