એ શહેર જેને કબજે કરવા ભારત અને પાકિસ્તાન છ મહિના સુધી લડ્યા

    • લેેખક, વકાર મુસ્તફા
    • પદ, પત્રકાર અને સંશોધક

વર્ષ 1947માં મેજર વિલિયમ બ્રાઉન ગિલગિટ સ્કાઉટ્સના બ્રિટનના કમાન્ડર હતા. તેઓ એક એવી બળવાખોરીનો ભાગ બનવાના હતા, જેનું પરિણામ કંઈક અલગ જ આવવાનું હતું. આ બળવાખોરીના પરિણામ સ્વરૂપે નવા દેશ પાકિસ્તાનમાં ‘આઝાદ કાશ્મીર’ નામનો પ્રદેશ ઉમેરાવાનો હતો.

જો તેમની વાતને ધ્યાને લઈએ તો, “ગિલગિટમાં એ અફવા ફેલાઈ ચૂકી હતી કે કાશ્મીરના મહારાજા પોતાના રાજ્યનું ભારતમાં વિલીનીકરણ કરવાના છે. આ સાથે જ સ્કાઉટ્સની સંભવિત બળવાખોરીની વાત પણ થવા લાગી.”

“ગવર્નર હાઉસના ગેટ સહિત દરેક દીવાલો પર ‘પાકિસ્તાન જિંદાબાદ’ અને ‘કાશ્મીરના મહારાજા મુર્દાબાદ’ના નારા લખેલા હતા.”

“મેં તેમને એટલે કે ગવર્નરને જ આ નારાઓ ભૂંસતા જોયા. પરંતુ એ પછીની સવારે મારા ઘરના દરવાજે પણ આ નારા ફરીથી લખી નાખવામાં આવ્યા હતા.”

આ વિસ્તારમાં ગિલગિટની સાથેસાથે સ્કર્દૂ શહેર પણ સામેલ હતું જે આજે પાકિસ્તાન પ્રશાસિત ગિલગિટ-બાલ્ટિસ્તાન બની ચૂક્યું છે. પરંતુ આ કહાણીની શરૂઆત 1947માં ગિલગિટથી થાય છે.

આ એ જમાનો હતો કે જ્યારે ભારત અને પાકિસ્તાન આઝાદ થઈ ચૂક્યા હતા, પરંતુ જમ્મુ અને કાશ્મીરનું રજવાડું તથા અન્ય દેશી રાજ્યોના વિલીનીકરણની પ્રક્રિયા વિવાદિત બની ગઈ હતી.

એ વખતે ગિલગિટમાં તહેનાત મેજર બ્રાઉન તેમના પુસ્તક ‘ગિલગિટ બાલ્ટિસ્તાન’ કે ‘ગિલગિટ વિદ્રોહ’માં લખે છે કે 25મી ઑક્ટોબર, 1947ના રોજ સમાચારોથી અમને ખબર પડી કે ભારત સરકારે કાશ્મીરમાં સેના મોકલવાનો નિર્ણય કર્યો છે.

કેટલાક દિવસ પહેલાં જ ‘કબાઇલી લડવૈયા’ઓએ મુઝફ્ફરાબાદના રસ્તેથી કાશ્મીર પર હુમલો કરી દીધો હતો અને તેઓ શ્રીનગર સુધી પહોંચી ગયા હતા. ત્યારે ગિલગિટ અને બાલ્ટિસ્તાન જમ્મુ-કાશ્મીર દેશી રાજ્યનો ભાગ હતું.

સમાજશાસ્ત્રના શિક્ષક સઈદ અહમદ તેમના પુસ્તક ‘ધી ગિલગિટ-બાલ્ટિસ્તાન કૉન્ડ્રમ: ડાઇલેમાઝ ઑફ પૉલિટિકલ ઇન્ટિગ્રેશન’માં લખે છે કે એ વખતે જમ્મુ-કાશ્મીરના ચાર ભાગ હતા: જમ્મુ પ્રાંત, કાશ્મીર પ્રાંત, ગિલગિટ જિલ્લો અને લદ્દાખ જિલ્લો.

વર્ષ 1935માં અંગ્રેજોએ ગિલગિટની વ્યવસ્થા ડોગરા શાસક પાસેથી 60 વર્ષના ભાડાપટ્ટે લઈ લીધી હતી જ્યારે બાલ્ટિસ્તાનનો વિસ્તાર સીધો ડોગરા સરકારના શાસનતળે હતો.

ગિલગિટમાં થઈ બળવાખોરી

સઈદ અહમદ લખે છે, “ભારત અને પાકિસ્તાનની આઝાદીનાં બે અઠવાડિયાં પહેલાં અંગ્રેજોએ આ ભાડાકરાર અચાનક રદ્દ કરી દીધો. ત્યારપછી 30 જુલાઈ, 1947ના રોજ કાશ્મીરની સેનાના બ્રિટનના કમાન્ડર ઇન ચીફ મેજર જનરલ સ્કૉટ ગિલગિટ પહોંચ્યા.”

તેમની સાથે બ્રિગેડિયર ધનસારાસિંહ પણ હતા જેમને કાશ્મીરના મહારાજાએ ગવર્નર બનાવીને ગિલગિટ મોકલ્યા હતા.

ત્યાં સુધીમાં કાશ્મીરના મહારાજાએ તેમના રાજ્યનું પાકિસ્તાન કે ભારતમાં વિલીનીકરણ કરવાનો નિર્ણય લીધો ન હતો. પરંતુ બ્રિટિશ શાસનના અંતની સાથે જ કાશ્મીરના અલગ-અલગ વિસ્તારોમાં મહારાજાની વિરુદ્ધમાં પ્રદર્શન શરૂ થઈ ચૂક્યાં હતાં.

તે દરમિયાન જ કબાઇલી લડવૈયાઓએ શ્રીનગર પર હુમલો કરતાં મહારાજાએ 27 ઑક્ટોબર, 1947માં કાશ્મીરના ભારત સાથે વિલયનું એલાન કરી દીધું હતું.

મેજર બ્રાઉનના પુસ્તક અનુસાર ગિલગિટ સ્કાઉટ્સે પહેલેથી જ એક ક્રાંતિકારી કાઉન્સિલ બનાવી દીધી હતી. આ પરિસ્થિતિઓમાં 31 ઑક્ટોબર, 1947ના રોજ ‘ઑપરેશન દિતા ખેલ’ નામથી બળવાખોરીની શરૂઆત કરી દીધી હતી.

આ બળવાખોરીની શરૂઆત ગિલગિટ પાસેના બોંજીથી શરૂ થઈ. જ્યાં મિર્ઝા હસન ખાનના નેતૃત્વમાં કાશ્મીર રાજ્યની સેનાના મુસ્લિમ સિપાઈઓએ છઠ્ઠી કાશ્મીર ઇન્ફન્ટ્રીની શીખ કંપનીઓ પર હુમલો કર્યો.

બીજી તરફ અહીં ગવર્નર ધનસારાસિંહે કેટલાક વિરોધ બાગ સુબેદાર મેજર બાબર સામે હથિયાર મૂકી દીધાં. મેજર બ્રાઉને આ દસ્તાવેજ પર પણ હસ્તાક્ષર કરાવવાનો દાવો કર્યો છે.

1 નવેમ્બર, 1947ના રોજ ગિલગિટમાં અસ્થાયી સરકાર બનાવવામાં આવી જેણે પાકિસ્તાન સાથે બિનશરતી વિલય કર્યો.

16 નવેમ્બર, 1947ના રોજ પાકિસ્તાન સરકારના પ્રતિનિધિ સરદાર મોહમ્મદ આલમ ખાન પૉલિટિકલ એજન્ટ તરીકે ગિલગિટ પહોંચ્યા.

સ્કર્દૂનો જંગ

નિવૃત્ત પાકિસ્તાની જનરલ મસૂદ અહમદ ખાન લખે છે કે એ વખતે મેજર અસલમ ખાનને ગિલગિટમાં તહેનાત કરવામાં આવ્યા હતા. જેમાં પરિસ્થિતિનો અંદાજ લગાવતાં સ્થાનિક સ્કાઉટ્સ સહિત રઝાકારોને પણ ટ્રેનિંગ આપવાની શરૂ કરી દીધી.

આ અંતર્ગત ચાર અલગ-અલગ લશ્કર તૈયાર કરવામાં આવ્યાં હતાં, જેમાંથી એકનું નામ 'આઈ બેક્સ ફોર્સ' હતું.

અસલમ ખાન એ અસગર ખાન સહિત આઠ ભાઈ-બહેનોમાંના એક હતા, જેઓ પાછળથી ઍર ચીફ માર્શલ અને પાકિસ્તાન ઍરફોર્સના વડા બન્યા હતા.

મસૂદ અહમદ ખાનના જણાવ્યા અનુસાર, સ્કર્દૂ સિંધ નદીના કિનારે સમુદ્ર સપાટીથી 7400 ફૂટની ઉંચાઈ પર આવેલું હતું અને તે વ્યૂહાત્મક રીતે પણ મહત્ત્વપૂર્ણ હતું.

આવી સ્થિતિમાં પાકિસ્તાન અને ભારત બંનેને સમજાયું કે સ્કર્દૂ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. જોકે, તે સમયે ગિલગિટથી સ્કર્દૂ સુધીનું 160 માઈલનું અંતર 20 દિવસના પ્રવાસ પછી કપાતું હતું.

સ્કર્દૂ બાલ્ટિસ્તાનનું રાજકીય કેન્દ્ર અને કાશ્મીરમાં લદ્દાખના એક તાલુકાનું મુખ્ય મથક હતું. જ્યાં મંત્રાલયનો સ્ટાફ દર વર્ષે છ મહિના વિતાવતો હતો જ્યારે બાકીના છ મહિના તેનું લેહમાં પોસ્ટિંગ કરવામાં આવતું હતું.

'ડેબેકલ ઇન બાલ્ટિસ્તાન' પુસ્તકના લેખક એસ. કુમાર મહાજનના જણાવ્યા અનુસાર, મેજર શેરજંગ થાપાના નેતૃત્વમાં છ બટાલિયનની એક કંપની લેહમાં હાજર હતી.

ગિલગિટમાં બળવાના સમાચાર મળતાની સાથે જ તેમને લેફ્ટનન્ટ કર્નલના હોદ્દા પર બઢતી આપવામાં આવી અને સ્કર્દૂની સુરક્ષા માટે જવાનો આદેશ આપવામાં આવ્યો.

મહાજનના જણાવ્યા અનુસાર, જ્યારે શેરજંગ થાપા 3 ડિસેમ્બર 1947ના રોજ સ્કર્દૂ પહોંચ્યા ત્યારે તેમને સમજાયું કે તેમની સ્થિતિ મજબૂત નથી. તેમણે વધુ દળો આપવાની વિનંતી કરી જેને નકારી કાઢવામાં આવી.

તેમને કહેવામાં આવ્યું હતું કે દરેક વ્યક્તિ છેલ્લા રાઉન્ડ સુધી મુકાબલો કરે. શેરજંગ થાપાએ તેના માટે શહેરનો બહારથી ઘેરો ઘાલ્યો હતો.

સ્કર્દૂની ઘેરાબંદી

મહાજનના જણાવ્યા અનુસાર, લદ્દાખના જિલ્લા મૅજિસ્ટ્રેટ અમરનાથ તે સમયે સ્કર્દૂમાં હાજર હતા. તેમણે સેનાને કહ્યું હતું કે ભારતીય સેનાને લદ્દાખ, કારગિલ અને સ્કર્દૂમાં ઝડપથી પહોંચાડવા માટે વિમાનો ક્યાં ઊતરી શકે.

પરંતુ તે સમયે ભારતીય સૈન્ય કાશ્મીરમાં અન્ય મોરચે રોકાયેલું હતું અને મહાજનના મતે, એક સમસ્યા એ હતી કે ભારતીય વાયુસેના પાસે ઉપલબ્ધ વિમાનો તે સ્થળોએ ઊતરી શકતાં ન હતાં.

અહેમદ હસન દાનીના પુસ્તક 'તારીખ-એ-શુમાલી ઇલાકાજાત' (ઉત્તરી ક્ષેત્રોનો ઇતિહાસ) અનુસાર, મેજર અસલમ ખાનને પણ ખબર હતી કે જો ભારતીય સેના શ્રીનગરની જેમ વિમાન મારફત સ્કર્દૂ પહોંચશે તો આ શહેર પણ તેમના હાથમાંથી નીકળી જશે.

આવી સ્થિતિમાં તેમની પાસે સમય ઓછો હતો.

પરંતુ સ્કર્દૂ નજીક સ્થિત ‘રોંદો કે રાજા’ની મદદથી અને વ્યવસ્થિત આયોજનથી, મેજર એહસાનની આગેવાની હેઠળની બેક્સ ફોર્સ પ્રથમ ઘેરો પાર કરીને સ્કર્દૂ પહોંચવામાં સફળ રહી.

છઠ્ઠી જમ્મુ અને કાશ્મીર લાઇટ ઇન્ફન્ટ્રી બટાલિયનની ટુકડીઓ બોંજીથી ભાગી રહી હતી. તેમને સ્કર્દૂ શહેરના ખરપોચો કિલ્લાના ગ્રાઉન્ડ પૉઇન્ટ 8853 પર તહેનાત કરવામાં આવ્યા હતા અને છાવણીની અંદર તથા તેની આસપાસ પણ તહેનાત કરવામાં આવ્યા હતા.

આવી સ્થિતિમાં, ભારતીય હાઈકમાન્ડે શ્રીનગરથી સ્કર્દૂમાં કુમક તરીકે બે વધારાની કંપનીઓ મોકલી, જેનું નેતૃત્વ બ્રિગેડિયર ફકીરસિંહ કરી રહ્યા હતા.

સ્કર્દૂ છાવણી પર પહેલો હુમલો 11 ફેબ્રુઆરી, 1948ના રોજ કરવામાં આવ્યો હતો જેમાં બંને તરફથી ભારે ગોળીબાર થયો હતો.

બી. ચક્રવર્તીના પુસ્તક 'સ્ટોરીઝ ઑફ હીરોઇઝમ' અનુસાર, 11 ફેબ્રુઆરી, 1948ના રોજ આઈ બેક્સ ફોર્સ અને કિલ્લેબંધ ટુકડીઓ વચ્ચે છ કલાકની લડાઈ પછી હુમલો કરનારા પીછેહઠ કરી ગયાં.

ફેબ્રુઆરી અને માર્ચ દરમિયાન અહીં વધુ હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં મસૂદ ખાનના જણાવ્યા અનુસાર, પૉઇન્ટ 8853 સહિત અડધોઅડધ જગ્યાઓ કબજે કરવામાં આવી હતી.

તેમના કહેવા પ્રમાણે, “તે દરમિયાન સમાચાર આવ્યા હતા કે બ્રિગેડિયર ફકીરસિંહના નેતૃત્વમાં એક બ્રિગેડ ઘેરાયેલી સેનાને બચાવવા માટે સ્કર્દૂ આવી રહી છે. તેના માટે કારગિલ-સ્કર્દૂ રોડ પરથી બે પ્લાટૂન આવી રહી હતી, જ્યાં ભારતીય સૈનિકો પર ઓચિંતો હુમલો કરવામાં આવ્યો અને ગોળીબાર કર્યો.”

ભારતીય સૈનિકો પર ઊંચાઈ પરથી ભારે પથ્થરો પણ ફેંકવામાં આવ્યા હતા.

"બ્રિગેડિયર ફકીરસિંહ અને તેમના સલાહકારો ઓછા પ્રકાશને કારણે કેટલાક સૈનિકો સાથે ભાગવામાં સફળ થયા, જ્યારે અન્ય ઘણા લોકો સિંધુ નદીમાં કૂદીને ડૂબી ગયા."

જ્યારે શેરજંગ થાપાએ હથિયારો મૂકી દીધાં

મહાજન અનુસાર, આવી પરિસ્થિતિમાં સ્કર્દૂમાં ઘેરાયેલા ભારતીય સૈનિકો અને તેમના કમાન્ડર શેરજંગ થાપાના આત્મવિશ્વાસ અને શક્તિ બંને ઓછા થઈ રહ્યાં હતાં. એ દરમિયાન ભારતીય વાયુસેનાએ કેટલોક જરૂરી સામાન કિલ્લા સુધી પહોંચાડ્યો.

એ વચ્ચે મેજર અહસાને થોડું લશ્કર સ્કર્દૂથી આગળ કારગિલ જોજીલા તરફ રવાના કર્યુ અને મે 1948માં આઈ બેક્સ ફોર્સના લોકો એસ્કિમો ફોર્સ મારફતે કારગિલ અને દ્રાસ પર કબજો કરવામાં સફળ થયા.

ત્યારબાદ ભારતીય સેના તરફથી કરવામાં આવેલી કાર્યવાહી પછી તેમને પાછળ હઠી જવું પડ્યું.

એ દરમિયાન ચિત્રાલ સ્કાઉટ્સ અને ચિત્રાલ બૉડીગાર્ડ્સના 300 જવાનો શહઝાદા મતાઉલ મુલ્ક અને મેજર બુરહાનુદ્દીનના નેતૃત્વમાં સ્કર્દૂ પહોંચ્યા. જ્યાં મતાઉલ મુલ્કે હથિયાર નીચે મૂકી દેવાનો સંદેશ મોકલ્યો પણ કોઈ જવાબ ન મળ્યો.

ચંદર બી ખંડૂરી લખે છે ઑગસ્ટ, 1948ના મધ્યભાગ સુધીમાં સ્કર્દૂ ગેરિસન અત્યંત ખરાબ હાલતમાં હતું.

તેઓ કહે છે, “13 ઑગસ્ટ, 1948ના રોજ સ્કર્દૂમાં તહેનાત કાશ્મીરી અને ભારતીય સેનાએ નાની-નાની ટુકડીઓમાં કિલ્લો છોડી દીધો.”

“14 ઑગસ્ટ, 1948ના રોજ પાંચ મહિનાની લાંબી ઘેરાબંદી પછી લેફ્ટનન્ટ કર્નલ થાપા, કૅપ્ટન ગંગાસિંહ, કૅપ્ટન પી. સિંહ અને લેફ્ટનન્ટ અજિતસિંહે 250 જવાનો સાથે હથિયાર મૂકી દીધાં.”

ઇતિહાસકાર ડૉક્ટર અહમદ હસન દાની અનુસાર, છેલ્લી જીત ચિત્રાલ જવાનોને કારણે મળી જેમણે કર્નલ મતાઉલ મુલ્કની કમાનમાં આખરી વાર કર્યો.

14 ઑગસ્ટ, 1948ના રોજ એક વાગ્યે પાકિસ્તાનનો ઝંડો પહાડની ટોચ પર આવેલા ખરપોચો કિલ્લા પર લહેરાવવામાં આવ્યો અને સ્કર્દૂ દક્ષિણી બાલ્ટિસ્તાન સાથે જ પાકિસ્તાન પ્રશાસિત ઉત્તરી વિસ્તારોનો ભાગ બની ગયું.

મેજર અહસાન અલીને પાકિસ્તાન સરકારે સિતારા-એ-જુર્રતથી નવાજવામાં આવ્યા હતા જ્યારે લેફ્ટનન્ટ કર્નલ શેરજંગ થાપાને એ પછી મહાવીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા.

યુદ્ધ પૂર્ણ થયા પછી તેમને અને અન્ય કેદીઓને ભારત પાછા મોકલી દેવામાં આવ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.