'ઘરમાં હજુય પાણી છે, રસ્તે રહેવા મજબૂર છીએ,' બનાસકાંઠામાં આવેલા પૂર બાદ લોકો કેવી સ્થિતિમાં જીવી રહ્યા છે?

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

બનાસકાંઠાના ભરડવા ગામ તરફ જતાં, અનેક ઝાડ જમીનદોસ્ત થયેલાં દેખાય છે. ડીસાથી ભરડવા પહોંચતાં પહેલાં હજારોની સંખ્યામાં ગાય, ભેંસો, વાછરડાંના મૃતદેહો જોવા મળે છે.

આ મૃતદેહો ગંધાઈ રહ્યા હતા અને આસપાસના ખેડૂતો પાસે આ દુર્ગંધ સાથે જીવવા સિવાય બીજો કોઈ ઉપાય ન હતો.

નોંધનીય છે કે સતત 36 કલાક સુધી વરસેલા વરસાદે પાકિસ્તાન સાથે જોડાતી ગુજરાતની સરહદે આવેલા બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના સુઈગામ, વાવ, થરાદ અને ભાભર તાલુકાનાં ઘણાંય ગામડાંને જળમગ્ન બનાવી દીધાં હતાં. પાછલા થોડા સમયથી વરસાદે વિરામ લીધા છતાં ઘણાં ગામડાંમાં પાણી હજુ ઓસર્યાં નથી અને ગામલોકો પોતાનાં ઘરવખરી અને ઢોરઢાંખર ગુમાવ્યાંની ચિંતા સાથે અન્યત્રે રહેવા મજબૂર બન્યા છે.

ગત શનિવારે અને રવિવારે આ બંને જિલ્લામાં પ્રચંડ વરસાદ પડ્યો હતો.

અનેક ગ્રામજનોને ઘર છોડી દેવું પડ્યું હતું. હજારોની સંખ્યામાં તેમનાં પશુઓ ગામમાં જ રહી ગયાં હતાં, જ્યારે લોકો માત્ર પહેરેલાં કપડે જ બહાર આવી શક્યા હતા.

ગુજરાતના મુખ્ય મંત્રી ગુરુવારે બનાસકાંઠા પહોંચ્યા હતા અને અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી. સાથે જ રાહત માટે નાણાકીય સહાય અને પશુપાલકો સંદર્ભે સૂચના આપી હતી. રાજ્ય સરકારે બનાસકાંઠા માટે 'પૅકેજ' અંગે પણ વિચારણા હાથ ધરી છે.

હજારોની સંખ્યામાં પશુઓ ગુમ

આ અહેવાલ લખાય છે ત્યાં સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં હજારો લોકો પોતાનાં ઘરોની અંદર ફસાયેલા છે. જ્યારે હજારો લોકો ઘર છોડીને વિવિધ મંદિરો કે પછી ઊંચાઈએ આવેલા વિસ્તારોમાં આશરો લેવા માટે મજબૂર બન્યા છે.

જો ભરડવા ગામની જ વાત કરાય તો આખું ગામ વરસાદ રોકાયાને ત્રણ દિવસ થઈ ગયા છતાં આ ગામ હજુ જળમગ્ન હતું. દરેક ઘરમાં બેથી દસ ફૂટ જેટલું પાણી ભરાયું હતું. શનિવારથી લોકો પોતાનું ઘર છોડીને બહાર નીકળી ગયા હતા અને મોટા ભાગના લોકોને ખબર નહોતી કે તેમનું પશુધન જીવે છે કે તણાઈને મરી ગયું છે.

વરસાદનાં પાણી ગામમાં ભરાવવાની શરૂઆત થતાં લોકો પાસે જીવ બચાવીને સુરક્ષિત જગ્યાએ પહોંચી જવા પૂરતો જ સમય હતો. ગામલોકોના જણાવ્યાનુસાર તેઓ ઘરવખરી તરછોડવા મજબૂર બન્યા હતા.

શનિવારે રાતના અંધકારમાં આશરે 17 ઇંચથી વધુ વરસાદ વરસ્યો અને ગામલોકોની સવાર કેડ સમા પાણીમાં પડી.

અહીંના લોકો જણાવે છે કે પાછલા ચાર દાયકામાં ક્યારેય આવો વરસાદ તેમણે જોયો નહોતો.

2015 અને 2017માં પણ બનાસકાંઠા ભારે વરસાદનો માર વેઠી ચૂક્યું છે. એ સમયે પણ ઘણાં ગામડાં જળમગ્ન બની ગયાં હતાં.

જોકે, એ સમયે વરસાદના કેરને કારણે હજારોની સંખ્યામાં પશુઓ નહોતાં તણાયાં તેમજ હજારો હેક્ટર જમીન પરના ઊભા પાકનેય એ સમયે કોઈ નુકસાન નહોતું થયું. જેવું આ વખતે બન્યું છે.

બીબીસી ગુજરાતીએ આવાં ઘણાં ગામડાંની મુલાકાત લઈ લોકોની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

ભરડવા ગામના વતની, ઢેંગાજીએ જણાવ્યું હતું, "આખા ગામની દરેક વસ્તુ પાણીમાં ડૂબી ગઈ છે અને ચોથા દિવસ સુધી પણ અમને કોઈ સહાય મળી નથી. લોકોની હાલત ખૂબ ગંભીર છે, લોકો સહાય કિટો પર આધારિત બની ગયા છે."

પોતાના ઘરની એક-એક વસ્તુ બતાવતાં ઢેંગાજી કહે છે કે, "આ જુઓ ઘઉં દળવાની ઘંટી, આ ફ્રિજ, આ ટીવી, બધું જ પાણીમાં ખરાબ થઈ ગયું છે."

વરસાદ રોકાયાના ત્રીજા દિવસે પણ ઘરોમાં પાણી

ભરડવા ગામનાં વતની નીતાબહેને બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું, "એક તો આટલો વરસાદ અને બીજું તાત્કાલિક અમારે બધું છોડવાની નોબત આવી. આવામાં અમે કંઈ જ લઈ શક્યા નથી. અમે અમારાં ઢોરોને છૂટાં મૂક્યાં અને ગામ છોડીને ઊંચાણવાળા વિસ્તારમાં જતા રહ્યા."

નીતાબહેન પાસે એટલો સમય નહોતો કે તેઓ પોતાનાં ઢોરને લઈને ગામ બહાર જઈ શકે. તેઓ કહે છે :

"અત્યારે મને ખબર નથી કે મારાં ઢોર ક્યાં છે. અમને તો કંઈ ગમતું જ નથી. અમને રોટલો ભાવતો નથી કે પાણી પણ પીવાનું મન થતું નથી. અમારાં ઢોર વગર હવે અમે શું કરીશું?"

આવી જ રીતે બાજુનાં જ ઘરમાં રહેતાં જીવીબહેન ભરવાડે પણ પોતાના સાત ઢોર ગુમાવી દીધાં છે.

તેઓ કહે છે, "છેલ્લા બે દિવસથી અમે તેમને શોધી રહ્યાં છીએ, હવે તે નથી મળી રહ્યાં. અમને શંકા છે કે તે પાણીમાં ડૂબીને મૃત્યુ પામ્યાં છે."

આ બે જિલ્લાનાં લગભગ દરેક ગામની આવી જ પરિસ્થિતિ છે. દરેક ઘરે પોતાનાં ઢોર ગુમાવ્યાં છે.

બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લો દૂધ ઉત્પાદકો માટે જાણીતું છે, અહીંનાં ગામાડાંનું અર્થતંત્ર દૂધના વેપાર પર નિર્ભર છે. અહીંથી દરરોજ લાખો લિટર દૂધ વિવિધ દૂધમંડળીઓ મારફતે ડેરીમાં પહોંચે છે.

આ ભરડવા ગામથી થોડેક દૂર ભટાસણા ગામ આવેલું છે. આ ગામમાં લોકો શનિવારથી મંગળવાર સુધી કોઈ પણ જાતની મદદ વગર રહ્યા હતા.

ગામના દરેક ઘરમાં, દરેક દુકાનમાં અને મંદિર પાણીમાં છે. લોકોનાં વાહનો પાણીમાં ડૂબી જઈને ખરાબ થઈ ગયાં છે.

ચોખ્ખા પાણી માટે ભરેલી પાણીની પ્લાસ્ટિકની હજારો લિટરની ટાંકીઓ પાણીમાં તણાઈ ક્યાંક જતી રહી છે. આ ગામના લોકો પોતાની ઘરવખરી શોધતા નજરે પડે છે.

આ ગામના એક રહેવાસી, અરજણગીરી ગોસ્વામીએ પાણીમાં ગરકાવ થઈ ગયેલાં પોતાના ઘરની મુલાકાત બીબીસી ગુજરાતીને કરાવી. ત્યારે જોવા મળ્યું કે, ઘરની તમામ ઘરવખરી જેમ કે તગારાં, તપેલાં, વગેરે પાણીમાં હતાં.

ઘરની અંદર રહેલો પલંગ દેખાતો ન હતો, કારણ કે પાણી તેની ઉપર હતું. કબાટની અંદર પર પાણી જતું રહ્યું હતું.

અરજણગીરીએ કહ્યું, "અમારી પાસે તો અમારું આધાર કાર્ડ પણ નથી, કપડાંની સાથે સાથે બધા કાગળો પણ પલળી ગયા છે. મારી બાઇક હાલ પાણીમાં છે. હું માત્ર પરિસ્થિતિ જોવા આવ્યો છું, અમે છેલ્લા ત્રણ દિવસથી ભગવાન ભરોસે રોડ પર રહીએ છીએ."

ભટાસણા ગામ લગભગ દરેક વરસાદમાં પાણીનો ભોગ બને છે, પરંતુ આ વખતનો વરસાદ છેલ્લા અમુક દાયકામાં કોઈએ ન જોયો હોય તેવો હતો.

ગોસ્વામીએ કહ્યું, "અમને લાગતું હતું કે પાણી એટલું નહીં આવે કે અમારે ઘર છોડવું પડે, પરંતુ શનિવારની રાતનો વરસાદ આજ સુધી ક્યારેય ન વરસ્યો હોય તેવો વરસાદ લાગી રહ્યો હતો."

સરકારનું શું કહેવું છે?

ગુરુવારે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રભારી મંત્રી, આ વિસ્તારના ધારાસભ્યો તથા ભાજપના નેતાઓએ બનાસકાંઠાની મુલાકાત લીધી હતી અને રાહત છાવણીઓમાં આશરો લેનાર અસરગ્રસ્તો સાથે વાતચીત કરીને તેમની પરિસ્થિતિ જાણી હતી.

બનાસકાંઠાસ્થિત બીબીસી ગુજરાતીના સહયોગી પરેશ પઢિયાર જણાવે છે, "ગુરુવારે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે સુઈગામ તથા થરાદની મુલાકાત લઈને વાવમાં અસરગ્રસ્તો સાથે મુલાકાત કરીને ત્યાં જ રાત્રિરોકાણ કર્યું હતું. શંકર ચૌધરીએ (વિધાનસભાના સ્પીકર તથા થરાદ બેઠક પરથી ધારાસભ્ય) મીડિયાને જણાવ્યું હતું કે પશુઓ માટે તાત્કાલિક સૂકું ઘાસ પહોંચાડવાની મુખ્ય મંત્રીએ સૂચના આપી છે."

"અસરગ્રસ્તોને નાણાકીય મદદ તથા ઘરવખરી બે દિવસમાં મળી જાય તે માટેની સૂચના મુખ્ય મંત્રીએ આપી હોવાનું પણ શંકર ચૌધરીએ જણાવ્યું હતું. પશુપાલકનો મૃત ઢોર સાથે ફોટો લઈને ડૉક્ટરની હાજરીમાં તાત્કાલિક સહાય ચૂકવવામાં આવશે તથા ખેડૂતોને થયેલા પાકના નુકસાન માટે સર્વે હાથ ધરવામાં આવશે."

બનાસકાંઠાની બેઠક પરથી કૉંગ્રેસનાં સાંસદ ગેનીબહેન ઠાકોરે અસરગ્રસ્ત જિલ્લા માટે એક હજાર કરોડ રૂ.ના પૅકેજની માગણી રાજ્ય સરકાર સમક્ષ કરી છે.

બનાસકાંઠના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું, "અગાઉ બનાસકાંઠામાં આટલો ભારે વરસાદ પડતો ન હતો, પરંતુ હવે અહીં અવારનવાર ભારે વરસાદ પડે છે. એટલે આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે."

"તથા આના માટે જો રાજ્ય સરકારે કોઈ મોટું પૅકેજ જાહેર કરવાનું હશે, તો તે પણ કરવામાં આવશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન