You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સેફ્ટી પીનઃ એ નાનકડું 'હથિયાર', જેનો સ્ત્રીઓ જાતીય સતામણી સામે ઉપયોગ કરે છે
- લેેખક, ગીતા પાંડે
- પદ, બીબીસી સંવાદદાતા
લગભગ દરેક સ્ત્રીએ ભીડવાળા વિસ્તારમાં જાતીય સતામણીનો સામનો કર્યો હશે. કોઈએ તેમનાં સ્તન પર હાથ નાખ્યો હશે, કોઈએ તેમના પૃષ્ઠભાગમાં ચીંટિયો ભર્યો હશે કે કોઈએ કોણી વડે તેમની છાતી પર ગોદો માર્યો હશે.
આવું કરતા બદમાશો પર વળતો હુમલો કરવા માટે સ્ત્રીઓ તેમના હાથમાં જે આવે તેનો ઉપયોગ કરે છે.
દાખલા તરીકે, કોલકાતામાં કૉલેજ અભ્યાસના દિવસો દરમિયાન હું અને મારી સખી ભીડવાળી બસ તથા ટ્રામમાં છત્રીનો ઉપયોગ કરતા હતા.
સેફ્ટી પીનની શોધ 1849માં થઈ પછી દુનિયાભરની સ્ત્રીઓ તેનો ઉપયોગ અનેક વસ્ત્ર એક સાથે પહેરવા અને વસ્ત્ર અચાનક ઢીલું થઈ જાય કે કોઈ કારણસર ખરાબ થઈ જાય ત્યારે તેના નિવારણ તરીકે કરતી રહી છે.
સેફ્ટી પીનનો ઉપયોગ સ્ત્રીઓએ તેમની સતામણી કરતા લોકો સામે લડવા માટે પણ કર્યો છે. એ પણ એટલી હદે કે સેફ્ટી પીનની મદદ વડે તેમણે સતામણી કરતા લોકોને ઘાયલ પણ કર્યા છે.
સ્ત્રીઓનું મનપસંદ હથિયાર
થોડા મહિના પહેલાં ભારતીય સ્ત્રીઓએ ટ્વિટર પર સ્વીકાર્યું હતું કે તેઓ તેમની હેન્ડબેગમાં કે પોતાની પાસે એક સેફ્ટી પીન જરૂર રાખે છે. ભીડવાળી જગ્યાઓ પર બદમાશો સામે લડવા માટે સેફ્ટી પીન તેમનું મનપસંદ હથિયાર છે.
એ પૈકીનાં એક દીપિકા શેરગીલે સેફ્ટી પીનની મદદથી એક બદમાશને લોહી કઈ રીતે કાઢ્યું હતું એ ઘટના બાબતે જણાવ્યુ હતું.
બીબીસી સાથે વાત કરતાં દીપિકાએ જણાવ્યું હતું કે તેઓ બસમાં ઑફિસ જઈ રહ્યાં હતાં ત્યારે એ ઘટના બની હતી. વર્ષો પહેલાં બનેલી આ ઘટનાનો થોડો હિસ્સો તેમને આજે પણ યાદ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહિનાઓ સુધી સતામણી સહ્યા પછી મૌન તોડ્યું
દીપિકાએ જણાવ્યું હતું કે એ સમયે તેઓ 20 વર્ષનાં હતાં અને જે માણસ તેમની બસમાં જાતીય સતામણી કરતો હતો તે ચાલીસેક વર્ષનો હશે. એ માણસ કાયમ ગ્રે સફારી પહેરતો હતો. (એ ભારતીય પુરુષોનો પ્રચલિત પોશાક હતો અને મોટા ભાગના સરકારી કર્મચારીઓ એ પહેરતા હતા)
દીપિકાએ કહ્યું હતું કે “તે પુરુષ કાયમ મારી નજીક આવીને ઊભો રહી જતો હતો. ઝૂકી જતો હતો, તેની કમર મારી પીઠ સાથે ઘસતો હતો અને બસ ડ્રાઇવર બ્રેક મારે ત્યારે મારા ઉપર પડી જતો હતો.”
દીપિકાના જણાવ્યા મુજબ, “એ દિવસોમાં હું બહુ ડરપોક હતી અને કોઈનું ધ્યાન મારા તરફ આકર્ષવા ઇચ્છતી ન હતી.” તેથી થોડા મહિના મૌન જાળવી રાખ્યું હતું, પરંતુ એક સાંજે એ માણસ “હસ્તમૈથુન કરવા લાગ્યો અને મારા ખભા પર સ્ખલિત કર્યું.” એ વખતે દીપિકાએ નક્કી કર્યું કે હવે તો હદ પાર થઈ ગઈ છે.
તેમણે કહ્યું હતું કે “હું બહુ અશુદ્ધતા અનુભવવા લાગી હતી. ઘરે પહોંચીને લાંબો સમય સ્નાન કર્યું. મારી સાથે શું થયું હતું એ મેં મારાં માતાને પણ જણાવ્યું ન હતું.”
