અમદાવાદ: 'સફળ' ગણાતી બીઆરટીએસના કૉરિડોર હઠાવવાની માગ કેમ થઈ રહી છે?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

અમદાવાદ શહેરમાં દિલ્હી દરવાજાથી દરિયાપુર દરવાજા વચ્ચે આવેલા બીઆરટીએસ કૉરિડોરને હઠાવવાનો મુદ્દો ચર્ચામાં છે.

આ બીઆરટીએસ કૉરિડોરમાં રોજના અકસ્માતો થતાં હોવાની સ્થાનિકોએ રજૂઆત કરી હતી. સ્થાનિકોના કહેવા પ્રમાણે, કૉરિડોરને કારણે રસ્તો સાંકડો થઈ જતો હોવાથી અકસ્માત સર્જાતા હતા.

સ્થાનિકોની રજૂઆતને ધ્યાનમાં લઈને દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય કૌશિક જૈને બીઆરટીએસ કૉરિડોર હઠાવવા માટે પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનને પત્ર લખ્યો હતો.

જ્યાંથી બીઆરટીએસ કૉરિડોર હઠાવવામાં આવ્યો, તે વિસ્તારના લોકો આ કૉરિડોર હઠી જવાથી ખુશ છે. જોકે, હજુ દરિયાપુર દરવાજાથી બીજી તરફ પ્રેમ દરવાજા તરફના બીઆરટીએસ કૉરિડોરને પણ હઠાવવાની સ્થાનિકોની માગ છે, પરંતુ તેને હજુ હઠાવવામાં આવ્યો નથી.

શહેરના કેટલાક વાહનચાલકોનું માનવું છે કે બીઆરટીએસ કૉરિડોરને કારણે શહેરમાં ટ્રાફિક તેમજ અકસ્માતની સમસ્યા સર્જાય છે. તેમની માગ છે કે બીઆરટીએસ કૉરિડોર હઠાવી દેવો જોઈએ. પરંતુ, બીઆરટીએસના મુસાફરો કૉરિડોર હઠાવવાની વાતને લઈને ખુશ નથી. જાણીએ લોકો શું કહી રહ્યા છે.

જ્યાં કૉરિડોર હઠાવવામાં આવ્યો, ત્યાંના લોકો શું કહી રહ્યા છે?

દરિયાપુર દરવાજાથી દિલ્હી દરવાજા વચ્ચેનો કૉરિડોર હઠાવવામાં આવતા સ્થાનિક લોકોમાં અતિશય ખુશીનો માહોલ હતો.

આસપાસના લોકોનું કહેવું છે કે તેમના વિસ્તારમાં બીઆરટીએસ કૉરિડોરને કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા હોવાથી સ્થાનિકો અને દુકાનદારો તેને હઠાવવા માટે છેલ્લા બે વર્ષથી સતત રજૂઆત કરતા હતા.

સ્થાનિકોનું કહેવું છે કે એક મહિના પહેલાં જ અહીં એક સફાઈ કામદાર મહિલાનું મોત થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું.

બીઆરટીએસ કૉરિડોરમાં અકસ્માતને કારણે મૃત્યુ પામનાર સફાઈ કામદાર મહિલાના પાડોશમાં રહેતા અરૂણભાઈ ચૌહાણ કહે છે:

"અમારા પાડોશી બહેન બીઆરટીએસ કૉરિડોર ઓળંગીને સામેની તરફ જઈ રહ્યાં હતાં, ત્યારે અતિશય ઝડપથી આવી રહેલી એક ગાડીએ તેમને ટક્કર મારી દીધી હતી. તેમને માથાના ભાગમાં ઈજા થતાં તેમનું સ્થળ પર જ મોત થયું હતું."

અરુણભાઈ ચૌહાણ કહે છે, "આ બીઆરટીએસ કૉરિડોર વહેલા કાઢવાની જરૂર હતી. અહીં અત્યાર સુધીમાં અનેક અકસ્માત થયા છે અને અનેક લોકો મરી ગયા છે."

દિલ્હી દરવાજા વિસ્તારમાં જ મજૂરીકામ કરતાં રમેશભાઈ ઠાકોરનો ગત વર્ષે જ અકસ્માત થયો હતો.

રમેશભાઈ કહે છે, "હું રસ્તા પરથી જઈ રહ્યો હતો. રસ્તો ખુલ્લો હતો. અચાનક એક ટુ-વ્હીલર ચાલક પૂર ઝડપે રોંગ સાઇડમાં આવ્યો અને મને ટક્કર મારી હતી."

"હું ચાર ફૂટ ઊંચે ઉછળીને નીચે પડ્યો હતો. સદનસીબે હું બચી ગયો હતો. મારી આંખ સામે મેં અહીં અનેક અકસ્માત જોયા છે."

બીઆરટીએસ કૉરિડોર અંગે વાહનચાલકોએ શું કહ્યું?

વાહનચાલકોનું માનવું છે કે બીઆરટીએસ કૉરિડોરના કારણે રસ્તા સાંકડા થઈ જાય છે અને ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે.

ટ્રાફિકમાં સમય બચાવવા લોકો બીઆરટીએસ કૉરિડોરમાં વાહનો ચલાવે છે, જેને કારણે અકસ્માત સર્જાય છે.

વાહનચાલક ગૌતમભાઈ સરવૈયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું, "અનેક જગ્યાએ બીઆરટીએસ કૉરિડોરમાં વાહનચાલકો પણ ઘૂસી જાય છે."

"લોકો ટ્રાફિકને કારણે વાહનો બીઆરટીએસ કૉરિડોરમાં ચલાવે છે, પરંતુ જો કૉરિડોરમાં તેમનો અકસ્માત થાય તો વીમાનું વળતર મળવામાં સમસ્યા થાય છે. શહેરના રસ્તાઓ ખૂબ જ સાંકડા છે."

"માત્ર બીઆરટીએસ ચલાવવા માટે આખો રોડ રોકી રાખવાને કારણે અન્ય લોકો ખૂબ જ હેરાન થાય છે."

શહેરમાં ઘણા વિસ્તારોમાં મોન્ટુ વાઘેલા રિક્ષા ચલાવે છે. તેમનું કહેવું છે, "આખા શહેરમાંથી બીઆરટીએસ કૉરિડોર હઠાવી લેવો જોઈએ."

મોન્ટુ વાઘેલાનું કહેવું છે, "જે વિસ્તારમાં બીઆરટીએસ કૉરિડોર છે, ત્યાં સવારે અને સાંજના સમયે ખૂબ જ ટ્રાફિક જામ થાય છે."

લારી લઈને ભંગારનું કામ કરનારાં આશાબહેન પોતાનો તૂટેલો હાથ બતાવીને કહે છે, "આ કૉરિડોર હઠાવી દેવો જોઈએ. બીઆરટીએસમાંથી પૂરઝડપે આવતા વાહને જ મને ટક્કર મારી હતી અને મારો હાથ તૂટી ગયો હતો."

બીઆરટીએસના મુસાફરો સહમત નહીં

બીઆરટીએસમાં નિયમિત મુસાફરી કરતાં લોકોનું માનવું છે કે કૉરિડોર હોવો જોઈએ. એએમટીએસની સરખામણીમાં બીઆરટીએસમાં ઝડપથી પહોંચાય છે.

બીઆરટીએસમાં મુસાફરી કરતાં શેખ ઇસ્માઇલુદ્દીન કહે છે, "લોકો રસ્તા પર ચાલતા હોય કે સાઇકલ લઈને પણ જતા હોય, તો પણ અકસ્માત તો થાય જ છે."

"લોકો બેજવાબદારીપૂર્વક વાહનો ચલાવે છે, જેને કારણે અકસ્માત થાય છે. કૉરિડોર હઠાવવો એ તેનું કાયમી સમાધાન નથી."

શેખ ઇસ્માઇલુદ્દીને વધુમાં જણાવ્યું હતું, "બીઆરટીએસ કૉરિડોર હોવાને કારણે જ ઝડપથી પહોંચાડે છે અને લોકોનો સમય પણ બચે છે."

"જો બીઆરટીએસનો કૉરિડોર હઠાવી દેવામાં આવે અને અન્ય ટ્રાફિકની સાથે જો બસ ચલાવવામાં આવે, તો પછી બીઆરટીએસ અને એએમટીએસમાં શું ફરક રહેશે?"

અમદાવાદના અશોક મિલ વિસ્તારથી દરિયાપુર સુધી કાયમી મુસાફરી કરતાં ગીતા બહેન કહે છે, "બીઆરટીએસમાં સમય બચે છે. એએમટીએસના ડ્રાઇવર તો ક્યારેક બસ પણ નથી ઉભી રાખતા."

"જ્યારે બીઆરટીએસમાં બસ સ્ટેન્ડ હોવાથી બસ ફરજિયાત ઊભી જ રહે છે. અમદાવાદમાં લાંબી મુસાફરી માટે બસ ભલે બદલવી પડે, પરંતુ એક જ ટિકિટ લેવાની હોવાથી સરળતા રહે છે. જ્યારે એએમટીએસમાં એવું નથી."

બીઆરટીએસમાં મુસાફરી કરતાં પુરુષોત્તમભાઈનું કહેવું છે, "બીઆરટીએસમાં એસી બસ હોય છે અને જગ્યા પણ મળી રહે છે. એએમટીએસ બસ ખચોખચ ભરેલી આવતી હોવાથી અમારા જેવા સિનિયર સિટીઝનને ખૂબ જ અગવડ પડે છે."

નિષ્ણાતોએ શું કહ્યું?

નિષ્ણાતો બીઆરટીએસ કૉરિડોર હઠાવવાના પક્ષમાં નથી. તેઓ માને છે કે ઝડપી પબ્લિક ટ્રાન્સપૉર્ટ માટે બીઆરટીએસ જરૂરી છે. તેમાં સુધારાની ચોક્કસ જરૂર છે.

સેપ્ટ યુનિવર્સિટીના પ્રોફેસર ઋતુલ જોશી પબ્લિક ટ્રાન્સપૉર્ટ વિષયના વિશેષજ્ઞ છે. બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "બીઆરટીએસ કૉરિડોરને કારણે રસ્તાઓ સાંકડા થયા નથી, પરંતુ ટ્રાફિક વધવાને કારણે રસ્તાઓ સાંકડા થયા છે."

"જો બીઆરટીએસ કૉરિડોરને હઠાવી દેવામાં આવે, તો બીઆરટીએસ બસો પણ બીજા ટ્રાફિકમાં ચાલશે તો તેની ગતિ ધીમી થઈ જશે. જો બસની ગતિ ઘટશે તો લોકો વધારે ટુ-વ્હીલર કે થ્રી-વ્હીલર કે ફૉર-વ્હીલરનો ઉપયોગ કરતા થશે. જે હાલમાં થઈ જ રહ્યું છે અને તેથી જ તો શહેરમાં ટ્રાફિકની મોટી સમસ્યા છે."

ઋરૂતુલ જોશી જણાવે છે, "સવારે અને સાંજના સમયે તમે જુઓ તો બીઆરટીએસ અને એએમટીએસની બસો ખીચોખીચ ભરેલી હોય છે. એનો અર્થ એ થાય કે લોકો પબ્લિક ટ્રાન્સપૉર્ટનો ઉપયોગ કરે છે, તો તેમને સુવિધા આપવી જોઈએ."

"બસોની સંખ્યામાં વધારો કરવો જોઈએ. શહેરમાં પૂર્વથી પશ્વિમ વિસ્તારમાં જવા લોકો મેટ્રો, બીઆરટીએસ, એએમટીએસનો ખૂબ જ ઉપયોગ કરે છે."

ઋતુલ જોશીએ વધુમાં જણાવ્યું હતું, "બીઆરટીએસનો ઉદ્દેશ તેને ટ્રેનની માફક ચલાવવાનો છે, જેમાં તેનો અલગ કૉરિડોર હોય તો જ તે ઝડપથી પહોંચાડી શકે. બીઆરટીએસને ટ્રેન જેવી ડિસિપ્લિનથી ચલાવવી જોઈએ."

"જો કુલ મુસાફરોનાં 30 ટકા મુસાફરો પણ બીઆરટીએસમાં મુસાફરી કરતાં હોય તો તમારે કૉરિડોર રાખવો જોઈએ અને તેને વધુ સુદ્રઢ કરવો જોઈએ."

આ અંગે ગુજરાત રોડ સેફ્ટી ઑથૉરિટીના ઍક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર અમિત ખત્રીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું, "બીઆરટીએસનું નામ જ બસ રેપિડ ટ્રાન્ઝીટ સિસ્ટમ છે એટલે તેના નામ મુજબ બસને જો ઝડપી ચલાવવી હોય તો તેના માટે કૉરિડોરની જરૂર છે."

"પરંતુ, બીઆરટીએસ કૉરિડોરમાં લોકો ઘૂસી જાય છે, જેને રોકવામાં ક્યાંકને ક્યાંક તંત્ર નિષ્ફળ રહ્યું છે. વાહનચાલકો કૉરિડોરમાં જાય ત્યારે અકસ્માત સર્જાવાના કિસ્સાઓ બને છે."

"જોકે, જે જગ્યાઓ પર રસ્તાઓ સાંકડા હોય છે તેવા જગ્યાઓ પર અકસ્માત સર્જાતા હોય, ત્યાં બીઆરટીએસ કૉરિડોર હઠાવી દેવાયો એ હકારાત્મક બાબત છે."

અમિત ખત્રીનું માનવું છે, "બીઆરટીએસમાં હજુ પણ લાસ્ટ માઇલ કનેક્ટિવિટીનો અભાવ જોવા મળે છે. બીઆરટીએસે ફીડર સુવિધા ઊભી કરવાની જરૂર લાગે છે."

વધુ કૉરિડોર હઠાવવાની માગ થઈ રહી છે

દરિયાપુર દરવાજાથી એક તરફનો રસ્તો દિલ્હી દરવાજા અને બીજી તરફનો રસ્તો પ્રેમદરવાજા તરફ જાય છે. દરિયાપુરથી પ્રેમ દરવાજા તરફનો કૉરિડોર હઠાવવામાં આવ્યો નથી.

દરિયાપુરથી પ્રેમ દરવાજા તરફનો કૉરિડોર હઠાવવા માટેની પણ સ્થાનિકો માગ કરી રહ્યા છે.

ઑટો પાર્ટ્સની દુકાન ધરાવનાર વિક્કી લાલવાણીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું, "અમારા વિસ્તારમાં માત્ર 200 મીટરના અંતરનો બીઆરટીએસ કૉરિડોર હઠાવવામાં આવ્યો છે. આ જ વિસ્તારમાં બીજી તરફ પણ કૉરિડોરને કારણ ટ્રાફિક અને અકસ્માતો સર્જાય છે. અમે આ અંગે રજૂઆતો પણ કરેલી છે."

અન્ય એક દુકાનદાર જીતુભાઈનું કહેવું હતું, "અમારા વિસ્તારમાં કૉરિડોર હઠાવવામાં આવે તેના માટે અમે ઉગ્ર રજૂઆત કરીશું."

કેટલાક લોકોનું એમ પણ કહેવું છે કે તેમના વિસ્તારમાં ટ્રાફિક વધારે થતો હોવાને કારણે લોકો મજબૂરીમાં બીઆરટીએસ કૉરિડોરમાં ઘૂસી જાય છે.

ધારાસભ્ય અને મેયરે શું કહ્યું?

બીઆરટીએસ કૉરિડોર હઠાવવા માટે દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈને માગ કરી હતી.

ધારાસભ્ય કૌશિક જૈને બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું, "બીઆરટીએસનો વિચાર ઉમદા છે, પરંતુ મારા વિધાનસભા વિસ્તારમાં આવેલા દિલ્હી દરવાજાથી દરિયાપુર દરવાજાના ભાગમાં આવેલા બીઆરટીએસ કૉરિડોરમાં અકસ્માતો સર્જાયા હતા."

"સ્થાનિક લોકોએ આ અંગે મને રજૂઆત કરતાં મારા ધ્યાને આવ્યું હતું. મેં પોલીસ એએમસી અને બીઆરટીએસમાં અધિકારીઓને પત્ર લખીને રજૂઆત કરી હતી."

"મારી રજૂઆત બાદ તેમની ટીમે સ્થળ પર મુલાકાત લીધી હતી. ટીમને સર્વે કરતાં લાગ્યું હતું કે બીઆરટીએસ કૉરિડોર દૂર કરીએ તો કોઈ વાંધો નથી. આથી તેને હઠાવાયો છે."

"અન્ય કોઈ રજૂઆત મળી નથી. મારા વિધાનસભા વિસ્તારના અન્ય લોકોની રજૂઆત આવશે, તો હું તે અંગે જે તે વિભાગમાં રજૂઆતો કરીશ."

જ્યારે અન્ય વિસ્તારોમાં પણ કથિતપણે ટ્રાફિકને કારણે કૉરિડોર હઠાવવાની માગને લઈને કૌશિક જૈનને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, "સમસ્યા અંગે લોકો રજૂઆત કરે તો જે તે વિભાગે તે સમસ્યાઓને ધ્યાને લઈને નિર્ણય લેવો જોઈએ."

મેયર પ્રતિભા જૈને બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "આ વિસ્તારમાં બીઆરટીએસ કૉરિડોરને કારણે અકસ્માત થતાં હોવાની રજૂઆત મળી હતી. જે અંગે નિષ્ણાતોનો અભિપ્રાય લીધા બાદ કૉરિડોર હઠાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો."

"અન્ય કોઈ વિસ્તારમાંથી રજૂઆત આવશે તો નિષ્ણાતો પાસે અભિપ્રાય લીધા બાદ નિર્ણય કરવામાં આવશે."

"તેમણે વધુમાં જણાવ્યું હતું, "એએમસી લોકોની સુવિધા માટે કામ કરે છે. બસોમાં પણ સુવિધા વધારી રહ્યા છીએ."

બીઆરટીએસમાં લાખો લોકો મુસાફરી કરે છે

અમદાવાદ શહેરમાં વર્ષ 2009માં બીઆરટીએસ બસ સુવિધાની શરૂઆત કરવામાં આવી હતી.

બસ રેપિડ ટ્રાન્સિટ સિસ્ટમની (BRTS) વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર, અમદાવાદમાં બીઆરટીએસના 160 રૂટ છે અને કુલ 380થી વધુ બસો દોડે છે. તેમાં 150 જેટલી ઇલેક્ટ્રિક બસ પણ છે. જેમાં દરરોજ 2.20 લાખ લોકો મુસાફરી કરે છે.

બીઆરટીએસ બસ ચલાવવા માટે અલગથી શહેરમાં કૉરિડોર બનાવવામાં આવ્યો છે. આ કૉરિડોરમાં માત્ર બીઆરટીએસની બસો જ ચાલી શકે છે.

જોકે, કેટલાક વાહન ચાલકો ગેરકાયદેસર રીતે બીઆરટીએસ કૉરિડોરમાં વાહનો ચલાવતા હોય છે, જેને લઈને ફરિયાદ રહેતી હોય છે. આ માટે દંડનીય જોગવાઈઓ પણ કરવામાં આવી છે.

નિષ્ણાતોનું માનવું છે કે બસોની સંખ્યા અને સુવિધામાં વધારો કરવો જરૂરી છે. તેમનું એ પણ માનવું છે કે, વધતી જતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે પબ્લિક ટ્રાન્સપૉર્ટ ખૂબ જ ઉપયોગી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન