યુજવેન્દ્ર ચહલ : ચૅસ છોડીને ક્રિકેટ રમનારની IPLમાં સૌથી વધુ વિકેટ લેવા સુધીની કહાણી

ઇમેજ સ્રોત, ANI
એક બાળક જે ચૅસબોર્ડ પર હાથી, ઘોડા અને વજીર સાથે રમતો હતો અને ચૅસબોર્ડનો રાજા ગણાતો હતો, તેણે એક દિવસ ક્રિકેટના ગ્રાઉન્ડમાં એન્ટ્રી લઈ લીધી. માત્ર દસ વર્ષમાં જ યુજવેન્દ્ર ચહલે આઇપીએલમાં સૌથી વધુ વિકેટ લેવાનો રૅકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
ચહલે શુક્રવારે ઇડન ગાર્ડન્સમાં કોલકાતા સામે રમાઈ રહેલી મૅચમાં નીતિશ રાણાની વિકેટ ઝડપી અને તે સાથે જ તેમણે સૌથી વધુ વિકેટ લેવાનો ડ્વેન બ્રાવોનો રૅકોર્ડ તોડી નાખ્યો.
યુજવેન્દ્ર ચહલનો જન્મ હરિયાણામાં થયો હતો. ચહલ નાનપણમાં ખૂબ ચૅસ રમતા હતા. અનેક જુનિયર ટુર્નામેન્ટ્સમાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે, પણ એક સમય એવો આવ્યો જ્યારે તેમને ચૅસ અને ક્રિકેટમાંથી એકની પસંદગી કરવાની હતી અને તેમણે ક્રિકેટ પર પસંદગી ઉતારી.
2009માં અંડર-19 કૂચ બિહાર ટુર્નામેન્ટમાં તેમણે 34 વિકેટો ઝડપી અને લાઇમલાઇટમાં આવ્યા. એ જ વર્ષે તેમણે હરિયાણા માટે રમવાનું ચાલુ કર્યું.
2011માં મુંબઈ ઇન્ડિયન્સે ચહલને પોતાની ટીમમાં પસંદ કર્યા. ટીમમાં ખૂબ અનુભવી સ્પિનરો હરભજનસિંહ અને પ્રજ્ઞાન ઓઝા હોવાથી તેમને માત્ર ત્રણ મૅચમાં જ રમવાની તક મળી હતી. 2013માં રિકી પૉન્ટિંગ મુંબઈના કૅપ્ટન હતા અને તેમણે ચાલુ સિઝને જ ખરાબ પ્રદર્શનના કારણે કપ્તાની છોડી દીધી હતી.
ત્યારપછી મુંબઈના કપ્તાન તરીકે રોહિત શર્માની વરણી કરવામાં આવી હતી. જે મૅચમાં રોહિતે કપ્તાન તરીકે ડૅબ્યૂ કર્યું એ જ મૅચમાં ચહલને પણ રમવાની તક મળી હતી. આ દિવસ 24 એપ્રિલ 2013નો હતો.
તેમને મુંબઈ ઇન્ડિયન્સ તરફથી આઇપીએલમાં રમવાની બહુ તક મળી નહોતી પરંતુ ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં ખૂબ સારું પ્રદર્શન કરીને તેની તાકાત બતાવી હતી.
ચૅમ્પિયન્સ લીગની ફાઇનલમાં ચહલે માત્ર 9 રન આપીને જ 2 વિકેટ લીધી હતી. તેમનો ઈકૉનોમી રેટ પણ 7 નો હતો. મુંબઈ ઇન્ડિયન્સને ચૅમ્પિયન્સ લીગનું ટાઇટલ અપાવવામાં તેમણે અગત્યની ભૂમિકા ભજવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

બૅંગ્લોરની ટીમમાં ચહલનું પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
2014ની આઇપીએલ પહેલાંના ઑક્શનમાં રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લોરે ચહલને 10 લાખની ફી આપી પોતાની ટીમ સાથે કરારબદ્ધ કર્યા હતા. જોકે પ્રમાણમાં નાનું મેદાન ગણાતા બૅંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બૉલિંગ કરવી ભારે પડકારજનક માનવામાં આવે છે.
નાનું સ્ટેડિયમ હોવાથી બેટ્સમૅનોને ચોગ્ગા અને છગ્ગા ફટકારવામાં સરળતા રહે છે, પરંતુ ચહલે ચિન્નાસ્વામી સ્ટેડિયમને જ પોતાનું મજબૂત પાસું બનાવ્યું અને ત્યાર પછીના સાત વર્ષોમાં ખૂબ સારું પ્રદર્શન આપ્યું. 2014માં ચહલે બૅંગ્લોર માટે ડેબ્યૂ કર્યું હતું. પહેલી મૅચમાં જ તેમને મૅન ઑફ ધ મૅચ ઍવોર્ડ મળ્યો હતો. મુરલી વિજયને આઉટ કરીને તેમણે આઇપીએલમાં પોતાની પ્રથમ વિકેટ મેળવી હતી.
બેટ્સમૅનોને એવું લાગતું હતું કે કદમાં નાના દેખાતા ચહલની બૉલિંગમાં તેઓ સરળતાથી રન ફટકારી શકશે. તેમણે ચહલની બૉલિંગ સામે ઍટેક કરવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ સફળ ન થયા.
લેગ સ્પિનર તરીકે ચહલ પાસે ભાથામાં અનેક હથિયારો હતાં અને બેટ્સમૅનો પણ ઘણીવાર તેમની બૉલિંગમાં જોવા મળતી વિવિધતાથી ચકિત થઈ જતા હતા.
ઘણી વખત એવું બન્યું છે કે ચહલ બૉલિંગ કરી રહ્યા હોય ત્યારે બૉલને માપી ગયેલ બેટ્સમૅન ક્રિઝની બહાર આવીને શૉટ ફટકારવા જાય અને છેલ્લી ઘડીએ ચહલ આંગળીઓથી એવી કરામત કરે છે કે ક્રિઝ બહાર નીકળીને રમવા જનાર બેટ્સમૅન કીપરના હાથે સ્ટમ્પિંગનો શિકાર બની જાય છે. ટૂંકમાં કહીએ તો તેમની બૉલિંગ જ એ પ્રકારની છે કે બેટ્સમૅન માટે શૉટ મારવો ખૂબ જ અઘરો થઈ જાય છે.
રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લોરની કપ્તાની 2013માં વિરાટ કોહલીને સોંપવામાં આવી હતી. ત્યારથી તેમના પ્રદર્શનને કારણે ચહલ બૅંગ્લોરના બૉલિંગ ડિપાર્ટમેન્ટમાં કોહલીના ખૂબ જ વિશ્વાસુ બની ગયા હતા. વિકેટ લેવાની સાથેસાથે ચહલે રન પણ ખૂબ ઓછા આપ્યા હતા.

રાજસ્થાન રૉયલ્સમાં ચહલની એન્ટ્રી
એક ઑલ-રાઉન્ડ ટીમ બનાવવાના લક્ષ્ય સાથે રાજસ્થાન રૉયલ્સે ચહલને કરારબદ્ધ કર્યાં. ચહલે 27 વિકેટો લઈને રાજસ્થાનના ટીમ મૅનેજમેન્ટે મૂકેલા વિશ્વાસને સાચો સાબિત કર્યો. રાજસ્થાનના સ્પિન ડિપાર્ટમેન્ટને ચહલ અને રવિચંદ્રન અશ્વિને ખૂબ સારી રીતે સંભાળ્યું.

‘તે નશામાં હતો અને તેણે મને 15માં માળેથી લટકાવ્યો હતો’
રાજસ્થાન રૉયલ્સના એક પૉડકાસ્ટમાં ચહલે તેમનું જીવન બદલી નાખનાર કિસ્સો સંભળાવ્યો હતો. ચહલે કહ્યું, “આ કિસ્સો 2013માં બન્યો હતો. મેં આજથી પહેલાં કોઈને આ કિસ્સો કહ્યો નથી. પણ હવે હું એ સ્ટોરી કહેવા જઈ રહ્યો છું.”
“વાત 2013ની છે. હું મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માટે રમી રહ્યો હતો. બૅંગ્લોરમાં મૅચ હતી. મૅચ પછી એક ગેટ-ટુ-ગેધર પાર્ટી હતી. જે લોકોએ પાર્ટીમાં ભાગ લીધો હતો તેમાંથી એક ખેલાડી નશામાં હતો. હું તેનું નામ નહીં આપું. તેણે મને બોલાવ્યો. તે લાંબા સમયથી મારી સામે જોઈ રહ્યો હતો. તેણે મને 15માં માળેથી લટકાવી દીધો. મેં તેની ગરદન પકડી લીધી, જેના કારણે હું બચી ગયો. નહીંતર હું પડી ગયો હોત.”
તેમણે અંતે કહ્યું, “ત્યાં ઘણા બધા લોકો હતા. બધાએ આ જોયું અને મને બચાવી લીધો. હું લગભગ બેભાન હાલતમાં હતો. ત્યારે મને એ વાતનું ભાન થયું કે આપણે જ્યાં પણ જઈએ ત્યાં સભાન રહેવું કેટલું જરૂરી છે. એ મારી જિંદગીનો એવો સમય હતો કે જ્યાં મારું જીવન બચી ગયું હતું. જોઈ કંઈ પણ આડુંઅવળું થયું હોત તો હું પડી ગયો હતો અને કદાચ એક મોટો અકસ્માત થઈ ગયો હોત.”














