You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'દાદીના મૃતદેહને હું સ્પર્શું તો એમને શ્રાપ કઈ રીતે લાગી જાય?' - BBCShe
- લેેખક, હર્ષિતા શારદા
- પદ, બીબીસી અને વીમેન્સ વેબ માટે
મારાં દાદીના મૃત્યુને કારણે હું ભાંગી પડી હતી. અમારી વચ્ચે એક ખાસ સંબંધ હતો. તેમણે મને એવો અનુભવ કરાવ્યો હતો કે હું બધી જ રીતે વિશ્વમાં શ્રેષ્ઠ છું.
હું જેમને બહુ જ પ્રેમ કરતી હતી એ વ્યક્તિને ગુમાવવા ઉપરાંત દાદીનું મૃત્યુ મારા માટે, મહિલાઓએ તેમના પ્રિયજનોના અંતિમસંસ્કાર વખતે જે ભેદભાવનો સામનો કરવો પડે છે એ આકરા સત્યના અનુભવ જેવું હતું.
આ વર્ષે 15 જાન્યુઆરીએ હૃદયરોગના હુમલાને કારણે મારાં 95 વર્ષનાં દાદીનું અવસાન થયું હતું. તેઓ એક એવી વ્યક્તિ હતાં, જેમણે કાયમ મારી પ્રશંસા કરી હતી. તેમના મૃત્યુની આગલી સાંજે મેં તેમના માટે બનાવેલી ચાને પણ તેમણે વખાણી હતી અને કહ્યું હતું કે હું મારા ભાઈ કરતાં વધુ સારી ચા બનાવું છું. (વધુ સારી ચા બનાવવાની બાબતમાં મારી અને મારા ભાઈ વચ્ચે કાયમ સ્પર્ધા થતી હોય છે)
દાદી આખા પરિવારને પ્રેમ કરતાં હતાં પરંતુ મારા માટે તેમને વિશેષ પ્રેમ હતો. હું ગોળ ન ગણાય તેવી રોટલીઓ બનાવતી, ખારી દાળ બનાવતી અને તેમને પાણીનો ગ્લાસ આપતી ત્યારે પણ તેઓ મારાં વખાણ કરતાં હતાં.
તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને તેમને એક સપ્તાહ માટે હૉસ્પિટલમાં દાખલ કરવાં પડ્યાં હતાં. હૉસ્પિટલથી ઘરે પાછા આવ્યાના ચાર દિવસ પછી તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
વીમૅન્સ વેબના સહયોગમાં કરવામાં આવેલી આ સ્ટોરી BBCShe પ્રોજેક્ટનો એક ભાગ છે, જેમાં અમે મહિલાઓ માટેનું પત્રકારત્વ કરીએ છીએ.
BBCShe વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો.
જ્યારે દાદીએ અંતિમ શ્વાસ લીધા...
હું દિલ્હીમાં અભ્યાસ કરું છું, પરંતુ દાદીની ખરાબ તબિયતના સમાચાર સાંભળીને હું જલંધર, ઘરે આવી હતી. દાદી મૃત્યુશૈયા પર હતાં ત્યારે તેમની છેલ્લી ઇચ્છા જમીન પર મૃત્યુ પામવાની હતી. તેમની એ ઇચ્છા પૂરી કરવા મારા પિતાએ તેમને જમીન પર સુવડાવવાનો નિર્ણય કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ દાદીને પલંગ પરથી ઉપાડતા હતા ત્યારે તેમણે મને મદદ કરવા કહ્યું હતું. હું તેમને મદદ કરવા જઈ રહી હતી ત્યાં જ મારાં દાદીની સારસંભાળ લેવા માટે રાખવામાં આવેલી એક મહિલાએ મારો હાથ ખેંચી લીધો હતો અને કહ્યું હતું કે મારે દાદીને સ્પર્શ કરવો ન જોઈએ, કારણ કે મારા સ્પર્શથી દાદીને શ્રાપ લાગશે.
એ સાંભળીને હું ગુસ્સે થઈ ગઈ હતી અને તેમના પર બરાડી હતી કે અમારી વચ્ચે જે પ્રેમ હતો એ કારણે હું દાદીને સ્પર્શ કરીશ તો તેઓ તેઓ રાજી થશે. એટલું કહીને હું હિબકાં ભરતી ઓરડામાંથી બહાર નીકળી ગઈ હતી, કારણ કે એ સમય આવાં પિતૃસત્તાક ધારાધોરણો સામે લડવાનો ન હતો. મારાં માતા-પિતાએ દાદીની સંભાળ લેતી મહિલાના નિવેદન સામે વાંધો લીધો હતો અને મને રૂમમાં પાછી આવવા જણાવ્યું હતું, પરંતુ એ મહિલાના શબ્દોની મારી પર એટલી પ્રતિકૂળ અસર થઈ હતી કે હું એમ કરી શકી ન હતી.
જોકે, વાત આટલેથી પૂરી થઈ ન હતી. લોકોએ દાદીને જમીન પર સુવડાવવા માટે ઊંચક્યાં એ વખતે જમીન પરની ચાદર એક ખૂણેથી ફાટી ગઈ હતી. પેલી મહિલા મારી પાસે આવી હતી અને કહ્યું હતું કે “તે દાદીને સ્પર્શ કર્યો એટલે જ દાદીને જમીન પર સુવડાવતી વખતે એક વ્યક્તિએ સંતુલન ગૂમાવ્યું હતું.”
એ મહિલા જે કહી રહી હતી તે મારા માનવામાં આવતું ન હતું. તેમનું કહેવું એમ હતું કે મારો સ્પર્શ માત્ર મારાં દાદીને આગલા જનમમાં શાપ પૂરવાર થઈ શકે છે. હું અવાચક થઈ ગઈ હતી. જે થઈ રહ્યું હતું તેનાથી હું એટલી બધી અભિભૂત થઈ ગઈ હતી કે મારી જાતને જણાવી શકતી ન હતી કે તેઓ જે કહી રહ્યાં છે ખોટું છે અથવા તેઓ મારા અને દાદી વચ્ચેના સંબંધને જાણતાં નથી.
મારો જન્મ એવા પરિવારમાં થયો છે, જ્યાં દીકરાઓ અને દીકરીઓ સાથે સમાન વર્તન કરવામાં આવે છે. મારાં માતા-પિતાએ મારા ભાઈને અને મને હંમેશાં સાથ આપ્યો છે. મારાં દાદીએ પણ અમારી વચ્ચે ક્યારેય ભેદભાવ કર્યો નથી.
મારે મારાં દાદીને સ્પર્શ ન કરવો જોઈએ, કારણ કે એમ કરવાથી તેમને શ્રાપ લાગશે, એવું કોઈ અજાણી વ્યક્તિના મોઢેથી સાંભળીને હું બહુ વ્યથિત થઈ ગઈ હતી. એ બેવડા ફટકા જેવું હતું. હું જેમને બહુ જ પ્રેમ કરતી હતી એવી વ્યક્તિને ગુમાવવાના દુઃખની સાથે મારે પિતૃસત્તા દ્વારા બનાવવામાં આવેલા ધારાધોરણોનો સામનો પણ કરવાનો હતો.
‘મજબૂત ઈરાદાવાળા મહિલા હતા દાદી’
હું બાળપણથી જ મજબૂત મહિલાઓની વચ્ચે ઉછરી છું. મારી મમ્મી, દાદી અને નાનીને હું મારી પ્રેરણા માનું છું.
દાદી યુવાવસ્થામાં હતા ત્યારે મારા દાદાનું અવસાન થયું હતું. લોકો તો તેમને ફરી લગ્ન કરવાનો આગ્રહ કરતા હતાં, પરંતુ દાદીએ તેમ ન કરવાનો નિર્ણય કર્યો હતો. તેઓ તેમના નિર્ણયમાં મક્કમ હતાં. તેઓ અભ્યાસ કરવા ઇચ્છતાં હતાં. તેથી તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો હતો. તેમની મહેનત રંગ લાવી હતી અને તેઓ એક સ્કૂલના પ્રિન્સિપાલ બન્યાં હતાં.
તેમને કોઈ સંતાન ન હતું, પરંતુ તેઓ મારા પિતાને પોતાનો દીકરો ગણીને બહુ પ્રેમ કરતાં હતાં. મારા પિતા દાદીની બહેનના દીકરા છે. અમે તેમને બડી દાદી કહેતા હતા. તેઓ એક મજબૂત સ્ત્રી હતા. તેમની ખુશી ક્યારેય પુરુષ પર આધારિત ન હતી. તેઓ પોતાની શરતે જીવન જીવ્યાં હતાં અને સ્ત્રીઓને ઘરની બહાર પગ મૂકવાની છૂટ ન હતી એ જમાનામાં તેઓ કામ કરતી મહિલાનું ઉદાહરણ બન્યાં હતાં.
તેમના મૃત્યુને પગલે મારા મનમાં અનેક સવાલ ઊઠ્યા હતા. અંતિમસંસ્કાર વખતે પુરુષો જ પ્રાધાન્ય આપવામાં આવે છે, પરંતુ મારાં નારીવાદી દાદીને તે મંજૂર હશે? તેઓ મૃત્યુશૈયા પર હોય એ વખતે હું ત્યાં હાજર હોઉં અને તેમને સ્પર્શ કરું તો તેમાં ખોટું શું છે?
પુત્રોને જ કેમ અંતિમસંસ્કાર કરવાની પરવાનગી?
હું હૉસ્પિટલમાં તેમની સારસંભાળ રાખતી હતી ત્યારે મને કોઈએ પૂછ્યું ન હતું કે હું દીકરો છું કે દીકરી, તો તેઓ મૃત્યુ પામ્યાની સાથે જ બધું કેવી રીતે બદલાઈ ગયું? દાદીના મૃત્યુ પહેલાં મારાં માતા-પિતાએ અને મેં તેમને ગંગાજળ પીવડાવ્યું હતું તે મને યાદ છે. મને દાદી પ્રત્યે કેટલો લગાવ છે એ જાણતા મારા માતા-પિતાએ મને ક્યારેય કશું કરતાં રોકી નથી, પરંતુ અમે લોકોથી ઘેરાયેલાં હતાં ત્યારે વસ્તુસ્થિતિ બદલાઈ ગઈ હતી.
આ જોઈને મને મારા નાનીના મૃત્યુ વખતે બનેલી ઘટના યાદ આવી હતી. નાનીના ઘરની બાજુમાં રહેતી એક મહિલાએ મને તથા મારી પિતરાઈ બહેનોને સ્મશાને ન જવા અને ઘરની સાફસફાઈ કરવા જણાવ્યુ હતું. જોકે, અમે ત્રણેય સ્મશાને જઈએ તે મારી મમ્મી અને મારાં મામીએ સુનિશ્ચિત કર્યું હતું. એવું ન થયું હોત તો અમે અમારા નાનીના અંતિમસંસ્કારના સાક્ષી ક્યારેય બન્યા ન હોત.
માતા-પિતાના અંતિમસંસ્કાર કરવાની છૂટ માત્ર દીકરાઓને જ શા માટે છે એવો સવાલ મેં પૂછ્યો ત્યારે અલગ-અલગ જવાબ મળ્યા હતા, પરંતુ એ પૈકીનો એકેય સંતોષકારક ન હતો. અંતિમસંસ્કાર કરવાની વાત તો બાજુ પર રહી, કેટલીક જગ્યાએ તો મહિલાઓને સ્મશાનમાં પ્રવેશવાની છૂટ સુદ્ધાં હોતી નથી. પોતાના અંતિમસંસ્કાર કોઈ કરી શકે એટલા માટે લોકો દીકરીને બદલે દીકરાના જન્મને પ્રાધાન્ય આપે છે? તેનાથી મૃત્યુ પછી ખરેખર શાંતિની ખાતરી મળે છે? જે ભગવાને નર અને નારી જાતિ બનાવી છે એ પણ બન્ને વચ્ચે ભેદભાવ રાખે છે?
પ્રિયજન મૃત્યુ પામે ત્યારે તેમના વિનાના ખાલી ઓરડાના જ વિચાર આવે. હવે એ રૂમમાંથી તેમનો અવાજ ક્યારેય નહીં સંભળાય અથવા તેમનો પ્રેમાળ સ્પર્શ ક્યારેય નહીં અનુભવી શકાય. દાદીને છેલ્લી વાર સ્પર્શ કરવાથી અને તેમના અંતિમસંસ્કારનો હિસ્સો બનવાથી મને કદાચ પૂર્ણતાનો કોઈ અનુભવ થયો હોત.
મને એક વાતની ખાતરી છે કે મારાં દાદી એ ક્ષણે જાગૃત અવસ્થામાં હોત તો મને તેમનો સ્પર્શ ન કરવા દેવા બદલ તેમણે બધાને ઠપકો આપ્યો હોત.
(પ્રોડ્યુસર – ખુશબૂ સંધૂ, સિરીઝ પ્રોડ્યુસર – દિવ્યા આર્ય)