'છૂટાછેડાની રાજધાની'માં એક યુગલે લગ્નની પચાસમી વરસગાંઠ ઊજવી

    • લેેખક, મન્સૂર અબૂબકર
    • પદ, બીબીસી ન્યૂઝ, કાનુ

નાઇજીરિયાના કાનુ શહેરને ‘તલાકની રાજધાની’ કહેવામાં આવે છે, પરંતુ અહીં એક એવું યુગલ છે, જેનાં લગ્નની પચાસમી વરસગાંઠ ઊજવવા અને લાંબા સમય સુધી એકમેકની સાથે રહેવા માટે વખાણ થઈ રહ્યાં છે.

મહમૂદ કબીર યુસૂફ અને રાબિયાતુ તાહીરે ગત દિવસોમાં તેમનાં લગ્નની પચાસમી વરસગાંઠની ઉજવણી કરી હતી.

બીબીસી સાથે વાત કરતાં તેમણે તેમના ખુશખુશાલ જીવનનું રહસ્ય જણાવ્યું હતું અને એ પણ સમજાવ્યું હતું કે દેશના ઉત્તરી શહેર કાનુમાં આટલા મોટા પ્રમાણમાં લગ્નવિચ્છેદ શા માટે થાય છે.

નાઇજીરિયા ઍરવેઝ માટે કામ કરતા મહમૂદ કબીર માને છે કે તેમનું લગ્નજીવન લાંબું ચાલવાનું કારણ તેમનાં પત્નીની દરિયાદિલી છે. મહમૂદ 76 વર્ષના છે.

મહમૂદનાં પત્ની રાબિયાતુ તાહીરે બીબીસીને જણાવ્યું હતું કે તેમના પતિ એક નિસ્વાર્થ વ્યક્તિ છે અને ઘણું બધું નજરઅંદાજ કરે છે.

તેઓ કહે છે, “એ કારણે અમારું લગ્નજીવન સફળ થયું.”

રાબિયાતુની વય લગભગ 70 વર્ષ છે. તેઓ આ વાત કહેતાં સ્મિત કરે છે. મહમૂદ અને રાબિયાતુને 13 બાળકો છે.

રાબિયાતુ તેમના પતિનાં વખાણ કરતાં જણાવે છે કે અનેક મુશ્કેલીઓનો સામનો કરવા છતાં તેઓ શાંત રહે છે.

તેઓ કહે છે, “તેઓ બહુ ધૈર્યવાન વ્યક્તિ છે અને મને લાગે છે કે અમારા સફળ લગ્નજીવનનું એક કારણ તે પણ છે.”

આ યુગલનું કહેવું છે કે તેઓ એકમેકને પ્રેમ કરે છે અને આદર આપે છે.

આ બાબત ઊડીને આંખે પણ વળગે છે, કારણ કે બીબીસી સાથેના ઇન્ટરવ્યૂ દરમિયાન બન્ને એકમેકની સાથે હસતાં અને એકમેકની સાથે હોવાનો આનંદ માણતાં હતાં.

જ્યારે આ યુગલથી અન્યો પ્રભાવિત થયા

હુસ્ના મહમૂદ 39 વર્ષનાં છે. તેમણે તલાક લીધેલા છે.

તેમણે પાંચ લગ્ન કર્યાં હતાં અને તેઓ આ યુગલ તથા તેમના જીવનથી બહુ પ્રભાવિત છે.

તેઓ કહે છે, “મારાં બધાં લગ્ન દરમિયાન મેં મારા જીવનસાથીઓ જોડે માત્ર ચાર વર્ષ પસાર કર્યાં હતાં. તેથી મહમૂદ અને રાબિયાતુને લગ્નની પચાસમી વરસગાંઠની ઉજવણી કરતા જોઈને બહુ સારું લાગે છે.”

હુસ્ના ચાર બાળકોની માતા છે. તેમનું કહેવું છે કે “મારા બધા પતિ લગ્ન વખતે બહુ સારા અને કાળજી લેતા હતા, પરંતુ લગ્ન પછી તેઓ બદલાઈ ગયા હતા.”

હુસ્ના કહે છે, “લોકો કાનુને નાઇજીરિયામાં છૂટાછેડાની રાજધાની કહે છે ત્યારે મને બહુ માઠું લાગે છે. મને આશા છે કે પરિસ્થિતિ બદલાશે.”

‘તલાકની રાજધાની’ નામ કેવી રીતે પડ્યું?

કાનુમાં 1990ના દાયકામાં છૂટાછેડાના પ્રમાણમાં વધારો થયા પછી શહેર આ નામથી ઓળખાવા લાગ્યું હતું. એ પછીના સમયમાં પણ આ શહેર પોતાના પર લાગેલા આ અપ્રિય લેબલને હટાવવામાં સફળ થઈ શક્યું ન હતું.

નાઇજીરિયાના સૌથી વધુ વસ્તીવાળા કાનુ રાજ્યમાં દર મહિને સેંકડો લગ્નવિચ્છેદ થાય છે. રાજધાની કાનુ એક વેપારી કેન્દ્ર છે.

2022માં સ્થાનિક સરકારના સહયોગથી બીબીસી દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે કાનુ રાજ્યમાં માત્ર 32 ટકા લગ્ન ત્રણથી છ મહિના સુધી ટકી શકે છે.

તપાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે 20થી 25 વર્ષની વયના કેટલાક લોકો તો ત્રણ-ત્રણ લગ્ન કરી ચૂક્યા છે.

ખાસ કરીને હસ્બા માટે લગ્નવિચ્છેદનો દર અહીં મોટી ચિંતાનું કારણ છે. હસ્બા કાનુ રાજ્યના આર્થિક સહયોગથી ચાલતી એક ઇસ્લામિક એજન્સી છે, જે નૈતિક બાબતોનું નિરાકરણ કરે છે.

આ એજન્સી રાજ્યમાં શરિયત એટલે કે ઇસ્લામિક કાયદાનું પાલન કરાવે છે. તેની પાસે એક પોલીસ એકમ પણ છે, જે જાહેર સ્થળોએ અલગ-અલગ રહેવા તથા મદ્યપાન પર પ્રતિબંધ જેવા નિયમોનું પાલન સુનિશ્ચિત કરે છે.

પરણેલા યુગલોની મદદ માટે હસ્બામાં એક કાઉન્સેલિંગ સર્વિસ પણ છે.

હસ્બાની ઑફિસ બહાર મહિલાઓ ઘણી વાર લાઇનમાં ઊભેલી જોવાં મળે છે. એ મહિલાઓ પૈકીની અનેકની ફરિયાદ હોય છે કે તેમના ભૂતપૂર્વ પતિ તેમનાં સંતાનોની સંભાળમાં મદદ કરતા નથી.

કાનુમાં લોકો નાની વયે લગ્ન કરી લે છે. સામાન્ય રીતે 18 વર્ષની કાયદેસરની વય પહેલાં લગ્ન કરી લે છે.

કેટલાક લોકો માને છે કે ઇસ્લામમાં તલાકની આસાન રીત ઝડપી અને વધારે લગ્નોનું કારણ હોઈ શકે છે, કારણ કે પતિ તેની પત્નીને “હું તને તલાક આપું છું” એમ કહીને કે કાગળના ટુકડા પર લખીને લગ્ન ખતમ કરી શકે છે.

આજકાલ સોશિયલ મીડિયા મારફત મોકલવામાં આવતા મૅસેજ પણ તેમનાં લગ્ન ખતમ કરવા માટે પૂરતા માનવામાં આવે છે.

તલાકનો દર ઘટાડવાની ઝુંબેશ

કાનુમાં તલાકના ઊંચા પ્રમાણની સમસ્યાના નિરાકરણ માટે અમીનો દોરાવા હસ્બા માટે કામ કરે છે.

તેમના દ્વારા સૂચવવામાં આવેલો એક ઉપાય એ છે કે લોકોને બીજી તક આપવી જોઈએ અને લગ્નજીવન માટે વધારે સારી રીતે તૈયાર કરવા જોઈએ.

આ એજન્સી મોટા પાયે લગ્નોનું આયોજન કરે છે, જેને ‘ઓરેન ઝવારાવા’ નામે ઓળખવામાં આવે છે. તે મુખ્યત્વે તલાકવાળા લોકો માટે હોય છે.

આ એજન્સી સંબંધ ગોઠવવાની સાથે સેંકડો યુગલોનાં લગ્નોનું આયોજન પણ મોટા પાયે કરે છે.

જે લોકો લગ્ન કરે છે તેમને કારોબાર અને ઘરના બીજા માલસામાન માટે થોડાં નાણાં આપવામાં આવે છે.

આ કામ 2012માં શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, દોરાવા સ્વીકારે છે કે તલાકનો દર અત્યારે પણ ઘણો વધારે છે.

અમીનો દોરાવા કહે છે, “અમે આ સમસ્યા વિશે જાણીએ છીએ. આ જ કારણસર અમે લગ્ન પછી દરેક યુગલની તપાસ માટે એક સમિતિ બનાવી છે, જેથી અમને દરેક મામલામાં તલાકનું પરિણામ ન મળે.”

જોકે, અહીં કામ કરતા બિન-સરકારી સંગઠન વીમેન ઍન્ડ ચિલ્ડ્રન ઇનિશિયેટિવના સ્થાપક હદીજા અડુ જણાવે છે કે તલાકની સંખ્યા સતત વધી રહી છે.

હદીજાએ બીબીસીને કહ્યું, “અત્યારે અમારી વિવિધ ઑફિસોમાં રોજ લગભગ 30 કેસ આવે છે. અત્યારે નાઇજીરિયાનું સમસ્યાગ્રસ્ત અર્થતંત્ર તેનું સૌથી મોટું કારણ છે. પતિ પરિવારના ભરણપોષણ માટે ઘરની બહાર જાય છે અને ક્યારેક ખાલી હાથે પાછો આવે છે. તેના કારણે પતિ-પત્ની વચ્ચે મતભેદ સર્જાય છે.”

કાનુમાં સંબંધ બાંધવાનું કામ કરતા લોકોની મદદ લેવાની પ્રથા સામાન્ય છે. આ મુસ્લિમ સમાજ છે. અહીં અપરિણીત કે લગ્ન વિના એકલા રહેતા સ્ત્રી-પુરુષ એકમેકને મળતાં નથી. તેથી સંભવિત જીવનસાથીને મળવાનું મુશ્કેલ હોય છે.

અહીં માત્ર એક જગ્યા છે, જ્યાં તેઓ સાથે હોઈ શકે છે. તે જગ્યા યુનિવર્સિટી અથવા બીજા કે ત્રીજા દરજ્જાની સંસ્થાઓ છે, જ્યાં મોટા ભાગના લોકો જતા નથી.

આ રીતે અવિવાહિત કે એકલા રહેતા લોકોનો મેળાપ કરાવવામાં આવે છે ત્યારે તેઓ એકમેકને વધારે જાણ્યા વિના લગ્ન કરી લે છે.

મહમૂદ કબીર અને રાબિયાતુની મુલાકાત કેવી રીતે થઈ?

મહમૂદ કબીર યુસૂફ અને રાબિયાતુ તાહીરની મુલાકાત વાસ્તવમાં તેમની એક પાડોશી વૃદ્ધાએ કરાવી હતી.

એ વૃદ્ધાને લાગતું હતું કે મહમૂદ અને રાબિયાતુની સારી જોડી બની શકે છે, પરંતુ મહમૂદ અને રાબિયાતુ એ પછીનાં 12 વર્ષ સુધી લગ્ન કરી શક્યાં ન હતાં. એ કારણે તેમને એકમેકને સારી રીતે જાણવા વધારે સમય મળ્યો હતો.

આ વિસ્તારમાં સંબંધ સફળ બનાવવા માટે વિખ્યાત વ્યક્તિ રાબિઉ અદુંના કહેવા મુજબ, આ વાત મહત્ત્વની છે.

રાબિઉ અદુંએ બીબીસીને જણાવ્યું હતું કે લગ્ન પહેલાં સામેની વ્યક્તિ વિશે જાણકારી મેળવવા બહુ તપાસ કરવી પડે છે.

રાબિઉએ લોકોના સગપણ કરાવવાનું કામ 10 વર્ષ પહેલાં શરૂ કર્યું હતું. હવે તેઓ 46 વર્ષના થઈ ગયા છે. તેમના કહેવા મુજબ, તેમનો ઈરાદો લગ્નો કરાવવાનો ન હતો.

તેઓ કહે છે, “એ સમયે હું તો ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. મારા એક દોસ્તે જીવનસાથી શોધવામાં મુશ્કેલી થતી હોવાની ફરિયાદ સાથે મારો સંપર્ક કર્યો હતો.”

‘એકમેકને જાણવા માટે સમય કાઢો’

રાબિઉએ કરાવેલા કેટલાક પરિચય સફળ થયા બાદ તેમને સમજાયું હતું કે આ મામલામાં તેમની હથોટી છે.

હવે કાનૂમાં તેમની સેવાનો પ્રચાર કરતા બિલબોર્ડ્સ લાગેલાં છે અને તેઓ રોજ કમસે કમ પાંચ લગ્નોત્સુક લોકોને મળે છે.

પરિચય કરાવતા પહેલાં તેઓ લોકોના ઇન્ટરવ્યૂ કરે છે અને લોકો વલણ તથા અપેક્ષાની જાણકારી મેળવે છે.

કાનુમાં પુરુષો એવી સ્ત્રી ઇચ્છતા હોય છે, જે કમાણી કરી શકે અને સ્ત્રીઓ એવા પુરુષોને ઇચ્છતી હોય છે, જે શ્રીમંત હોય.

રાબિઉના કહેવા મુજબ, તેમણે છેલ્લા એક દાયકામાં લગભગ 500 લગ્ન કરાવ્યાં છે અને તેમની સફળતાનો દર 90 ટકાથી વધારે છે.

લગ્ન પહેલાં એકમેકને સારી રીતે જાણવા માટે સમય કાઢવાની સલાહ તેઓ દરેક યુગલને આપે છે.

‘સ્વાર્થ ખાતર લગ્ન ન કરો’

કાનુમાં રાબિઉ ‘માઈ દલીલી’ ઉપનામથી વિખ્યાત છે. તેમનું કહેવું છે કે તલાકના મોટા પ્રમાણનો અર્થ એ છે કે લોકો લગ્નને ગંભીર બાબત ગણતા નથી.

તેઓ કહે છે, “મને લાગે છે કે કાનુમાં તલાકનું પ્રમાણ વધારે હોવાનું કારણ એ છે કે લોકો માને છે કે તલાક પછી તેમને કોઈ ઉત્તમ વ્યક્તિ મળી રહેશે.”

ઇસ્લામ ધર્મના જાણકાર અબ્દુલ્લા ઈસહાક ગરંગામાવા આસાનીથી તલાક આપવાના ચલણનો બચાવ કરે છે.

બીબીસી સાથે આ બાબતે વાત કરતાં તેમણે કહ્યું હતું, “ઇસ્લામ મહેરબાન છે અને તેમાં લગ્ન કે તલાકને મુશ્કેલ બનાવવામાં આવ્યાં નથી. તેથી પરિસ્થિતિ બરાબર ન હોય તો લોકોને સંબંધમાં બાંધી રાખવામાં ન આવે.”

તેમના જણાવ્યા મુજબ, અગાઉ તલાકનું પ્રમાણ આટલું ન હતું. તેમણે કહ્યું હતું, “મારાં માતા-પિતાનાં લગ્ન દાયકા સુધી ટક્યાં હતાં. આજકાલ લોકોએ પોતાના સ્વાર્થ માટે આ પ્રક્રિયાનો ખોટો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે.”

“કેટલાક ધર્મોમાં પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય, પરંતુ લગ્ન છેલ્લા શ્વાસ સુધી યથાવત્ રહે છે. તેનાથી વિપરીત ઇસ્લામમાં પરિસ્થિતિ કાબૂ બહાર હોય ત્યારે તલાકને વાજબી ગણવામાં આવે છે.”

મહમૂદ કબીરની સલાહ

મહમૂદ કબીર યુસૂફનું કહેવું છે કે એકમેકની મુશ્કેલીઓમાં સધિયારો આપવો અને એકમેકની મદદ કરવી એમના લાંબા અને સફળ લગ્નજીવનનું મહત્ત્વનું કારણ છે.

તેઓ કહે છે, “પ્રેમ સૌથી વધુ મહત્ત્વનો છે, કારણ કે તમે એકમેકને સાચો પ્રેમ કરતા હો તો જ તમે સાથે રહી શકો છો.”

“લગ્ન કરતા લોકોને મારી સલાહ એ છે કે કોઈ સ્વાર્થ ખાતર લગ્ન ન કરો, પરંતુ સાચા ઈરાદા સાથે સંબંધ બાંધો.”

આ વાત સાથે સહમત થતાં તેમનાં પત્ની રાબિયાતુ તાહીર કહે છે, “મારી સલાહ એ છે કે લગ્ન કરવા ઇચ્છતા લોકોએ એકમેક પ્રત્યે ધીરજ રાખવી જોઈએ. એક સાથી નારાજ હોય તો બીજાએ શાંત રહેવું જોઈએ.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.