You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પેશાબ પીવાથી સાજા થયા -પરેશ રાવલનો દાવો, શું મૂત્ર પીવાથી બીમારી કે ઈજામાં લાભ થાય?
- લેેખક, અશ્વની પાસવાન
- પદ, બીબીસી સંવાદદાતા
ભાજપના નેતા અને ફિલ્મઅભિનેતા પરેશ રાવલની એક વીડિયો ક્લિપ છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જે તેમણે ઇન્ડિયા ટુડે જૂથને આપેલા ઇન્ટરવ્યૂનો હિસ્સો છે.
તેમાં રાવલને એવો દાવો કરતા જોઈ શકાય છે કે તેમણે પોતાના ઘૂંટણની ઈજામાં લાભ થાય તે માટે પેશાબ પીધો હતો અને આમ કરવાથી તેમને ફાયદો થયો હતો.
પરેશ રાવલ આ પ્રકારનો દાવો કરનાર પ્રથમ વ્યક્તિ નથી. આ પહેલાં પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈ પણ સાર્વજનિક રીતે શિવામ્બુ પ્રયોગની વાત કહી ચૂક્યા છે. પરેશ રાવલે પોતાના ઇન્ટરવ્યૂમાં દેસાઈનો પણ ઉલ્લેખ કર્યો હતો.
સોશિયલ મીડિયા ઉપર 'ધ લિવર ડૉક' નામથી ચર્ચિત બનેલા ડૉ. સિરિએફ એબી ફિલિપ્સનું કહેવું છે, "પેશાબ પીવાથી નુકસાન થશે."
આ સિવાય પણ કેટલાક સોશિલ મીડિયા યૂઝર્સ પરેશ રાવલના દાવા ઉપર સવાલ ઉઠાવી રહ્યા છે અને લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂકી રહ્યા છે.
અમે પરેશ રાવલના દાવા વિશે તબીબો સાથે વાત કરી અને દાવાની સત્યતા વિશે જાણવાનો પ્રયાસ કર્યો.
પરેશ રાવલે શું કહ્યું હતું?
આ ઇન્ટરવ્યૂમાં પરેશ રાવલ કહે છે, "મુંબઈમાં રાજકુમાર સંતોષીની ફિલ્મ 'ઘાતક'ના શૂટિંગ દરમિયાન મને ઢસડવાના સીન દરમિયાન હું ઘૂંટણભેર પડ્યો હતો. પાછળ જ નાણાવટી હૉસ્પિટલ હતી. વીરુ દેવગણ (વિખ્યાત સ્ટન્ટ કૉર્ડિનેટર તથા અભિનેતા અજય દેવગણના પિતા) ત્યાં કોઈકને મળવા આવ્યા હતા."
પરેશ રાવલે કહ્યું, "હૉસ્પિટલમાં વીરુ દેવગણે મને સલાહ આપી કે સવારે ઊઠીને તારો પહેલો પેશાબ પીજે. બધા ફાઇટર લોકો આમ કરે છે. કોઈ તકલીફ નહીં અને કંઈ નહીં થાય અને કશું નહીં થાય."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"બીજા દિવસે મેં મારી જાતને તૈયાર કરી. મેં વિચાર્યું કે જો પેશાબ પીવો જ છે તો ગટગટાવી નહીં જાઉં. નિરાંતે બિયરની જેમ મૂત્રપાન કરીશ."
"મેં 15 દિવસ સુધી આમ કર્યું અને જ્યારે ઍક્સ-રે રિપૉર્ટ આવ્યો તો ડૉક્ટરો ચોંકી ગયા. તબીબોને ઍક્સ-રેમાં સફેદ લાઇનિંગ જોવા મળી."
પરેશ રાવલે દાવો કર્યો કે ઈજા થઈ અને ફરી કામે ચઢવામાં બેથી અઢી મહિનાનો સમય થાય, પરંતુ તેઓ દોઢ મહિનામાં જ ઠીક થઈ ગયા હતા.
પરેશ રાવલના કહેવા પ્રમાણે યુરિન પીવાની આ થૅરપીને "શિવામ્બુ" કહેવાય છે.
તબીબોનું શું કહેવું છે?
ડાયટિશયન દિબ્યા પ્રકાશ તથા મારેંગો એશિયા હૉસ્પિટલ્સના તબીબ સંજયકુમાર અગ્રવાલ મૂત્રપાનથી શરીરને કોઈપણ જાતનો લાભ થતો હોવાની વાતને નકારે છે.
ડૉ. સંજયકુમાર અગ્રવાલના કહેવા પ્રમાણે, "પોતાનો પેશાબ પીવાથી કોઈ બીમારી ઠીક નથી થતી. યુરિનએ શરીરની વેસ્ટ પ્રોડક્ટ છે અને નકામી વસ્તુનો કોઈ ઉપયોગ ન હોય. એટલે જ શરીર તેને ફેંકી દે છે. તેને પીવાથી કોઈ લાભ નહીં થાય, પરંતુ આરોગ્યને નુકસાન થવાની શક્યતા છે."
યુરિન મારફત આપણા શરીરમાંથી નકામા પદાર્થો, ગંદકી કે કચરો બહાર ઠલવાય છે.
દિબ્યા પ્રકાશનું કહેવું છે, "પેશાબ પીવાથી કોઈ લાભ થાય કે કેમ, તેના વિશે કોઈ વૈજ્ઞાનિક સંશોધન નથી થયું."
દિલ્હીસ્થિત તબીબ અનિલકુમાર ભાટિયાએ બીબીસી હિંદી સાથે વાત કરતા કહ્યું, "મૂત્રપાન કરવાથી કોઈ ફાયદો થાય છે કે નહીં, તેના વિશે કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ ઉપલબ્ધ નથી."
ડૉ. સિરિએફ એબી ફિલિપ્સે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું, "કોઈના કહેવાથી પોતાનું કે અન્ય કોઈનું મૂત્ર ન પીવો. યુરિન પીવાથી શરીરને કોઈ લાભ થતો હોવાના વૈજ્ઞાનિક પુરાવા નથી."
"વાસ્તવમાં યુરિન પીવાનું ખૂબ જ નુકસાનકારક થઈ શકે છે. તેને પીવાથી લોહીમાં બૅક્ટેરિયા, ટૉક્સિન્સ તથા અન્ય પ્રકારના હાનિકારક પદાર્થો પહોંચવાની શક્યતા રહે છે. તમારી કિડનીઓ પેશાબ મારફત શરીરમાં રહેલાં ઝેરી પદાર્થોને બહાર ફેંકવા માટે ખૂબ જ મહેનત કરે છે. મૂત્રપાન કરીને તેનું અપમાન ન કરો."
મોરાજી દેસાઈને આદત
ભારતની ગુપ્તચર સંસ્થા રિસર્ચ ઍન્ડ ઍનાલિસિસ વિંગના પૂર્વ અધિકારી બી. રમણે તેમના પુસ્તક 'કાઉ બૉયઝ ઑફ રૉ'માં પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈની પેશાબ પીવાની આદત સંબંધિત એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.
રમણ પોતાનાં પુસ્તકમાં લખે છે, "વર્ષ 1978માં મોરારજી દેસાઈ ફ્રાન્સની સરકારી યાત્રા ઉપર ગયા હતા. ત્યારે ત્યાંના રાજદૂત આર.ડી. સાંઠેના ઘરે રોકાયા હતા."
"જ્યારે દેસાઈ દિલ્હી પરત ફર્યા ત્યારે હું સાઠે સાહેબના ઘરે ગયો હતો. તેમનો નોકર ડ્રિંક્સ સર્વ કરી રહ્યો હતો. ત્યારે રાજદૂતનાં પત્નીએ તેને કહ્યું કે તું નવા ગ્લાસમાં સર્વ કરી રહ્યો છે ને?"
પછી મારા તરફ જોઈને બોલ્યાં, "મોરારજીભાઈ પેશાબ પીવા માટે ખબર નહીં કયો ગ્લાસ વાપર્યો હશે, એટલે મેં તમામ જૂના ગ્લાસ ફેંકાવી દીધા."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન