વિક્ટોરિયા બેટમેન : કૅમ્બ્રિજ યુનિવર્સિટીનાં પ્રોફેસર નગ્ન થઈને વિરોધ કેમ કરે છે?

    • લેેખક, સામંથા નટરાજન
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

ડૉક્ટર વિક્ટોરિયા બેટમેન વિશ્વની ઉત્તમ યુનિવર્સિટીઓ પૈકીની એક કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર ભણાવે છે, પરંતુ તેઓ એક વિદ્રોહી પણ છે અને સરકારી નીતિઓ સામે નગ્ન થઈને વિરોધ પણ પ્રદર્શિત કરે છે.

તેઓ કહે છે કે “કેટલાક લોકો મને નગ્ન જોઈને કહે છે કે ઓહ, આ મૂર્ખ છે, બેવકૂફ છે અને નિશ્ચિત રીતે જ પાગલ છે. હું સ્પષ્ટ કહેવા ઇચ્છું છું: ના, હું સાચી વિચારધારાવાળી વ્યક્તિ છું.”

અલબત્ત, નગ્ન થઈને વિરોધ પ્રદર્શિત કરવાની શૈલીને વિવાદાસ્પદ માનવામાં આવે છે. પ્રોફેસર વિક્ટોરિયા જણાવે છે કે તેમના તાજેતરના પ્રકાશિત પુસ્તકની જાહેરાત એમેઝોન પર એટલા માટે અટકાવી દેવામાં આવી છે કે તે યૌનસંબંધના સંદર્ભમાં દ્વિઅર્થી છે.

તેઓ એમ પણ જણાવે છે કે સોશિયલ મીડિયા પર એક ઝુંબેશ બાદ “મારા પુસ્તકની જાહેરાતને અટકાવવાના નિર્ણયને પાછો ખેંચવામાં આવ્યો હતો.”

“સ્ત્રીઓ પોતાની શરીર સાથે જે કરવા ઇચ્છે છે તે કરવાની છૂટ તેમને નથી, એ બાબત પર સોશિયલ મીડિયા ઝુંબેશમાં પ્રકાશ ફેંકવામાં આવ્યો હતો.”

જે ફોટોગ્રાફ (ઉપર) બાબતે ચર્ચા થઈ હતી તેમાં તેમનો સંપૂર્ણ દેહ દેખાતો નથી. આ ઝૂમ કરવામાં આવેલો ફોટોગ્રાફ છે, જેમાં તેમના પેટ અને છાતીના હિસ્સાને ખુલ્લો દેખાડવામાં આવ્યો છે.

વિક્ટોરિયા બેટમેનનું કહેવું છે કે “મારો દેહ દેખાડવાથી હું જે કહું છું તેનું મહત્ત્વ ઘટી જાય છે એવું હું માનતી નથી. ઇતિહાસ આપણને શીખવે છે કે ઉદારમતવાદના દરેક ઉભાર પછી દમનનો દૌર શરૂ થયો છે.”

ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં જાહેર સ્થળોએ નગ્ન થવું એ ગુનો નથી, પરંતુ તે વ્યક્તિને હેરાન કરવા કે આઘાત આપવાના હેતુસર કરવામાં આવ્યું હતું એવું સાબિત થાય તો એ ગુનો બને છે. આ વાત ફરિયાદકર્તાએ સાબિત કરવી પડે છે.

વિક્ટોરિયા ભારપૂર્વક જણાવે છે કે તેમનું વિરોધપ્રદર્શન આક્રમક નથી.

તેઓ કહે છે કે “મારો હેતુ કોઈ કાર્યવાહીમાં અડચણ સર્જવાનો નથી, બલકે કોઈની સમસ્યા પરત્વે ધ્યાન ખેંચવાનો છે. એ સમસ્યા ભલે અર્થશાસ્ત્રમાં સ્ત્રીઓની ઓછી સંખ્યાની હોય, બ્રેક્ઝિટનું પરિણામ હોય કે પછી સ્ત્રીઓની શારીરિક સ્વતંત્રતા પરના હુમલાની હોય.”

વિક્ટોરિયાના કહેવા મુજબ, નગ્ન વિરોધપ્રદર્શન જોતા લોકોને વસ્ત્રને આદર સાથે જોડવાના વિચાર કરવા ઉપરાંત લોકોમાં આ સમસ્યા વિશે વાત કરાવવાના હેતુને હાંસલ કરવામાં પણ મદદ કરે છે.

પશુઓના અધિકાર માટે કામ કરતાં સંગઠનો ખાલના ઉપયોગ સામે નગ્ન વિરોધપ્રદર્શન રીતનો ઉપયોગ વર્ષોથી કરી રહ્યા છે.

જળવાયુ પરિવર્તન રોકવા માટે આકરાં પગલાં લેવાનો આગ્રહ કરતાં પર્યાવરણ જૂથોએ પણ આ પ્રકારનું વિરોધપ્રદર્શન કર્યું છે. જોકે, રાજકારણમાં આ પ્રકારનું વિરોધપ્રદર્શન સામાન્ય બાબત નથી.

શ્રમિકવર્ગથી આઈવી લીગ સુધી

વિક્ટોરિયાએ પ્રારંભિક શિક્ષણ સરકારી સ્કૂલમાં મેળવ્યું હતું અને પછી ગ્રેજ્યુએશન માટે કૅમ્બ્રિજ ગયાં હતાં. તેમણે ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાં પીએચડી કર્યું હતું અને પછી તેમને કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં નોકરી મળી ગઈ હતી.

તેમના જણાવ્યા અનુસાર, બાળપણમાં તેમને શરીરને ઢાંકી દેતાં વસ્ત્રો પહેરવાની ટેવ હતી, પરંતુ યુવાનીમાં તેમણે તેમની સમવયસ્ક યુવતીઓની માફક નાનાં સ્કર્ટ્સ, શોર્ટ ટૉપ્સ અને હાઈ હિલ્સ પહેરીને પાર્ટીઓમાં જવાનું શરૂ કર્યું હતું.

તેમના કહેવા મુજબ, શિક્ષણ ક્ષેત્રે મળેલી સફળતાએ તેમને શ્રમિકવર્ગથી મધ્યમવર્ગ તરફના પ્રયાણમાં મદદ કરી હતી, જ્યાં બેટમેન જેવાં વસ્ત્રો પહેરતી છોકરીઓને હીન ગણવામાં આવતી હતી. આ વલણથી તેઓ ચિંતિત થઈ ગયાં હતાં.

શૈક્ષણિક કારકિર્દીની શરૂઆતમાં વિક્ટોરિયા પોતાના બૌદ્ધિક સન્માનને જાળવવા માટે ખુદને વસ્ત્રો પર બહુ ધ્યાન આપતાં હતાં.

તેઓ કહે છે કે “મેં વિચાર્યું કે લોકો મારા વિશે શું વિચારશે તેની ચિંતા મારે શું કામ કરવી જોઈએ? ચિંતા કરવા જેવું બીજું ઘણું બધું છે.”

આઝાદીને છીનવે છે વિનમ્રતા

દેહ પરનાં વસ્ત્રો ઉતારવાના વિક્ટોરિયાના નિર્ણયનો વૈચારિક પાયો પણ હતો.

તેમના જણાવ્યા મુજબ, સ્ત્રીઓની શાલીનતા વાસ્તવમાં સ્ત્રીઓને નુકસાન કરે છે. તેનાથી સ્ત્રીઓ પરનો પુરુષોનો અંકુશ વધે છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે જે ક્ષણે કોઈ સ્ત્રીના ગૌરવને તેની શાલીનતા સાથે જોડો છો એ જ ક્ષણે તમને સ્ત્રીના અવમૂલ્યન, અનાદર અને તેની સાથે માંસના ટુકડા જેવું વર્તન કરવાની તાકાત મળે છે.

તેનાથી સમગ્ર વિશ્વમાં સ્ત્રીઓની આઝાદીની નુકસાન કરતી નીતિઓ તથા રીતોને બળ મળે છે. આ રીતોમાં અફઘાનિસ્તાનમાં સ્ત્રીઓને સ્કૂલોમાંથી કાઢી મૂકવાથી માંડીને ઈરાનમાં અનિવાર્ય હિજાબ, કૌમાર્ય પરીક્ષણ, ઓનર કિલિંગ અને અંગત ફોટોગ્રાફ્સ ચોરીને તેનો અશ્લીલ ઉપયોગ સામેલ છે, એવું એલિઝાબેથ જણાવે છે.

ન્યૂડ મૉડલ

બેટમેને સમાજમાં પોતાના ઊંચા દરજ્જાના ઉપયોગનો નિર્ણય દસ વર્ષ પહેલાં કર્યો હતો. એ માટે તેમણે બધાં વસ્ત્રો ઉતારીને મહિલા કલાકારો સામે ન્યૂડ પોઝ આપવાનું શરૂ કર્યું હતું.

વિશ્વાસ ગાઢ બન્યા પછી તેમણે પુરુષ કલાકારો સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. એ કળાકૃતિઓ અને પ્રતિમાઓ ટૂંક સમયમાં જ જાહેર સ્થળોએ લગાવી દેવામાં આવી હતી.

એક અનુભવી અર્થશાસ્ત્રી તરીકે તેમને તેમની નિપુણતાના ક્ષેત્રમાં પુરુષોના વર્ચસ્વથી આશ્ચર્ય થતું હતું. તેઓ જણાવે છે કે મહિલા અર્થશાસ્ત્રીઓની કમીને કારણે આર્થિક વિશ્લેષણને માત્ર પુરુષોના દૃષ્ટિકોણથી જ જોવામાં આવે છે.

બ્રિટનના અર્થશાસ્ત્રીઓના 2018માં યોજાયેલા એક કાર્યક્રમમાં તેઓ આ સમસ્યા બાબતે વિગતે વાત કરવા ઇચ્છતાં હતાં. તેઓ ઉચ્ચ શિક્ષિત લોકોથી ભરાયેલા એક ઓરડામાં સંપૂર્ણ નગ્નાવસ્થામાં પ્રવેશ્યાં હતાં.

તેઓ કહે છે કે “શારીરિક રીતે હું બહુ નાની છું. બહુ મજબૂત પણ નથી. હું કોઈ માટે જોખમી નથી, પરંતુ ઓરડામાં તમે નગ્નાવસ્થામાં હો તો અન્ય લોકો કોઈ અન્ય કારણસર તમને જોખમી માનવા લાગે છે.”

એ કાર્યક્રમ દરમિયાન તેમણે પોતાની માગ પ્રત્યે ધ્યાન આકર્ષિત કરવા માર્કર પેન વડે પોતાના દેહ પર Respect (આદર) શબ્દ લખ્યો હતો. તેના પરિણામે તેઓ, ગાલા ડિનરમાં સામેલ થયેલી અનેક હસ્તી સાથે વાત કરવામાં સફળ થયાં હતાં.

અભદ્ર પ્રતિભાવ

યુરોપિયન યુનિયન છોડવાના બ્રિટનના અત્યંત વિભાજનકારી રાજકીય અભિયાન બ્રેક્ઝિટ દરમિયાન તેમણે જાહેર રીતે નગ્ન વિરોધપ્રદર્શન કર્યું હતું.

તેના કેટલાક સાક્ષીઓએ ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા હતા અને તે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. એ બાબતે બહુ અભદ્ર કૉમેન્ટ્સ કરવામાં આવી હતી.

કેટલાક પુરુષોએ તેમની છાતી તથા વાળ વિશે કૉમેન્ટ કરી હતી. એક પુરુષે તો એવું પણ કહ્યું હતું કે આમ કરવાથી તે તેમના પ્રોફેસરો સાથે સૂવાથી પોતાનું શૈક્ષણિક કૌશલ્ય પ્રાપ્ત કરશે.

એ પછી બેટમેનને ચેતવણી આપવામાં આવી હતી કે તેઓ દુનિયાને દેહ દેખાડીને તેમની શૈક્ષણિક સફળતાને બરબાદ કરી રહ્યાં છે, “પરંતુ મારા પર સૌથી વધારે ખરાબ હુમલા સ્ત્રીઓએ કર્યા હતા. એક બ્રિટિશ સ્ત્રીએ મને સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે હું નારીવાદી આંદોલનને એક સદી પાછળ ધકેલી રહી છું,” એમ તેઓ કહે છે.

પોતાના નવા પુસ્તક ‘ન્યૂડ ફેમિનિઝમઃ બ્રેકિંગ ધ કલ્ટ ઑફ વીમેન મોડેસ્ટી’માં એલિઝાબેથે અનેક નકારાત્મક પ્રતિભાવનો ઉલ્લેખ કર્યો છે.

તેઓ કહે છે કે “હું તમામ સ્ત્રીઓને કહું છું કે તમારી શારીરિક શાલીનતા સિવાય, તમારી યોગ્યતાના આધારે તમારી સાથે આદરયુક્ત વર્તન થવું જોઈએ.”

આઝાદી

કૅમ્બ્રિજનાં આ શિક્ષણશાસ્ત્રી માને છે કે કોઈના શરીરનો કેટલો હિસ્સો દેખાય છે અને કેટલો ઢંકાયેલો છે એ વિચારવાનું આપણે બંધ કરી દઈએ તો અનેક સ્ત્રીઓની જિંદગી બદલાઈ જશે.

આ સંદર્ભમાં સેક્સવર્કર્સનું ઉદાહરણ આપતાં તેઓ કહે છે કે “આપણે તેમના પર સ્ટેમ્પ લગાવી દઈએ છીએ, તેમને જાતજાતનાં, ડરામણાં નામ આપીએ છીએ અને માની લઈએ છીએ કે તેઓ શું કરી રહ્યા છે તેની તેમને ખબર નથી અને તેમના માટે સારું શું છે તેનો નિર્ણય આપણે કરી શકીએ.”

આ પ્રકારના વલણને તેઓ અત્યંત ઘમંડી માને છે. તેઓ જણાવે છે કે વિચારવાની રીત બદલવાની બાબતમાં આપણે બહુ લાંબી મજલ કાપવાની છે. સ્ત્રીઓને મોટા ભાગના કામ બદલ વળતર આપવામાં આવતું નથી. તેમાં ભોજન રાંધવાનો, સાફ-સફાઈનો, પાણીની વ્યવસ્થાનો અને બાળકો તથા વૃદ્ધોની સારસંભાળનો સમાવેશ થાય છે.

બ્રિટનના સ્વયંસેવી સંગઠન ઓક્સફામનું કહેવું છે કે આ પ્રકારનાં કામ માટે મહિલાઓની વળતર આપવામાં આવે તો તેનો સરવાળો 10 ટ્રિલિયન ડૉલર (અંદાજે રૂ. 81,91,85,00,00,00,000) થાય, પરંતુ આ બાબતે બહુ ઓછી વાત થાય છે.

બેટમેનનું કહેવું છે કે તેઓ શક્તિશાળી પુરુષો અને તેમની નીતિઓ વિરુદ્ધ નગ્ન વિરોધ કરવાની દરેક તકને સન્માનની દૃષ્ટિએ જુએ છે. તેઓ વસ્ત્રવિહીન અવસ્થામાં ભાષણો પણ આપે છે અને સાહિત્યના ઉત્સવોમાં ભાગ પણ લે છે.

તેમની ગતિવિધિથી તેમના વિદ્યાર્થીઓ પર અવળી અસર થઈ નથી. વાસ્તવમાં તેમના વિદ્યાર્થીઓ તેમને નારીવાદ, સ્ત્રીઓ તથા અર્થવ્યવસ્થા બાબતે અગાઉ કરતાં વધારે સવાલ કરે છે.

“મારો હેતુ એક એક એવી દુનિયાનો છે, જ્યાં તમામ સ્ત્રી પોતાના દેહ ઉપરાંત પોતાના દિમાગ સાથે જે કરવા ઇચ્છે તે કરવા માટે મુક્ત હોય. મને હિજાબ સામે જેટલો વાંધો છે એટલો જ વાંધો હિજાબ પર પ્રતિબંધ સામે છે. સ્ત્રીઓએ શું કરવું જોઈએ તેનો હુકમ સમાજ તથા સરકારે ન કરવો જોઈએ.”