You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જૂનાગઢે જ્યારે આઝાદ ભારતમાં ભળવાને બદલે પાકિસ્તાનમાં જોડાવાનું નક્કી કર્યું
એપ્રિલ-1947માં ભારત બ્રિટિશ સંસ્થાનમાંથી સ્વતંત્ર થશે, તેના પગરવ સંભળાવા માંડ્યા હતા. સાથે જ વિશ્વના નકશા પર ભારત અને પાકિસ્તાન એમ બે દેશ અસ્તિત્વમાં આવશે, તે પણ સ્પષ્ટ થઈ ગયું હતું.
બ્રિટિશ તાજ દ્વારા પસાર કરવામાં આવેલા ઇન્ડિયન ઇન્ડિપૅન્ડન્સ ઍક્ટમાં 'લૅપ્સ ઑફ પૅરામાઉન્સી'ની જોગવાઈ કરવામાં આવી હતી, જેના કારણે કેટલાંક રજવાડાંના કિસ્સામાં જટિલતા વધી હતી અને આ યાદીમાં હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીરનો સમાવેશ થતો હતો.
એક તબક્કે જૂનાગઢ નવગઠિત પાકિસ્તાનમાં નથી ભળવા માગતું એવું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું, પરંતુ એ પછી કદાચ 'પૅલેસ પૉલિટિક્સ'એ જ ભાગ ભજવ્યો કે જૂનાગઢનું કોકડું ગૂંચવાયું.
એ પછી 'આરઝી હકૂમત' દ્વારા જૂનાગઢને ભારતમાં ભેળવવા માટે ચળવળ હાથ ધરવામાં આવી અને પોણા ત્રણ મહિના પછી તેનાં ફળ મળનાર હતાં.
મુઘલોનું પતન, બાબીઓનો ઉદય
જૂનાગઢમાં ચુડાસમા શાસકોનું રાજ હતું. મહમદ બેગડાએ તેમને પરાજય આપ્યો, એ પછી ત્યાં સલ્તનતકાળની શરૂઆત થઈ. અકબરના સમયમાં તે દિલ્હી દરબારને આધીન હતું. અમદાવાદનો સુબેદાર આ વિસ્તારનો સીધો સત્તાધીશ હતો.
ભારતના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે મળીને ભારતનાં રજવાડાંના વિલીનીકરણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા વી.પી. મેનને તેમના પુસ્તક 'ધ સ્ટૉરી ઑફ ઇન્ટિગ્રૅશન ઑફ ધ ઇન્ડિયન સ્ટૅટ્સ'માં (છઠ્ઠું પ્રકરણ) જૂનાગઢ વિશે લખ્યું છે. તેઓ લખે છે :
ઈ.સ. 1735 આસપાસ મુઘલ સલ્તનતનું પતન થવા લાગ્યું હતું. આવા સમયે શેરખાન બાબી નામના કાબેલ સૈનિકે મુઘલ સુબેદારને ઉઠાડી મૂક્યો અને શાસનની ધુરા પોતાને હસ્તક લઈ લીધી. આમ જૂનાગઢમાં બાબી વંશની સ્થાપના થઈ. છેલ્લા નવાબ મહાબતખાન રસૂલખાન તેમના જ વંશજ હતા.
એપ્રિલ-1947 દરમિયાન પ્રાદેશિક અખબારોમાં વ્યાપકપણે ચર્ચા હતી કે જૂનાગઢ પાકિસ્તાન સાથે જોડાશે. ત્યારે તા. 22 એપ્રિલના જૂનાગઢ સરકારના ગૅઝેટમાં જૂનાગઢના દીવાન અબ્દુલ કાદીર મોહમ્મદ હુસૈનનું નિવેદન છપાયું, જેમાં પાકિસ્તાન સાથે જોડાવા સંદર્ભે જૂનાગઢ વિચારણા કરી રહ્યું હોવાની વાતને રદિયો આપવામાં આવ્યો હતો. આ સિવાય જૂનાગઢની સેનામાં પાકિસ્તાનથી બલૂચ તથા હૂણ સૈનિકોને ભરતી કરવામાં આવ્યા હોવાની વાત પણ નકારી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'ભુટ્ટોના પ્રભાવમાં બાબી'
મેનન તેમના પુસ્તકના ઉપરોક્ત પ્રકરણમાં લખે છે કે 25 જુલાઈના લૉર્ડ માઉન્ટબૅટને રજવાડાંને સંબોધિત કર્યા હતા. ત્યારે જૂનાગઢના નવાબના પ્રતિનિધિ તરીકે નબી બક્ષ હાજર રહ્યા હતા. જેઓ બંધારણીય બાબતમાં નવાબના સલાહકાર તથા દીવાનના ભાઈ હતા.
નબી બક્ષે લૉર્ડ માઉન્ટબૅટનને અનેક સવાલ પૂછ્યા હતા, જેના તેમણે વિસ્તારપૂર્વક નિખાલસતાથી જવાબ આપ્યા હતા.
એ પછી તેમણે માઉન્ટબૅટન સાથે પણ વ્યક્તિગત મુલાકાત કરી હતી. નબી બક્ષે દિલ્હી ખાતે જામનગરના તત્કાલીન શાસક તથા સરદાર વલ્લભભાઈ પટેલ સાથે પણ બેઠકો યોજી હતી. તમામને એવો આભાસ કરાવવામાં આવ્યો હતો કે જૂનાગઢ ભારત સાથે જોડાશે.
જૂનાગઢ અને પાકિસ્તાન જમીનમાર્ગે જોડાયેલા ન હતા તથા વેરાવળના બંદરેથી કરાચીનું અંતર ત્રણસો માઈલ જેટલું હતું. તેનો વિસ્તાર ત્રણ હજાર 337 માઈલનો હતો તથા ત્યાં છ લાખ 71 હજાર જેટલી વસતી હતી, જેની એંસી ટકા વસતી હિંદુ હતી.
ગોંડલ, ભાવનગર તથા નવાનગરના રાજની વચ્ચેના અમુક વિસ્તાર જૂનાગઢને અધીન હતા, આવી જ રીતે બરોડા સ્ટેટના અમુક વિસ્તારોમાં જવા માટે જૂનાગઢ સ્ટેટના હદવિસ્તારમાંથી થઈને પસાર થવું પડતું. રેલવે, પોલીસ, પોસ્ટ અને ટેલિગ્રામ જેવી સુવિધાઓ આપવા માટે સુગમ અવરજવર જરૂરી હતી.
ભારત, પાકિસ્તાન કે સ્વતંત્ર?
લૉર્ડ માઉન્ટબૅટન અને નબી બક્ષ વચ્ચેની મુલાકાત પહેલાં જૂનાગઢમાં એક મહત્ત્વપૂર્ણ ઘટના ઘટી હતી. વર્ષ 1947ની શરૂઆતમાં જૂનાગઢના દીવાને સિંધના જાગીરદાર તથા મુસ્લિમ લીગના રાજનેતા શાહનવાઝ ભુટ્ટોને સ્ટેટના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું. તેઓ બીમાર થયા અને વિદેશ સારવાર લેવા ગયા તે પછી 30મી મેના રોજ ભુટ્ટો દીવાન બન્યા.
ઇતિહાસકાર તથા ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધી માને છે કે જૂનાગઢના નવાબને ભારતને બદલે પાકિસ્તાન તરફ દોરી જવામાં ભુટ્ટોની મોટી ભૂમિકા હતી.
રાજમોહન ગાંધીએ સરદાર પટેલ વિશે પુસ્તક 'પટેલ અ લાઇફ' લખ્યું છે, જેમાં જૂનાગઢના સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે તેઓ લખે છે : 'જૂનાગઢના દીવાન શાહનવાઝ ભુટ્ટો ઝીણા સાથે ગાઢ સંપર્કમાં હતા. પોતાના દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતને તિલાંજલિ આપી દઈને હિંદુ બહુમતી ધરાવતાં રાજ્યોને સ્વીકારી લેવા ઝીણા તૈયાર હતા. ઝીણાની સલાહ અનુસાર ભુટ્ટોએ ઑગસ્ટની 15 તારીખ સુધી કશું કર્યું નહીં. આ દિવસે પાકિસ્તાન સ્થપાયું અને જૂનાગઢે તેમાં જોડાઈ જવાનો પોતાનો નિર્ણય જાહેર કર્યો.'
જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડતી વખતે ત્યાંની પ્રજાનો મનસૂબો જાણવાનો પ્રયાસ થયો હોય એવું જોવા મળતું નથી. જૂનાગઢના અગ્રણીઓ તથા કાઠિયાવાડ રાજકીય પરિષદના ઉચ્છંગરાય ઢેબર સહિતના લોકોએ ભુટ્ટોએ સમજાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ કોઈ અસર ન થઈ.
છેવટે 15મી ઑગસ્ટના તેમણે જૂનાગઢ સાથે જોડાવાની જાહેરાત કરી હતી. એક મહિના સુધી પાકિસ્તાને કોઈ જવાબ ન આપ્યો. છેવટે 13મી સપ્ટેમ્બરે પાકિસ્તાને તાર મારફત જૂનાગઢના જોડાણનો સ્વીકાર કર્યો.
આરઝી હકૂમતે હિંદની આરઝુ
19મી સપ્ટેમ્બરે સરદાર પટેલે ભારત સરકારનાં રજવાડાં ખાતાના સચિવ વી.પી. મેનનને જૂનાગઢ મોકલ્યા. નવાબ તો મળ્યા નહીં પણ ભુટ્ટોએ જવાબો આપ્યા. રાજમોહન ગાંધીએ લખ્યું છે કે 'ભુટ્ટોએ ગોળગોળ જવાબો આપ્યા.'
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇતિહાસના નિવૃત્ત પ્રાધ્યાપક 'જૂનાગઢના નવાબી શાસનનો અંત'માં લખે છે કે પ્રજા કાયદો હાથમાં લે અને સમાંતર સરકારની સ્થાપના કરે એવો વિકલ્પ વિચારવામાં આવ્યો હતો. આ અંગે વી.પી. મેનને સરદાર પટેલને જાણ કરી, પરંતુ આમ કરવાથી ભવિષ્યમાં ગૂંચવણો ઊભી થાય એમ હતી, એટલે સરદાર પટેલે આ વિકલ્પ નકારી કાઢ્યો.
કાયદાકીય જોગવાઈઓને કારણે જૂનાગઢના પ્રશ્ને ભારત પ્રત્યક્ષ રીતે દખલ કરી શકે એમ ન હતું. સરદારનું કહેવું હતું કે જૂનાગઢની જનતાએ પોતાના અધિકાર માટે લડવું જોઈએ.
આથી, 25 સપ્ટેમ્બરના ઔપચારિક રીતે 'આરઝી હકૂમત'ની સ્થાપના કરી. પ્રધાનમંડળનું ગઠન થયું. જો શામળદાસ ગાંધી સરનશીન (વડા) હતા, તો આ લોકસેનાના સરસેનાપતિ રતુભાઈ અદાણી હતા.
રાજમોહન ગાંધીના સરદાર પટેલ વિશેના પુસ્તકમાં લખ્યું છે કે '27 ઑક્ટોબરે ભુટ્ટોએ ઝીણા પર પત્ર લખ્યો : "અમારી આવક તળિયે બેઠી છે. અનાજની પરિસ્થિતિ ભયંકર ચિંતા ઉપજાવે છે. નવાબસાહેબ અને રાજકુટુંબે ચાલ્યા જવું પડ્યું છે. કાઠિયાવાડના મુસલમાનોને પાકિસ્તાન માટે કશો રસ રહ્યો દેખાતો નથી. હું વધારે કહેવા ઇચ્છતો નથી. મંત્રીમંડળનાં મારા પીઢ સાથી કૅપ્ટન હાર્વે જોન્સે તમને પરિસ્થિતિની ગંભીરતા સમજાવી હશે."
બીજી નવેમ્બરે આરઝી હકૂમતે નવાગઢનો કબજો લીધો. પાંચ દિવસ પછી ભુટ્ટોએ હાર્વે જૉન્સને રાજકોટ શામળદાસ ગાંધી પાસે મોકલ્યા, અને જૂનાગઢનો કબજો લેવાની વિનંતી કરી.
બીજા દિવસે - આઠ નવેમ્બરે ભુટ્ટોએ દરખાસ્ત બદલાવી. આરઝી હકૂમત નહીં ભારત સરકારે કબજો લેવો. શામળદાસ ગાંધીએ નવી દરખાસ્તનો કશો વિરોધ કર્યો નહીં. આ દરખાસ્ત નીલમભાઈ બુચ પાસે રજૂ કરવામાં આવી હતી.
દિલ્હીએ પશ્ચિમ ભારત અને ગુજરાતનાં રજવાડાં માટે નીલમભાઈ બુચને રિજિયોનલ કમિશનર તરીકે નીમ્યા હતા. 9 નવેમ્બર, 1947ના રોજ તેમણે કબજો લીધો હતો. તેથી જૂનાગઢનો સ્વાતંત્ર્યદિન 9 નવેમ્બર ગણાય છે.
1948ના ફેબ્રુઆરીની 20મી તારીખે લોકમત લેવામાં આવ્યો હતો. 2,01,457 નોંધાયેલા મતદારોમાંથી 1,90,870 લોકોએ મતદાન કર્યું હતું. જેમાંથી પાકિસ્તાનની તરફેણમાં માત્ર 91 મત પડ્યા હતા.
માણાવદર, માંગરોળ, બાબરિયાવાડ તથા બીજા બે ખંડિયા વિસ્તારોમાં પણ લોકમત સાથોસાથ લેવાયો. આ વિસ્તારોમાં 31,434 મતોમાંથી પાકિસ્તાન તરફ માત્ર 39 મત હતા. આમ આ રીતે દેશ સ્વતંત્ર થયો એ પછી જૂનાગઢ સ્વતંત્ર થયું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન