ટાઇટેનિકના કાટમાળમાંથી મળેલી વસ્તુઓને અમેરિકાના એક ગુપ્ત સ્થળે કેમ રાખવામાં આવી છે?

    • લેેખક, રેબેકા મોરેલ અને એલિસન ફ્રાન્સિસ
    • પદ, બીબીસી

મગરના ચામડામાંથી બનેલી હેન્ડબૅગો અને હજુ પણ સુગંધ ફેલાવતી અત્તરની નાની નાની બૉટલો. વિશ્વના સૌથી વિખ્યાત જહાજ ટાઇટેનિકના કાટમાળમાંથી આવી કેટલીક અમૂલ્ય કલાકૃતિઓ શોધી કાઢવામાં આવી છે.

જોકે, આ કલાકૃતિઓને એક અત્યંત ગુપ્ત ગોદામમાં છુપાવીને રાખવામાં આવી છે કારણ કે તે અમૂલ્ય છે. અમે માત્ર એટલું જ જણાવી શકીએ કે આ ગુપ્ત ગોદામ અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના એટલાન્ટા શહેરમાં ક્યાંક આવેલું છે.

અહીંના કબાટમાં હજારો વસ્તુઓ સચવાયેલી છે: ઊંધા રાખેલા બાથટબથી લઈને બારીક નકશીદાર કાચનાં વાસણો અને નાનાં બટનો પણ સામેલ છે.

બીબીસીને આ ગોદામ જોવાની અને ત્યાં રાખેલી ચીજવસ્તુઓ પાછળની વાર્તાઓ જાણવાની દુર્લભ તક મળી.

મગરમચ્છના ચામડામાંથી બનેલી બેગને લગતી દુઃખદ કહાણી

આ કલાકૃતિઓની શોધ બીઆરએમએસ ટાઇટેનિક ઈન્ક. નામની કંપનીએ કરી છે. કંપનીનાં કલેક્શન ડાયરેક્ટર ટોમાસિના રે કહે છે, "આ ખરેખર સુંદર અને ફેશનેબલ નાનકડી બૅગ છે."

આ અમેરિકન કંપનીએ આ માલસામાન શોધવા માટેના અધિકારો મેળવ્યા છે. તેણે ટાઇટેનિકના કાટમાળમાંથી 5,500થી વધુ વસ્તુઓ બહાર કાઢી છે જેમાંથી કેટલાક સંગ્રહને આખી દુનિયામાં પ્રદર્શિત કરવામાં આવે છે.

મગરના ચામડામાંથી બનેલી આ બૅગ ઉત્તર ઍટલાન્ટિકમાં સમુદ્રના તળિયે પણ ટકી ગઈ. તેની અંદર રાખવામાં આવેલી નાજુક વસ્તુઓ પણ બચી ગઈ છે, જે તેના માલિકના જીવન વિશે ઘણું જણાવે છે. આ બૅગ મૅરિયન મીનવેલની હતી જેઓ ટાઇટેનિક જહાજમાં ત્રીજા વર્ગનાં મુસાફર હતાં.

ટોમસિના કહે છે, "તેઓ 63 વર્ષીય વ્યવસાયી હતાં જેઓ લેડિઝ હૅટ વેચતા હતા. તેઓ પોતાની વિધવા દીકરીને મળવા અમેરિકા જઈ રહ્યાં હતાં."

આ બૅગમાંથી એક ધૂંધળો ફોટોગ્રાફ પણ મળ્યો હતો જે મૅરિયન મીનવેલનાં માતાનો હોવાનું માનવામાં આવે છે.

તેમાં અમેરિકામાં એક નવું જીવન શરૂ કરવા માટે જરૂરી કાગળો પણ હતા, જેમાં તેમના લંડનના મકાનમાલિકનો હાથેથી લખેલો પત્ર પણ સામેલ હતો. તેમાં લખેલું છે, "મીનવેલ એક સારાં ભાડૂઆત છે અને તેઓ નિયમિત ભાડું ચૂકવે છે."

બૅગમાં તેમનું હેલ્થ ચેક-અપ કાર્ડ પણ હતું. થર્ડ ક્લાસના તમામ પ્રવાસીઓ માટે તે જરૂરી હતું, જેથી સાબિત થઈ શકે કે તેઓ અમેરિકામાં કોઈ રોગ નથી લાવી રહ્યાં. પરંતુ પાણીમાં રહેવાના કારણે ઝાંખો પડી ગયેલો આ કાગળ પણ કમનસીબી અંગે જણાવે છે.

મૅરિયન મીનવેલે અન્ય એક વ્હાઇટ સ્ટાર લાઇન જહાજ મૅજેસ્ટિકમાં પોતાનું બુકિંગ કરાવ્યું હતું, પરંતુ કોઈ કારણસર તે જહાજ જઈ ન શક્યું. તેથી તેમને ટાઇટેનિકમાં બેસાડવામાં આવ્યાં અને જહાજ ડૂબી ગયું ત્યારે તેમાં જીવ ગુમાવનારા 1500 લોકોમાં તેઓ પણ સામેલ હતાં.

ટોમાસિના કહે છે, "તેમની કહાણી કહેવી અને આ વસ્તુઓનો સંગ્રહ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. નહિતર તેઓ આ લિસ્ટમાં માત્ર એક નામ રહી ગયાં હોત."

અત્તરની શીશીઓ જેમાં હજુ પણ સુગંધ રહી ગઈ છે

ટાઇટેનિક દુર્ઘટનામાં બચી ગયેલા લોકોનો સામાન પણ સમુદ્રના તળિયેથી બહાર કાઢવામાં આવ્યો હતો.

ટોમાસિના પ્લાસ્ટિકનો એક ડબ્બો ખોલે છે અને હવામાં એક સુગંધ પ્રસરી જાય છે. તેઓ કહે છે, "તેમાં હજી પણ દમ છે."

બૉક્સમાં પરફ્યુમની નાની નાની બૉટલો છે. તેને સીલમાં રાખવામાં આવી છે. પરંતુ દાયકાઓથી સમુદ્રના તળિયે પડી રહેવા છતાં, તેની તીવ્ર સુગંધ ચારે તરફ પ્રસરી રહી છે.

ટોમાસિના કહે છે, “જહાજમાં પરફ્યુમના એક સેલ્સમૅન પણ સવાર હતા અને તેમની પાસે આવી 90 બૉટલો હતી."

તેનું નામ ઍડોલ્ફ સાલફેલ્ડ હતું અને તેઓ સેકન્ડ ક્લાસના પેસેન્જર હતા જેઓ અકસ્માતમાં બચી ગયેલા 700 લોકોમાં સામેલ હતા.

બચાવકાર્ય દરમિયાન મહિલાઓ અને બાળકોને પ્રાથમિકતા આપવામાં આવી હતી. તેથી જહાજમાંથી કોઈક રીતે બચી ગયેલા અમુક પુરુષોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ટોમાસિનાએ કહ્યું, “અમને આ મળ્યું ત્યાં સુધીમાં તેઓ મૃત્યુ પામ્યા હતા. પરંતુ મને લાગે છે કે તેમનામાં કોઈ અપરાધભાવ રહ્યો હશે."

શેમ્પેઈન અને જીવન શૈલી

આ સંગ્રહમાં શેમ્પેઈનની એક બૉટલ પણ છે, જેમાં શેમ્પેઈન સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેની ઉપર કોર્ક પણ લાગેલું છે.

ટોમાસિનાએ કહ્યું, “શક્ય છે કે દબાણને કારણે કોર્કમાંથી થોડું પાણી અંદર પ્રવેશ્યું હોય અને દબાણને સરભર કરી લીધું હોય. પછી બોટલ સમુદ્રના તળિયે બેસી ગઈ હશે.”

વર્ષ 1912માં જ્યારે ટાઇટેનિક હીમશીલા સાથે અથડાઈને ડૂબી ગયું ત્યારે જહાજ બે ભાગમાં તૂટી ગયું હતું અને તેનો તમામ માલસામાન વિખેરાઈ ગયો હતો, તેથી એક મોટા વિસ્તારમાં કાટમાળ ફેલાયો હતો.

ટોમાસિના કહે છે, "સમુદ્રના તળિયે ઘણી બધી બૉટલો અને વાસણો પણ છે, કારણ કે ટાઇટેનિક વાસ્તવમાં રસોડાના ભાગે વચ્ચે તૂટી ગયું હતું."

તે સમયે જહાજ પર શેમ્પેનની હજારો બૉટલો હતી. જહાજના માલિકો ઇચ્છતા હતા કે તેમના ફર્સ્ટ ક્લાસના પ્રવાસીઓને મનમોહક દૃશ્યો ઉપરાંત શ્રેષ્ઠ ખાણીપીણી પીરસવામાં આવે.

ટોમાસિના કહે છે, "તે તરતા મહેલ જેવું હતું અને ટાઇટેનિકને સૌથી વૈભવી જહાજ માનવામાં આવતું હતું."

"તેથી મુસાફરો માટે શેમ્પેઈન, જીમ અને અન્ય સગવડો ખૂબ જ મહત્વપૂર્ણ હતાં."

મળી આવેલા લાખો ખીલાઓ શું સાબિત કરે છે?

14-15 એપ્રિલ 1912ની મધરાતે ટાઇટેનિક જ્યારે એક વિશાળ હીમખંડ સાથે અથડાયું ત્યારે તે તેની પ્રથમ સફર પર સાઉધેમ્પ્ટનથી અમેરિકા જઈ રહ્યું હતું.

તે સમયે આ જહાજમાં સુરક્ષાના ખૂબ જ આધુનિક ફીચર્સ હતાં અને એવું કહેવાતું હતું કે તે ક્યારેય નહીં ડૂબે.

ટોમાસિનાએ જહાજ પરના કેટલાંક ખીલા અને સ્ટીલની પ્લેટોને જકડી રાખતી મેટલ પિન પણ બતાવી.

જહાજમાં આવા 30 લાખથી વધુ ખીલા લગાવવામાં આવ્યાં હતાં.

ટોમાસિના કહે છે, "ટાઇટેનિક ડૂબી ગયું ત્યારે એવી અફવા ફેલાઈ હતી કે તેને બનાવવામાં હલકી કક્ષાની સામગ્રીનો ઉપયોગ કરાયો હતો અને તેથી જ તે ખૂબ જ ઝડપથી ડૂબી ગયું."

કેટલાક ખીલાની તપાસ કરવામાં આવી જેથી તેમાં કોઈ ભેળસેળ નથી તે જાણી શકાય.

તેઓ કહે છે, "તેમાં કાચ જેવાં તત્ત્વો હતાં જેના કારણે તે ઠંડીમાં થોડાં નબળાં બની જતાં હતાં."

"જો આ ખીલા નબળા હોય અને તેમની ટોચ તૂટી જાય, તો તેઓ જ્યાં હીમશીલા સાથે ટકરાયા ત્યાંથી ખુ્લ્લી ગયાં હોત."

જો કે, તેઓ કહે છે કે ટાઇટેનિક જહાજ ડૂબી ગયું ત્યારે ખરેખર શું થયું હતું તે વિશે હજી ઘણું જાણવાનું બાકી છે.

વર્ગ મુજબ સગવડો

જહાજ પર સવાર મુસાફરોમાં અલગ અલગ સામાજિક વર્ગો હતા. તેમના માટે જમવાનાં કપ અને પ્લેટ પણ અલગ હતાં.

થર્ડ ક્લાસના પ્રવાસીઓ માટે લાલ રંગમાં સફેદ સ્ટારનો લૉગો ધરાવતો મગ બહુ સાધારણ પરંતુ મજબૂત છે. સેકન્ડ ક્લાસના પ્રવાસીઓ માટેની થાળીઓમાં સુંદર વાદળી રંગનાં ફૂલોની કોતરણી છે. પરંતુ ફર્સ્ટ ક્લાસની ડિનરની પ્લેટ નાજુક ચીનાઈ માટીની બનેલી છે. તેના છેડે સોનેરી પટ્ટા છે અને પ્રકાશમાં એક માળા જેવી પેટર્ન જોઈ શકાય છે.

ટોમાસિના કહે છે, "આ પેટર્ન કદાચ રંગબેરંગી હોઈ શકે છે, પરંતુ તેના પર ઉપરથી રંગ કરાયો હતો તેથી તે ધોવાઇ ગયા હતા."

ફર્સ્ટ ક્લાસના અમીર મુસાફરો માટે ચાંદીનાં વાસણોમાં ભોજન પીરસવામાં આવતું હતું, પરંતુ ત્રીજા વર્ગના મુસાફરો માટે વાત અલગ હતી.

ટોમાસિના કહે છે, "ત્રીજા વર્ગના મુસાફરો તેમની પોતાની ચાઇના પ્લેટનો ઉપયોગ કરતા હતા કારણ કે તેઓ અન્ય વાસણો કરતાં વધુ મજબૂત હતાં."

બીઆરએમસી ટાઇટેનિક ઈન્ક. એકમાત્ર એવી કંપની છે જેને દુર્ઘટનાસ્થળેથી વસ્તુઓને રિકવર કરવાની કાયદેસર પરવાનગી મળી છે.

1994માં એક અમેરિકન કોર્ટે તેમને આ અધિકાર આપ્યો હતો. પરંતુ કંપનીએ કડક શરતોનું પાલન કરવું પડશે. જેમ કે વસ્તુઓ હંમેશાં એકસાથે રહેવી જોઈએ જેથી તે વેચી શકાય નહીં અને તે યોગ્ય રીતે સાચવેલ પણ હોવી જોઈએ.

અત્યાર સુધીમાં કાટમાળમાંથી તમામ કલાકૃતિઓ કાઢવામાં આવી છે, પરંતુ તાજેતરમાં કંપનીએ જહાજમાંથી માર્કોની રેડિયો ઉપકરણ મેળવવાની ઈચ્છા જાહેર કરી જેનાથી વિવાદ થયો હતો.

ટાઇટેનિક ડૂબી ગયું તે રાતે આ ડિવાઈસે ઈમરજન્સી મૅસેજ મોકલ્યા હતા.

કેટલાક લોકો માને છે કે આ કાટમાળ એક કબરની જગ્યા છે અને તેની સાથે છેડછાડ થવી ન જોઈએ.

ટોમાસિના કહે છે, "ટાઇટેનિકમાં એવી વસ્તુઓ છે જેનો આપણે આદર કરવા માંગીએ છીએ. અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે આપણે સ્મૃતિને જાળવી રાખીએ. કારણ કે દરેક જણ ટાઇટેનિકમાં જઈ શકતું નથી અને અમે તેને લોકો સમક્ષ લાવવા માંગીએ છીએ."

ટૂંક સમયમાં આ ગુપ્ત ગોદામમાં વસ્તુઓ રાખવા માટે વધુ કબાટ અને ઓરડાની જરૂર પડી શકે છે.

તાજેતરમાં કંપનીએ એક અભિયાન શરૂ કર્યું છે જેનો ઉદ્દેશ કાટમાળના લાખો ફોટા પાડવાનો છે જેથી તેની થ્રીડી તસવીર બનાવી શકાય.

સાથે સાથે આ અભિયાનમાં માર્કોની રેડિયો રૂમની હાલની સ્થિતિનું સર્વેક્ષણ પણ સામેલ છે. આ ઉપરાંત ટીમ કાટમાળમાં રહેલી એવી વસ્તુઓની ઓળખ કરવા માંગે છે જેને ભવિષ્યમાં ફરી કાઢી શકાય છે.

કોને ખબર આ અભિયાનમાં બીજી કઈ ચીજો મળશે અને તેની પાછળની વાર્તા વિશે વધારે શું જાણવા મળશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.