You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આ ટોપી 5.28 કરોડમાં વેચાઈ, જાણો તેની કહાણી
- લેેખક, એલેક્સ ફિલિપ્સ
- પદ, બીબીસી ન્યૂઝ
અભિનેતા હેરિસન ફૉર્ડે ઇન્ડિયાના જૉન્સની બીજી સિઝનમાં પહેરેલી ટોપીને અંદાજે 6.30 લાખ અમેરિકી ડૉલર (અંદાજે 5.28 કરોડ રૂપિયા)માં વેચવામાં આવી છે.
આ ટોપીની હરાજી કરવામાં આવી હતી.
‘ધી બ્રાઉન ફેલ્ટ ફેડોરા’ નામની આ ટોપીને ‘ટૅમ્પલ ઑફ ડૂમ’ ફિલ્મ માટે જ ખાસ બનાવવામાં આવી હતી. તેની લૉસ એન્જેલસમાં તાજેતરમાં હરાજી કરવામાં આવી હતી જેમાં તે 5.28 કરોડ રૂપિયામાં વેચાઈ હતી.
સ્ટાર વૉર્સ, હેરી પૉટર અને જેમ્સ બૉન્ડ પ્રોડક્શન્સના પ્રોપ્સ સહિત ‘મૂવી મેમોરેબિલિયા’ની અન્ય વસ્તુઓ પણ તે જ સમયે વેચવામાં આવી હતી.
જૉન્સ એક ઍડવેન્ચરસ પુરાતત્ત્વવિદ છે જેઓ ફિલ્મમાં આ ટોપી પહેરે છે. આ ટોપી પહેરીને તેઓ તેમના સાથીઓ સાથે એક ક્રૅશ થઈ રહેલા વિમાનમાંથી કૂદકો મારે છે.
ફિલ્મમાં જ્યારે આ ટોપીનો થયો ઉપયોગ
ફિલ્મના આ દૃશ્ય દરમિયાન તેઓ નાઇટક્લબ સિંગર વિલ્હેમિના ‘વિલી’ સ્કૉટ (કેટ કૅપશો દ્વારા ભજવાયેલું પાત્ર) તથા તેમના 12 વર્ષ જૂના મિત્ર શૉર્ટ રાઉન્ડ (કે હુઇ ક્વાન દ્વારા ભજવાયેલું પાત્ર) સાથે પ્લેનમાં સવાર દેખાય છે. તેઓ એક ચાઇનીઝ ગુનાહિત ટુકડીની પકડમાંથી છટકીને ભાગી રહ્યા હતા.
પાઇલટે ફ્લાઇટમાં તોડફોડ કર્યા પછી આ ત્રણેય લોકો પહાડ તરફ જતાં પહેલાં જ વિમાનમાંથી નીચે કૂદી પડવા માટે એક તરાપા જેવી વસ્તુનો ઉપયોગ કરે છે.
હરાજી કરનાર સમૂહે કહ્યું છે કે આ ટોપીનો ઉપયોગ પ્રોડ્યુસર જ્યૉર્જ લુકાસના વિઝ્યુઅલ ઇફેક્ટ્સ સ્ટુડિયોમાં પણ બીજી ફોટોગ્રાફી કરવા માટે થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1984ન ફિલ્મમાં ડિયાન ફેરાન્ડિનીએ ફોર્ડેના સ્ટન્ટ-ડબલ દૃશ્યમાં ‘ધી ફેડોરા’ પહેરી હતી. તેની ભૂતકાળમાં પ્રકાશિત ન થઈ હોય તેવી તસવીરો સાથે તેને વેચાવા માટે મૂકવામાં આવી હતી.
ફેરાન્ડિનીનું ગત વર્ષે મૃત્યુ થયું હતું. આ ટોપી તેમના અંગત કલેક્શનમાંથી આવી હતી.
કાળા રંગની ફેડોરા એ પહેલી ઇન્ડિયાના જ્હૉન્સ ફિલ્મ ‘રેઇડર્સ ઑફ ધી લોસ્ટ અર્ક’માં દર્શાવવામાં આવેલી ટોપીની જ એક અપડેટ છે.
હરાજી કરનાર સમૂહના જણાવ્યા અનુસાર, આ ટોપી આગળથી થોડી વધુ પાતળી છે.
તેને હર્બટ જ્હૉન્સન નામની લંડનની હૅટ કંપની દ્વારા બનાવવામાં આવી છે અને તેની અંદર લાઇનિંગ કરેલી છે. અંદર સોને મઢેલા અક્ષરો ‘IJ’ પણ લગાવવામાં આવ્યા છે.
અન્ય કઈ વસ્તુઓ વેચાઈ?
આ હરાજીમાં 1983માં સ્ટાર વૉર્સની ફિલ્મ ‘ધ રિટર્ન ઑફ ધી જેદી’માં વપરાયેલી ઇમ્પિરિયલ સ્કાઉટ ટ્રૂપર હેલ્મેટની પણ હરાજી થઈ હતી. તેનું વેચાણ અંદાજે 3.15 લાખ અમેરિકી ડૉલરમાં થયું હતું.
એ સિવાય હેરી પૉટરની ફિલ્મમાં ડેનિયલ રેડક્લિફે વાપરેલી લાઇટ-અપ વૉન્ડ પણ 35 હજાર અમેરિકી ડૉલરમાં વેચાઈ હતી.
હરાજી કરનાર સમૂહના સીઓઓ બ્રૅન્ડન ઍલિંજરે કહ્યું હતું કે, “હરાજી કરનાર અમારો સમૂહ એ આવા સારા ફેન મેળવીને ગર્વની લાગણી અનુભવે છે કે જેઓ આવી ઐતિહાસિક ચીજોનો સંગ્રહ કરવા માટે આતુર છે.”
ઇન્ડિયાના જૉન્સની આ ટોપીએ જે ટૅમ્પલ ઑફ ડૂમ ફેડોરા 2021માં વેચાઈ હતી તેના કરતાં લગભગ બે ગણી કિંમત મેળવી છે.
હૉલીવૂડ રિપોર્ટર અનુસાર, 2021માં તેને અંદાજે ત્રણ લાખ અમેરિકી ડૉલર મળ્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન