You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇન્કમટૅક્સ રિટર્ન ભરવાની તારીખ લંબાવાઈ, ચૂકી જવાય તો શું થઈ શકે?
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે ઇન્કમટૅક્સ રિટર્ન (આઈટીઆર) ફાઇલ કરવાની અંતિમ તારીખ હવે 16 સપ્ટેમ્બર છે.
આવકવેરા વિભાગે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે, "ઇન્કમટૅક્સ રિટર્ન દાખલ કરવાની અંતિમ તારીખ જે પહેલાં 31 જુલાઈ 2025 હતી તેને લંબાવીને 15 સપ્ટેમ્બર 2025 કરવામાં આવી હતી."
"કેન્દ્રીય પ્રત્યક્ષ અને કર બોર્ડ(સીબીડીટી)એ હવે આ અંતિમ તારીખને હજુ એક દિવસ લંબાવવાનું નક્કી કર્યું છે. આ પ્રમાણે આઈટીઆર દાખલ કરવાની અંતિમ તારીખ 16 સપ્ટેમ્બર 2025 કરવામાં આવી છે."
ઇન્કમટૅક્સ વિભાગે જણાવ્યું કે જરૂર ફેરફારો લાગુ કરવા માટે ઈ-ફાઇલિંગ પોર્ટલ 16 સપ્ટેમ્બરની અડધી રાત 12.00 વાગ્યાથી 2.30 વાગ્યા સુધી મેન્ટનન્સ મોડમાં રહેશે
આ વખતના કેન્દ્રીય બજેટમાં લોકોને આવકવેરામાં મોટી રાહત આપવામાં આવી છે. હવેથી પગારદાર વર્ગને વાર્ષિક 12.75 લાખ રૂપિયા સુધીની આવક પર ઇન્કમટૅક્સ ભરવો નહીં પડે, જ્યારે અન્ય કરદાતાઓ માટે 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ટૅક્સ ફ્રી રહેશે.
તેના કારણે ઘણા લોકોમાં આ વખતે ઇન્કમટૅક્સ રિટર્ન ભરવા અંગે ગૂંચવણ અને ગેરમાન્યતા છે.
ભારતમાં પાન કાર્ડ અને ઇન્કમટૅક્સ રિટર્ન વિશે પહેલેથી સામાન્ય કરદાતાઓમાં ઘણી ખોટી માન્યતાઓ પ્રવર્તે છે, જેમ કે આઇટી રિટર્ન કોણે ભરવું જોઈએ, કેટલી આવક હોય તો રિટર્ન ફાઇલ કરવું ફરજિયાત છે, રિટર્ન ભરવામાં ન આવે તો શું થાય, વગેરે.
બીબીસીએ આ વિશે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ટૅક્સ નિષ્ણાત કરીમ લાખાણી સાથે વાત કરીને આઇટી રિટર્ન અને પાન કાર્ડ વિશે કેટલાક મહત્ત્વના સવાલોના જવાબ જાણવાનો પ્રયાસ કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોના માટે ઇન્કમટૅક્સ રિટર્ન ભરવું ફરજિયાત છે?
કરીમ લાખાણીએ કહ્યું કે તમારી કુલ આવક મૂળભૂત મુક્તિમર્યાદાથી વધુ હોય તો આઇટી રિટર્ન ભરવું પડે. એટલે કે સામાન્ય કરદાતા (60 વર્ષથી ઓછી વય)ની વાર્ષિક આવક 2.50 લાખ રૂપિયાથી વધુ હોય, સિનિયર સિટીઝન (60થી 80 વર્ષ)ની આવક ત્રણ લાખ રૂપિયાથી વધુ હોય, સુપર સિનિયર સિટીઝન (80 વર્ષથી વધુ)ની વાર્ષિક આવક પાંચ લાખથી વધુ હોય તો આઇટી રિટર્ન ભરવું ફરજિયાત છે.
આવા કેસમાં કુલ ગ્રોસ આવક (કલમ 80 હેઠળ મળતી કપાતોને બાદ કરતા પહેલાં) ઉપરોક્ત મુક્તિમર્યાદાથી વધુ હોય તો રિટર્ન ભરવું પડે.
આ ઉપરાંત દરેક કંપની અને પેઢીએ આઇટી રિટર્ન ભરવું ફરજિયાત છે, ભલે નફો થયો હોય કે નુકસાન.
- તેવી જ રીતે તમે આઈટી રિફંડનો દાવો કરવા માગતા હોવ
- તમે કોઈ નુકસાનને આગામી વર્ષમાં કેરી ફૉરવર્ડ કરવા માગતા હોવ
- તમારી પાસે ભારતમાં કોઈ સંપત્તિ હોય જે ટ્રસ્ટ હેઠળ ધાર્મિક કે સખાવતી હેતુ માટે રાખી હોય
- તમે કોઈ રાજકીય પક્ષ હોવ
- તમે ભારતના રહેવાસી હોવ અને ભારતની બહાર સંપત્તિ કે નાણાકીય હિત ધરાવતા હોવ (એનઆરઆઈ કે RNOR - રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટને લાગુ પડતું નથી)
- તમે ભારતના રહેવાસી હોવ અને ભારત બહારના ખાતામાં સહી કરવાનો અધિકાર ધરાવતા હોવ (એનઆરઆઇ કે RNOR - રેસિડન્ટ બટ નોટ ઑર્ડિનરી રેસિડન્ટને લાગુ પડતું નથી), તો તમારે આઈટી રિટર્ન ભરવું પડે
આ ઉપરાંત તમારી આવક મૂળભૂત મુક્તિમર્યાદાથી ઓછી હોય પરંતુ
- તમે એક અથવા વધુ કરન્ટ એકાઉન્ટમાં 1 કરોડ રૂપિયા કે તેથી વધુ રકમ જમા કરાવી હોય
- તમે બચત ખાતામાં 50 લાખ રૂપિયા કે તેનાથી વધુ રકમ જમા કરાવી હોય
- તમે તમારા માટે કે બીજી વ્યક્તિની વિદેશયાત્રા માટે બે લાખ રૂપિયા કે તેનાથી વધુ ખર્ચ કર્યો હોય
- તમારું વાર્ષિક લાઇટ બિલ એક લાખ રૂપિયાથી વધુ હોય
- તમારો ટીડીએસ કે ટીસીએસ (ટૅક્સ કલેક્ટેડ એટ સોર્સ) 25 હજાર રૂપિયાથી વધુ હોય (સિનિયર સિટીઝન માટે 50 હજાર રૂપિયા)
- તમારા બિઝનેસનું વાર્ષિક ટર્નઓવર 60 લાખ રૂપિયાથી વધુ હોય
- તમારી પ્રોફેશનલ આવક 10 લાખ રૂપિયાથી વધુ હોય તો ઇન્કમટૅક્સ રિટર્ન ભરવું પડે
ઇન્કમટૅક્સ રિટર્ન ન ભરવાથી કેટલો દંડ થાય?
સીએ કરીમ લાખાણી કહે છે કે જે વ્યક્તિ કે પેઢીઓના ખાતાઓનું ઓડિટ કરાવવાની જરૂર નથી, તેમના માટે આઇટી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ સામાન્ય રીતે 31 જુલાઈ હોય છે.
- તમારી વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી વધુ હોય અને રિટર્નની છેલ્લી તારીખ પછી રિટર્ન ફાઇલ કરવામાં આવે તો 5000 રૂપિયા સુધી દંડ થઈ શકે
- તમારી કુલ આવક પાંચ લાખ સુધીની હોય અને છેલ્લી તારીખ પછી રિટર્ન ભરવામાં આવે તો એક હજાર રૂપિયાનો દંડ થઈ શકે
- તમારી આવક મૂળભૂત મુક્તિમર્યાદાથી ઓછી હોય તો કોઈ દંડ નથી થતો. પરંતુ કોઈ શરતો લાગુ પડતી હોય, જેમકે બૅન્કમાં એક કરોડથી વધુ રૂપિયા ભર્યા હોય કે વિદેશયાત્રા માટે બે લાખથી વધુ ખર્ચ થયો હોય, તો લેટ રિટર્ન ભરવા પર દંડ થઈ શકે
- તમારો ટૅક્સ બાકી નીકળતો હોય અને સમયસર રિટર્ન ભરવામાં ન આવે તો બાકી રકમ પર માસિક એક ટકાના દરે સાદું વ્યાજ લાગશે
- આ ઉપરાંત તમે નુકસાનને કેરી ફોરવર્ડ નહીં કરી શકો
- તમને કોઈ ધંધાકીય અથવા મૂડી નુકસાન થયું હોય અને તમે સમયસર રિટર્ન ન ભરો તો તમારા લૉસ (નુકસાન)ને આગામી વર્ષની આવક સામે સેટ-ઑફ નહીં કરી શકો
- સમયસર રિટર્ન ભરવાથી તમે આ નુકસાનને આગળ ખેંચી શકો અને ભવિષ્યમાં ટૅક્સનો બોજ ઘટાડી શકો છો
- આ ઉપરાંત તમે વધુ ટૅક્સ ભર્યો હોય અને રિફંડના હકદાર હોવ તો મોડું રિટર્ન ભરવાથી રિફંડ મેળવવામાં વિલંબ થઈ શકે
- ગંભીર કિસ્સામાં ઇન્કમટૅક્સ વિભાગ કાનૂની કાર્યવાહી કરી શકે. 25,000થી વધુ ટૅક્સ નીકળતો હોય તો છ મહિનાથી લઈને 7 વર્ષ સુધીની જેલ અને દંડ થઈ શકે
- અન્ય કિસ્સામાં ત્રણ મહિનાથી બે વર્ષ સુધીની જેલ અને દંડ થઈ શકે
પાન કાર્ડ હોય તો આઇટી રિટર્ન ભરવું જ પડે?
તમારી પાસે માત્ર પાન કાર્ડ હોય તેથી આઇટી રિટર્ન ભરવું ફરજિયાત નથી થઈ જતું. તમારી કુલ આવક અને બીજી કેટલીક બાબતો પર તેનો આધાર હોય છે.
જેમકે ઉપર જણાવ્યું તે પ્રમાણે ચાલુ ખાતામાં એક કરોડથી વધુ જમા કરાવ્યા હોય, બચત ખાતામાં 50 લાખથી વધુ જમા કરાવ્યા હોય, વિદેશયાત્રા માટે બે લાખથી વધુ ખર્ચ કર્યો હોય.
એક વખત રિટર્ન ભરવાનું ચાલુ કરો એટલે દર વર્ષે ભરવું જ પડે?
કરીમ લાખાણી કહે છે કે, "એક વાર તમે આઇટી રિટર્ન ભરવાનું શરૂ કરો એટલે દર વર્ષે રિટર્ન ભરવું જ એવું જરૂરી નથી, સિવાય કે તમે તે વર્ષમાં આવકવેરાના નિયમો પ્રમાણે રિટર્ન ભરવા માટે પાત્ર હોવ."
"એટલે કે કોઈ વર્ષમાં કુલ આવક મૂળભૂત મુક્તિમર્યાદાથી ઓછી હોય અને બીજી કોઈ શરતો પૂર્ણ થતી ન હોય તો તે વર્ષે રિટર્ન ભરવાની જરૂર નથી."
"ઉદાહરણ તરીકે 2023-24ના આકારણી વર્ષમાં તમારી આવક ત્રણ લાખ રૂપિયા હોવાના કારણે રિટર્ન ભર્યું હોય, પરંતુ 2024-25ના આકારણી વર્ષમાં તમારી આવક ઘટીને બે લાખ રૂપિયા થઈ જાય, તથા તમે રિટર્ન ફરજિયાત બને તેવી કોઈ શરતને પૂર્ણ કરતા ન હોવ, તો તે વર્ષ માટે આઇટી રિટર્ન ભરવું ફરજિયાત નથી."
જોકે, લાખાણીની સલાહ છે કે નિયમિતતા માટે આઇટી રિટર્ન ભરવું સલાહભર્યું છે. તેનાથી નાણાકીય શિસ્ત જળવાશે અને ભવિષ્યમાં લોન મેળવવામાં સરળતા રહેશે.
આ ઉપરાંત તમારો ટીડીએસ કપાયો હોય અને કુલ આવક કરપાત્ર ન હોય ત્યારે રિફંડ મેળવવા માટે આઇટી રિટર્ન ભરવું પડે. એક વખત રિફંડના ક્લેમ માટે રિટર્ન ભરવાનું શરૂ કરો, ત્યાર પછી ટીડીએસના રિફંડ માટે દર વર્ષે આઇટી રિટર્ન ભરવું પડી શકે.
તેવી જ રીતે ધંધાકીય નુકસાનને આગામી વર્ષોમાં સેટ-ઑફ કરવા માટે દર વર્ષે તમારે રિટર્ન ભરવું પડે, ભલે પછી તમારી આવક મુક્તિમર્યાદા કરતા ઓછી હોય.
કોઈ વર્ષમાં આવક ન હોવાના કારણે વ્યક્તિએ આઇટી રિટર્ન ભર્યું ન હોય તો બીજા વર્ષે પણ રિટર્ન ફાઇલ કરી શકાય છે.
કરદાતા નિવૃત્ત થાય કે કામ કરવાનું છોડી દે તો પછી આઇટી રિટર્ન ભરવું પડે?
માત્ર રિટાયર થવાથી કે કામકાજ છોડી દેવાથી આઇટી રિટર્ન ભરવાની જવાબદારી સમાપ્ત નથી થતી.
રિટાયરમેન્ટ પછી કે કામ કરવાનું છોડી દીધા પછી પણ આઇટી રિટર્ન ભરવું પડશે કે નહીં તેનો આધાર કેટલીક બાબતો પર છે.
આવકઃ નિવૃત્તિ પછી તમારી આવકના સ્રોત કયા છે? તમને પેન્શન મળે છે? તમને બીજી કોઈ આવક જેમકે બૅન્ક વ્યાજ, ભાડાની આવક, શૅરબજારની આવક વગેરે છે? જો આ બધી આવકનો સરવાળો મૂળભૂત મુક્તિમર્યાદા કરતાં વધુ હોય તો આઇટી રિટર્ન ભરવું પડશે.
પેન્શનઃ નિવૃત્તિ પછી મળતું પેન્શન પણ આવક ગણાય અને તેના પર આવકવેરો લાગે છે. પેન્શનની આવક મુક્તિમર્યાદાથી વધુ હોય તો આઇટી રિટર્ન ભરવું પડે.
બૅન્ક વ્યવહારોઃ રિટાયરમેન્ટ પછી બૅન્ક ખાતામાં મોટા વ્યવહાર થતા હોય, જેમકે એક કરોડથી વધુ રૂપિયા ખાતામાં જમા થયા હોય, વિદેશયાત્રા પર બે લાખથી વધુ ખર્ચ થયો હોય, તો કરદાતાની આવક મુક્તિમર્યાદાથી ઓછી હોય તો પણ આઇટી રિટર્ન ભરવું પડે.
ટૅક્સ રિફંડનો દાવોઃ નિવૃત્તિ અગાઉ પગારમાંથી વધુ ટીડીએસ કપાયો હોય અને તેનું રિફંડ મેળવવું હોય તો આઇટી રિટર્ન ભરવું પડશે.
હા, નિવૃત્ત વ્યક્તિની આવક મુક્તિમર્યાદાથી ઓછી હોય, બીજી કોઈ શરતો પૂર્ણ થતી ન હોય તો રિટર્ન ફાઇલ કરવું ફરજિયાત નથી, પરંતુ રિફંડ ક્લેમ કરવા કે બીજાં કારણસર સ્વૈચ્છિક રીતે રિટર્ન ભરી શકાય.
નિયમિત આઇટી રિટર્ન ભરવાથી શું ફાયદો થાય?
આવકવેરા નિષ્ણાતો રેગ્યુલર અને સમયમર્યાદાની અંદર ઇન્કમટૅક્સ રિટર્ન ભરવાની સલાહ આપે છે. તેનાં કેટલાંક કારણો છેઃ
- ITRએ તમારી આવકનો સત્તાવાર પુરાવો છે. દરેક પ્રકારની લોન, ક્રેડિટ કાર્ડની અરજી માટે કે મોટી નાણાકીય લેવડદેવડ વખતે તે ઉપયોગી બને છે. બૅન્કો અને નાણાકીય સંસ્થાઓ છેલ્લા કેટલાક વર્ષના આઇટીઆર માગતી હોય છે.
- વિદેશયાત્રા માટે વિઝાની અરજી કરતી વખતે ઘણા દેશોની એમ્બેસી છેલ્લા અમુક વર્ષના આઇટી રિટર્ન માગે છે. તે તમારી નાણાકીય સ્થિરતા અને આવકની સાબિતી છે, જેથી વિઝા મળવાની શક્યતા વધી જાય છે.
- ટૅક્સ રિફંડ માટે, નુકસાનને કેરી ફોરવર્ડ કરવા આઇટીઆર જરૂરી છે.
- સરકારી ટેન્ડર અને બીજાં કામોની અરજી કરતી વખતે પણ છેલ્લાં કેટલાંક વર્ષનાં આઇટી રિટર્ન આપવાં પડે છે.
- આ ઉપરાંત આઇટીઆર તમારા સરનામાનો પુરાવો પણ ગણાય છે.
- કેટલીક મોટી જીવન વીમા પૉલિસી લેતી વખતે વીમા કંપનીઓ આઇટી રિટર્ન માગી શકે છે.
નિયમિત આઇટી રિટર્ન ન ભરવાથી શું નુકસાન થાય?
રેગ્યુલર આવકવેરા રિટર્ન ભરવાથી ફાયદા છે, જ્યારે રિટર્ન ન ભરવાના કેટલાક નુકસાન છે. જેમ કે,
- આવકવેરાના નિયમો પ્રમાણે તમે રિટર્ન ભરવાને પાત્ર હોવ છતાં સમયસર રિટર્ન ન ભરો તો દંડ થઈ શકે અને બાકીના ટૅક્સ પર વ્યાજ ચૂકવવો પડે.
- તમને કોઈ ધંધાકીય કે કેપિટલ લૉસ (મૂડી નુકસાન) થયું હોય, પરંતુ તમે સમયસર રિટર્ન નહીં ભરો તો આવા નુકસાનને આગળના વર્ષમાં સેટ-ઑફ નહીં કરી શકો. મકાન મિલકતમાં થયેલું નુકસાન તેમાંથી બાકાત છે.
- તમે વધારે ટૅક્સ ભરી દીધો હોય અને હવે રિફંડ ક્લેમ કરવું હોય, પરંતુ રિટર્ન ન ભરવાથી તેમાં વિલંબ થશે.
- આઇટી રિટર્ન ભરતા ન હોય તેવા લોકોને લોન કે ક્રેડિટ કાર્ડ આપવામાં બૅન્કો અને નાણાકીય સંસ્થાઓ ખચકાતી હોય છે.
- ઘણા દેશોની વિઝા અરજીની સાથે આઇટીઆર આપવું ફરજિયાત હોય છે. તેના વગર વિઝા મેળવવા મુશ્કેલ બની જાય છે.
- જાણી જોઈને રિટર્ન ભરવામાં આવ્યું ન હોય તો ગંભીર કિસ્સામાં કાનૂની કાર્યવાહી થઈ શકે છે.
- નિયમિત રિટર્ન ન ભરનારા લોકોની નાણાકીય વિશ્વસનીયતા ઓછી આંકવામાં આવે છે.
- તેના કારણે તમારી આવક મુક્તિમર્યાદા કરતાં ઓછી હોય તો પણ કેટલાક લોકો માટે રિટર્ન ભરવું ફાયદાકારક બની શકે છે.
આઇટી રિટર્ન અને PAN કાર્ડ અંગે ગેરમાન્યતા
ભારતીય કરદાતાઓમાં આવકવેરા રિટર્ન તથા પાન કાર્ડને લઈને ઘણી ખોટી ધારણા છે. સીએ કરીમ લાખાણીએ આવી કેટલીક ગેરમાન્યતાની યાદી આપી છે.
ગેરમાન્યતાઃ કંપનીએ ટીડીએસ કાપી લીધો હોય તો રિટર્ન ભરવાની જરૂર નથી
હકીકતઃ તમારી કુલ આવક મૂળભૂત મુક્તિમર્યાદા કરતાં વધુ હોય તો રિટર્ન ભરવું ફરજિયાત છે, ભલે પછી ટીડીએસ કપાયો હોય.
ગેરમાન્યતાઃ મારી આવક કરપાત્ર નથી તેથી રિટર્ન ભરવાની જરૂર નથી
હકીકતઃ તમારી આવક મૂળભૂત મુક્તિમર્યાદાથી ઓછી હોય તો સામાન્ય રીતે રિટર્ન ભરવું જરૂરી નથી, પરંતુ ઉપર જણાવ્યા મુજબ બૅન્ક વ્યવહારો, વિદેશયાત્રા વગેરેમાં મોટા ખર્ચ હોય તો રિટર્ન જરૂરી છે.
ગેરમાન્યતાઃ માત્ર પગારદાર લોકોએ રિટર્ન ભરવાનું હોય છે
હકીકતઃ જે કોઈની કુલ આવક મુક્તિમર્યાદાથી વધુ હોય તેણે રિટર્ન ભરવું પડે, ભલે પછી તે સ્વ-રોજગાર ધરાવતા હોય, ફ્રીલાન્સર હોય કે બિઝનેસ ધરાવતા હોય.
ગેરમાન્યતાઃ આઇટી રિટર્ન ભરવું બહુ જટિલ અને સમય માગી લેતું કામ છે
હકીકતઃ રિટર્ન ભરવાની પ્રક્રિયા હવે ઑનલાઇન છે અને બહુ સરળ છે. તમારી સાદી આવક હોય તો જાતે પણ રિટર્ન ભરી શકો છો. જરૂર પડે તો પ્રોફેશનલોની મદદ લઈ શકો.
ગેરમાન્યતાઃ ગિફ્ટ પર કોઈ ટૅક્સ નથી લાગતો તેથી તેને રિટર્નમાં બતાવવાની જરૂર નથી
હકીકતઃ ચોક્કસ સંબંધીઓ પાસેથી મેળવેલી ગિફ્ટ જ ટૅક્સ ફ્રી હોય છે. કેટલીક ગિફ્ટ પર ટૅક્સ લાગે છે અને રિટર્નમાં તે જાહેર કરવી પડે છે.
ગેરમાન્યતાઃ એક વખત રિટર્ન ભરવાનું શરૂ કરો એટલે દર વર્ષે ભરવું પડે
હકીકતઃ કોઈ વર્ષમાં તમારી આવક મુક્તિ મર્યાદાથી ઓછી હોય અને બીજી કોઈ શરત પૂર્ણ થતી ન હોય તો તમારે રિટર્ન ભરવાની જરૂર નથી.
કરદાતાઓ પાન કાર્ડ વિશે આટલું જાણી લે
- પાન કાર્ડ એ માત્ર ટૅક્સ ભરવા માટે જરૂરી નથી. તે ઓળખનો પુરાવો પણ છે, બૅન્ક ખાતું ખોલાવવા, રોકાણ કરવા, મોટી ખરીદી કે વેચાણ માટે પાન કાર્ડ આવશ્યક છે.
- પાન કાર્ડ હોય એટલે રિટર્ન ભરવું ફરજિયાત નથી. તમારી આવકના આધારે રિટર્નની જરૂરિયાત નક્કી થાય છે.
- પાન કાર્ડમાં સરનામું બદલવું મુશ્કેલ નથી. આ કામ ઑનલાઇન અને ઑફલાઇન બંને રીતે થઈ શકે છે.
- તમારી પાસે આધાર કાર્ડ હોય તો પાન કાર્ડની જરૂર નથી એ પણ ગેરમાન્યતા છે. આ બંને અલગ ડોક્યુમેન્ટ છે. કેટલાક નાણાકીય વ્યવહારો માટે પાન કાર્ડ ફરજિયાત છે અને રિટર્ન ભરવા માટે પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવા જરૂરી છે.
- બાળકનું પાન કાર્ડ હોવું જોઈએ કે નહીં? નિષ્ણાતો કહે છે કે બાળકને કોઈ રોકાણમાં નૉમિની બનાવવામાં આવે અને તેના નામે મોટી નાણાકીય લેવડદેવડ કરવાની હોય તો પાન કાર્ડ જરૂરી હોય છે.
- આ ઉપરાંત એક કરતા વધારે પાન કાર્ડ રાખવા ગેરકાયદે છે અને તેના માટે દંડ થઈ શકે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન