You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોનિયા-રાજીવ ગાંધીની લવસ્ટોરી : સોનિયાની નજીક આવવા જ્યારે રાજીવે 'લાંચ' આપી
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
1981ના મે મહિનાની આ વાત છે. રાજીવ ગાંધી અમેઠીથી લોકસભા માટે પેટાચૂંટણી લડવાના હતા. તેઓ પોતાના ચૂંટણીક્ષેત્રમાં ફરી રહ્યા હતા.
થોડાક કલાકો પછી તેમણે લખનઉથી દિલ્હીની ફ્લાઇટ પકડવાની હતી, પરંતુ ત્યારે જ સમાચાર મળ્યા કે 20 કિલોમીટર દૂર તિલોઈમાં 30-40 ઝૂંપડીઓમાં આગ લાગી ગઈ છે. લખનઉ જવાના બદલે તેમણે પોતાની કાર તિલોઈની દિશામાં વાળી દીધી.
ત્યાં તેમણે બળી ગયેલી ઝૂંપડીઓમાં રહેતાં લોકોને ધરપત આપી. તે દરમિયાન તેમની પાછળ ઊભેલા સંજય સિંહે તેમના કાનમાં કહ્યું, "સર, આપની ફ્લાઇટ મિસ થઈ જશે. પરંતુ, રાજીવે લોકો સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું. જ્યારે તેમણે બધાને મળી લીધું, ત્યારે તેમણે મલકાઈને સંજય સિંહને પૂછ્યું, 'અહીંથી લખનઉ પહોંચવામાં કેટલો સમય થશે?'
'ધ લૉટસ યર્સ – પૉલિટિકલ લાઇફ ઇન ઇન્ડિયા ઇન ધ ટાઇમ ઑફ રાજીવ ગાંધી'ના લેખક અશ્વિની ભટનાગર જણાવે છે, "સંજય સિંહે જવાબ આપ્યો, ઓછામાં ઓછા બે કલાક. પરંતુ, જો આપ સ્ટિયરિંગ સંભાળશો તો આપણે એક કલાક ચાળીસ મિનિટમાં ત્યાં હોઈશું."
"રાજીવે ગાડીમાં બેસતાં જ કહ્યું, તેમના સુધી સમાચાર પહોંચાડી દો કે અમે એક કલાક પંદર મિનિટમાં અમૌસી ઍરપૉર્ટ પહોંચી જઈશું. રાજીવની કાર એ રીતે ચાલી, જાણે સ્પેસ શટલ હોય! રાજીવ, નક્કી સમય કરતાં વહેલાં ઍરપૉર્ટ પર હતા."
ફ્લાઇટ દરમિયાન આખું નામ જણાવવાની મનાઈ
પરંતુ, ઝડપી ગતિએ કાર ચલાવવાના શોખીન રાજીવ ખૂબ જ શિસ્તમાં વિમાન ઉડાડતા હતા. શરૂઆતમાં તેઓ ડકોટા ઉડાડતા હતા, પરંતુ પછીથી તેઓ બૉઇંગ ઉડાવવા લાગ્યા હતા.
જ્યારે પણ તેઓ પાઇલટની સીટ પર હોય, કૉકપિટમાંથી માત્ર પોતાનું પહેલું નામ જણાવીને મુસાફરોનું સ્વાગત કરતા હતા.
તેમના કૅપ્ટન્સને પણ સૂચના હતી કે ફ્લાઇટ દરમિયાન ક્યારેય તેમનું આખું નામ જણાવવામાં ન આવે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ જમાનામાં પાઇલટ તરીકે પગારમાં તેમને 5,000 રૂપિયા મળતા હતા, જે એક સારું વેતન ગણાતું હતું.
સોનિયા પાસે બેસવા માટે લાંચ
જ્યારે રાજીવ ગાંધી એન્જિનિયરિંગનો ટ્રાઇપોસ કોર્સ કરવા માટે કૅમ્બ્રિજ ગયા, ત્યારે ત્યાં 1965માં તેમની મુલાકાત ઇટલીમાં જન્મેલાં સોનિયા સાથે થઈ અને જોતાંની સાથે જ તેઓ તેમના પ્રેમમાં પડી ગયા.
તેઓ બંને અવારનવાર એક ગ્રીક રેસ્ટરાંમાં જતાં હતાં.
અશ્વિની ભટનાગર જણાવે છે, "રાજીવે રેસ્ટોરાંના માલિક ચાર્લ્સ એન્ટનીને મનાવી લીધા કે તેઓ તેમને સોનિયાની બાજુના ટેબલ પર બેસાડે. એક સારા ગ્રીક વેપારીની જેમ ચાર્લ્સે આ કામ માટે તેમની પાસેથી બે ગણા પૈસા વસૂલ્યા."
"પછીથી તેમણે સિમી ગરેવાલે બનાવેલી રાજીવ ગાંધી પરની ફિલ્મમાં કહ્યું કે, 'મેં પહેલાં કોઈને આટલા બધા પ્રેમમાં નથી જોયા.' જ્યારે રાજીવ કૅમ્બ્રિજમાં ભણતા હતા, ત્યારે પોતાનો ખર્ચ કાઢવા માટે તેઓ આઇસક્રીમ વેચતા હતા અને સોનિયાને મળવા સાઇકલ પર જતા હતા. "
"જોકે, તેમની પાસે એક જૂની ફોક્સવૅગન હતી, જેનો પેટ્રોલખર્ચ તેમના મિત્રો 'શેર' કરતા હતા."
સોનિયા માટે નૅપ્કિન પર કવિતા લખી
રાજીવ અને સોનિયાની કૅમ્બ્રિજની મુલાકાતોનો ઉલ્લેખ જાણીતા પત્રકાર રશીદ કિદવઈએ સોનિયા પર લખેલા જીવનચરિત્રમાં પણ કર્યો છે.
રશીદ કિદવઈ જણાવે છે, "વર્સિટી રેસ્તરાંમાં રોજ કૅમ્બ્રિજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો જમાવડો થતો હતો. તે બધા બિયર પીતા હતા. તેમાંથી રાજીવ એકલા એવા હતા જેઓ બિયરને હાથ પણ નહોતા લગાડતા. ત્યારે જ સોનિયાની નજર એ ઊંચા, કાળી આંખો અને મોહક સ્મિતવાળા માસૂમ છોકરા પર પડી."
"બંને તરફ એકસમાન આકર્ષણ હતું. રાજીવે પહેલી વાર એક નૅપ્કિન પર તેમના સૌંદર્ય પર એક કવિતા લખીને એક વેઇટર દ્વારા સોનિયાને મોકલી હતી."
"તે મળતાં સોનિયા થોડાં અસ્વસ્થ થયાં હતાં, પરંતુ રાજીવના એક જર્મન મિત્રએ, જે સોનિયાને પણ ઓળખતા હતા, ખૂબ સરસ રીતે એક સંદેશવાહકની ભૂમિકા ભજવી."
રશીદ કિદવઈ આગળ જણાવે છે, "રસપ્રદ વાત એ છે કે રાજીવે અંત સુધી સોનિયાને જણાવ્યું નહીં કે તેઓ ભારતનાં વડાં પ્રધાનના પુત્ર છે."
"ઘણા સમય પછી એક અખબારમાં ઇન્દિરા ગાંધીની એક તસવીર છપાઈ. ત્યારે રાજીવ ગાંધીએ સોનિયાને કહ્યું કે, તે તેમનાં માતાની તસવીર છે."
"ત્યારે કૅમ્બ્રિજમાં ભણતા એક ભારતીય વિદ્યાર્થીએ તેમને જણાવ્યું કે ઇન્દિરા ભારતનાં વડાં પ્રધાન છે. એ જાણીને સોનિયાને પહેલી વાર ખબર પડી કે તેઓ કેટલી મહત્ત્વની વ્યક્તિ સાથે ઇશ્કમાં છે."
મહમૂદ અને રાજીવ ગાંધીની મુલાકાત
રાજીવ ગાંધીની અમિતાભ બચ્ચન સાથેની દોસ્તી ત્યારથી હતી, જ્યારે તેઓ ચાર વર્ષના હતા.
અમિતાભ જ્યારે મુંબઈમાં સ્ટ્રગલ કરતા હતા, ત્યારે એક વાર રાજીવ ગાંધી તેમને મળવા મુંબઈ ગયા. અમિતાભ તેમને હાસ્ય-કલાકાર મહમૂદને મળવા લઈ ગયા.
રશીદ કિદવઈ જણાવે છે, "એ જમાનામાં મહમૂદને કૉમ્પોઝ ગોળીઓ ખાવાની ટેવ હતી અને તેઓ હંમેશાં નશામાં રહેતા હતા."
"અમિતાભે તેમની સાથે રાજીવનો પરિચય કરાવ્યો, પરંતુ તેઓ નશામાં હોવાના કારણે સમજી ન શક્યા કે તેમની મુલાકાત કોની સાથે થઈ રહી છે."
"તેમણે 5,000 રૂપિયા કાઢ્યા અને પોતાના ભાઈ અનવરને કહ્યું કે તે રાજીવને આપી દે. અનવરે પૂછ્યું કે, 'તમે આમને પૈસા કેમ આપો છો?' મહમૂદ બોલ્યા કે, અમિતાભ સાથે જે વ્યક્તિ આવ્યા છે, તે તેમના કરતાં ગોરા અને સ્માર્ટ છે. એક દિવસ તેઓ જરૂર ઇન્ટરનૅશનલ સ્ટાર બનશે. આ 5,000 રૂપિયા મારી આગામી ફિલ્મ માટે સાઇનિંગ અમાઉન્ટ છે."
"અનવર જોરથી હસી પડ્યા અને રાજીવનો ફરીથી પરિચય કરાવતાં કહ્યું કે, 'આ સ્ટાર-બાર નહીં, ઇન્દિરા ગાંધીના પુત્ર છે.' મહમૂદે તરત જ પોતાના 5,000 રૂપિયા પાછા લઈ લીધા અને રાજીવની માફી માગી. પરંતુ ભવિષ્યમાં રાજીવ ખરેખર સ્ટાર બન્યા, ફિલ્મ ક્ષેત્રમાં નહીં, પરંતુ રાજકારણના ક્ષેત્રમાં."
વિમાનમાં ઇન્દિરા ગાંધીની હત્યા વિશે જાણવા મળ્યું
વિમાન દુર્ઘટનામાં સંજય ગાંધીના મૃત્યુ પછી રાજીવ ઇન્દિરા ગાંધીની મદદ માટે રાજકારણમાં આવ્યા. પરંતુ થોડા સમય પછી જ ઇન્દિરા ગાંધીની તેમના અંગરક્ષકોએ હત્યા કરી દીધી.
એ સમયે રાજીવ ગાંધી પશ્ચિમ બંગાળમાં હતા. વાયુસેનાના જે વિમાનમાં રાજીવ ગાંધી દિલ્હી પાછા આવ્યા હતા તેમાં પછીથી દિલ્હીનાં મુખ્યમંત્રી બનનારાં શીલા દીક્ષિત પણ તેમની સાથે હતાં.
શીલા દીક્ષિતે બીબીસીને જણાવ્યું હતું, "વિમાને જેવી ઉડાન ભરી કે રાજીવ ગાંધી કૉકપિટમાં પાઇલટ પાસે જતા રહ્યા હતા. ત્યાંથી પાછા આવ્યા પછી તેમણે અમને વિમાનના પાછળના ભાગમાં બોલાવીને કહ્યું કે ઇન્દિરાજી નથી રહ્યાં. પછી તેમણે અમને પૂછ્યું કે આવી સ્થિતિમાં શું કરવામાં આવે છે?"
"પ્રણવ મુખરજીએ જવાબ આપ્યો કે પહેલાંથી એવી પરંપરા રહી છે કે જે સૌથી વરિષ્ઠ મંત્રી હોય, તેને કાર્યકારી વડા પ્રધાનના સોગંદ અપાવાય છે અને પછી વડા પ્રધાનની ચૂંટણી થાય છે. પરંતુ મારા સસરા ઉમાશંકર દીક્ષિતે કહ્યું કે તેઓ કાર્યકારી વડા પ્રધાન બનાવવાનું જોખમ નહીં ઉઠાવે અને રાજીવને જ વડા પ્રધાન બનાવશે."
પ્રણવ મુખરજીની સલાહ તેમની વિરુદ્ધ ગઈ
મેં શીલા દીક્ષિતને પૂછ્યું હતું કે શું સૌથી વરિષ્ઠ મંત્રીને કાર્યકારી વડા પ્રધાન બનાવવાનો ઉલ્લેખ પ્રણવની વિરુદ્ધ ગયો?
શીલા દીક્ષિતનો જવાબ હતો, "હા, થોડોઘણો તો વિરુદ્ધ ગયો, કેમ કે, રાજીવ જ્યારે જીતીને આવ્યા ત્યારે તેમણે પ્રણવને પોતાના મંત્રીમંડળમાં ન લીધા, જોકે, ઇન્દિરાની કૅબિનેટમાં તેઓ બીજા નંબર પર હતા. થોડા દિવસ પછી પ્રણવે પાર્ટી પણ છોડી દીધી. સૌથી સિનિયર મંત્રી તેઓ જ હતા."
"પરંતુ હું નથી માનતી કે તેમણે પોતાની ઉમેદવારી મજબૂત કરવા માટે એ વાત કહી હતી. તેઓ તો માત્ર જૂનાં ઉદાહરણ જણાવતા હતા, પરંતુ તેમના વિરોધીઓએ તેને બિલકુલ ઊલટી રીતે રાજીવ સમક્ષ રજૂ કર્યું."
માલદીવના રાષ્ટ્રપતિને બચાવ્યા
વડા પ્રધાન બન્યા પછી રાજીવ ગાંધીએ ટેકનોલૉજીના ક્ષેત્રમાં ખૂબ કામ કર્યું. પક્ષપલટો કાયદો, 18 વર્ષના યુવાઓને મતાધિકાર અને ભારતને એક ક્ષેત્રીય શક્તિ બનાવવામાં રાજીવની ખૂબ મોટી ભૂમિકા રહી.
અશ્વિની ભટનાગર જણાવે છે, "સોગંદ લેતાં જ તેમણે ત્વરિત નિર્ણયો લીધા, પછી તે શિક્ષણક્ષેત્રમાં હોય, પ્રદૂષણના ક્ષેત્રમાં હોય, રાજકીય વ્યવસ્થાને સાફ કરવાના ક્ષેત્રમાં હોય કે પછી કૉંગ્રેસ શતાબ્દી સમારંભમાં તેમનું ભાષણ રહ્યું હોય. આ બધાથી લોકોને એક પ્રકારે સુખદ આશ્ચર્ય થયું."
"આજે લોકો સર્જિકલ સ્ટ્રાઇકની વાત કરે છે, રાજીવે 1988માં 4,000 કિલોમીટર દૂર માલદીવમાં સ્ટ્રાઇક કરી હતી, જેમાં 10 કલાકની નોટિસમાં આગરાથી 3,000 સૈનિક ઍર લિફ્ટ કરાયા હતા."
"ત્યાંના રાષ્ટ્રપતિ વિરુદ્ધ બળવો થઈ ગયો હતો અને તેઓ સંતાતા ફરતા હતા. તેમણે માત્ર તેમને સત્તા પાછી અપાવી એટલું જ નહીં, પરંતુ તેમનો વિરોધ કરનારાઓની ધરપકડ પણ કરાવી."
સૅમ પિત્રોડાની મદદથી સંચારક્રાંતિ
સૅમ પિત્રોડાની મદદથી ભારતમાં જે સંચારક્રાંતિ આવી તેનું ઘણું બધું શ્રેય રાજીવ ગાંધીને આપી શકાય તેમ છે.
સૅમ પિત્રોડાએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, "વી ક્લિક્ડ. હું તેમને ખૂબ પસંદ કરતો હતો. તેઓ અમારી સાથે ખૂબ પ્રેમથી વાત કરતા હતા. અમારી વાત સમજતા હતા."
"તેમની સાથે અમારી દોસ્તી થઈ ગઈ. તેમણે અમારી ઝુંબેશને રાજકીય ઇચ્છાશક્તિ પ્રદાન કરી. સી ડૉટનો વિચાર અમારો અને રાજીવનો હતો. તેના માટે અમારે 400 એન્જિનિયર અને જગ્યાની જરૂર હતી."
"અમે બૅંગલુરુમાં હાર્ડવેર ડિઝાઇન કરવાનું શરૂ કર્યું અને અહીં દિલ્હીમાં સૉફ્ટવેર. જ્યારે અહીં ક્યાંય જગ્યા ન મળી, ત્યારે રાજીવે અમને એશિયાડ વિલેજમાં મોકલ્યા. એ જગ્યા તો ઘણી સારી હતી, પરંતુ ત્યાં ઍરકન્ડિશનિંગ નહોતું. તેના વિના સૉફ્ટવેરનું કામ તો ન થઈ શકે. અકબર હોટલમાં જગ્યા ખાલી હતી. અમે ત્યાં બે ફ્લૉર લઈ લીધા."
"ત્યાં કોઈ ફર્નિચર નહોતું, તેથી અમે લોકોએ છ મહિના સુધી ખાટલા પર બેસીને કામ કર્યું. અમે યુવાન લોકોની સેવાઓ લીધી. તેમને ટ્રેઇન કર્યા. પછી જાણવા મળ્યું કે મહિલાઓ ઓછી છે, એટલે અમે આ મિશન માટે મહિલાઓની પણ ભરતી કરી."
અમલદારો કરતાં ઘણું સારું ફાઇલ વર્ક
રાજીવ ગાંધીની સાથે કામ કરનાર પૂર્વ કૅબિનેટ અને સુરક્ષા સચિવ નરેશ ચંદ્રા તેમને ખૂબ સારા વહીવટકાર માનતા હતા; જોકે, તેમને પહેલાં વહીવટનો કશો અનુભવ નહોતો.
નરેશ ચંદ્રાએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, "રાજીવ ગાંધી ખૂબ યુવા હતા અને આશ્ચર્યજનક રીતે મહેનતુ હતા."
"તેઓ ખૂબ ધ્યાનથી ફાઇલ વાંચતા હતા અને તેમનું ડ્રાફ્ટિંગ અમલદારો કરતાં ચડિયાતું હતું. હું સમજુ છું કે જો તેઓ બીજી વખત સત્તામાં આવ્યા હોત તો વધારે સારું કરત."
રાજીવ મોડી રાત સુધી જાગતા હતા
રાજીવ સવારે વહેલા ઊઠતા હતા અને મોડી રાત સુધી કામ કરતા હતા. એક વખત તેઓ એક બેઠકમાં ભાગ લેવા હૈદરાબાદ ગયા. તે સમયે એનટી રામારાવ આંધ્રપ્રદેશના મુખ્ય મંત્રી હતા.
રાજીવને નજીકથી ઓળખનાર અને પછીથી મુખ્ય માહિતી કમિશનર અને અલ્પસંખ્યક પંચના અધ્યક્ષ બનેલા વજાહત હબીબુલ્લાહ યાદ કરે છે:
"એનટી રામારાવની સાથે તેલુગુ ગંગા અંગે બેઠક થઈ રહી હતી. રામારાવ ખૂબ જલદી, લગભગ 8 વાગ્યે સૂઈ જતા હતા, જેથી તેઓ સવારે 4 વાગ્યે ઊઠી શકે. આ બેઠક રાતના લગભગ 10 વાગ્યે રાખવામાં આવી હતી."
"તે સમયે એનટીઆર અને ભારત સરકાર વચ્ચે આ પરિયોજનાના મુદ્દે ઘણા મતભેદ હતા. તે સમયે એનટીઆરની આંખો ઊંઘથી બંધ થઈ જતી હતી."
"રાજીવ જેવું તેમને પૂછતા હતા કે આ વિશે આપનો શો અભિપ્રાય છે? એનટીઆર બંધ આંખોથી જ બોલતા હતા, 'આઈ ડૂ નોટ એગ્રી.' આમ કહીને તેઓ ફરીથી ઊંઘવા લાગતા હતા."
"આ બેઠક રાતના લગભગ 11 વાગ્યે પૂરી થઈ. ત્યારે રાવસાહેબે ખૂબ નમ્રતાથી રાજીવ ગાંધીને કહ્યું, 'સર, આ મીટિંગ માટે આટલા મોડા સુધી જાગવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.' રાજીવે કહ્યું, અરે હજુ તો કંઈ સમય નથી થયો. હજી તો સૂતાં પહેલાં મારે ઘણું કામ કરવાનું છે. પછી તેઓ ઝડપથી સીડીઓ ચડીને રાજભવનના પોતાના બેડરૂમમાં જતા રહ્યા."
રાજીવ ગાંધી ગૃહસચિવને તેમના ઘર સુધી મૂકી જવા જીદે ચડ્યા
આ જ પ્રકારની એક ઘટના 1985માં બની હતી. રાજીવ ગાંધીએ ગૃહસચિવ રામ પ્રધાનને મોડી રાત્રે ફોન કર્યો. તે સમયે પ્રધાન ગાઢ ઊંઘમાં સૂતા હતા. તેમનાં પત્નીએ ફોન ઉપાડ્યો.
રાજીવ બોલ્યા, "શું પ્રધાનજી સૂઈ રહ્યા છે. હું રાજીવ ગાંધી બોલું છું." તેમનાં પત્નીએ તરત તેમને જગાડી દીધા. રાજીવે પૂછ્યું, "આપ મારા ઘરથી કેટલા દૂર રહો છો?"
પ્રધાને જણાવ્યું કે તેઓ 2એબી, પંડારા રોડ પર છે. રાજીવ બોલ્યા, "હું આપના માટે મારી કાર મોકલી રહ્યો છું. આપ બની શકે એટલી ઝડપથી અહીં આવી જાઓ."
તે સમયે રાજીવની પાસે પંજાબના તત્કાલીન રાજ્યપાલ સિદ્ધાર્થ શંકર રાય કેટલાક પ્રસ્તાવો સાથે આવ્યા હતા.
જોકે, રાય એ જ રાત્રે ચંડીગઢ પાછા જવા માંગતા હતા, તેથી રાજીવે ગૃહસચિવને એટલી મોડી રાત્રે બોલાવ્યા હતા. બે કલાક સુધી એ લોકો મંત્રણા કરતા રહ્યા.
રાત્રે 2 વાગ્યે જ્યારે બધા બહાર આવ્યા ત્યારે રાજીવે રામ પ્રધાનને કહ્યું કે તેઓ તેમની કારમાં બેસે. પ્રધાનને લાગ્યું કે વડા પ્રધાન તેમને ગેટ સુધી ડ્રૉપ કરવા માગે છે.
પરંતુ રાજીવે દરવાજાની બહાર નીકળીને અચાનક ડાબી તરફ વળાંક લીધો અને પ્રધાનને પૂછ્યું, "હું આપને પૂછવાનું ભૂલી ગયો કે પંડારા રોડ કઈ બાજુ છે."
ત્યાં સુધીમાં પ્રધાન સમજી ચૂક્યા હતા કે રાજીવ શું કરવા માગે છે. તેમણે રાજીવનું સ્ટિયરિંગ પકડી લીધું અને કહ્યું, "સર, જો તમે પાછા નહીં ફરો તો હું ચાલતી ગાડીમાંથી કૂદી જઈશ."
પ્રધાને તેમને યાદ અપાવ્યું કે તેમણે તેમને વાયદો કર્યો હતો કે તેઓ આ પ્રકારનાં જોખમ નહીં ઉઠાવે. ઘણી મુશ્કેલીથી રાજીવ ગાંધીએ કાર અટકાવી અને જ્યાં સુધી ગૃહસચિવ બીજી ગાડીમાં ન બેઠા ત્યાં સુધી ઊભા રહ્યા.
લક્ષદ્વીપમાં ઘાયલ વહેલને બચાવી
થોડા સમય પછી રાજીવ એક બેઠક માટે લક્ષદ્વીપ ગયા, જ્યાં વજાહત હબીબુલ્લાહ વહીવટકર્તા હતા.
હબીબુલ્લાહ યાદ કરતાં કહે છે, "રાજીવ હૅલીપૅડ તરફ જતા હતા. અમે તેમની સાથે જીપમાં બેઠા હતા. ત્યારે જ કોઈએ બતાવ્યું કે ત્યાં વહેલ માછલીઓ પાણીમાં ફસાઈ ગઈ છે. ત્યાં લગૂન્સ હતા. ત્યાં પાણી ઓછું હોવાના લીધે ઘણા ઊથલા થઈ જાય છે. વહેલ્સ પાણીની સાથે આવી તો ગઈ હતી, પરંતુ પાછી જઈ શકતી નહોતી અને ત્યાં જ છપ-છપ કરતી હતી."
"રાજીવે ગાડી રોકાવી અને પોતાનાં જૂતાં–પાયજામો પહેરેલી સ્થિતિમાં જ પાણીમાં ઊતરી ગયા. મેં સૂટ પહેરેલો હતો. હું પણ કૂદતો-કૂદતો રાવજીની પાછળ પહોંચ્યો."
"રાજીવની સાથે બીજા ઘણા લોકો પણ પાણીમાં પહોંચી ગયા. તેમણે એ લોકોની મદદથી વહેલને ઉઠાવી અને ફરીથી એ જગ્યાએ છોડી દીધી જ્યાં પાણી વધુ હતું."
બોફોર્સમાં નામ આવવાથી સૌથી વધુ નુકસાન થયું
કદાચ, રાજીવનું પહેલું ખોટું પગલું શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી સંસદમાં નવો કાયદો બનાવવાનું હતું.
બોફોર્સ દલાલી કેસમાં તેમનું નામ આવવાથી તેમની છબી એટલી ખરડાઈ કે તેઓ 1989ની ચૂંટણી હારી ગયા.
અશ્વિની ભટનાગર જણાવે છે, "જૂઠાણાનું રાજકારણ બોફોર્સથી શરૂ થયું હતું. એ ચૂંટણીમાં વિશ્વનાથ પ્રતાપ સિંહ ખૂબ મોટું જુઠ્ઠું બોલ્યા. એક ચૂંટણી રેલીમાં તેમણે ખૂબ નાટકીય રીતે પોતાના કુર્તાના ખિસ્સામાંથી એક કાગળ કાઢીને હવામાં ફરકાવતાં કહ્યું, 'આમાં રાજીવ ગાંધીના સ્વિસ બૅન્ક ખાતાનો નંબર છે, જેમાં બોફોર્સથી મળેલી દલાલી જમા કરવામાં આવી છે.' તેમણે એવો દેખાડો કર્યો કે તેઓ તેને વાંચવા જાય છે, પરંતુ પછી તેઓ અટકી ગયા."
"તે સમયે ભારતના લોકોમાં તેમની વિશ્વસનીયતા એટલી વધુ હતી કે લોકોએ વિશ્વાસ કરી લીધો કે તેઓ જે કંઈ કહી રહ્યા છે તે સાચું કહી રહ્યા છે."
"તેનું પરિણામ એ આવ્યું કે બોફોર્સ તો એક બાજુ રહી ગયું અને 'રાજીવ ગાંધી ચોર છે'નું સૂત્ર ગલી ગલીમાં ગુંજવા લાગ્યું. કોઈને હજી સુધી ખબર નથી કે વાસ્તવિકતા શી છે. બોફોર્સમાં શું નીકળ્યું?"
"અદાલતે તો બધાને છોડી દીધા. આજ સુધી એ સિદ્ધ નથી થઈ શક્યું કે કેટલા પૈસા આપવામાં આવ્યા અને કોને આપવામાં આવ્યા અને અપાયા છે કે નથી અપાયા."
"જે ખરાબ તોપ લાવવાનો આરોપ વીપી સિંહે કર્યો હતો, તે પણ સંપૂર્ણ રદ થઈ ગયો કારગિલ યુદ્ધમાં; કેમ કે, કારગિલને જિતાડવામાં બોફોર્સ તોપોની ખૂબ મોટી ભૂમિકા રહી."
(આની પહેલાં આ લેખ 19 ફેબ્રુઆરી 2020એ પ્રકાશિત થયો હતો. અશ્વિની ભટનાગરના પુસ્તક 'લોટસ યર્સ' પર આધારિત વિવેચના)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન