હિમાચલ પ્રદેશ: ગૌહત્યાની અફવા પર કઈ રીતે ફેલાયો ઉન્માદ અને મુસ્લિમો સામે કેમ થઈ ગયો એક સમૂહ? – ગ્રાઉન્ડ રિપોર્ટ

    • લેેખક, સૌરભ ચૌહાણ
    • પદ, નાહન(હિમાચલ પ્રદેશ)થી, બીબીસી માટે

હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં નાહનમાં કથિત ગૌહત્યાને લઈને ઉગ્ર પ્રદર્શન થયું હતું. ત્યારબાદ મુસ્લિમ સમુદાયના લોકોની કેટલીક દુકાનોમાં તોડફોડ થઈ હતી.

આ ઘટના વિશે 22મી જૂન, શનિવારે થયેલી પોલીસ તપાસમાં એ સામે આવ્યું હતું કે ગૌહત્યા જેવી કોઈ ઘટના બની જ ન હતી.

સમગ્ર મામલો શું છે?

હિમાચલ પ્રદેશના સિરમૌરના જિલ્લા મુખ્યમથક નાહનમાં બુધવારે 19મી જૂને પ્રદર્શનકારીઓની એક ભીડે મુસ્લિમ સમુદાય સાથે જોડાયેલા લોકોની ચાર દુકાનોમાં તોડફોડ કરીને હંગામો મચાવ્યો હતો.

‘જય શ્રી રામ’ના નારા લગાવતી ભીડ કથિત ગૌહત્યાની ઘટનાને લઈને આક્રોશિત હતી. સોશિયલ મીડિયા પર પણ આ મામલો ખૂબ ચર્ચામાં રહ્યો હતો.

બુધવારે બનેલી આ ઘટના પછીના ત્રણ દિવસ સુધી આ ઘટના વિશે કોઈ જાણકારી મળી નહોતી. સ્થાનિક પોલીસ પણ ઉત્તર પ્રદેશની પોલીસના રિપોર્ટની રાહ જોઈ રહી હતી.

ઉત્તર પ્રદેશ પોલીસના એક અધિકારીએ બીબીસી હિન્દી સાથે વાત કરતાં જણાવ્યું કે, “જાવેદના ઘરે પોલીસના જવાનો પણ ગયા હતા અને ત્યાં આસપાસ પૂછપરછ પણ કરવામાં આવી હતી. ત્યાં ગૌહત્યા જેવી કોઈ ઘટના જોવા મળી નથી.”

ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના એક યુવક જાવેદ છેલ્લાં દસ વર્ષથી નાહનમાં રેડીમેઈડ કપડાંનો વેપાર કરી રહ્યા હતા. ઈદના તહેવાર પર તેઓ શામલીમાં પોતાના ઘરે ગયા હતા.

સ્થાનિક પોલીસ અનુસાર ઈદના દિવસે તેમણે કુરબાનીવાળી તસવીર પોતાના વૉટ્સએપ સ્ટેટસ પર મૂકી હતી જેને નાહનના હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા કેટલાક લોકોએ જોઈ લીધી હતી.

તેને જોઈને ત્યાંના લોકોએ એ અનુમાન લગાવી લીધું હતું કે જાવેદે ગૌહત્યા કર્યા બાદ બહુસંખ્યક સમાજના લોકોની ભાવના દુભાવવાના ઉદ્દેશ્યથી જાણીજોઈને આ તસવીર અપલોડ કરી છે.

જે દિવસે આ તસવીર અપલોડ કરવામાં આવી એ દિવસે તો ત્યાં કોઈ હંગામો થયો ન હતો પરંતુ હિન્દુ સંગઠનો દ્વારા સખત કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી હતી.

આ સંગઠનોએ ગત બુધવારે બજાર બંધ કરવાનું આહ્વાન કર્યું હતું. એ વચ્ચે હિન્દુ સંગઠનોના કેટલાક લોકો કે જેમની સાથે વેપાર મંડળના લોકો પણ સામેલ હતા તેમણે મળીને ચોક બજારમાં એક મોટું સરઘસ પણ કાઢ્યું હતું. આ દરમિયાન પોલીસના જવાનોની શહેરમાં તહેનાતી પણ કરી દેવામાં આવી.

સ્થાનિક લોકો એ ઘટનાને યાદ કરતાં કહે છે કે સરઘસ જેમજેમ રાનીતાલ તરફ આગળ વધતું ગયું તેમતેમ પ્રદર્શન ઊગ્ર બનતું ગયું.

જ્યારે એ સરઘસ જાવેદ અને તેના સંબંધીઓની દુકાન પાસે પહોંચ્યું ત્યારે ત્યાં પ્રદર્શનકારીઓએ તોડફોડ શરૂ કરી દીધી.

જોતજોતામાં જ આક્રોશિત લોકોએ દુકાનોમાં પડેલો સામાન બહાર ફેંકવાનું શરૂ કરી દીધું અને સામાન લૂંટીને પણ જતા રહ્યા. ત્યાં પોલીસના જવાનો હાજર હતાં પરંતુ તેઓ આટલી ભીડ પર કાબૂ મેળવી શક્યા નહીં. આ ઘટનાનો વીડિયો પણ વાઇરલ થઈ રહ્યો છે.

જે કુરબાનીની ઘટનાની તસવીર અપલોડ કરવામાં આવી તે હકીકતમાં નાહનમાં નહીં પરંતુ શામલીમાં થઈ હતી. આ વાતની ખબર બુધવારે પ્રારંભિક તપાસમાં જ પડી ગઈ હતી. પરંતુ ત્યાં સુધીમાં નાહનમાં એ અફવા ફેલાઈ ગઈ હતી કે ગૌહત્યા થઈ છે અને આ અફવાને કારણે આક્રોશિત ભીડે કેટલીક દુકાનો પર હુમલો કરી દીધો.

એક અફવાને કારણે માહોલ બગડ્યો

બુધવાર સાંજ સુધીમાં હિંદુ સંગઠનોનો વિરોધ શાંત તો થઈ થયો હતો પરંતુ મુસ્લિમ સમાજના લોકોમાં ભયની સાથે સાથે આક્રોશ પણ જોવા મળ્યો હતો કે પ્રદર્શનકારીઓએ આટલી મોટી ઘટનાને અંજામ કેમ આપ્યો?

નાહનના જાણીતા શિક્ષણવિદ પ્રોફેસર અમરસિંહ ચૌહાણ કહે છે કે એક અફવાના કારણે આટલું બધું થયું, આનાથી વધુ ગંભીર ઘટના પણ બની શકે તેમ હતી.

તેઓ કહે છે, "આવી અસહિષ્ણુતા સમાજ માટે સારી નથી. એક સભ્ય સમાજમાં સંયમ હોવો જરૂરી છે. હવે તમે જુઓ કે વિરોધનો હેતુ પોલીસ પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે દબાણ લાવવાનો હતો પરંતુ વિરોધમાં સામેલ લોકોએ જ કાયદો તોડ્યો. આવા ભીડતંત્રથી કોઈને ફાયદો થતો નથી. દરેક લોકોએ તેઓ કોઈપણ ધર્મના હોય, પણ સભ્યતાનો પરિચય આપવો જોઈએ."

અમરસિંહ ચૌહાણને એ વાતનો પણ અફસોસ છે કે આ ઘટનાએ નાહનમાં માત્ર માહોલ કે સૌહાર્દ જ બગાડ્યો નથી પરંતુ દેવભૂમિનું નામ પણ કલંકિત કર્યું છે. તેઓ એવો પ્રશ્ન પણ પૂછે છે કે જેમને નુકસાન થયું છે અને કામ છોડીને જવું પડ્યું છે તેમને કોણ વળતર આપશે?

અંજુમન ઇસ્લામિયા સંગઠનના પ્રમુખ બૉબી અહમદનું કહેવું છે કે હવે પોલીસે પોતે જ કહ્યું છે કે ગૌહત્યા જેવી કોઈ ઘટના બની નથી. જોકે, તેમનું માનવું છે કે લોકોને આર્થિક અને માનસિક રીતે ઘણું નુકસાન સહન કરવું પડ્યું છે.

તેમણે કહ્યું, "જ્યારથી નાહનમાં હંગામો થયો ત્યારથી મુસ્લિમ સમુદાયના ઓછામાં ઓછા 16 લોકોએ શહેર છોડી દીધું છે. કેટલાકે ડરના કારણે છોડી દીધું છે અને કેટલાક લોકોને દુકાનના માલિકોએ જગ્યા ખાલી કરવા કહ્યું છે. તમામ ઉત્તર પ્રદેશના શામલી અને સહારનપુરના રહેવાસી છે."

નુકસાનની ભરપાઈનો સવાલ

આ લોકોના નુકસાનની ભરપાઈ કોણ કરશે તેનો જવાબ હજુ સુધી કોઈની પાસે નથી.

નામ ન આપવાની શરતે હિમાચલ પ્રદેશ સરકારના એક અધિકારી કહે છે કે, "બંને બાજુથી ભૂલો થઈ હતી, આવી વિચલિત કરનારી તસવીર જાહેરમાં મૂકવી એ યોગ્ય વાત નથી. બહુસંખ્યક સમુદાયે પણ સમજદારીથી કામ લેવું જોઈતું હતું. માની લો કે ગૌહત્યા થઈ પણ હોત તો પછી જાવેદ અને વિરોધીઓ વચ્ચે શું તફાવત રહી જાત. હવે જ્યારે વળતરની વાત આવે છે, ત્યારે પણ બે પ્રશ્નો છે: પ્રથમ એ કે મિલકતના નુકસાનની ભરપાઈ કોણ કરશે અને બીજું, સામાજિક સૌહાર્દને જે નુકસાન થયું છે તેની ભરપાઈ કોણ કરશે?"

આના જવાબમાં નાહનમાં રહેતા 83 વર્ષીય પ્રોફેસર સુરેશકુમાર જોશી કહે છે, "આવી ઘટનાઓ ખૂબ જ દુઃખદ છે. દેવભૂમિમાં આવી ઘટનાઓ માટે કોઈ સ્થાન નથી. તમે જુઓ કે એક અફવાથી કેટલું નુકસાન થયું છે. સમાજમાં થોડાં વર્ષોથી એવું વાતાવરણ ઊભું થયું છે કે જ્યાં લોકો નાની નાની બાબતોમાં ઉન્માદી થઈ જાય છે, આવી સ્થિતિમાં આપણે સંયમ રાખવાની જરૂર છે."

"હું તો એટલું જ કહીશ કે ભગવાન બધાનું ભલું કરે. હવે જવાબદારી સરકારની છે. આ મામલે કડક પગલાં લેવા જોઈએ, પછી ભલે તે કોઈની પણ ભૂલ હોય. જે કંઈ પણ નુકસાન થયું છે તેની ભરપાઈ થવી જોઈએ અને જેણે નુકસાન કર્યું છે સજા આપવી જોઈએ."

પોલીસે શું કહ્યું?

સિરમૌર જિલ્લાના પોલીસ અધીક્ષક રમણકુમાર મીણા કહે છે, "ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ જાવેદ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. ટોળા સામે તોફાનો કરવા માટે પણ કેસ નોંધવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ ગુનેગારોની ઓળખ કરવામાં આવશે."

તેમણે એમ પણ કહ્યું, "અમે ઉત્તર પ્રદેશ પોલીસનું નિવેદન જોયું છે, સત્તાવાર જવાબ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે આ ઘટનાને હિંસક અને ઉગ્ર બનતા અટકાવી છે."

શું પોલીસની હાજરીમાં આરોપીની દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી? આ પ્રશ્નના જવાબમાં પોલીસ અધીક્ષક રમણકુમાર મીણાએ જણાવ્યું હતું કે, "આ બધું અચાનક બન્યું હતું તેમ છતાં પોલીસે ઘટનાને કાબૂમાં લઈ લીધી હતી. માત્ર એક નાની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી."

"પોલીસે ખૂબ સમજદારીથી કાર્યવાહી કરી છે. તેમ છતાં પણ જો કોઈ પ્રકારની બેદરકારી પ્રકાશમાં આવશે તો કાર્યવાહી કરવામાં આવશે."

જેમને નુકસાન થયું છે તેમને કોણ વળતર આપશે તેવા પ્રશ્નના જવાબમાં મીણા કહે છે, "પોલીસ કાયદા મુજબ કામ કરશે. પ્રદર્શનકારીઓ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે અને કોણે દુકાનમાં તોડફોડ કરી અને સામાન ફેંકી દીધો તે શોધવાનો પણ પ્રયત્ન થઈ રહ્યો છે."

ઉત્તર પ્રદેશ પોલીસે ગૌહત્યાની વાતને નકારી

શામલીના પોલીસ અધીક્ષક અભિષેકે જણાવ્યું હતું કે, "તપાસમાં જાણવા મળ્યું છે કે કોઈ પ્રતિબંધિત પશુઓની કતલ કરવામાં આવી નથી. પરંતુ જે રીતે ભયાનક તસવીર અપલોડ કરવામાં આવી છે તેને ધ્યાનમાં રાખીને આરોપી વિરુદ્ધ યોગ્ય કલમો હેઠળ કેસ નોંધવાના આદેશ આપવામાં આવ્યા છે."

શામલી પોલીસે શનિવારે જાવેદની ધાર્મિક લાગણી ભડકાવવાના આરોપમાં ધરપકડ કરી હતી.

જોકે, નાહનના બડા ચોકમાં જગન્નાથ મંદિર પાસે નાની દુકાન ચલાવતા એક વૃદ્ધ હિન્દુએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, "તે દિવસે જે પણ થયું તે સારું ન હતું. હું જાવેદને ઓળખું છું, પરંતુ જ્યારે મેં સાંભળ્યું કે તેણે આવું કંઈક કર્યું છે ત્યારે મને બહુ ખરાબ લાગ્યું. હવે લોકો કહે છે કે તે ગાય ન હતી પણ બીજું કંઈક હતું. જે ફોટો તેણે લગાવ્યો હતો એ સૌને જાહેરમાં બતાવી શકાય તેવો ન હતો. પરંતુ અમારા લોકોનું વર્તન પણ યોગ્ય નહોતું."

તેમણે એમ પણ કહ્યું, "કોઈને ખબર ન હતી કે જાવેદે આ કૃત્ય ક્યાં કર્યું છે? ન તો કોઈને ખબર હતી કે કયાં પ્રાણીની હત્યા કરવામાં આવી હતી? એવી વાત ખબર પડી હતી કે ગાયની કતલ થઈ છે અને બધાએ હોબાળો મચાવી દીધો."

આ વાત કહેતી વખતે આ વૃદ્ધે કહ્યું કે, 'અમારી ઓળખ ગુપ્ત રાખજો, હું વૃદ્ધ છું, આ ઉંમરે કોની સાથે લડવા જઈશ.'

ઘટના બાદ બીજા દિવસે નાહન શહેર શાંત હતું પરંતુ મુસ્લિમ સમુદાયના લોકોમાં એક વિચિત્ર ડર જોવા મળ્યો હતો. આમાંના કેટલાક લોકો જાવેદથી નાખુશ પણ હતા, પરંતુ ‘મૉબ જસ્ટિસ’નો ડર સ્પષ્ટ જોઈ શકાતો હતો. ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ છે.

મુસ્લિમોમાં ડર

આ સમગ્ર ઘટનાક્રમ અંગે જાવેદના પિતરાઈ ભાઈ સાબિજ સાથે ફૉન પર વાત થઈ હતી.

તેમનું કહેવું છે કે, "આ સમગ્ર ઘટના એક અફવાને કારણે બની છે. તમામ લોકો કહી રહ્યા છે કે ગૌહત્યા થઈ છે પણ તેની ખબર કઈ રીતે પડી? હવે તો પોલીસે પણ એવું કહી દીધું છે કે આવું કશું જ ન હતું."

"એક ફોટો જોયો અને આરએસએસ સાથે જોડાયેલા કેટલાક લોકોએ તેને ગૌહત્યાનું નામ આપી દીધું. આટલું મોટું પ્રદર્શન કર્યું અને દુકાનોનો સામાન તોડ્યો અને લૂંટીને પણ જતાં રહ્યાં. અમારો શું વાંક છે."

"જો જાવેદે હકીકતમાં કોઈ ભૂલ કરી હોય તો પણ શું લોકોએ જે રસ્તો અપનાવ્યો એ સાચો હતો? હું મારા પરિવાર સાથે માંડમાંડ નાહનથી ભાગ્યો છું."

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ હવે શામલીથી પાછા આવશે? તો સાબિજે આ પ્રશ્નના જવાબમાં કહ્યું, "આ ઘટના બાદ મકાનમાલિકે અમને દુકાન ખાલી કરવા કહ્યું છે. કેટલાક લોકો અમને હવે ત્યાં (નાહન) રહેવા દેવા નથી માંગતા. આ જ લોકોએ મકાનમાલિક પર દબાણ કર્યું કે તેઓ અમને દુકાન ન આપે."

સાબિજ અને કેટલાક અન્ય લોકોએ શરૂઆતમાં દાવો કર્યો હતો કે ગૌહત્યા થઈ નથી. ઉત્તર પ્રદેશ પોલીસનો રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર મામલો શું છે તે સ્પષ્ટ થયું છે.

જોકે, ગુરુવારે વધુ એક વિરોધપ્રદર્શન થવાની આશંકાથી કેટલાક મુસ્લિમ દુકાનદારોએ તેમની દુકાનો બંધ રાખી હતી. જાવેદની દુકાન પાસે કપડાંની દુકાન ધરાવતા ઇમરાને તે દિવસથી તેની દુકાન બંધ કરી દીધી હતી.

તેમણે શુક્રવારે (21 જૂન) દુકાન ખોલી હતી. કપડાનું બંડલ ખોલતી વખતે ઇમરાન જણાવે છે કે, "તે દિવસે બજાર બંધ હતું, નહીંતર ભીડના ગુસ્સાને જોતાં અમને વધુ નુકસાન થઈ શક્યું હોત."

જ્યાં હંગામો અને વિરોધપ્રદર્શનો થયાં ત્યાંની ગાર્ગી ગલીમાં પ્લમ્બર ઇરફાન અહમદ કોઈની સાથે ફોન પર વાત કરીને જણાવી રહ્યા હતા કે હવે સ્થિતિ સામાન્ય છે.

ઇરફાન કહે છે કે, "હું બે દિવસથી કામ પર નહોતો ગયો. અમારા અન્ય લોકો પણ પોતપોતાના ઘરમાં જ રહ્યા હતા. બુધવારે અમને ખબર પડી કે જાવેદ, તેના પિતરાઈ ભાઈ સાબિજ અને અન્ય બે લોકોની દુકાનોમાં તોડફોડ કરવામાં આવી છે. અમે મારા દાદાના સમયથી અહીં રહીએ છીએ પરંતુ આવું અહીં પહેલાં ક્યારેય બન્યું નથી."

ગુરુવારે મોડી સાંજે શહેરની મધ્યમાં આવેલી દરગાહ ખાતે અંજુમન ઇસ્લામિયા સંસ્થાના બૉબી અહમદ તેમના સાથીદારો સાથે દિવસ દરમિયાન યોજાયેલી શાંતિ સમિતિની બેઠક અંગે ચર્ચા કરી રહ્યા હતા.

બૉબી કહે છે, "આ આખી ઘટનાથી કોઈને કંઈ જ મળ્યું નથી, માત્ર ગરીબ લોકોને જ નુકસાન થયું છે, પછી ભલે તેઓ કોઈ પણ ધર્મના હોય. જો બજાર બંધ રહે છે તો બધાને નુકસાન થાય છે. જે તોડફોડ થઈ અને મુસ્લિમ સમુદાય વિશે જે પણ કહેવામાં આવ્યું તેનાથી સામાજિક સૌહાર્દને ભારે નુકસાન થયું છે જેની ભરપાઈ કરવી ખૂબ જ મુશ્કેલ છે."

તેઓ એમ પણ કહે છે કે, "જો કોઈએ કંઈ ખોટું કર્યું હોય તો તેને તેની સજા ચોક્કસ મળવી જોઈએ. જો ગૌહત્યા થઈ હોય તો તેને સજા મળવી જોઈએ, પરંતુ એ સજા કોણ નક્કી કરશે? સજા કરવાનો અધિકાર ન તો તમને છે કે ન તો મને."

"આ રીતે એક ખોટી પ્રથા શરૂ થઈ જશે જે ખૂબ જ ગંભીર છે. જો તમે કાલે મારી સાથે કંઈક ખોટું કરશો તો શું હું તમારા ઘરમાં આવીને તમારા ઘરમાં તોડફોડ કરીશ?"

હિમાચલમાં મુસ્લિમોની વસ્તી

વર્ષ 2011ની વસતીગણતરી પ્રમાણે હિમાચલ પ્રદેશમાં મુસ્લિમોની વસ્તી કુલ 1.50 લાખ છે. જે અહીંની કુલ વસ્તીના 2.18 ટકા જ છે. સિરમૌર જિલ્લામાં લગભગ 30 હજાર આસપાસ મુસ્લિમો રહે છે.

નાહન નિવાસી રફીક કહે છે, "વાયદાઓ તો કરવામાં આવે છે કે કાર્યવાહી કરવામાં આવશે, વળતર મળશે પરંતુ આમ કદી થતું નથી. આ મામલામાં પણ શું કાર્યવાહી કરવામાં આવશે?"

"બે-ત્રણ દિવસ અમારો ધંધો બંધ રહ્યો. અમારા સમુદાય સામે જે માહોલ બનાવવામાં આવ્યો તેનું નુકસાન તો અમારા જેવા ગરીબ લોકોએ જ વેઠવું પડશે. હવે તમે જ જણાવો કે કોણ કરશે તેની ભરપાઈ?"

શુક્રવારે 21મી જૂને શહેરમાં ઠેકઠેકાણે યોગ દિવસ મનાવવામાં આવ્યો હતો. લોકો પોતપોતાની દિનચર્યામાં એ રીતે વ્યસ્ત હતા કે જાણે કે કંઈ બન્યું જ નથી.

નાહનના ગુન્નુ ઘાટ વિસ્તારમાં રહેનાર અશફાક ખાન આની પાછળ કેટલાક બીજાં કારણો તરફ જ ઇશારો કરે છે.

તેઓ કહે છે, "જો કોઈ પણ વ્યક્તિ આવું કંઈક જુએ છે, તો ચોક્કસપણે તેની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી શકે છે. પરંતુ સંપૂર્ણ માહિતી મેળવ્યા વિના કાયદાને હાથમાં લેવા પાછળ અન્ય કારણો પણ છે."

"જે લોકો અહીં ઉત્તર પ્રદેશના શામલી, સહારનપુર, મુરાદાબાદ અને અન્ય જિલ્લાઓમાંથી કામ કરવા માટે આવ્યા છે તેનાથી સ્થાનિક વેપારીઓ ખુશ નથી. આથી, જ્યારે પણ તેમને તક મળે છે ત્યારે તેઓ આ લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરે છે."

ગુરુવારે 20મી જૂને સિરમૌરના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધીક્ષકે પણ ‘પીસ કમિટી’ની બેઠક બોલાવી હતી જેમાં દરેકના મંતવ્યો સાંભળવામાં આવ્યા હતા.

એક અધિકારીએ જણાવ્યું હતું કે બેઠકમાં કેટલાક લોકોએ સહારનપુર અને આસપાસના વિસ્તારના લોકોને અહીંથી બહાર કાઢવાની વાત પણ કરી હતી. જેના પર જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે આ કાયદેસર ઉચિત વાત નથી. જો કોઈને એવી સમસ્યા કે શંકા હોય તો તેણે તેવી વ્યક્તિને ભાડે મકાન ન આપવું.

‘બહારના વેપારીઓથી પ્રતિસ્પર્ધા’

બપોરના સમયે ગુન્નુ ઘાટના બડા ચૌક વિસ્તારના લોકો પણ આ મામલાની ચર્ચા કરી રહ્યા હતા.

દરજીનું કામ કરતા મોહમ્મદ ઉસ્માન કહે છે કે તેમનું કામ સારું અને સસ્તું છે, તેથી કેટલાક સ્થાનિક લોકો નાખુશ છે પરંતુ ગ્રાહકો ખુશ છે. હવે અચાનક આવી વાતો થઈ રહી છે જે યોગ્ય નથી.

તેઓ કહે છે, "બિઝનેસમાં હરીફાઈ છે પણ તેને આ રીતે તેને ખતરનાક સ્વરૂપ આપવું એ બિલકુલ ખોટું છે. તમે મને કહો કે આ બધાની આપણા બાળકો પર શું અસર થશે?"

ગુન્નુ ઘાટ વિસ્તારમાં રહેતાં અમીના કહે છે, "આ હંગામો થયો તે દિવસથી અમે અમારાં બાળકોને બહાર મોકલ્યાં નથી. માણસ કોઈ પણ ધર્મનો હોય, દરેક વ્યક્તિ પોતાનાં બાળકો માટે સારું જીવન ઇચ્છે છે. આ બંને ઘટનાઓ યોગ્ય નથી. આવી ઘટનાઓએ અમારાં બાળકો પર ઊંડી અસર કરી છે."

એવું નથી કે બહુસંખ્યક સમાજના તમામ લોકો હિંસક દેખાવકારોને યોગ્ય માની રહ્યા છે.

કરિયાણાની દુકાન ચલાવતા દીપક ગુપ્તા કહે છે, "બંને બાજુથી ભૂલો થઈ છે. જાવેદે આ કરતા પહેલાં વિચારવું જોઈતું હતું કે આનાથી શું નુકસાન થશે. તે ગાય હતી કે નહીં એ અલગ વાત છે પરંતુ તસવીર વિચલિત કરનારી હતી."

"અમારા સમાજની પણ એ ભૂલ છે કે તેમણે તપાસ કર્યા વિના આ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપ્યો છે. આનાથી હિન્દુ અને મુસ્લિમ સમાજ વચ્ચેની ખાઈ વધુ વધી ગઈ."

સિરમૌરના જિલ્લા મેજિસ્ટ્રેટ સુમિત ખિમ્તાએ બીબીસી સાથે વાત કરતા કહ્યું, "હવે મામલો શાંત છે. ગુરુવારે નાહનમાં તમામ સમુદાયના પ્રતિનિધિઓની એક બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં શાંતિની અપીલ કરવામાં આવી હતી. પોલીસ તેની કાર્યવાહી કરી રહી છે. સ્થાનિક લોકો તેનાથી સંતુષ્ટ છે."