You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નેપાળ : 'જેન ઝી'ના હિંસક આંદોલન બાદ સુશીલા કાર્કી બન્યાં દેશનાં પ્રથમ મહિલા PM, ભારત સાથે શું છે સંબંધ?
નેપાળનાં પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ રહી ચૂકેલાં સુશીલા કાર્કી હવે નેપાળનાં પ્રથમ કાર્યકારી મહિલા વડાં પ્રધાન બની ગયાં છે. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા.
ઘણા દિવસો સુધી 'જેન ઝી' પ્રદર્શનકારીઓ, નેતાઓ, રાષ્ટ્રપતિ પૌડેલ અને અન્ય કાનૂની નિષ્ણાતો વચ્ચે થયેલી ચર્ચાઓ બાદ શુક્રવારના મોડી સાંજના કાર્યકારી વડાં પ્રધાન તરીકે સુશીલા કાર્કીના નામ પર સહમતિ થઈ.
સુશીલા કાર્કી હવે કેપી શર્મા ઓલીની જગ્યાએ લેશે, જેમણે ભ્રષ્ટાચારના આરોપો અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે યુવાનોના ભારે વિરોધ વચ્ચે મંગળવારે રાજીનામું આપ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, આ પ્રદર્શન અને સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધી 51 લોકોનાં મૃત્યુ થયાં છે.
સુશીલા કાર્કી એક ઈમાનદાર છબી ધરાવનાર નેતા તરીકે ઓળખાય છે. તેમને કાર્યકારી સરકારના નેતૃત્વ માટે યુવા પ્રદર્શનકારોના એક વર્ગનું સમર્થન મળ્યું હતું.
'જેન ઝી' આંદોલન દરમિયાન યુવાનોમાં લોકપ્રિય રૅપર અને કાઠમંડૂના મેયર બાલેન શાહે પણ સુશીલા કાર્કીના નામને સમર્થન આપ્યું હતું.
લોકપ્રિય રૅપર અને મેયરનું મળ્યું સમર્થન
સુશીલા કાર્કીએ આ વિશે ભારતીય ટીવી ચેનલ સીએનએન-ન્યૂઝ 18 સાથે વાત કરતાં કહ્યું, "તેમણે (યુવાનોએ) મને અનુરોધ કર્યો અને અને મેં એ સ્વીકારી લીધો."
કાર્કીએ કહ્યું કે યુવાનોને તેમના પર વિશ્વાસ છે, અને તેઓ ઇચ્છે છે કે ચૂંટણી કરાવાય અને દેશને અરાજકતામાંથી બહાર કાઢવામાં આવે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, નેપાળના રાષ્ટ્રપતિ કે સેનાધ્યક્ષ તરફથી વચગાળાની સરકારના ગઢન અને તેના નેતૃત્વ વિશે કોઈ નિવેદન સામે આવ્યું નથી.
સીએનએન-ન્યૂઝ 18ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં સુશીલા કાર્કીએ ઘણી વાતો જણાવી. ઇન્ટરવ્યૂના પ્રારંભે જ તેમને નેપાળની વર્તમાન સ્થિતિ અંગે તેમના વિચારો શું છે એ પૂછવામાં આવ્યું.
આ સવાલના જવાબમાં તેમણે કહ્યું, "જેન ઝી સમૂહે નેપાળમાં આંદોલન શરૂ કર્યું. તેમણે મને કહ્યું કે તેમને મારા પર વિશ્વાસ છે અને મેં હું ટૂંકા ગાળા માટે સરકાર ચલાવી શકું છું, જેથી ચૂંટણી કરાવી શકાય. તેમણે મને અનુરોધ કર્યો અને મેં સ્વીકારી લીધો."
કાર્કીએ કહ્યું, "હું સૌપ્રથમ એ છોકરા-છોકરીઓ પર ધ્યાન આપીશ, જેમનાં આંદોલનમાં મૃત્યુ થયાં છે. અમારે તેમના અને તેમના પરિવાર માટે કંઈક કરવું પડશે, જે અત્યંત દુ:ખમાં છે."
તેમણે સ્પષ્ટ કર્યું કે આંદોલનની પહેલી માગ વડા પ્રધાનનું રાજીનામું હતી, જે સંપૂર્ણપણે સંતોષાઈ ચૂકી છે. હવે બીજી માગ દેશમાંથી ભ્રષ્ટાચારને નાબૂદ કરવાની છે. તેમના શબ્દોમાં, "અન્ય માગો ત્યારે જ પૂર્ણ થઈ શકે, જ્યારે સરકાર બને."
જેન ઝી આંદોલનમાં સામેલ યુવાનોમાં લોકપ્રિય એવા રૅપર અને કાઠમાંડુના મેયર બાલેન શાહે પણ સુશીલા કાર્કીના નામને ટેકો આપ્યો છે.
તેમણે એક્સ પર પોસ્ટ કર્યું, "વચગાળાની સરકારના નેતૃત્વ માટે તમે (યુવાનોએ) પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીનું નામ સૂચવ્યું છે, તેનું હું પૂર્ણ સમર્થન કરું છું."
ઉલ્લેખનીય છે કે આ આંદોલનમાં સુશીલા કાર્કીની સાથે કાઠમાંડુના મેયર બાલેન શાહનું નામ પણ ચર્ચામાં રહ્યું છે.
મે, 2022 માં જ્યારે બાલેન શાહ પહેલી વાર નેપાળના પાટનગર કાઠમાંડુના મેયર બન્યા, ત્યારે તે બધા માટે આશ્ચર્યજનક વાત હતી.
બાલેન શાહે નેપાળી કૉંગ્રેસનાં સૃજનાસિંહને હરાવ્યાં છે. શાહને 61,767 મત મળ્યા જ્યારે સૃજનાસિંહને 38,341 મત મળ્યા હતા.
જ્યારે નેપાળમાં જેન ઝી ચળવળ શરૂ થઈ, ત્યારે સોશિયલ મીડિયા પર લોકો બાલેન શાહને મેયરપદ પરથી રાજીનામું આપીને આંદોલનનું નેતૃત્વ કરવા અપીલ કરી હતી.
બાલેન શાહ માત્ર 35 વર્ષના છે, તેમણે નેપાળમાં જેન ઝી ચળવળને ટેકો આપ્યો હતો, પરંતુ તેઓ રસ્તા પર ઊતર્યા નહોતા.
સુશીલા કાર્કી કોણ છે?
નેપાળ સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, સુશીલા કાર્કીનો જન્મ 7 જૂન 1952ના રોજ નેપાળના બિરાટનગરમાં થયો હતો.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, તેઓ 1972માં બિરાટનગરમાંથી સ્નાતક થયાં હતાં.
1975માં, તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU), વારાણસીમાંથી પૉલિટિકલ સાયન્સમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી અને 1978માં ત્રિભુવન યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં જણાવાયું છે કે તેમણે 1979માં બિરાટનગરમાં કાયદાની પ્રૅક્ટિસ શરૂ કરી હતી. આ સમય દરમિયાન, તેમણે 1985માં ધારણના મહેન્દ્ર મલ્ટિપલ કૅમ્પસમાં સહાયક શિક્ષક તરીકે પણ કામ કર્યું હતું.
તેમની ન્યાયિક યાત્રામાં એક મહત્ત્વપૂર્ણ તબક્કો 2009માં આવ્યો, જ્યારે તેમને સુપ્રીમ કોર્ટમાં કામચલાઉ ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં.
તેઓ 2010માં કાયમી ન્યાયાધીશ બન્યાં. તેઓ 2016માં થોડા સમય માટે કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ હતાં અને 11 જુલાઈ 2016થી 6 જૂન 2017 સુધી નેપાળનાં પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી હતી.
સુશીલા કાર્કીના કઠોર વલણને કારણે, તેમને રાજકારણમાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
એપ્રિલ 2017માં, તત્કાલીન સરકારે સંસદમાં તેમની વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેઓ પક્ષપાતી હતાં અને સરકારના કામમાં દખલ કરતાં હતાં.
પ્રસ્તાવ રજૂ થયા પછી, તેમને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી મુખ્ય ન્યાયાધીશપદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.
આ સમય દરમિયાન, જનતાએ ન્યાયતંત્રની સ્વતંત્રતાના સમર્થનમાં પોતાનો અવાજ ઉઠાવ્યો અને સુપ્રીમ કોર્ટે સંસદને આગળની કાર્યવાહી કરતા અટકાવી દીધી.
વધતા દબાણ વચ્ચે, સંસદને થોડાં અઠવાડિયામાં જ પ્રસ્તાવ પાછો ખેંચવો પડ્યો. આ ઘટનાએ સુશીલા કાર્કીની ઓળખ સત્તાના દબાણ સામે ઝૂકે નહીં એવાં એક ન્યાયધીશ તરીકે સ્થાપિત કરી.
સુશીલા કાર્કી ભારત સાથેના સંબંધો પર
ઇન્ટરવ્યૂમાં જ્યારે ભારત સાથેના તેમના સંબંધ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, "હા, મેં બીએચયુમાં અભ્યાસ કર્યો છે. એ સ્થળની ઘણી યાદો છે. મને હજુ પણ મારા શિક્ષકો, મિત્રો યાદ છે. મને હજુ પણ ગંગા નદીને કિનારે આવેલું છાત્રાલય અને ઉનાળાની રાતોમાં છત પર બેસીને વહેતી ગંગાને નિહાળવાની ક્ષણો યાદ છે."
તેમણે એમ પણ કહ્યું કે તેઓ બિરાટનગરનાં છે, જે ભારતીય સરહદની ખૂબ નજીક છે. "મારા ઘરથી સરહદ માત્ર 25 માઇલ દૂર છે. હું નિયમિતપણે સરહદી બજારમાં જતી હતી. હું હિંદી બોલી શકું છું, એટલું સારું નહીં, પણ હું બોલી શકું છું."
ભારત તરફથી અપેક્ષાઓ અંગે તેમણે કહ્યું, "ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો ઘણા જૂના છે. સરકારો અલગ હોઈ શકે છે, પરંતુ લોકો વચ્ચેનો સંબંધ ખૂબ જ ઊંડો છે. મારા ઘણા સંબંધીઓ અને પરિચિતો ભારતમાં છે. જો તેમને કંઈક થાય છે, તો અમે પણ આંસુ વહાવીએ છીએ."
"અમારી વચ્ચે ઊંડી આત્મીયતા અને પ્રેમ છે. ભારતે હંમેશાં નેપાળને મદદ કરી છે. અમે ખૂબ નજીક છીએ. હા, જેમ રસોડામાં વાસણો એક સાથે હોય છે, ત્યારે ક્યારેક અવાજ આવે છે, તેવી જ રીતે નાના મતભેદો હોઈ શકે છે, પરંતુ સંબંધ મજબૂત છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન