રવીન્દ્ર જાડેજા : આ ગુજરાતી ખેલાડી ટેસ્ટ ક્રિકેટનો મહાન ઑલરાઉન્ડર બનવા જઈ રહ્યો છે?

રવીન્દ્ર જાડેજા

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, વિધાંશુ કુમાર
    • પદ, ખેલ પત્રકાર, બીબીસી હિંદી માટે

દિલ્હી ટેસ્ટ મૅચના પ્રાઇઝ પ્રેઝન્ટેશન સમારોહમાં જ્યારે રવીન્દ્ર જાડેજા 'પ્લેયર ઑફ ધ મૅચ'નો ખિતાબ લેવા પહોંચ્યા તો અનુભવી કૉમેન્ટેટર સંજય માંજરેકર પણ મૂંઝવણમાં જોવા મળ્યા.

તેમણે જાડેજાને કહ્યું, "મને સૌથી મોટી મૂંઝવણ એ થઈ રહી છે કે હવે તમને નવું શું પૂછું? કારણ કે આ પહેલાંની મૅચમાં પણ તમને આ ઍવોર્ડ મળ્યો હતો અને આપણે લાંબી વાતચીત કરી હતી."

બાદમાં માંજરેકરે કેટલાક પ્રશ્નોનું પુનરાવર્તન કર્યું અને જાડેજાએ તેનો એટલો જ ટૂંકો જવાબ આપ્યો, જેટલુ અંતર તેમના બે બૉલ વચ્ચે હોય છે.

કહેવાય છે કે જીત એક આદત હોય છે અને જીતનો સ્વાદ રવીન્દ્ર જાડેજાએ ચાખી લીધો છે. ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝની પ્રથમ બંને મૅચોમાં તેમણે બૅટ અને બૉલથી શાનદાર ઑલરાઉન્ડર તરીકે પ્રદર્શન આપીને 'પ્લેયર ઑફ ધ મૅચ'ના ખિતાબ જીત્યા છે.

ભારતીય ક્રિકેટમાં અવારનવાર રોહિત શર્મા, વિરાટ કોહલી કે પછી આર. અશ્વિન જેવા ખેલાડીઓની ગણતરી મહાન ક્રિકેટરોમાં થાય છે. પણ એ લિસ્ટમાં રવીન્દ્ર જાડેજાને પણ સામેલ કરી લેવા જોઈએ કારણ કે તેઓ જે ફૉર્મમાં બૅટિંગ અને બૉલિંગ કરે છે, કદાચ રિટાયર થતા સુધી તેમનું ઍવરેજ તેમને વિશ્વના સર્વશ્રેષ્ઠ ઑલરાઉન્ડર બનાવી દે.

line

દિલ્હી ટેસ્ટમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન

રવીન્દ્ર જાડેજા

ઇમેજ સ્રોત, ANI

દિલ્હી ટેસ્ટમાં ભારતે ઑસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવ્યું અને બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી પર દાવો મજબૂત કર્યો.

ભારતની આ જીતના હીરો રહ્યા રવીન્દ્ર જાડેજા. તેમણે પ્રથમ ઇનિંગમાં ત્રણ વિકેટ લીધી અને 26 રન પણ ફટકાર્યા. પ્રથમ ઇનિંગમાં ઑસ્ટ્રેલિયાએ 262 રન બનાવ્યા હતા અને ભારત પર એક રનની લીડ મેળવી લીધી હતી.

સમગ્ર મૅચના સંદર્ભમાં જાડેજાના 26 રન કેટલા મહત્ત્વપૂર્ણ હતા, તે કપ્તાન રોહિત શર્માએ મૅચ બાદ જણાવ્યું.

જ્યારે તેમને મૅચના ટર્નિંગ પૉઇન્ટ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે બે વાતો પર ભાર મૂક્યો. એક, અક્ષર પટેલ અને અશ્વિનની પાર્ટનરશિપ અને બીજી કોહલી અને જાડેજા વચ્ચેની પાર્ટનરશિપ.

આ બંને પાર્ટનરશિપના કારણે જ ભારત સામે ઑસ્ટ્રેલિયાની લીડ માત્ર એક રન રહી હતી.

પણ ભારતીય ટીમ બીજી ઇનિંગ કરવાની હતી. જેથી તેમની સામે ઑસ્ટ્રેલિયાને ઓછામાં ઓછા રન પર રોકવાનો પડકાર હતો.

ઑસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગની શાનદાર શરૂઆત કરી અને માત્ર 60 રન એક વિકેટના નુક્સાને બનાવી દીધા હતા. એવામાં લાગી રહ્યું હતું કે મહેમાન ટીમ ફરી એક વખત 250ની આસપાસ સ્કોર કરશે.

પણ જાડેજાનો જાદુ એવો છવાયો કે ઑસ્ટ્રેલિયાની ટીમ 113 રન પર ઑલઆઉટ થઈ ગઈ હતી. રવીન્દ્ર જાડેજાએ બીજી ઇનિંગમાં સાત વિકેટ લીધી અને ફરી એક વખત 'પ્લેયર ઑફ ધ મૅચ'નો ખિતાબ મેળવ્યો હતો.

ઇમરાન ખાનને પાછળ છોડ્યા

રવીન્દ્ર જાડેજા

ઇમેજ સ્રોત, Getty Images

રવીન્દ્ર જાડેજાએ દિલ્ગી ટેસ્ટમાં એવો કમાલ કર્યો કે પાકિસ્તાનના ઇમરાન ખાન જેવા અવ્વલ ઑલરાઉન્ડર પણ પાછળ છૂટી ગયા.

દિલ્હી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં તેમણે ટેસ્ટમાં 250 વિકેટ પૂરી કરી. આ રીતે ટેસ્ટ મૅચમાં તેમના નામે 250 વિકેટ અને 2500 રન થઈ ગયા.

આમ કરનારા તેઓ બીજા ક્રિકેટર બની ગયા છે. માત્ર ઇયાન બૉથમે તેમનાથી ઓછી મૅચ એટલે કે 55 મૅચમાં આમ કર્યું હતું.

જાડેજાને આમ કરવામાં 62 મૅચ લાગી જ્યારે ઇમરાન ખાને તેના માટે 64 મૅચ લીધી હતી.

જાડેજા હજી ફીટ છે અને આવનારાં ઘણાં વર્ષો સુધી રમી શકે છે. જો તેઓ પાંચ હજાર રન અને 500 વિકેટ સાથે ટેસ્ટમાંથી સંન્યાસ લે તો પણ કોઈ નવાઈ નહીં.

line

કોહલી અને રોહિત બાદ સૌથી ઉત્કૃષ્ઠ બૅટર

રવીન્દ્ર જાડેજા

ઇમેજ સ્રોત, ANI

જાડેજાના આંકડા એક બૅટર તરીકે પણ શાનદાર છે. અત્યાર સુધી તેમણે 62 મૅચની 91 ઇનિંગમાં 36ના સ્ટ્રાઇક રેટથી 2619 રન બનાવ્યા છે. જેમાં 3 શતક અને 18 અર્ધશતક સામેલ છે. 2016 બાદના આંકડા પર નજર નાખીએ તો તે વધુ રોમાંચક થઈ જાય છે.

વર્ષ 2016થી તેમણે 2000થી વધુ રન બનાવ્યા છે અને આ દરમિયાન તેમનો સ્ટ્રાઇક રેટ 44.16 રહ્યો છો. જે વિરાટ કોહલી અને રોહિત શર્મા બાદ અન્ય કોઈ પણ ભારતીય ક્રિકેટર કરતા વધુ છે. જેમણે આ દરમિયાન બે હજારથી વધુ રન બનાવ્યા હોય.

એટલે છઠ્ઠા કે સાતમા નંબરે બૅટિંગ કરવા આવતા જાડેજાનો સ્ટ્રાઇક રેટ ટૉપ ઑર્ડરમાં આવતા કેએલ રાહુલ, ઋષભ પંત કે પછી ચેતેશ્વર પૂજારાથી પણ વધારે છે.

તેમની આ બૅટિંગના કારણે ભારતને ઘણી વખત વિદેશી ધરતી પર ચાર સ્પિનર્સ સાથે રમવાની તક મળી છે.

જોકે, બૉલિંગમાં તેમની ઍવરેજ અશ્વિનથી થોડી જ ઓછી છે. પણ તેમની બૅટિંગની ઍવરેજ એટલી સારી છે કે તેઓ નંબર છ કે સાત પર આવે છે આત્મવિશ્વાસથી ભરપૂર રહીને રન ફટકારે છે.

line

અશ્વિન સાથે બનાવી જોડી નંબર-1

રવીન્દ્ર જાડેજા

ઇમેજ સ્રોત, ANI

રવીન્દ્ર જાડેજાએ ઑફ સ્પીનર આર. અશ્વિન સાથે એક અદ્ભુત જોડી બનાવી છે. અશ્વિને 90 ટેસ્ટ મૅચોમાં 463 વિકેટ લીધી છે. તો જાડેજાએ 62 મૅચોમાં 259 વિકેટો લીધી છે.

જોકે, જાડેજાની વિકેટ ઍવરેજ અને સ્ટ્રાઇક રેટ અશ્વિનથી થોડો ઓછો છે પણ તેઓ અશ્વિન કરતા ઓછું પણ રમ્યા છે.

અશ્વિન અને જાડેજાની જોડી જ્યારે પણ બૉલિંગ કરે છે ત્યારે તેની સીધી અસર બૅટિંગ કરી રહેલા ખેલાડીઓ પર પડે છે. બંને ખેલાડીઓ ભૂલ વગર જાતભાતના બૉલ નાખે છે.

બંને તરફથી દબાણ ઊભું થાય ત્યારે બૅટર રન બનાવવા માટે રિસ્ક લે છે અને એવામાં અશ્વિન-જાડેજાના બૉલનો શિકાર બની બેસે છે.

દિલ્હી ટેસ્ટની બીજી ઇનિંગમાં પણ એવું જ જોવા મળ્યું. જ્યાં અશ્વિને ત્રણ અને જાડેજાએ સાત વિકેટ લીધી અને તમામ 10 વિકેટ આ જોડીના નામે જ આવી.

line

ફિટનેસના ફાયદા

રવીન્દ્ર જાડેજા

ઇમેજ સ્રોત, ANI

અંતે બૉલિંગમાં જાડેજાની સફળતાનું રહસ્ય શું છે? ઑસ્ટ્રેલિયાના પૂર્વ બૅટર માર્ક વૉ માને છે કે બૉલિંગને સરળ રાખવી એ જ તેમની ખાસિયત છે.

તેઓ કહે છે, "જાડેજા વિકેટ ટૂ ક્રિકેટ" બૉલિંગ કરે છે અને સાનાન્ય ટર્ન કરે છે. જો પિચ સ્પિનર્સને અનુકૂળ હોય તો તેમની સામે રમવું અસંભવ થઈ જાય છે.

જાડેજા પણ કહે છે કે "તેઓ વધુ વેરિયેશન્સ અજમાવતા નથી પણ બૉલિંગને સરળ રાખવી પસંદ કરે છે." એટલે કે જે એરિયામાં બૉલ નાખવ હોય ત્યાં સતત લાંબા સમય સુધી બૉલ નાખી શકે છે.

કહેવામાં એ ઘણું સામાન્ય લાગે, પણ એક જ વસ્તુને વારંવાર સચોટપણે કરવી પણ મુશ્કેલ છે. તેના માટે પણ ફિટનેસ જરૂરી છે. જેના માટે જાડેજા કોઈ કસર છોડતા નથી.

તેઓ કહે છે કે ફિટ રહેવા માટે તેઓ સંતુલિત ભોજન સિવાય વર્કઆઉટ પણ ક્યારેય ભૂલતા નથી અને પરિવાર સાથે બાકી સમય વીતાવે છે.

જે રીતે વિરાટ કોહલી પોતાની ફિટનેસના કારણે બેટિંગને એક લેવલ ઉપર લઈ જાય છે, એ જ રીતે જાડેજા પણ પોતાની ફિટનેસના કારણે જ લાંબા સમય સુધી થાક્યા વિના બૅટિંગ કે બૉલિંગ કરી શકે છે.

ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ તાજેતરમાં જ કહ્યું હતું કે તેમને 'સર' કહે એ પસંદ નથી અને સર કહીને લોકો તેમના ઘણા મીમ બનાવવા લાગે છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન