લંડનની રેલીમાં એક લાખથી વધુ લોકોની હાજરી ભારતીયો સહિત દક્ષિણ એશિયનો માટે કેટલી મોટી ચિંતા છે?

    • લેેખક, નાદીયા સુલેમાન

લંડનમાં જમણેરી જૂથની સભા યુકેમાં દાયકાઓમાં જોવા મળેલા સૌથી મોટા ઇમિગ્રન્ટ વિરોધી પ્રદર્શનોમાંના ફેરવાઈ ગઈ હતી.

13 સપ્ટેમ્બર, 2025ના રોજ, 1,10,000થી વધુ લોકો મધ્ય લંડનમાં "યુનાઇટ ધ કિંગડમ" માર્ચ માટે ઊમટી પડ્યા, જેનું આયોજન જમણેરી કાર્યકર્તા ટૉમી રૉબિન્સને કર્યું હતું.

યુનિયન જેક્સ, ઇંગ્લૅન્ડના સેન્ટ જ્યૉર્જ ક્રૉસ અને અમેરિકન અને ઇઝરાયલી ફ્લૅગ પણ લઈને, વિરોધીઓએ પોલીસની સુરક્ષાને પડકારી હતી.

શરૂઆતમાં "સ્વતંત્ર અભિવ્યક્તિનો ઉત્સવ" તરીકે ઓળખાતી આ રેલી ઝડપથી જાતિવાદ તરફ ઢળી ગઈ અને અંતે મુસ્લિમ વિરોધી દ્વેષપૂર્ણ ભાષણમાં પરિણમી.

મોટી સંખ્યામાં પોલીસ હાજર હોવા છતાં, હિંસા ફાટી નીકળી, જેમાં બે ડઝનથી વધુ અધિકારીઓ ઘાયલ થયા.

ઇમિગ્રેશન એક વિભાજનકારી મુદ્દો બની ગયો છે, જે ઓળખ, સંબંધ અને દેશના ભવિષ્ય પર સવાલો કરે છે.

લંડનમાં સપ્તાહના અંતે 1,10,000 લોકો શા માટે કૂચ કરી રહ્યા હતા?

સરકારે દેશની સરહદો પર કંટ્રોલ ગુમાવી દીધો હોવાના આરોપ અને આક્રોશ સાથે આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

યુકે ગેરકાયદેસર માઇગ્રેશન અટકાવીને કંટ્રોલ પાછો મેળવે એવી પ્રદર્શનકારીઓએ માગ કરી હતી.

અન્ય લોકોએ કહ્યું કે તેઓ બ્રિટિશ સંસ્કૃતિનો બચાવ કરવા માટે ત્યાં ઉપસ્થિત હતા. બ્રિટિશ સંસ્કૃતિ નષ્ટ થઈ રહી હોવાનો પ્રદર્શનકારીઓનો દાવો હતો. ઘણા લોકોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઇમિગ્રેશન વિરુદ્ધ બોલવા બદલ સામાન્ય લોકોને ચૂપ કરવામાં આવી રહ્યા છે.

વડા પ્રધાન કિઅર સ્ટાર્મર પર નિર્દેશિત સૂત્રોચ્ચાર અને પ્લેકાર્ડ્સ સાથે વ્યાપક રાજકીય પરિવર્તનની હાકલ પણ કરવામાં આવી હતી.

આ રેલીના સમર્થનમાં રૉબિન્સન ઉપરાંત, અમેરિકન અબજોપતિ ઍલન મસ્ક વીડિયો લિંક દ્વારા જોડાયા હતા.

આ વિરોધ યુકેમાં દક્ષિણ એશિયન ઇમિગ્રન્ટ સમુદાય પર કેવી અસર કરે છે?

2021ની વસ્તી ગણતરી મુજબ, યુકેનો દક્ષિણ એશિયાઈ સમુદાય દેશનો બીજો સૌથી મોટો વંશીય જૂથ છે.

યુકેમાં દક્ષિણ એશિયાઈ સમુદાયમાં ભારતીયો, પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓનું વર્ચસ્વ છે, જેમાં નોંધપાત્ર સિંહાલી અને નેપાળી વસ્તી છે.

ભલે વિરોધ પ્રદર્શન કડક સરહદી નિયંત્રણની માંગ અને અને આશ્રય નીતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યાં હોય, પરંતુ તેની અસર આ વંશીય સમુદાયો પર પડી રહી છે જેઓ પેઢીઓથી દેશમાં રહે છે.

ખાસ કરીને મુસ્લિમ અને શીખ સમુદાયો વિરુદ્ધ નફરતની ઘટનાઓ વધી રહી છે.

આ વર્ષની શરૂઆતમાં, ઇસ્લામોફોબિયા પર નજર રાખતી સંસ્થા ટેલ મામાના એક અહેવાલમાં જાણવા મળ્યું હતું કે 2024માં મુસ્લિમ વિરોધી નફરત રેકૉર્ડ સ્તરે વધી ગઈ છે.

ગયા અઠવાડિયે, વેસ્ટ મિડલૅન્ડ્સ ક્ષેત્રમાં એક યુવાન શીખ મહિલા પર થયેલા બળાત્કારને પોલીસ " ઉગ્ર વંશીય હુમલો" ગણાવી રહી છે.

છેલ્લા કેટલાક મહિનાઓમાં અતિ જમણેરી અને ઇમિગ્રન્ટ વિરોધી જૂથો દ્વારા આયોજિત અનેક વિરોધ પ્રદર્શનો જોવા મળ્યાં છે, જેના કારણે સમુદાયમાં અનિશ્ચિતતા અને ચિંતાઓ વધી છે.

સપ્તાહના અંતે થયેલા વિરોધ પ્રદર્શનોમાં, લોકો "ગો હોમ " અને "ડિપૉર્ટ ઑલ ઇલલિગલ'' ગેરકાયદેસર લોકોને દેશનિકાલ કરો" તેવી માંગણી કરતાં પ્લેકાર્ડ્સ જોવાં મળ્યાં હતાં, જે વધતી દુશ્મનાવટના ભયને વેગ આપે છે.

યુકેમાં ઇમિગ્રન્ટ વિરોધી ભાવના કેમ વધી રહી છે?

યુકેની વસ્તી વિષયક, સાંસ્કૃતિક અને આર્થિક ઓળખને માઇગ્રન્ટે લાંબા સમયથી આકાર આપ્યો છે.

તાજેતરના સમયમાં, ખાસ કરીને બ્રેક્ઝિટ પછી, અતિ-જમણેરીઓના નેતૃત્વ હેઠળ માઇગ્રન્ટસ પ્રત્યે અસહિષ્ણુતા વધી રહી છે.

યુકેમાં ઑફિસ ફૉર નૅશનલ સ્ટેટિસ્ટિક્સ અનુસાર, 2022માં નેટ માઇગ્રેશન, અથવા બ્રિટનમાં કાયદેસર રીતે આવનારા અને જતા લોકોની સંખ્યા વચ્ચેનો તફાવત રેકૉર્ડ 745,000 હતો.

આ આંકડો બ્રેક્ઝિટ પહેલાં જોવા મળેલા સ્તર કરતાં ત્રણ ગણો વધારે હતો.

માર્ચ 2025 માં પૂરા થયેલા વર્ષમાં કુલ 109,343 લોકોએ યુકેમાં આશ્રય માટે અરજી કરી હતી, જે તાજેતરનાં વર્ષોમાં સૌથી વધુ આંકડાઓમાંનો એક છે.

અરજદારોમાં અલ્બેનિયનોનો સૌથી મોટો સમૂહ હતો, ત્યાર બાદ અફઘાન, પાકિસ્તાની, ઈરાની અને બાંગ્લાદેશીનો સમાવેશ થાય છે, જેના કારણે દક્ષિણ એશિયાઈ રાષ્ટ્રીયતા ટોચના પાંચમાં સ્થાન પામી છે.

માઇગ્રન્ટ સમુદાયો

ખોટી માહિતીએ માત્ર સંસાધનોના વિતરણ અને એકંદર સલામતી અંગે ચિંતાઓ જ નહીં, પણ ઇમિગ્રન્ટ વિરોધી અને મુસ્લિમ વિરોધી પ્રચારમાં પણ વધારો કર્યો છે.

લંડન અને બર્મિંગહમ જેવાં નાણાકીય કેન્દ્રોમાં લગભગ 40 ટકા વસ્તી સ્થળાંતર કરનારાઓની બનેલી છે, જેના કારણે એવી લાગણી જન્મે છે કે માઇગ્રન્ટ સમુદાયો મોટાભાગની તકો અને સંસાધનો છીનવી રહ્યા છે.

આ સ્થિતિને જમણેરી વર્ગ 'કન્ટ્રી અંડર સીજ' તરીકે જોઈ રહ્યો છે.

દરમિયાન, વ્યાપક આર્થિક અને સામાજિક દબાણ, વધતા જીવન ખર્ચ, રહેઠાણની અછત અને રાજકીય અસ્થિરતાને કારણે ઇમિગ્રેશન એક સરળ લક્ષ્ય બન્યું છે.

શેરીઓમાં દોરવામાં આવેલા યુનિયન જેક્સથી લઈને લંડનમાં કૂચ સુધી જોવા મળતું રાષ્ટ્રવાદી ચિત્ર આ તણાવની દૃશ્યમાન અભિવ્યક્તિ બની ગયું છે.

શું સ્થિતિ ખરાબ થઈ શકે છે?

સપ્તાહના અંતે થયેલી ઘટનાઓ સૂચવે છે કે બ્રિટન વધુ ધ્રુવીકરણ પામેલા અને સંભવિત અસ્થિર તબક્કામાં પ્રવેશી રહ્યું છે.

સ્ટેન્ડ અપ ટુ રેસિઝમ દ્વારા આયોજિત પ્રતિ-વિરોધમાં લગભગ 5,000 લોકો જોડાયા હતા, જે રૉબિન્સનની ભીડનો એક અંશ માત્ર હતો.

આ અસંતુલન જાતિવાદ વિરોધી પ્રતિકારની તુલનામાં ઇમિગ્રન્ટ વિરોધી ગતિશીલતાની વધતી જતી શક્તિને પ્રતિબિંબિત કરે છે.

લંડનમાં અનેક ઘટનાઓથી ઘેરાયેલી પોલીસે જણાવ્યું હતું કે રેલીના પ્રમાણથી તેઓ બેચેન થઈ ગયા હતા.

આ વિરોધ પ્રદર્શનમાં 26 અધિકારીઓ ઘાયલ થયા હતા અને 25 ધરપકડો થઈ હતી.

ઑગસ્ટમાં અનેક સ્થાનિક વિરોધ પ્રદર્શનો સાથે, યુકે સરકાર પર આશ્રય હોટલો બંધ કરવા માટે દબાણ વધી રહ્યું છે.

આશ્રય હોટલો બંધ થવાથી અસંબંધિત લોકોનાં જૂથો માટે ભાડાનાં ઘરોનો ઉપયોગ વધી શકે છે - જે ફરીથી પ્રતિક્રિયા પેદા કરી શકે છે.

બ્રિટનના ઇમિગ્રન્ટ સમુદાયો માટે, હવે પડકાર એ છે કે એવા રાજકીય વાતાવરણનો સામનો કરવો કે જ્યાં ઇમિગ્રન્ટ વિરોધી ભાવના માત્ર સ્પષ્ટ જ નહીં પરંતુ વધુને વધુ મુખ્ય પ્રવાહમાં પણ પ્રવેશી રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન