You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતનાં એ રાજ્યો જ્યાં મુસ્લિમોને મળે છે અનામત
- લેેખક, ભાગ્યશ્રી રાઉત
- પદ, બીબીસી સંવાદદાતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની ચૂંટણીસભાઓમાં સતત કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરાને નિશાન બનાવી રહ્યા છે અને આરોપ લગાવી રહ્યા છે કે કૉંગ્રેસ મુસ્લિમ તુષ્ટિકરણ કરી રહી છે.
મહારાષ્ટ્રના સાતારામાં એક રેલીમાં પીએમ મોદીએ આરોપ લગાવ્યો હતો, “કર્ણાટકમાં સત્તામાં આવ્યા બાદ કૉંગ્રેસે એક ફતવો જાહેર કર્યો અને રાતોરાત તમામ મુસ્લિમોને ઓબીસી બનાવી દીધા. કૉંગ્રેસે ઓબીસી માટે 27 ટકા અનામતના ક્વોટા પર હુમલો કર્યો છે અને તેને આ ઍજેન્ડાને સમગ્ર દેશમાં લાગુ કરવો છે.”
એ પહેલાં પણ તેમણે રાજસ્થાનમાં કહ્યું હતું કે, “કૉંગ્રેસે એસસી, એસટી અને પછાતવર્ગોના સમુદાયોની અનામત ઘટાડીને મુસ્લિમોને આપી દીધી.” પરંતુ મુસ્લિમ સમુદાયને ઓબીસી હેઠળ અનામત મળવી એ કોઈ નવી વાત નથી.
મુસ્લિમ સમુદાયની કેટલીક જાતિઓને પહેલેથી જ અનામત મળી ચૂકી છે.
દેશમાં મુસ્લિમ સમુદાયને અનામત કઈ રીતે આપવામાં આવે છે? મુસ્લિમ અનામતની શું સ્થિતિ છે? આવો જાણીએ.
મુસ્લિમોને ક્યારથી મળી રહી છે અનામત?
ઓબીસી સમુદાયના શૈક્ષણિક અને આર્થિક પછાતપણાનું અધ્યયન કરવા માટે બી.પી.મંડલના નેતૃત્ત્વમાં મંડલ કમિશનની રચના કરવામાં આવી હતી. મંડલ કમિશનની સ્થાપના 1 જાન્યુઆરી, 1979ના રોજ થઈ હતી જ્યારે મોરારજી દેસાઈ દેશના વડા પ્રધાન હતા.
1980માં આ કમિશને પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. તેમાં ઓબીસી માટે 27 ટકા અનામતની ભલામણ કરવામાં આવી હતી. પરંતુ ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની સરકારમાં આ કમિશનના રિપોર્ટ અને તેની ભલામણોને નકારી દેવામાં આવી.
જોકે, 1989માં તત્કાલીન વડા પ્રધાન વી.પી. સિંહે મંડલ કમિશનની ભલામણોનો સ્વીકાર કરવાનું નક્કી કર્યું. તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે તેમાં કેટલાક સુધારા સાથે તેમાંની ભલામણોને મંજૂરી આપી દીધી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
3743 જાતિઓને ઓબીસી તરીકે કુલ 27 ટકા અનામત આપવામાં આવી. એ જ મંડલ કમિશને મુસ્લિમ સમુદાયની કેટલીક જાતિઓને પણ તેમાં સામેલ કરી.
ત્યારપછી જ્યારે શરદ પવાર મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી હતા ત્યારે તેમણે મંડલ કમિશનની ભલામણો મહારાષ્ટ્રમાં લાગુ કરી. મહારાષ્ટ્રમાં ઓબીસીને 19 ટકા અનામત આપવામાં આવી. તેમાં પણ મહારાષ્ટ્રમાં મુસ્લિમ સમુદાયની કેટલીક જાતિઓને ઓબીસીમાં અનામત આપવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં મુસ્લિમ સમુદાયની કઈ જાતિઓ ઓબીસી અંતર્ગત આવે છે?
મહારાષ્ટ્રમાં કસાઈ, કુરેશી, કસાબ, લુહાર, મૈદાસી સહિતની કેટલીક મુસ્લિમોની જાતિઓ ઓબીસી અંતર્ગત આવે છે.
આ સિવાય મુસ્લિમો સમુદાયની કેટલીક જાતિઓને વીજેએનટી (B) અને વીજેએનટી (D) એમ બે કૅટગરી હેઠળ અનામત આપવામાં આવે છે.
મંડલ કમિશન શરદ પવારના કાર્યકાળમાં લાગુ કરવામાં આવ્યું હતું પરંતુ ભાજપના મુખ્ય મંત્રી ગોપીનાથ મુંડેએ પણ મહારાષ્ટ્રમાં મુસ્લિમ ઓબીસીના પક્ષમાં અનેક નિર્ણયો લીધા છે.
મુસ્લિમ સમાજના જાણકાર સરફરાઝ અહમદ કહે છે કે તેમના સમયમાં મોટા ભાગના મુસ્લિમોને ઓબીસીનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.
બીબીસી મરાઠી સાથે વાત કરતાં તેમણે કહ્યું, “એવું નથી કે તમામ મુસ્લિમોને ઓબીસીનો દરજ્જો મળ્યો છે. મુસ્લિમોમાં પણ ઉચ્ચ જાતિઓ, આદિવાસીઓ વગેરે જેવી અનેક શ્રેણીઓવાળી જાતિઓ છે. આથી, તમામ મુસ્લિમોને ઓબીસી માની શકાય નહીં.”
મહારાષ્ટ્રમાં મુસ્લિમ અનામતને લઈને અત્યાર સુધી શું થયું?
શરદ પવારના મુખ્ય મંત્રીકાળ દરમિયાન મંડલ કમિશન લાગુ થવાને કારણે મુસ્લિમ સમુદાયની કેટલીક જાતિઓને ઓબીસીમાં અનામત મળી. પરંતુ તેના પછી પણ શૈક્ષણિક અને આર્થિક પછાતપણાના આધારે સમગ્ર મુસ્લિમ સમુદાય માટે અનામતની માંગ જોર પકડવા લાગી.
તેના માટે મહારાષ્ટ્રમાં આંદોલનો પણ થયાં. અંતે વર્ષ 2009માં રાજ્યની તત્કાલીન ગઠબંધન સરકારે મુસ્લિમ સમુદાયના શૈક્ષણિક, સામાજિક અને આર્થિક પછાતપણાની તપાસ માટે મહમૂદ ઉર રહમાન સમિતિની રચના કરી.
21 ઑક્ટોબર, 2013ના રોજ આ સમિતિએ મુસ્લિમ સમુદાય માટે આઠ ટકા અનામતની ભલામણ કરી હતી. 2014ની ચૂંટણી માટે પૃથ્વીરાજ ચવ્હાણ સરકારે 9 જુલાઈ, 2014માં મુસ્લિમ સમુદાયને શિક્ષણ અને નોકરીઓમાં પાંચ ટકા અનામત આપવા માટે વટહુકમ જાહેર કર્યો.
એ જ દિવસે મરાઠા સમુદાયને પણ અનામત આપવામાં આવી હતી. મરાઠા અનામત હાઈકોર્ટમાં ટકી ન શકી. જોકે, હાઈકોર્ટે મુસ્લિમ સમુદાયને આપવામાં આવેલા શૈક્ષણિક અનામતની કાયદેસરતા યથાવત્ રાખી છે.
બીબીસી મરાઠી સાથે વાત કરતાં ઍડ્વોકેટ ફિરદૌસ મિર્ઝા કહે છે, “એ સમયે મુસ્લિમ સમુદાયને અનામત ન મળી શકી કારણ કે આ વટહુકમ માત્ર છ મહિના માટે જ પ્રભાવી હોય છે. હાઈકોર્ટનો આદેશ હોવા છતાં ભાજપ-શિવસેનાની સરકારે આ વટહુકમને કાયદામાં ન બદલ્યો.”
મુસ્લિમ સમુદાયના જાણકાર હુમાયુ મુર્સલ તેમની આ વાત સાથે સહમત છે.
બીબીસી મરાઠા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, “ચવ્હાણ સરકાર દ્વારા આપવામાં આવેલી અનામત ધર્મના આધારે નહીં પરંતુ શૈક્ષણિક અને આર્થિક પછાતપણાને આધારે આપવામાં આવી હતી. હાઈકોર્ટના આદેશ છતાં પણ તત્કાલીન શિવસેના-ભાજપ સરકારે આવું કર્યું હતું. માત્ર રાજકારણ માટે તેમણે મુસ્લિમ સમુદાયને અનામત આપી ન હતી.”
ત્યારબાદ પણ મરાઠા સમુદાયની સાથે જ મુસ્લિમ અનામતની માંગ પણ ઊઠી હતી. મરાઠા અનામત માટે એક કમિશનની પણ સ્થાપના કરવામાં આવી હતી.
20 ફેબ્રુઆરી, 2024ના રોજ એકનાથ શિંદે સરકારે મરાઠા સમુદાયને 10 ટકા અનામત આપી હતી. પરંતુ, મુસ્લિમ અનામતને લઈને કોઈ હલચલ જોવા મળી નથી.
ભારતમાં મુસ્લિમ અનામતની શું સ્થિતિ છે?
કેન્દ્રીય પછાતવર્ગની સૂચિમાં કેટલીક મુસ્લિમ જાતિઓને એ રાજ્યોમાં અનામત મળી રહી છે જ્યાં મંડલ કમિશન લાગુ છે.
પીઆઈબીમાં આપવામાં આપેલી જાણકારી અનુસાર મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, તામિલનાડુના મુસ્લિમ સમુદાયની કેટલીક જાતિઓ, તૈલી મુસલમાનો અને ઉત્તર પ્રદેશ, બિહાર, કેરળ અને આસામના મુસ્લિમ કાયસ્થોને ઓબીસી અનામત આપવામાં આવી છે.
કેરળમાં શિક્ષણમાં આઠ ટકા અને નોકરીઓમાં 10 ટકા બેઠકો મુસ્લિમ સમુદાય માટે અનામત રાખવામાં આવી છે.
તામિલનાડુમાં પણ 90 ટકા મુસ્લિમ સમુદાય અનામતની શ્રેણીમાં આવે છે જ્યારે બિહારમાં મુસ્લિમ સમુદાયને પછાત અને અતિપછાત વર્ગોમાં વર્ગીકૃત કરીને અનામત આપવામાં આવી છે.
આંધ્ર પ્રદેશમાં મુસ્લિમ સમુદાયને પાંચ ટકા અનામત આપવામાં આવી છે. જોકે, આ અનામતને રદ કરી દેવામાં આવી છે કારણ કે અનામત પછાતવર્ગ આયોગ સાથે વિમર્શ કર્યા વગર આપી દેવામાં આવી હતી.
2005માં મુસ્લિમોમાં પાંચ ટકા અનામત આપવાનો કાયદો બીજીવાર પસાર થયો. પરંતુ આંધ્ર પ્રદેશમાં અનામતની સીમા 51 ટકા પાર કરી રહી હતી એટલા માટે આ મામલો કોર્ટમાં ન ટકી શક્યો.
શૈક્ષણિક અને આર્થિક પછાતપણાને આધારે મુસ્લિમ અનામતનો કોટા ઘટાડીને ચાર ટકા કરી દેવામાં આવ્યો હતો જેથી કરીને 50 ટકા અનામતની સીમા પાર ન થઈ જાય. ત્યારપછી આ મામલો પણ કોર્ટમાં ચાલ્યો ગયો. ત્યારપછી સુનાવણી શરૂ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “કર્ણાટકમાં કૉંગ્રેસે તમામ મુસ્લિમોને ઓબીસીમાં અનામત આપીને ઓબીસી જાહેર કરી દીધા.”
કર્ણાટકમાં મુસ્લિમ અનામત કોણે આપી?
એવું નથી કે કર્ણાટકમાં અત્યારે મુસ્લિમ સમુદાયને અનામત મળી રહી છે. જનતા દળ (એસ) સરકાર, જે હાલમાં ભાજપ સાથે ગઠબંધનમાં છે, તેણે ઓબીસીમાં સબ-ક્વૉટા બનાવીને મુસ્લિમ સમુદાયને અનામત આપી હતી.
ચિન્નાપા રેડ્ડી કમિશને 'કૅટેગરી 2' બનાવીને OBCમાં અનામતની ભલામણ કરી હતી.
આ પછી નેવુંના દાયકામાં કૉંગ્રેસ સમર્થિત વીરપ્પા મોઇલી સરકારે ઓબીસીમાં 'કૅટેગરી 2B' બનાવી હતી અને ઇસ્લામ, બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મ અપનાવનારા અનુસૂચિત જાતિના લોકોને છ ટકા અનામત આપી હતી.
તેમાંથી મુસ્લિમ સમુદાયને ચાર ટકા અનામત આપવામાં આવી હતી. પરંતુ, આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે આ નિર્ણયને રદ કર્યો કારણ કે તે 50 ટકાની અનામત મર્યાદાને વટાવી રહ્યો હતો. આ પછી વીરપ્પા મોઈલી અને કૉંગ્રેસની સરકાર પડી ગઈ.
1994માં એચ.ડી.દેવગૌડા કર્ણાટકના મુખ્ય મંત્રી બન્યા.
તેમણે 1995માં પહેલાંની સરકારે કરેલા નિર્ણયમાં સંશોધન કરીને તેને લાગુ કરી દીધો.
બૌદ્ધ અને ઈસાઈ ધર્મ અપનાવનાર અનુસૂચિત જાતિઓને ‘1 અને 2A’ શ્રેણીઓમાં સામેલ કરવામાં આવી અને મુસ્લિમોને 2B શ્રેણીઓમાં પુન:વર્ગીકૃત કરવામાં આવ્યા. ત્યારપછી રાજ્ય સરકારની નોકરીઓ અને શિક્ષણમાં મુસ્લિમ સમુદાયને ચાર ટકા અનામત આપવામાં આવી.
પરંતુ ભાજપ સત્તા પર આવ્યો ત્યારબાદ તત્કાલીન મુખ્ય મંત્રી બોમ્મઈએ મુસ્લિમો માટે ચાર ટકા અનામત રદ કરી નાખી.જે નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે ભાજપ સરકારના નિર્ણય પર રોક લગાવી દીધી.
ભારતનું બંધારણ અનામત અંગે શું કહે છે?
મુસ્લિમ સમાજ તરફથી અનામતની સતત માંગ કરવામાં આવતી રહી છે.
શું આ સમુદાયને બંધારણ મુજબ અનામત આપી શકાય?
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ઍડ્વોકેટ જનરલ શ્રીહરિ અણે કહે છે, "બંધારણ મુજબ ધર્મના આધારે અનામતની ક્યાંય જોગવાઈ નથી."
બીબીસી મરાઠી સાથે વાત કરતા તેમણે કહ્યું, "બંધારણમાં લઘુમતીઓ અને પછાત સમુદાયો માટે અલગ-અલગ અધિકારો છે. જો કોઈપણ ધર્મના લોકો તેની હેઠળ આવતા હોય તો તેઓ લઘુમતી અથવા પછાતપણાને આધારે અનામત મેળવી શકે છે. પરંતુ, માત્ર ધર્મને આધારે બંધારણની કલમ 15 અને 16 હેઠળ અનામત આપી શકાય નહીં. આવી કોઈ જોગવાઈ નથી."