“એ રાતે હું ઊંધી શકી ન હતી અને મેં નોકરી છોડી દેવાનો નિર્ણય પણ કરી લીધો હતો, પરંતુ પછી મેં એ પુરુષને નુકસાન પહોંચાડવાનું વિચાર્યું હતું, જેથી ભવિષ્યમાં તે એવું બીજી વાર ન કરે.”
બીજા દિવસે દીપિકા ફ્લેટ ચંપલને બદલે અણિયાળી હિલ્સવાળા પગરખાં પહેરીને નીકળ્યાં હતાં અને સેફ્ટી પીન સાથે બસમાં સવાર થયાં હતાં.
દીપિકાએ કહ્યુ હતું કે “એ માણસ મારી નજીક આવ્યો કે તરત જ હું મારી સીટ પરથી ઊઠી ગઈ હતી અને પગરખાંની એડીથી તેના પગને કચડી નાખ્યા હતા. તેને કરાંજતો જોઈને મને બહુ આનંદ થયો હતો. પછી મેં સેફ્ટી પીન વડે તેના હાથને ઘાયલ કર્યો હતો અને ઝડપભેર બસમાંથી ઊતરી ગઈ હતી.”
એ પછી એક વર્ષ સુધી દીપિકા એ જ બસમાં ઑફિસે જતાં હતાં, પરંતુ એ માણસ ફરી નજરે ચડ્યો ન હતો.
દીપિકા શેરગીલની કથા ચોંકાવનારી જરૂર છે, પરંતુ અલગ નથી.
સ્ત્રીની જાતીય સતામણીના કેસ નોંધાતા નથી
મારી એક સહકર્મીએ મને એક ઘટના કહી હતી. એ વખતે તેઓ 30 વર્ષનાં હતાં. તેમના જણાવ્યા મુજબ, તેઓ કોચીનથી બૅંગ્લુરુ બસમાં જતાં હતાં ત્યારે એક માણસે તેમને સ્પર્શવાના પ્રયાસ વારંવાર કર્યા હતા.
તેમણે કહ્યું હતું કે “શરૂઆતમાં મને એવું લાગ્યું કે ભૂલથી એવું થઈ જતું હશે,” પરંતુ એ માણસ એવું સતત કરતો રહ્યો ત્યારે તેમને સમજાયું હતું કે આ તો ઈરાદાપૂર્વક કરવામાં આવી રહ્યું છે. જે સેફ્ટી પીનનો ઉપયોગ તેમણે તેમના દુપટ્ટાને વ્યવસ્થિત રાખવા માટે કર્યો હતો એ સેફ્ટી પીનને કારણે તેઓ એ દિવસે બચી ગયાં હતાં.
તેમણે કહ્યું હતું કે “મેં તેને સેફ્ટી પીન ખૂંચાડી એટલે એ પાછો હટ્યો હતો, પણ વારંવાર પ્રયાસ કરતો રહ્યો હતો એટલે મેં પણ તેને સેફ્ટી પીન ખૂંચાડવાનું ચાલુ રાખ્યું હતું. આખરે તે અટક્યો હતો. મને આનંદ હતો કે મારી પાસે સેફ્ટી પીન હતી, પરંતુ પાછળ ફરીને તેને થપ્પડ મારવા જેટલી સમજ મારામાં ન હતી.”
તેમણે ઉમેર્યું હતું કે “એ વખતે હું નાની હતી. તેથી માનતી હતી કે હું અવાજ ઉઠાવીશ તો લોકો મને ટેકો નહીં આપે.”
કર્મશીલોનું કહેવું છે કે પ્રતિકાર કરવાથી સતામણી કરનારાઓની હિંમત વધશે એવું મોટા ભાગની સ્ત્રીઓને લાગે છે એ ભય તથા શરમની વાત છે અને એ કારણે આ સમસ્યાનો વ્યાપ વધ્યો છે.
એક ઑનલાઇન સર્વેના તારણ મુજબ, 2021માં 140 ભારતીય શહેરોમાં 56 ટકા સ્ત્રીઓએ જાહેર પરિવહનમાં જાતીય સતામણી થયાનું જણાવ્યું હતું, પરંતુ માત્ર બે ટકા કિસ્સા જ પોલીસ સુધી પહોંચ્યા હતા.
આવી ઘટનાઓ સામે ઝઝૂમેલા ઘણા લોકોએ જણાવ્યું હતું કે તેમણે પોતે કાર્યવાહીની અથવા પરિસ્થિતિની અવગણના કરી હતી, કારણ કે તેઓ વાત વધારવા ઇચ્છતા ન હતા.
62 ટકાથી વધુએ જણાવ્યું હતું કે “અસલામતીની ભાવના”ને કારણે તેમણે શિક્ષણ તથા નોકરીની તકો જતી કરી છે.
જાહેર સ્થળોને સ્ત્રીઓ માટે સલામત તથા સર્વસમાવેશક બનાવવા માટે કામ કરતી સેફ્ટી પીન નામની સામાજિક સંસ્થાના સહ-સ્થાપક કલ્પના વિશ્વનાથે કહ્યું હતું કે “જાતીય હિંસાનો ભય, વાસ્તવિક હિંસાની સરખામણીએ સ્ત્રીઓના માનસ તથા ગતિશીલતાને વધારે પ્રભાવિત કરતો હોય છે.”
“મહિલાઓ પોતાના પર પ્રતિબંધ લગાવવાનું શરૂ કરી દે છે અને ખુદને પુરુષ સમાન બનવાથી વંચિત રાખે છે. સ્ત્રીના જીવન પર સતામણીના વાસ્તવિક કૃત્યની સરખામણીએ તેની અસર બહુ ઊંડી થતી હોય છે.”
‘ટ્રાન્સપૉર્ટ નેટવર્ક બદમાશોને આકર્ષે છે’
કલ્પના વિશ્વનાથના જણાવ્યા મુજબ, સ્ત્રીઓની સતામણી ભારતની જ નહીં, વૈશ્વિક સમસ્યા છે.
થોમસન રોઇટર્સ ફાઉન્ડેશને કરેલા 1,000 સ્ત્રીઓને આવરી લેતા સર્વેમાં જાણવા મળ્યું હતું કે લંડન, ન્યૂયૉર્ક, મૅક્સિકો સિટી, ટોક્યો અને કૈરોમાં ટ્રાન્સપૉર્ટ નેટવર્ક બદમાશોને આકર્ષે છે. આ બદમાશો તેમના ગેરવ્યવહારને છુપાવવા માટે ભીડ હોય તેવો સમયનો ઉપયોગ કરે છે, જેથી પકડાઈ જાય તો તેઓ ભીડનું બહાનું આપી શકે.
કલ્પના વિશ્વનાથના જણાવ્યા મુજબ, લેટિન અમેરિકા અને આફ્રિકાની સ્ત્રીઓએ તેમને જણાવ્યું હતું કે તેઓ સાથે સેફ્ટી પીન જરૂર રાખે છે.
અમેરિકાના સ્મિથસોનિયન સામયિકનો એક અહેવાલ જણાવે છે કે 1900ના દાયકામાં પણ સ્ત્રીઓએ હેટ પીનનો ઉપયોગ, તેમની બહુ નજીક આવતા પુરુષોને ખૂંચાડવા માટે કર્યો હતો.
જોકે, જાહેર સતામણીના સંદર્ભમાં અનેક વૈશ્વિક સર્વેક્ષણમાં ટોચ પર રહેવા છતાં ભારત તેને મોટી સમસ્યા ગણતું નથી.
કલ્પના વિશ્વનાથના જણાવ્યા મુજબ, યોગ્ય રીતે નોંધ ન લેવાતી હોવાને કારણે આ અપરાધના સાચા આંકડા બહાર આવતા નથી અને ફિલ્મો આપણને એવું શીખવે છે કે સતામણી સ્ત્રીને આકર્ષવાની એક રીત છે.
તેમણે ઉમેર્યું હતું કે પાછલાં કેટલાંક વર્ષોથી અનેક શહેરોમાં સ્થિતિ સુધરી છે. રાજધાની દિલ્હીની બસોમાં પેનિક બટન અને સીસીટીવી કૅમેરા ગોઠવવામાં આવ્યા છે. અગાઉની સરખામણીએ બસમાં વધુ ડ્રાઇવરોને સામેલ કરવામાં આવી છે. ડ્રાઇવર્સ તથા કંડક્ટર્સને મહિલા પ્રવાસી પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવવા માટે તાલીમ સત્રોનું આયોજન કરવામાં આવે છે અને બસમાં માર્શલ તહેનાત કરવામાં આવ્યા છે.
પોલીસે મોબાઇલ ફોન ઍપ્લિકેશન અને હેલ્પલાઈન નંબર લૉન્ચ કર્યાં છે, જેની મદદ સ્ત્રી લઈ શકે છે.
આ સમસ્યા કાયમ કાયદો અને વ્યવસ્થાની સમસ્યા જ નથી હોતી, એમ જણાવતાં કલ્પના વિશ્વનાથે ઉમેર્યું હતું કે “આ સમસ્યા બાબતે વાત કરવામાં આવે તે સૌથી વધુ જરૂરી છે એવું હું માનું છું. મીડિયા મારફત અભિયાન ચલાવીને લોકોને બરાબર સમજાવવું જોઈએ કે સ્વીકાર્ય વ્યવહાર કેવો હોવો જોઈએ.”
એવું નહીં થાય ત્યાં સુધી કલ્પના, મારી સહકર્મચારી અને બીજી લાખો ભારતીય મહિલાઓએ પોતાની સાથે સેફ્ટી પીન રાખવી જ પડશે.