You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'તુર્કીમાં મારું કશું બચ્યું નથી', ભૂકંપથી બરબાદ થઈ ગયેલા લોકોની દર્દનાક કહાણી
- લેેખક, નીતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા
બે વિશાળકાય દરવાજાની ચારે તરફ કાંટાળા તારની વાડ બાંધવામાં આવેલી છે.
એક દરવાજા ઉપર તુર્કીનો ધ્વજ છે, જ્યારે બીજા પર સીરિયાના એક બળવાખોર જૂથનો. તેનું કારણ એ છે કે દક્ષિણ તુર્કીને અડીને આવેલા અનેક વિસ્તારોમાં બશર અલ-અસદની સરકારનો અંકુશ નથી.
સવારના સાત વાગ્યા છે. ