I-T અધિકારીઓ તમારા ઈમેઇલ, સોશિયલ મીડિયા એકાઉન્ટ ખંખોળી શકશે, જેનાથી કરદાતાની પજવણી વધશે?

    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા

પહેલી એપ્રિલ 2026થી દેશમાં ઇન્કમ ટૅક્સનો નવો કાયદો લાગુ થવાનો છે, જેમાં કરદાતાઓની વ્યક્તિગત પ્રાઇવસી જોખમાય તેવી શક્યતા છે.

તેનું કારણ છે કે ઇન્કમ ટૅક્સ બિલ 2025માં ટૅક્સ ઑથૉરિટીને એવી સત્તા મળવાની છે, જેના કારણે તમારી ડિજિટલ દુનિયા પ્રાઇવેટ કે ગુપ્ત નહીં રહે.

ટૅક્સ અધિકારીઓને જો કોઈના પર કરચોરીની શંકા હશે, તો તેઓ તેમના ઈમેઇલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટને પણ ઍક્સેસ કરી શકશે. તેના કારણે અમુક સંજોગોમાં લોકોની પ્રાઇવસીનું શું થશે તેવા સવાલ ઊભા થયા છે.

એપ્રિલ 2026થી કેવા ફેરફાર થવાના છે?

આગામી વર્ષે પહેલી એપ્રિલથી ટૅક્સ ઑથૉરિટીની સત્તા વધી જવાની છે. ઇન્કમ ટૅક્સ બિલ 2025માં આવી જોગવાઈ કરવામાં આવી છે.

તેઓ કરદાતાના ઈમેઇલ, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તથા ઑનલાઇન ફાઇનાન્શિયલ પ્લૅટફૉર્મ પરની બધી પ્રવૃત્તિ પર નજર રાખી શકશે.

ટૅક્સ અધિકારીને લાગે કે કોઈ આવક અથવા સંપત્તિની માહિતી છૂપાવવામાં આવી છે, તો તેઓ ડિજિટલ પ્લૅટફૉર્મ ઍક્સેસ કરીને જરૂરી માહિતી એકઠી કરી શકશે.

તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ અને ઈમેઇલ, બૅન્ક એકાઉન્ટ, ઑનલાઇન ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ, ટ્રેડિંગ એકાઉન્ટ વગેરેને ઍક્સેસ કરવા માટે તેમની પાસે કાયદેસરની પરવાનગી હશે.

આવકવેરા વિભાગને શંકા જાય કે કરદાતાની કોઈ છૂપી આવક છે અથવા ગોલ્ડ, જ્વેલરી, મૂલ્યવાન ચીજો કે પ્રૉપર્ટીમાં રોકાણ કરેલું છે અને તેની માહિતી ઑથૉરિટીને આપી નથી, ત્યારે આ કાર્યવાહી થઈ શકશે.

ઇકૉનૉમિક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે આઈ-ટી ઍક્ટ 1961ના સેક્શન 132 હેઠળ આવકવેરા અધિકારીઓ પાસે એવી માહિતી અને કારણો હોય કે કોઈ વ્યક્તિએ આવક, સંપત્તિ અથવા ડૉક્યુમેન્ટ છૂપાવેલા છે, તો તેઓ સર્ચ કાર્યવાહી કરી શકે તથા ઍસેટને જપ્ત કરી શકે છે.

આ ઍક્ટ પ્રમાણે ટૅક્સ ચોરીની શંકાના આધારે એકાન્ટની બૂક પણ ચેક કરી શકાય છે. હાલના કાયદા મુજબ આવકવેરા વિભાગના અધિકારીઓ પાસે જો ચાવી ન હોય અને ટૅક્સ ચોરીની શંકા હોય તો તેઓ કોઈ પણ દરવાજો, બૉક્સ, કબાટ, સેફ અથવા લોકર પણ તોડી શકે છે.

નવા ઇન્કમ ટૅક્સ બિલમાં આ સત્તા વિસ્તારવામાં આવી છે અને હવે તેમાં કમ્પ્યુટર સિસ્ટમને બ્રૅક કરવાનો અથવા વર્ચ્યૂઅલ ડિજિટલ સ્પેસમાં પ્રવેશવાનો અધિકાર પણ સામેલ કરવામાં આવ્યો છે.

એટલે કે કોઈએ જાણી જોઈને આવક છૂપાવી છે તેવી શંકા હોય તો તેના કમ્પ્યુટર સિસ્ટમ, ઈમેઇલમાં પણ પ્રવેશીને અંદર તપાસ કરી શકે છે.

વર્ચ્યૂઅલ ડિજિટલ સ્પેસ એટલે શું?

ઇન્કમ ટૅક્સ બિલ 2025માં વર્ચ્યૂઅલ ડિજિટલ સ્પેસની જે વ્યાખ્યા કરવામાં આવી છે તે ઘણી વ્યાપક છે.

તેમાં સ્પષ્ટ જણાવાયું છે કે વ્યક્તિના સોશિયલ મીડિયા એકાઉન્ટ, બૅન્ક ખાતા, ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ, ઈમેઇલ પણ વર્ચ્યૂઅલ ડિજિટલ સ્પેસમાં આવી જાય છે.

બિલના પેજ 308 અને 309 પર આ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.

તે મુજબ ઈમેઇલ સર્વર, મહત્ત્વની માહિતી સાચવવા માટેની કોઈ વેબસાઇટ, રિમૉટ સર્વર અથવા ક્લાઉડ સર્વર, ડિજિટલ ઍપ્લિકેશન પ્લૅટફૉર્મ પણ તેમાં સમાવી લેવાશે.

આ બિલના ક્લોઝ 247માં જણાવાયું છે કે ઑથૉરાઇઝ્ડ પાસે ઍક્સેસ કૉડ નહીં હોય તો તે ઍક્સેસ કૉડને ઓવરરાઇડ કરીને છૂપી આવક, ડૉક્યુમેન્ટ કે પ્રૉપર્ટીની વિગત જાણવા કમ્પ્યુટર કે વર્ચ્યૂઅલ ડિજિટલ સ્પેસમાં પ્રવેશી શકશે.

ઇન્કમ ટૅક્સના કયા અધિકારીઓ પાસે આવી સત્તા હશે તેનું લિસ્ટ પણ આ બિલમાં અપાયું છે. તે મુજબ જૉઇન્ટ ડાયરેક્ટર, ઍડિશનલ ડાયરેક્ટર, ઍડિશનલ કમિશનર અથવા આસિસ્ટન્ટ ડાયરેક્ટર સહિતના અધિકારીઓ પાસે સત્તા હશે.

આવી ઑથૉરિટી આપવાની જરૂર કેમ પડી

કાનૂની પેઢી ખેતાન ઍન્ડ કંપનીના પાર્ટનર સંજય સંઘવીએ રૉઇટર્સને જણાવ્યું હતું, "હાલમાં પણ ટૅક્સ ઑથૉરિટી કરદાતાના લેપટોપ, હાર્ડ ડિસ્ક અને ઈમેઇલનું ઍક્સેસ માંગી શકે છે, પરંતુ કાયદામાં આ વાત સ્પષ્ટ ન હતી કે તેઓ ડિવાઇસ અથવા રૅકૉર્ડને ઍક્સેસ કરી શકે કે નહીં. તેથી તેને લગતો વિવાદ થતો હતો."

ટૅક્સ મામલાના જાણકાર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરીમ લાખાણીએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું કે, "ડિજિટલ ડેટાને ઍક્સેસ કરવાની સત્તા ઇન્કમ ટૅક્સ વિભાગ પાસે પહેલાં પણ હતી, પરંતુ હવે કાયદામાં એક ખાસ સેક્શન ઉમેરવામાં આવ્યું છે, જેથી તેને કાયદાકીય રીતે પડકારી ન શકાય."

કરીમ લાખાણી કહે છે, "નાણાને લગતો ઘણો ડેટા હવે ફિઝિકલ સ્વરૂપમાં ઉપલબ્ધ નથી હોતો, મોટા ભાગનો ડેટા ડિજિટલ સ્વરૂપે જ સ્ટૉર કરવામાં આવે છે. આવકવેરા અધિકારીઓની સામે એક સમસ્યા એવી હતી લોકો ડિજિટલ ડેટા અમારો નથી, એવું કહીને તેને કોર્ટમાં ચૅલેન્જ કરી શકતા હતા. આના કારણે ડિજિટલ ડેટાને લિગલી ઍક્સેસ કરી શકાય તેવી જોગવાઈઓ કરવામાં આવી છે."

કરીમ લાખાણીએ જણાવ્યું, "હવે બધો ડેટા પેન ડ્રાઇવ, હાર્ડ ડિસ્ક અથવા ક્લાઉડ પર સ્ટૉર કરવામાં આવે છે. વૉટ્સઍપ પર પણ ઘણી બધી માહિતી સંગ્રહ થયેલી હોય છે. આવામાં આઈટી વિભાગ પાસે આ ડિટેઇલ ઍક્સેસ કરવાની સત્તા ન હોય તો તેમનું કામ થઈ ન શકે તેથી આ જોગવાઈ કરવામાં આવી હોઈ શકે છે. જોકે, હજુ આ બધું સિલેક્ટ કમિટી પાસે જશે અને થોડા દિવસો પછી ચિત્ર સ્પષ્ટ થઈ શકશે."

અમદાવાદસ્થિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અવિનાશ તલરેજાએ જણાવ્યું કે, "આઈટી ઍક્ટમાં ઇન્કમટૅક્સ વિભાગ પાસે પહેલાં પણ આ પ્રકારના અધિકારો હતા, જેમાં તેઓ ડિજિટલ ડેટાનો પુરાવા તરીકે ઉપયોગ કરી શકે છે. વૉટ્સઍપ અને બીજા મૅસેજ ઉકેલવા માટે ડિવાઇસને એફએસએલમાં (ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરી) પહેલેથી જ મોકલવામાં આવે છે."

પાસવર્ડ વગર ઍક્સેસ મેળવી શકાશે

નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં સંસદમાં સુધારેલો ઇન્કમ ટૅક્સ બિલ, 2025 રજૂ કર્યો હતો અને તેને છ દાયકા જૂના ટૅક્સ માળખામાં મોટો સુધારો ગણાવ્યો હતો.

આ ખરડો કાયદામાં ફેરવાય તે અગાઉ સિલેક્ટ કમિટી દ્વારા તેની સમીક્ષા કરવામાં આવશે.

હાલમાં ટૅક્સ અધિકારીઓ સર્ચ કાર્યવાહી કરતા હોય ત્યારે લેપટોપ, હાર્ડ ડિસ્ક અને ઈમેઇલનું ઍક્સેસ માંગી શકે છે. પરંતુ તેમાં ડિજિટલ રેકૉર્ડની સ્પષ્ટ વ્યાખ્યા આપેલી નથી.

તેના કારણે ઘણી વખત કાનૂની અવરોધ નડે છે. હવે કેટલીક ચીજો સ્પષ્ટ થઈ ગઈ છે. ટૅક્સ ઑથૉરિટી કોઈ પણ ડિજિટલ ઍસેટના ઍક્સેસની માંગણી કરી શકે છે. કરદાતા ઍક્સેસ આપવાનો ઇન્કાર કરે તો પાસવર્ડને બાયપાસ કરી શકશે. એટલે કે સિક્યૉરિટી સેટિંગને બ્રૅક કરીને ફાઇલને અનલૉક કરી શકશે.

કરદાતાની બિનજરૂરી પજવણી થવાનો ડર

કરદાતાના ડિજિટલ સ્પેસમાં આવકવેરા વિભાગ આ રીતે પ્રવેશે તેને બહુ મહત્ત્વની વાત ગણવામાં આવે છે. કેટલાક જાણકારોએ આ મામલે ચિંતા વ્યક્ત કરી છે.

સીએ અવિનાશ તલરેજાનું કહેવું છે કે "નવા ઇન્કમ ટૅક્સ ઍક્ટમાં સેક્શન ઉમેરીને આઈટી અધિકારીઓને જે વધુ સત્તા અપાઈ તેનો દુરુપયોગ થવાની શક્યતા રહે છે. ખાસ કરીને પર્સનલ માહિતી જેમ કે ફોટોગ્રાફ અને મૅસેજનો ઍક્સેસ મળવાના કારણે પ્રાઇવસીનો ભંગ થવાનો ભય રહે છે."

તેઓ માને છે કે, "અમુક કિસ્સામાં કરદાતાની બિનજરૂરી સતામણી પણ કરવામાં આવી શકે તેવી પણ શક્યતા રહે છે."

લૉ ફર્મ નાંગિયા ઍન્ડરસનના એલએલપીના પાર્ટનર વિશ્વાસ પંજિયરે રૉઇટર્સને જણાવ્યું કે, "ચુસ્ત સાવધાની રાખવામાં નહીં આવે તો આ વિશિષ્ટ પાવરથી કરદાતાની સતામણી કરવામાં આવે અથવા પર્સનલ ડેટાની બિનજરૂરી ચકાસણી થવાની શક્યતા છે."

પંજિયરે કહ્યું, "એક સંતુલિત વલણ જરૂરી છે, જેથી ડિજિટલ અધિકારોનો ભંગ ન થાય."

ટૅક્સ મામલાના જાણકાર કરીમ લાખાણી બીબીસી ગુજરાતીને કહે છે કે, "દરેક કેસમાં આઈટી અધિકારીઓ કોઈના ઈમેઇલ કે સોશિયલ મીડિયા એકાઉન્ટને ઍક્સેસ નહીં કરે, માત્ર જે કરદાતા વિશે ટૅક્સ ચોરીની શંકા હોય તેવા કિસ્સામાં આ થઈ શકશે અને તેમાં પણ અમુક અધિકારીઓને જ તેની ઑથૉરિટી મળશે."

લાખાણીએ કહ્યું, "આ ટૅક્સ બિલમાં સીબીડીટી (સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સીસ)ના પાવર પણ વધારવામાં આવ્યા છે. હવે સીબીડીટી અમુક નૉટિફિકેશન અથવા પરિપત્ર બહાર પાડી શકશે જેના માટે અગાઉ સંસદ પાસે મંજૂરી લેવી પડતી હતી."

પ્રાઇવસીના મૂળભૂત અધિકારનો ભંગ?

ઇન્કમ ટૅક્સ બિલમાં ટૅક્સ ઑથૉરિટીની સત્તામાં વધારો થયો તેના વિશે ઘણા પ્રત્યાઘાત આવ્યા છે.

ઇન્ફોસિસ કંપનીના ભૂતપૂર્વ સીએફઓ (ચીફ ફાયનાન્સિયલ ઓફિસર) મોહનદાસ પાઈએ આ જોગવાઈઓનો વિરોધ કર્યો છે.

મોહનદાસ પાઈએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે, "ઇન્કમ ટૅક્સ ઓફિસરો તમારા ઈમેઇલ કે સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પ્રવેશી શકે તે આપણા અધિકારો પર તરાપ સમાન છે. સરકારે તેના દુરુપયોગ સામે સુરક્ષા પૂરી પાડવી જોઈએ." તેમણે આ નિયમો લાગુ થાય તે પહેલાં કોર્ટ ઑર્ડર લાવવાની વાત કરી છે.

કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાએ ટ્વિટર પર લખ્યું છે કે, "આ રીતે લોકોના ઈમેઇલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ ઍક્સેસ કરવામાં આવે તે પ્રાઇવસીના મૂળભૂત અધિકારનો ભંગ છે. તે દર્શાવે છે કે આપણે સર્વેલન્સ સ્ટેટ તરફ આગળ વધી રહ્યા છીએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.