માછીમારોના નાનકડા ગામડાની ગણના વિશ્વનાં સમૃદ્ધ રાષ્ટ્રોમાં કેવી રીતે થવા લાગી?

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં કતાર મધ્યસ્થી કરી રહ્યું છે અને ત્યાં કેટલીક બેઠકો પણ થઈ છે. આ સિવાય મધ્યપૂર્વ તથા અનેક દેશો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં કતારે મધ્યસ્થી કરી છે.

બીજી બાજુ, મંગળવારે ઇઝરાયલે કતારની રાજધાની દોહામાં હમાસના પ્રતિનિધિઓને ટાર્ગેટ કરીને હુમલો કર્યો હતો, જેની કતાર, યુરોપિયન સંઘ અને યુએન સહિત અનેક દેશોએ ટીકા કરી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું, ઇઝરાયલે તેમને આ અંગે માહિતી તો આપી હતી, પરંતુ ત્યાર સુધીમાં "દુર્ભાગ્યપૂર્ણ હુમલાને અટકાવવામાં ખૂબ જ મોડું થઈ ગયું હતું."

ઇઝરાયલના હુમલા બાદ કતારે આરબ તથા ઇસ્લામિક દેશોની એક આપાતકાલીન બેઠક બોલાવી છે. જે રવિવાર તથા સોમવારે યોજાશે. જેના કારણે આ નાનકડું રાષ્ટ્ર ફરી એક વખત ચર્ચાના કેન્દ્રમાં આવી ગયું છે.

લગભગ 100 વર્ષ પહેલાં સુધી એવું માનવામાં આવતું હતું કે કતાર રહેવાલાયક જગ્યા નથી. અહીંના લોકો નસીબ અજમાવવા માટે વિદેશ જતા, ત્યારે કતારની કિસ્મત અચાનક કેવી રીતે બદલાઈ?

આશ્ચર્યજનક પ્રગતિ

લગભગ એકસો વર્ષ પહેલાં સુધી કતાર આધુનિક તથા સમૃદ્ધ દેશની અવધારણાથી ઘણું દૂર હતું. લગભગ 12 હજાર વર્ગ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા આ ખાડી દેશને વ્યવહારિક દૃષ્ટિએ રહેવા માટે યોગ્ય માનવામાં આવતો ન હતો.

અહીં મોટી સંખ્યામાં માછીમાર તથા મોતી વીણનારા રહેતા, જેઓ મોટા ભાગે વણજારા જેવું જીવન જીવતા. 1930 તથા 1940ના દાયકામાં જાપાનીઓ મોતીની ખેતી કરવા લાગ્યા અને મોટા પાયે ઉત્પાદન શરૂ કરી દીધું. પરિણામે કતારનું અર્થતંત્ર હચમચી ગયું.

એ સમયે કતારની લગભગ 30 ટકા વસતિ હિજરત કરી ગઈ. સંયુક્ત રાષ્ટ્રના એક અનુમાન મુજબ, વર્ષ 1950માં કતારની વસતિ ઘટીને માંડ 24 હજાર જેટલી જ રહી હતી.

એ પછી અહીં એક 'જાદુઈ શોધ' થઈ અને મોટા પાયે ક્રૂડ રિઝર્વ હોવાનું માલૂમ પડ્યું. 1950માં કતારનો ખજાનો છલકાવા લાગ્યો. 1950ની શરૂઆતમાં અહીંના કેટલાક લોકો દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ થઈ ગયા.

આજે કતારમાં અગણિત ગગનચૂંબી ઇમારતો, ભવ્ય કૃત્રિમ ટાપુ તથા અત્યાધુનિક સ્ટેડિયમો છે. ત્યારે નજર કરીએ, ત્રણ પરિવર્તનો ઉપર, જેના કારણે કતાર વિશ્વનો સૌથી સમૃદ્ધ દેશ બની ગયો.

1939માં ક્રૂડઑઇલ મળી આવ્યું

જ્યારે કતારમાં ક્રૂડઑઇલ મળી આવ્યું, ત્યારે તે સ્વતંત્ર દેશ તરીકે અસ્તિત્વ ધરાવતું ન હતું. 1916થી કતાર ઉપર અંગ્રેજોનું પ્રભુત્વ હતું.

વર્ષ 1939માં કતારના પશ્ચિમ કિનારે દોહાથી લગભગ 80 કિલોમીટર દૂર દુખાનમાં પહેલી વખત ક્રૂડઑઇલ મળી આવ્યું.

અમેરિકાના બૅકર ઇન્સ્ટિટ્યૂશનમાં કતારની બાબતોનાં જાણકાર ક્રિસ્ટિયન કોટ્સ કહે છે, "આ શોધ બીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં થઈ, જેના કારણે વર્ષ 1949 સુધી નિકાસ અટકેલી રહી."

ક્રૂડઑઇલની નિકાસને કારણે કતારમાં નવી-નવી તકો ઊભી થવા લાગી. અહીંથી ઝડપભેર પરિવર્તન થવા લાગ્યું. અહીંનો ક્રૂડતેલ ઉદ્યોગ પૂરબહાર ખીલી રહ્યો હતો, જેના કારણે પ્રવાસી અને રોકાણકારો મોટા પાયે કતાર આવવા લાગ્યા, એ પછી અહીંની વસતિ પણ વધવા લાગી.

વર્ષ 1970માં માત્ર 20 વર્ષમાં વસતિ ચાર ગણી વધી ગઈ અને એક લાખ કરતાં વધુની થઈ ગઈ.

વર્ષ 1971માં બ્રિટિશ શાસનનો અંત આવ્યો અને કતાર સ્વતંત્ર દેશ બન્યો. આ સાથે દેશમાં નવા યુગની શરૂઆત થઈ.

સ્વતંત્રતા બાદ કતારમાં વધુ સમૃદ્ધિ આવી. એ પછી વધુ એક શોધ થઈ, જેણે કતારની સમૃદ્ધિ વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

કુદરતી ગૅસની શોધ

971માં એંજિનિયરોને કતારના પૂર્વોત્તર તટથી દૂર નૉર્થ ફિલ્ડ ખાતે કુદરતી ગૅસનો વિશાળ ભંડાર મળી આવ્યો. એ સમયે બહુ થોડા લોકો તેનું મહત્ત્વ સમજી શક્યા હતા.

નૉર્થ ફિલ્ડના ગૅસ ભંડારનું મહત્ત્વ સમજવામાં વધુ 14 વર્ષ નીકળી ગયાં. અહીં વિશ્વનું સૌથી મોટું નૉન-ઍસોસિયેટેડ નૅચરલ ગૅસ રિઝર્વ છે. જે સમગ્ર વિશ્વના કુલ ભંડારના લગભગ 10 ટકા છે.

નૉર્થ ફિલ્ડનું ક્ષેત્રફળ લગભગ છ હજાર વર્ગ કિલોમીટર છે. જે સમગ્ર કતારનો અડધોઅડધ હિસ્સો છે. કતાર વિશ્વમાં સૌથી મોટો તરલ કુદરતી ગૅસ (લિક્વિફાઇડ નૅચરલ ગૅસ) ઉત્પાદક દેશ છે. કતારના આર્થિકવિકાસમાં આ કંપનીની મોટી ભૂમિકા છે.

જોકે, ક્રૂડની જેમ જ ગૅસમાંથી થનારી આવકમાં પણ સમય લાગી ગયો. ક્રિસ્ટિયન કોટ્સ કહે છે, "લાંબા સમય સુધી ગૅસની એટલી માગ ન હતી,પરંતુ 80ના દાયકામાં પરિવર્તનની શરૂઆત થઈ."

તેઓ કહે છે કે 90ના દાયકામાં ગૅસની નિકાસ થઈ શકે, તે માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી. જેના કારણે કતારના અર્થતંત્રને વધુ વેગ મળ્યો.

એવામાં એક એવી ઘટના ઘટી કે જેના કારણે કતારની આગેકૂચને આંચકો લાગ્યો.

1995માં બળવો

21મી સદીની શરૂઆતમાં કતારના આર્થિક વિકાસદરે મોટી છલાંગ ભરી. વર્ષ 2003થી 2004 દરમિયાન કતારનો જીડીપી (કુલ ઘરેલું ઉત્પાદન) દર 3.7 ટકાથી વધીને 19.2 ટકા થઈ ગયો.

વર્ષ 2006માં વિકાસદર વધીને 26.2 ટકા ઉપર પહોંચી ગયો. એ પછી વર્ષો સુધી કતારનો જીડીપી દર કૂદકેને ભૂસકે વધતો રહ્યો. કતારની આર્થિક તાકત પણ વધી. કતારની આગેકૂચ માત્ર ગૅસના ભાવો પૂરતી મર્યાદિત ન હતી.

કતાર યુનિવર્સિટીમાં પ્રોફેસર તથા સસ્ટેઇનેબલ ઇકૉનૉમિક્સના જાણકાર મહમદ સઈદી કહે છે, "જ્યારે કતારમાં આર્થિક પરિવર્તન થઈ રહ્યાં હતાં, ત્યારે દેશમાં રાજકીય ફેરફાર પણ થઈ રહ્યા હતા."

"વર્ષ 1995માં કતારના આમિર તમીમ બિન હમદ અલ થાનીના પિતા હમદ બિન ખલીફા અલ થાનીએ સત્તા સંભાળી. કેટલાક લોકો માટે આ એક વિવાદાસ્પદ ઘટના હતી, આવું કેમ થયું?"

પિતા સ્વિટ્ઝરલૅન્ડની મુલાકાતે હતા, ત્યારે હમદ બિન ખલીફા અલ થાનીએ પોતાના પિતાનું સ્થાન લીધું. કતારમાં દોઢસો વર્ષથી અલ થાની પરિવાર કતાર ઉપર શાસન કરી રહ્યો છે. આ પરિવારમાં આવી રીતે સત્તા કબજે કરવાની ઘટના અગાઉ પણ બની છે.

જાણકારોના કહેવા પ્રમાણે, પૅલેસ પોલિટિક્સ ઉપરાંત આ સત્તાપરિવર્તનથી કતારમાં નવો ફેરફાર આવ્યો.

સ્પેનિસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેન ટ્રેડના જણાવ્યા પ્રમાણે, "ગૅસ તથા તેલને કાઢવા તથા તેની નિકાસ કરવાની દિશામાં કતારે ભારે રોકાણ કર્યું. જેના કારણે કતારના વિશાળ ક્રૂડઑઇલ તથા ગૅસ ભંડારોમાં ઉત્પાદન વધ્યું અને નિકાસમાં ભારે વૃદ્ધિ જેવા મળી."

વર્ષ 1996માં એલપીજી ભરેલું એક જહાજ જાપાન માટે રવાના થયું. કતારે કરેલી આ સૌથી મોટી નિકાસ હતી. અબજો ડૉલરની નિકાસની શરૂઆત અહીંથી જ થઈ.

વર્ષ 2021માં કતારમાં દરેક વ્યક્તિદીઠ આવક 61 હજાર 276 ડૉલર હતી. જો પરચેઝિંગ પાવર પૅરિટીના આધાર ઉપર જોવામાં આવે, તો વિશ્વ બૅન્કના અનુમાન મુજબ આ આંકડો વધીને 93 હજાર 521 ડૉલર છે. જે વિશ્વમાં સૌથી વધુ છે.

જોકે, આનું એક કારણ એ પણ છે કે કતારની વસતિ ઓછી છે. અહીંની વસતિ 30 લાખ આસપાસ છે, જેમાંથી મોટા ભાગે બિનનિવાસી છે.

કતારના અર્થતંત્ર સામે પડકાર

તાજેતરના સમયમાં કતારના અર્થતંત્રને ભારે નુકસાન થયું અને તેની ગતિ થોડી ધીમી પડી છે. પેટ્રોલિયમપેદાશો ઉપર તેની નિર્ભરતા ભવિષ્યમાં તેની સામેનો મોટો પડકાર છે.

કતાર અન્ય દેશોની સરખામણીમાં ગ્રીન હાઉસ ગૅસોનું ઉત્પાદન વધુ કરે છે. હાલમાં કતારે ક્લાઇમેટ ચેન્જ સંદર્ભે ભારે ટીકાનો સામનો કરવો પડે છે.

વર્ષ 2017થી 2021ની વચ્ચે સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમિરાત, બહરીન તથા ઇજિપ્તે તેની નાકાબંધી કરી હતી, જેના કારણે કતારનાં અર્થતંત્રને ભારે અસર પહોંચી હતી.

ભારત સાથે સંબંધ

કતાર અને ભારત વચ્ચેના રાજદ્વારી સંબંધોની શરૂઆત વર્ષ 1973માં થઈ હતી. કતારના ત્રણ સૌથી મોટા ઍક્સ્પૉર્ટ પાર્ટનર્સમાં ભારતનો સમાવેશ થાય છે.

ભારતે તાજેતરમાં ઇઝરાયલે કરેલા હુમલાની ટીકા કરી હતી. ભારતના વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું હતું :

"આ ઘટનાની સમગ્ર વિસ્તાર ઉપર જે અસર પડશે, તેનાથી ભારત ચિંતિત છે. આ મામલે સંયમ રાખીને કૂટનીતિક પ્રયાસો દ્વારા તેનો ઉકેલ કાઢવો જોઈએ."

વર્ષ 2024માં નરેન્દ્ર મોદી કતાર ગયા હતા. ફેબ્રુઆરી-2025માં કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ થાની બે દિવસની સત્તાવાર યાત્રા ઉપર ભારત આવ્યા હતા. આ દરમિયાન તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

બંને દેશો વચ્ચે ઊર્જા, પેટ્રોકેમિકલ્સ, રોકાણ, માળખાકીય સુવિધાનો વિકાસ, આરોગ્ય તથા આઈટી સહિત અનેક ક્ષેત્રે દ્વિપક્ષીય કરાર થયા હતા.

એપ્રિલ-2025માં પહલગામ હુમલા બાદ બંને નેતાઓ વચ્ચે ફોન ઉપર વાતચીત થઈ હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન