You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇસ્લામી આગેવાની ધરાવતા આ દેશમાં 'ગાંધી યુગ'ની શરૂઆત થઈ રહી છે?
- લેેખક, ઝુબૈર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા
તુર્કીમાં રવિવારે સંસદ અને રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ. આ ચૂંટણીમાં લાંબા સમયથી સત્તામાં રહેલા રેચેપ તૈય્યપ અર્દોઆનને વિપક્ષી નેતા કમાલ કલચદારલૂ પડકારી રહ્યા છે.
રાષ્ટ્રપતિ અર્દોઆનની પાર્ટીનું નામ એકેપી (જસ્ટિસ ઍન્ડ ડૅવલપમેન્ટ) છે. જ્યારે પ્રમુખ વિપક્ષી પાર્ટી રિપબ્લિકન પીપલ્સ પાર્ટી નેશન અલાયન્સ અંતર્ગત પાંચ અન્ય પાર્ટીઓ સાથે મળીને ચૂંટણી લડી રહી છે.
14 મેની ચૂંટણીના પરિણામથી એ સ્પષ્ટ થઈ જશે કે તુર્કીની જનતા અર્દોઆનના 20 વર્ષના કામથી ખુશ છે અને હજુ પણ તેમના નેતૃત્વમાં ભરોસો રાખે છે કે પછી સત્તાપરિવર્તન ઇચ્છે છે.
તુર્કી આ વર્ષે ઑક્ટોબરમાં ગણતંત્રની શતાબ્દી ઉજવશે. દેશભરમાં એક મોટા ઉત્સવની તૈયારીઓ ચાલી રહી છે.
તુર્કી ગણરાજ્યની સ્થાપના 29 ઑક્ટોબર 1923ના રોજ થઈ હતી અને મુસ્તફા કમાલ અતાતુર્કને પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે નીમવામાં આવ્યા હતા.
આધુનિક તુર્કીના સંસ્થાપક માનવામાં આવતા કમાલ અતાતુર્કે એક ધર્મનિરપેક્ષ અને તુર્ક રાષ્ટ્રવાદી રાજ્ય તરીકે તુર્કી ગણરાજ્યનો પાયો નાખ્યો હતો.
આ રીતે એ ઐતિહાસિક 'દૌર-એ-ઉસ્માનિયા'ના તુર્ક સામ્રાજ્યનો વિનાશ થઈ ગયો જે સેંકડો વર્ષોથી ઇસ્લામિક કાયદા મુજબ ચાલી રહ્યો હતો.
સાડા આઠ કરોડની વસતી ધરાવતા દેશ તુર્કી માટે શતાબ્દી સમારોહ એક મોટો અવસર હશે, પરંતુ કહેવામાં આવે છે કે છેલ્લાં 20 વર્ષમાં તુર્કી કમાલ અતાતુર્કે બનાવેલું તુર્કી રહ્યું નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લોકો કહે છે કે રાષ્ટ્રપતિ અર્દોઆન 2003માં સત્તામાં આવ્યા બાદથી તુર્કીને એક રૂઢિવાદી વિચારધારા ધરાવતો દેશ બનાવવામાં લાગી ગયા છે.
મોટા ફેરફારોમાંથી પસાર થઈ રહેલો દેશ
અમેરિકાની સૅન ડિએગો સ્ટેટ યુનિવર્સિટીમાં રાજનીતિ વિજ્ઞાનના પ્રોફૅસર અને મૂળ તુર્કીના અહમત ટી. કુરુ પ્રમાણે, સત્તામાં આવતા જ અર્દોઆને અતાતુર્કના વારસાને ભૂંસવાનો શરૂ કરી દીધો.
અર્દોઆન 2003થી 2014 સુધી વડા પ્રધાન હતા, બાદમાં તેઓ રાષ્ટ્રપતિ બન્યા.
તેઓ આગળ કહે છે, "પોતાનાં 20 વર્ષનાં શાસનમાં અર્દોઆને અલગ-અલગ રીતે ઑટોમનના સમયને પુનઃજીવિત કરવાનો પ્રયત્ન કર્યો. ઐતિહાસિક સંગ્રહાલય હાયા સોફિયાને ફરીથી મસ્જિદમાં ફેરવવાથી લઈને સરકારી ટીવી ચૅનલ પર ઑટોમન યુગનો મહિમા દેખાડવા ઐતિહાસિક ટીવી સીરિયલ બનાવવા સુધીના કામો તેમણે કર્યા છે."
તુર્કીનો વહેંચાયેલો સમાજ
હું છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણી વખત તુર્કી ગયો છું. તેનાં ઘણાં નાનાં-મોટાં શહેરોને જોયાં છે અને લોકો સાથે વાતચીત કરી છે. મને હંમેશાંથી તુર્કીનો સમાજ વહેંચાયેલો લાગે છે. એક બાજુ અર્દોઆનના સમર્થકો છે અને બીજી બાજુ તેમના ટીકાકારો.
ધર્મનિરપેક્ષ અને પશ્ચિમી દેશોમાં ભણેલા લોકોમાં સામાન્ય રીતે અર્દોઆનની ટીકા થતી હોય છે, પરંતુ દેશનાં નાનાં શહેરોમાં તેમની લોકપ્રિયતા સ્પષ્ટપણે જોઈ શકાય છે.
પરંતુ હાલનાં વર્ષોમાં રાષ્ટ્રપતિ અર્દોઆનના સમર્થકોને પણ તેમની આર્થિક નીતિ અને વધતી જતી બેરોજગારી વિશે ટીકા કરતા જોયા. તેઓ અર્દોઆન માટે 'સરમુખત્યાર' જેવા શબ્દો પણ ઉચ્ચારતા હતા.
વિશેષજ્ઞો કહે છે કે તાજેતરમાં આવેલા ભયાનક ભૂકંપથી સર્જાયેલી જબરદસ્ત તારાજીએ તેમની મુશ્કેલી વધારી છે.
ચૅન સેક્ચુકિ ઇસ્તંબુલસ્થિત પોલિંગ એજન્સી તુર્કીએ રેપોરુના સંચાલક છે. તેઓ કહે છે કે આ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ અર્દોઆન વિરુદ્ધ એક ખાસ વાત જઈ રહી છે અને તે છે વિપક્ષનું એકજૂટ થવું અને એક સામૂહિક ઉમેદવાર ઊભો રાખવો.
આ ઉમેદવાર છે રિપબ્લિકન પીપલ્સ પાર્ટીના નેતા કમાલ કલચદારલૂ.
રાષ્ટ્રપતિ અર્દોઆન છેલ્લાં 20 વર્ષમાં ઘણી ચૂંટણી જીતી ચૂક્યા છે, પરંતુ વિશેષજ્ઞો કહે છે કે રવિવારે યોજાનારી ચૂંટણીમાં તેમની જીત પાક્કી નથી. એટલે લોકોના મનમાં એક મોટો સવાલ એ છે કે આ શતાબ્દી સમારોહનું નેતૃત્ત્વ કોણ કરશે?
તુર્કીના લોકો ખુદ તેનો નિર્ણય રવિવારે યોજાનારી ચૂંટણીમાં કરશે. છ કરોડથી વધુ લોકો મતદાન કરવા યોગ્ય છે. આ ચૂંટણી આધુનિક સમયમાં તુર્કીની સૌથી મહત્ત્વપૂર્ણ ચૂંટણી સાબિત થઈ શકે છે.
'તુર્ક ગાંધી' વિરુદ્ધ અર્દોઆન
તુર્કીમાં લોકોની એક વાત પર સહમતિ છે કે રાષ્ટ્રપતિ અર્દોઆન માટે આ ચૂંટણીમાં ઘણા પડકારો છે. છ વિપક્ષી પાર્ટીઓએ એક સાથે આવીને રાષ્ટ્રપતિ પદ માટે એક અનુભવી પ્રચારક અને રિપબ્લિકન પીપલ્સ પાર્ટીના નેતા કલચદારલૂને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
'તુર્ક ગાંધી' કહેવાતા 74 વર્ષીય કમાલ કલચદારલૂ ચૂંટણી પહેલાંના પોલ્સમાં રાષ્ટ્રપતિ અર્દોઆન પર લીડ ધરાવી રહ્યા છે.
પહેલાં વડા પ્રધાન તરીકે અને હવે રાષ્ટ્રપતિ તરીકે રાષ્ટ્રપતિ અર્દોઆન 20 વર્ષથી તુર્કી પર રાજ કરી રહ્યા છે. તેમના ટીકાકારો કહે છે કે તેઓ ખુદને 'એક બુદ્ધિમાન, અનુભવી નેતા તરીકે પ્રસ્તુત કરી રહ્યા છે. જે બધુ જ જાણે છે.' તેમના વિચાર મુજબ તેમણે પાવર પોતાના હાથોમાં લઈ લીધો છે, પરંતુ તેમના પ્રશંસક તેમને આધુનિક તુર્કીના સ્થાપક માને છે.
ચૅન સેક્ચુક ઇસ્તંબુલથી ફોન પર વાત કરતા કહે છે કે કમાલ કલચદારલૂને થોડીક લીડ જરૂર મળી છે, પરંતુ અત્યારે એ કહેવું મુશ્કેલ છે કે એ પ્રથમ તબક્કામાં પૂર્ણ થશે કે બીજા તબક્કામાં. પરંતુ જો એ પ્રથમ રાઉન્ડમાં જ સમાપ્ત થઈ જશે તો એમ લાગે છે કે જીત થશે.
તુર્કીના પત્રકાર નેવસીન મૅંગ્યૂએ તુર્કી ચૂંટણી પર અમેરિકન થિંક ટૅન્ક 'બ્રૂકિંગ્સ' ની એક ડિબેટમાં કહ્યું કે બીજા તબક્કાનો અર્થ હશે કે અર્દોઆનની જીત.
તેમણે કહ્યું, "એમ લાગે છે કે ચૂંટણી બીજા તબક્કામાં જઈ શકે છે. જો એમ થશે તો એ અર્દોઆનના પક્ષમાં જઈ શકે છે. તેઓ લોકોને સમજાવવાનો પ્રયત્ન કરશે કે માત્ર તેઓ જ દેશને અરાજકતાથી બચાવી શકે છે અને સ્થિરતા લાવી શકે છે."
પ્રથમ તબક્કામાં ચૂંટણી જીતવા માટે એક ઉમેદવારે 50 ટકા થી વધુ વોટની જરૂર હોય છે. જરૂર પડી તો ચૂંટણીનો બીજો તબક્કો 28 મેના રોજ યોજાઈ શકે છે.
આ ચૂંટણી કેટલી મહત્ત્વપૂર્ણ?
20 વર્ષનાં શાસન બાદ રાષ્ટ્રપતિ અર્દોઆનની લોકપ્રિયતા ઘટતી જોવા મળી રહી છે. આ ચૂંટણી અર્દોઆનનો જાદુ ઊતરવાની શરૂઆત હોઈ શકે છે.
ચૂંટણી વિશેષજ્ઞ ચૅન સૅક્ચુકિ કહે છે કે લોકો પરિવર્તન માટે તૈયાર છે. તેમનું કહેવું છે, "છેલ્લાં પાંચ વર્ષમાં રાષ્ટ્રપતિ અર્દોઆનનું સમર્થન શહેરી વિસ્તારોમાંથી ઘટીને ગ્રામીણ વિસ્તારો તરફ વધી ગયું છે, પરંતુ હજી પણ એવા લોકો છે જે તેમના સમર્થનમાં છે. જે કદાચ જીત માટે પર્યાપ્ત ન પણ હોઈ શકે."
વિશેષજ્ઞો કહે છે કે આ ચૂંટણી તુર્કીના ભવિષ્ય માટે એક મહત્ત્વપૂર્ણ વળાંક હોઈ શકે છે કારણ કે વિપક્ષ સંસદીય પ્રણાલીમાં પાછા ફરવાનો વાયદો કરી રહ્યું છે.
સિનાન ઉલગેન તુર્કીના પૂર્વ રાજદ્વારી છે. જે હાલ ઇસ્તંબુલસ્થિત સેન્ટર ફૉર ઇકોનૉમિક્સ ઍન્ડ ફૉરેન પૉલિસીના અધ્યક્ષ છે.
બ્રૂકિંગ્સ સંસ્થા તરફથી આયોજિત તુર્કીની રાષ્ટ્રપતિની ચૂંટણી વિશેની ડિબેટમાં તેમણે કહ્યું, "બંને મોટા ગઠબંધન સમાજના બે ઘણા અલગ દૃષ્ટિકોણ રજૂ કરી રહ્યા છે. એક ગઠબંધન (અર્દોઆનના નેતૃત્વવાળું) હવે વધુ રૂઢિવાદી થઈ ગયું છે. બીજું ગઠબંધન એ કહેવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે સમાજને કેવી રીતે ચલાવવો જોઈએ. તેમનો દૃષ્ટિકોણ તુર્કીને પશ્ચિમી દેશોની નજીક લાવવા, નાગરિક સ્વતંત્રતામાં સુધારો કરવો, જાતીય સમાનતાને વધારવી અને લોકતંત્રના મૂળિયા મજબૂત કરવાનો છે."
સૅન ડિએગો સ્ટેટ યુનિવર્સિટીમાં રાજનીતિ વિજ્ઞાનના પ્રોફૅસર અહમત ટી. કુરુ કહે છે કે તુર્કીની ચૂંટણી હકીકતમાં ઐતિહાસિક છે. "એ નક્કી કરશે કે રાષ્ટ્રપતિ અર્દોઆન ખુદને 'નવા તુર્કી'ના સ્થાપક બનાવવામાં કેટલી હદે સફળ થશે. અર્દોઆન અને તેમના સમર્થકોએ દાવો કર્યો છે કે તેઓ ઇસ્લામવાદ પર આધારિત એક નવું તુર્કી બનાવી રહ્યા છે. આ એક સદી પહેલાં ધર્મનિરપેક્ષતાના આધાર પર સ્થાપિત કરાયેલા 'જૂના તુર્કી'થી ઘણું અલગ હશે."
પ્રોફૅસર અહમત ટી. કુરુ પ્રમાણે, જો મુખ્ય વિપક્ષના ઉમેદવાર જીતશે તો રાષ્ટ્રપતિ અર્દોઆનના ઇસ્લામવાદ અને તેમના 'એકાધિકારવાળા શાસન'નો અંત આવશે. તેનું પરિણામ અને અસર દેશમાં ઇસ્લામ, રાજ્ય સંબંધો, મહિલાઓના અધિકાર, આર્થિક નીતિઓ અને વિદેશ નીતિ સહિત ઘણા મામલા પર અસર પડશે.
પરંતુ જો અર્દોઆન જીતશે તો તેમને દેશની રાજનીતિ અને સમાજ પર પોતાની વધુ ઊંડી છાપ છોડવાની તક મળશે. પશ્ચિમી દેશોમાં ડર છે કે તેઓ દેશને ધાર્મિક રૂપથી રૂઢિવાદી મૉડલ તરફ ધકેલવાના પૂરજોશમાં પ્રયાસ કરશે અને પશ્ચિમી દેશોથી વધારે અંતર કેળવવાના પોતાના રસ્તા પર બન્યા રહેશે.
ભારત-તુર્કીના સંબંધો પર શું અસર પડશે
રાષ્ટ્રપતિ અર્દોઆનના શાસનકાળમાં ભારત-તુર્કીના સંબંધોમાં ઉષ્માનો અભાવ જોવા મળ્યો હતો, પરંતુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાને કારણે બંને દેશો વચ્ચે તણાવગ્રસ્ત પરિસ્થિતિ છે.
ઘણા રાજકીય વિશ્લેષકો પણ રાષ્ટ્રપતિ અર્દોઆન અને વડા પ્રધાન મોદી વચ્ચે સમાનતા જુએ છે. પ્રોફૅસર અહમત કુરુ કહે છે, "અર્દોઆનના તુર્કી અને મોદીના ભારતમાં ઘણી સામ્યતા છે. બંને દેશોમાં જમણેરી લોકશાહી સરકારો છે. જેણે રૂઢિચુસ્તતા, ધર્મઆધારિત રાષ્ટ્રવાદ અને કથિત ચોક્કસ વર્ગ વિરુદ્ધ તેમના ભાષણો માટે લોકપ્રિયતા મેળવી છે."
ભારતના નિષ્ણાતોનો અભિપ્રાય છે કે જો અર્દોઆન જીતીને સત્તામાં પાછા ફરશે તો જ્યાં સુધી તેઓ કાશ્મીરનું નામ લેવાનું બંધ નહીં કરે ત્યાં સુધી ભારત-તુર્કીના સંબંધોમાં સુધારાની કંઈ વધારે આશા નથી.
પરંતુ જો તેમના હરીફ કમાલ કલચદારલૂ જીતી જાય તો બંને દેશો વચ્ચેના સંબંધોમાં ઉષ્મા ફરી વધી શકે છે.
એક સમયે ભારતના વિદેશ મંત્રાલય સાથે સંકળાયેલા એક વરિષ્ઠ નેતાએ કહ્યું, "કમાલ કલચદારલૂ લોકશાહીમાં માને છે, માનવાધિકારોનું પાલન કરવાની તરફેણમાં છે અને બિનસાંપ્રદાયિક છે. તેઓ પશ્ચિમી દેશો અને ભારત બંને સાથે સંબંધો મજબૂત કરવાનો પ્રયાસ કરશે અને અમને આશા છે કે કાશ્મીરનો મુદ્દો ઊઠાવવાનું ટાળશે."
આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ચૂંટણી કેટલી મહત્ત્વપૂર્ણ?
તુર્કી પોતાની ભૌગોલિક સ્થિતિના કારણે ઘણો મહત્ત્વપૂર્ણ દેશ છે. તે ન માત્ર નેટોનો સભ્ય છે, પરંતુ પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિનો સંગમ પણ છે. તુર્કી એક ક્ષેત્રીય શક્તિ છે અને બગડતી આર્થિક સ્થિતિ વચ્ચે પણ તેની અર્થવ્યવસ્થા વિશ્વની ટોચની 20 અર્થવ્યવસ્થાઓમાં છે.
રાજકીય વિશ્લેષકો કહે છે કે તુર્કી એક મહત્ત્વપૂર્ણ નેટો સભ્ય અને ક્ષેત્રીય વિસ્તાર હોવાથી પશ્ચિમી દેશો સાથે તેના સંબંધો અને પાવરના વૈશ્વિક સંતુલનના કારણે તેનું ચૂંટણીપરિણામ મહત્ત્વપૂર્ણ હશે.
તુર્કીમાં સામાન્ય લોકોની ધારણા છે કે વિપક્ષના જીતવાથી પણ તેની વિદેશ નીતિઓમાં વધારે ફેરફાર જોવા નહીં મળે.
ચૅન સેક્ચુકિ પ્રમાણે, એ વાત પર ચર્ચા ચાલી રહી છે કે અર્દોઆનના હારવાથી અને વિપક્ષના જીતવા પર વિદેશ નીતિમાં કેટલો ફેરફાર આવશે.
કેટલાક લોકોનો તર્ક છે કે અર્દોઆનનો અમેરિકા-વિરોધ ચાલુ રહી શકે છે. પ્રોફૅસર અહમત કુરુનો પણ વિચાર છે કે જો વિપક્ષી ઉમેદવાર જીતશે તો સૌથી ઓછું પરિવર્તન વિદેશ નીતિમાં આવશે.
આ વચ્ચે તુર્કીના લોકો રાહ જોઈ રહ્યા છે કે ઑક્ટોબરમાં ગણરાજ્યના શતાબ્દી સમારોહનું નેતૃત્વ એક રૂઢિવાદી રાષ્ટ્રપતિ કરશે કે પછી એક સૅક્યુલર રાષ્ટ્રપતિ.