જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સંઘીય માળખું નબળું પડવાનો સવાલ કેમ ઊઠી રહ્યો છે?

    • લેેખક, ઉમંગ પોદ્દાર
    • પદ, બીબીસી સંવાદદાતા

સુપ્રીમ કોર્ટે 11 ડિસે્બરના જમ્મુ કાશ્મીરથી કલમ 370 હટાવવા અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેચવા અંગેના કેસમાં પોતાનો ચુકાદો સંભળાવ્યો.

સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારના પક્ષમાં ચુકાદો આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડના વડપણ હેઠળની પાંચ ન્યાયમૂર્તિઓની ખંડપીઠે, જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને રદ કરવાના સરકારના નિર્ણયને, સર્વસંમતિથી માન્ય રાખ્યો હતો.

સુપ્રીમ કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે આગામી વર્ષના સપ્ટેમ્બર સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી યોજવા માટે પગલાં લેવાં જોઈએ.

સર્વોચ્ચ અદાલતના જણાવ્યા મુજબ, જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો જેટલો જલદી આપી શકાય તેટલો જલદી આપી દેવો જોઈએ.

આ મામલમાં સુપ્રીમ કોર્ટ સામે સૌથી મહત્ત્વપૂર્ણ સવાલ એ હતો કે કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન દરમિયાન કેન્દ્ર સરકાર તેને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજિત કરી શકે કે નહીં?

ભવિષ્યમાં આ સવાલનાં મહત્ત્વપૂર્ણ પરિણામ આવવાનાં છે, કારણ કે આ નિર્ણયે કેન્દ્ર સરકારના હાથમાં એક એવું હથિયાર આપ્યું છે, જેના વડે તે પહેલાં રાષ્ટ્રપતિ શાસન લાદી શકશે અને પછી સમગ્ર રાજ્ય અથવા તેના એક હિસ્સાને કેન્દ્રશાસિત પ્રદેશમાં પરિવર્તિત કરી શકશે.

કાયદાના કેટલાક નિષ્ણાતો અને વિરોધ પક્ષના નેતાઓનું માનવું છે કે આ નિર્ણયથી કેન્દ્રને રાજ્યો પર વધુ નિયંત્રણ મળશે અને સંઘીય માળખું નબળો પડશે.

સંઘીય માળખાનો મુદ્દો દેશમાં બહુ વિવાદાસ્પદ રહ્યો છે. અનેક રાજ્યોએ કેન્દ્ર સરકાર પર તેમની શક્તિઓ છીનવી લેવાનો આક્ષેપ કર્યો છે.

કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત રાજ્યપાલોએ કેટલાક ખરડાઓ અટકાવી રાખ્યા હોવાનો આક્ષેપ અનેક રાજ્યની સરકારોએ કર્યો છે.

પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીનો દાવો છે કે કેન્દ્ર સરકારે કલ્યાણકારી યોજનાઓ માટે સુનિશ્ચિત ફંડ અને જીએસટીમાં રાજ્યની 1.15 લાખ કરોડ રૂપિયાની હિસ્સેદારી રોકી રાખી છે.

આ ઉપરાંત વન નેશન વન ઇલેક્શનના વિચારથી પણ એવો ડર વધ્યો છે કે તેને લીધે દેશનું રાજકારણ એક જગ્યાએ વધારે પડતું કેન્દ્રિત થઈ જશે.

અદાલત સામેનો મુખ્ય પ્રશ્ન

બંધારણની કલમ ત્રણમાં નવાં રાજ્યોની રચનાની પ્રક્રિયાનો ઉલ્લેખ છે.

તેમાં જણાવવામાં આવ્યું છે કે સંસદ બે કે વધુ રાજ્યોને ભેળવીને કે વિભાજિત કરીને નવા રાજ્યની રચના કરી શકે છે.

આના માટે રાષ્ટ્રપતિની ભલામણને આધારે સંસદમાં ખરડો રજૂ કરી શકાય છે અને એ પછી તેને રાજ્ય વિધાનસભામાં પ્રસ્તુત કરવો અનિવાર્ય હોય છે.

2019માં જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન હતું. રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશ – જમ્મુ તથા કાશ્મીર અને લદ્દાખમાં વિભાજિત કરવાનો એક ખરડો સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો.

એ મુજબ, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યાં હતાં.

તેથી સુપ્રીમ કોર્ટ સામે મહત્ત્વનો સવાલ એ હતો કે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય કાયદેસરનો છે કે નહીં.

કોર્ટે શું કહ્યું?

જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશની રચના બાબતે અદાલતે પોતાના વિચાર વ્યક્ત કર્યા ન હતા.

અદાલતે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરનો રાજ્યનો દરજ્જો પૂર્વવત કરવાનું આશ્વાસન કેન્દ્ર સરકારે આપ્યું હોવાથી, કોઈ રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજિત કરી શકાય કે કેમ એ અદાલતે નક્કી કરવાની જરૂર નથી.

અલબત, અદાલતે લદ્દાખની રચનાને વાજબી ગણાવી હતી.

કોર્ટે જણાવ્યું હતું કે બંધારણના અનુચ્છેદ ત્રણ હેઠળ કેન્દ્ર સરકારને કોઈ પણ રાજ્યમાંથી એક કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનો અધિકાર છે. કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિ શાસન હેઠળના રાજ્ય માટે પણ એવો નિર્ણય કરી શકે છે.

સર્વોચ્ચ અદાલતે એમ પણ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ શાસન દરમિયાન સંસદ અને રાષ્ટ્રપતિની કાર્યવાહીની કોઈ મર્યાદા નથી.

વિરોધ પક્ષનું શું કહેવું છે?

વિરોધ પક્ષના નેતાઓનું કહેવું છે કે આ ચુકાદાથી સંઘીય માળખું નબળું બને છે.

કૉંગ્રેસે જણાવ્યું હતું કે એક સંપૂર્ણ રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી શકાય કે કેમ એ મુદ્દે અદાલતે કોઈ નિર્ણય ન કર્યો હોવાથી તે નિરાશ છે.

વરિષ્ઠ વકીલ અને કૉંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે બંધારણ હેઠળ સરકારને આ કરવાનો કોઈ અધિકાર નથી.

માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટીના કહેવા મુજબ, આ ચુકાદો કેન્દ્રને રાજ્યોનું માળખું એકતરફી બદલવાનો અધિકાર આપે છે.

એઆઈએમઆઈએમ સંસદસભ્ય અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું, "આ ચુકાદાની અસર એવી થશે કે ચેન્નઈ, કોલકાતા, હૈદરાબાદ કે મુંબઈને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં કેન્દ્ર સરકાર પર કોઈ રોકટોક નહીં હોય."

કાયદાશાસ્ત્રીઓનું શું કહેવું છે?

બંધારણીય કાયદાઓના નિષ્ણાત અનુજ ભુવાનિયાએ કહ્યું હતું, "એક રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજિત કરવાના મુદ્દે ફેંસલો ન કરવો એ તો મોઢું ફેરવી લેવા જેવી વાત છે."

તેમના જણાવ્યા મુજબ, કેન્દ્ર સરકારે રાજ્યનો દરજ્જો પૂર્વવત્ કરવાનું આશ્વાસન આપ્યું હોવાથી સુપ્રીમ કોર્ટ રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજિત કરવાના નિર્ણયની યોગ્યતાનો ફેંસલો કરવાથી મોં ફેરવી શકે નહીં.

અનુજ ભુવાનિયાએ કહ્યું હતું, "કેન્દ્ર સરકાર નવાં રાજ્યો બનાવવાં તથા રાજ્યોની સરહદ બદલવા એકતરફી કાર્યવાહી કરી શકે છે, એવું બંધારણની કલમ ત્રણમાં લખવામાં આવ્યું છે. તેથી અદાલત તેનો દુરુપયોગ ન થાય એ રીતે તેની વ્યાખ્યા કરી શકતી હતી."

તેમના કહેવા મુજબ, "આપણે ભૂતકાળમાં જોયું છે કે અદાલતે મૂળભૂત સૈદ્ધાંતિક માળખું ઘડ્યું છે, જે નિર્ધારિત કરે છે કે સંસદ કયા સુધારા કરી શકે. આ કેસમાં પણ આવી વ્યાખ્યા થઈ શકી હોત, પરંતુ અદાલતે એવું કર્યું નહીં.”

અંગ્રેજી દૈનિક ધ હિન્દુના જણાવ્યા અનુસાર, આ ચુકાદો કેન્દ્ર સરકારને રાષ્ટ્રપતિ શાસન લાદવાના અને રાજ્યમાં મોટા ફેરફાર કરવાનો અધિકાર આપે છે, જેમાં બંધારણીય સુધારાઓને મંજૂરી આપવી કે મહત્ત્વના મામલાઓને પાછા ખેંચવાનો સમાવેશ થાય છે.

વરિષ્ઠ વકીલ અને કાયદાશાસ્ત્રી ફલી નરીમને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે આ ચુકાદાના પરિણામસ્વરૂપ ભારત એક દેશ તરીકે વધારે કેન્દ્રીકૃત થતો જાય છે.

એક અન્ય કાયદાશાસ્ત્રી આલોક પ્રસન્નાએ ઇન્ડિયન ઍક્સપ્રેસ દૈનિકમાં લખ્યું હતું, "સુપ્રીમ કોર્ટના આ ચુકાદાની સીધી અસર એ થશે કે કેન્દ્ર સરકાર ઇચ્છશે ત્યારે કોઈ પણ કારણ દર્શાવીને કોઈ પણ રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશમાં બદલી શકશે."