You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુસ્લિમ મહિલાઓને ભરણપોષણ આપવાનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો તેમને મદદ કરશે?
- લેેખક, ઉમંગ પોદ્દાર
- પદ, બીબીસી સંવાદદાતા
ગયા બુધવારે સુપ્રીમ કોર્ટના બે જજની બેંચે કહ્યું કે છૂટાછેડા લેનાર મુસ્લિમ મહિલાઓ પણ 'દંડ પ્રક્રિયા સંહિતા' (સીઆરપીસી)ના સેક્શન 125 હેઠળ ભરણપોષણની માગણી કરી શકે છે.
મુસ્લિમ મહિલાઓ માટે ભરણપોષણ એ દાયકાઓથી એક વિવાદાસ્પદ મુદ્દો રહ્યો છે.
સુપ્રીમ કોર્ટે 1985માં પોતાના વિખ્યાત શાહબાનો કેસના ચુકાદામાં એવું કહ્યું હતું કે સીઆરપીસી હેઠળ છૂટાછેડા પછી મુસ્લિમ મહિલા પોતાનાં બીજાં લગ્ન ન થાય ત્યાં સુધી ભરણપોષણ મેળવી શકે છે. જોકે, ઘણાં મુસ્લિમ જૂથોએ તેનો વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે આ એક ધર્મનિરપેક્ષ કાયદા દ્વારા પર્સનલ-લૉમાં હસ્તક્ષેપ છે.
તેના એક વર્ષ પછી 1986માં રાજીવ ગાંધી સરકારે એક કાયદો બનાવ્યો, જેમાં છૂટાછેડા પછી માત્ર ત્રણ મહિના સુધી ભરણપોષણને સીમિત કરી દેવામાં આવ્યું.
જોકે, તે કાયદો આવ્યા પછી ઘણી વખત એ વાત વારંવાર કરવામાં આવી કે 1986નો આ કાયદો સીઆરપીસીના ભરણપોષણના અધિકારને રોકી શકતો નથી.
કાયદાના જાણકારોએ બીબીસીને જણાવ્યું કે બુધવારના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જૂના કાયદાને દોહરાવ્યો છે. તેમણે તેને આવકારતા કહ્યું કે આનાથી લોકોમાં જાગૃતિ આવશે અને નીચલી અદાલતોમાં ભ્રમ દૂર થશે.
સાથે સાથે તેમણે સીઆરપીસી હેઠળ ભરણપોષણ મેળવવામાં નડતી અનેક સમસ્યાઓ વિશે પણ જણાવ્યું અને કહ્યું કે મહિલાઓ માટે ભરણપોષણ મેળવવામાં ઘણી તકલીફો પેદા થાય છે.
કેટલાક મુસ્લિમ ચળવળકર્તાઓએ પણ કોર્ટના આ ચુકાદાને આવકાર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય મુસ્લિમ મહિલા આંદોલનનાં સ્થાપક ઝાકિયા સોમાને જણાવ્યું કે, "આ એક પ્રગતિશીલ નિર્ણય છે." તેમણે કહ્યું કે ઘણી ફેમિલી કોર્ટમાં એ સ્પષ્ટ નથી કે કયો કાયદો લાગુ થશે."
ઝાકિયા સોમાનના કહેવા અનુસાર "સામાન્ય લોકોને લાગે છે કે મુસ્લિમ મહિલાઓને માત્ર 1986ના કાયદા હેઠળ ભરણપોષણ મળશે."
જોકે, બધા લોકો આ ચુકાદાથી ખુશ છે એવું નથી. ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડના પ્રવક્તા ડૉ. એસ. ક્યુ. આર. ઇલિયાસે કહ્યું કે, "છૂટાછેડા અપાયા હોય તેવી મહિલાઓને આજીવન ભરણપોષણ આપવાનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો શરિયત ના કાયદાની વિરુદ્ધ છે.
તેમણે કહ્યું કે મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડની ટીમ આ ચુકાદાનો અભ્યાસ કરે છે અને ત્યાર પછી તેઓ પોતાના વિકલ્પો પર નિર્ણય લેશે.
કોર્ટનો ચુકાદો
તેલંગણામાં 2012માં એક મુસ્લિમ દંપતીનાં લગ્ન થયાં અને 2017માં છૂટાછેડા થઈ ગયા.
પત્નીએ સીઆરપીસી હેઠળ ભરણપોષણ માટે કોર્ટમાં માગણી કરી, પરંતુ પતિએ તેનો વિરોધ કર્યો. પતિની દલીલ હતી કે મુસ્લિમ મહિલાઓને માત્ર 1986ના કાયદા હેઠળ ભરણપોષણ મળી શકે છે.
જોકે, કોર્ટે આ વાત સ્વીકારી નથી. ફૅમિલી કોર્ટે મહિલાને દર મહિને 20,000 રૂપિયાનું વચગાળાનું ભરણપોષણ આપવા પતિને જણાવ્યું હતું.
આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો અને તેલંગાણા હાઈકોર્ટે આ રકમ ઘટાડીને 10,000 રૂપિયા કરી દીધી. ત્યાર પછી પતિએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા.
સુપ્રીમ કોર્ટે પતિની અરજી નકારી કાઢી અને કહ્યું કે બંને કાયદા સમાંતરરીતે મોજૂદ છે. હવે મહિલા પર નિર્ભર છે કે તેમાંથી એકને પસંદ કરે અથવા બંને પસંદ કરી શકે છે.
કોર્ટે એમ પણ કહ્યું કે આ જોગવાઈ ટ્રિપલ તલાકના મામલામાં પણ લાગુ થશે. નરેન્દ્ર મોદી સરકારે વર્ષ 2019માં ઘડેલા કાયદા અનુસાર ત્રણ વખત તલાક બોલીને છૂટાછેડા આપવા ગેરકાયદે છે. કોર્ટે કહ્યું કે કોઈ પતિ ટ્રિપલ તલાક આપે તો પત્ની 2019ના કાયદા હેઠળ અથવા સીઆરપીસીના સેક્શન 125 હેઠળ ભરણપોષણની માગણી કરી શકે છે.
આ નવો કાયદો છે?
ના. સુપ્રીમ કોર્ટે 2001થી લઈને અનેક ચુકાદામાં આ મામલે મૂળ સિદ્ધાંતને દોહરાવ્યો છે.
મુંબઈની ફૅમિલી કોર્ટમાં વકીલ નિલોફર અખ્તર મહિલાઓને લગતા ભરણપોષણના અનેક કેસ લડી ચૂક્યાં છે. તેઓ કહે છે કે તેમણે એવા કેટલાય કેસ પર કામ કર્યું છે જેમાં મુસ્લિમ મહિલાઓ સીઆરપીસીના સેક્શન 125 હેઠળ ભરણપોષણ મેળવે છે.
તેમના કહેવા મુજબ, "મુસ્લિમ મહિલાઓ પાસે એ પણ વિકલ્પ હતો કે તેઓ 1986ના કાયદા હેઠળ તેની માગ કરે.”
આ કેસની સુનાવણી કરતા જસ્ટિસ બી. વી. નાગરત્નાએ એક મહત્ત્વની વાત કહી. તેમણે કહ્યું કે ગૃહિણીઓની પોતાની અંગત આવક નથી હોતી અને તેમને પોતાના કામનું આર્થિક વળતર નથી મળતું. તેમને છૂટાછેડા પછી ઘરમાંથી કાઢી મૂકવામાં આવે તેવી બીક પણ રહે છે. જસ્ટિસ નાગરત્નાએ કહ્યું કે પુરુષોએ પોતાની પત્નીને ‘આર્થિક રીતે સક્ષમ બનાવવી જોઈએ’ અને તેમને ‘રહેઠાણની સુરક્ષા’ પણ મળવી જોઈએ.
દિલ્હીના એક વકીલ અભય નેરુલા કૌટુંબિક કાયદાના કેસ પણ જુએ છે. તેઓ કહે છે, “મારા માટે આ ચુકાદામાં આ જ સૌથી મહત્ત્વનો હિસ્સો છે. આજે ઘણી ગૃહિણીઓની અંગત આવક નથી હોતી. જસ્ટિસ નાગરત્નાની ટિપ્પણી એ વાતને સ્વીકારે છે કે ગૃહિણીઓનું યોગદાન લગ્ન વખતે પ્રાપ્ત કરવામાં આવેલી સંપત્તિ પર પણ હોય છે.”
જોકે, આ એક જજ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી છે અને ભવિષ્યમાં કોર્ટ સમક્ષ આવતા કેસમાં તેને બંધનકર્તા ગણી શકાય નહીં.
તેનાથી શું બદલાશે?
સુપ્રીમ કોર્ટે એ વાત પણ કહી કે ઘણી હાઈકોર્ટ પરસ્પર વિરોધી ચુકાદા આપે છે. ઝાકિયા સોમન માને છે કે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી વધારે સ્પષ્ટતા આવશે.
પત્રકાર અને ચળવળકર્તા શીબા અસલમ ફહમીએ જણાવ્યું કે ઘણા મુસ્લિમ મૌલવીઓ એવો તર્ક આપે છે કે સીઆરપીસી હેઠળ ભરણપોષણ મેળવવું “ઇસ્લામની વિરુદ્ધ” છે. તેથી ઘણી મહિલાઓ તેનો ઉપયોગ નથી કરતી.
તેઓ આશા વ્યક્ત કરે છે કે કોર્ટના આવા ચુકાદા પછી લોકોમાં જાગૃતિ આવશે અને તેનાથી તેમને ફાયદો થશે.
'બેબાક કલેક્ટિવ' નામની સંસ્થાનાં સ્થાપક હસીના ખાને જણાવ્યું કે, “અમે આ ચુકાદા અંગે લગભગ 20 મહિલાઓને જણાવ્યું. આ ચુકાદાથી જાગૃતિ વધશે. છૂટાછેડા પછી બહુ ઓછી મહિલાઓ ભરણપોષણ માગે છે.”
સેક્શન125ની મુશ્કેલીઓ
વકીલો અને અરજીકર્તાઓનું કહેવું છે કે સીઆરપીસીના સેક્શન 125 હેઠળ ભરણપોષણ મેળવવામાં પણ ઘણી મુશ્કેલીઓ હોય છે.
હૈદરાબાદમાં જનસંપર્કમાં કામ કરતાં હુમા કહે છે કે તેને છૂટાછેડા લેવામાં 8 વર્ષ લાગી ગયાં હતાં. વચગાળાનું ભરણપોષણ મેળવવામાં પણ તેને ઘણી મુશ્કેલીઓ પડી, જ્યારે કાયદા અનુસાર ભથ્થું 60 દિવસમાં મળી જવું જોઈએ.
તેમના કહેવા પ્રમાણે આખી પ્રક્રિયાએ તેમને અત્યંત માનસિક, આર્થિક અને ભાવનાત્મક ત્રાસ આપ્યો.
તેઓ કહે છે કે તેમણે સપ્ટેમ્બર 2015માં ભરણપોષણની માંગણી કરી હતી. આ મામલો ફૅમિલી કોર્ટમાં ત્રણ વર્ષ ચાલ્યો. ત્યાર પછી તેમના પતિએ ચુકાદાને હાઇકોર્ટ અને અંતે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
કેટલોક સમય ભરણપોષણ મળ્યા પછી તેમણે પતિ સાથે સંપત્તિ અંગે સમાધાન કર્યું. હુમા કહે છે કે તે ભણેલી-ગણેલી હતી અને પતિની નાણાકીય સ્થિતિ વિશે જાણતી હતી. પરંતુ સામાન્ય રીતે મહિલાઓને પૂરી જાણકારી નથી હોતી.
કાયદાના જાણકારો કહે છે કે આ એક મોટી સમસ્યા છે. વકીલ નિલોફર અખ્તર કહે છે કે, “કોર્ટમાં સમય લાગે છે. સૌથી પહેલા તમારે કોર્ટમાં સાબિત કરવું પડે કે તમારી પોતાની આવક નથી. પછી એ સાબિત કરવું પડે કે તમારા પતિને સારી આવક છે.” તેમના કહેવા મુજબ આવા કેસમાં સરેરાશ એક વર્ષથી ચાર વર્ષ સુધીનો સમય લાગે છે.
કોર્ટનો ચુકાદો આવ્યા પછી પણ ભરણપોષણ મેળવવામાં મુશ્કેલીઓ નડે છે.
વકીલ અભય નેરુલાએ જણાવ્યું કે “સૌથી વધુ મુશ્કેલી પતિ પાસેથી ભથ્થું મેળવવાની હોય છે. મારી પાસે એવા કેસ આવ્યા છે જેમાં કોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપ્યો પરંતુ તેઓ પતિ પાસેથી ભથ્થું લેવામાં નિષ્ફળ રહી છે. અથવા તો કેટલાય કેસમાં પતિ ઘણા વિલંબ પછી ભથ્થું આપે છે. આવા કેસમાં મહિલાઓએ ફરી કોર્ટમાં અરજી કરવી પડે છે.”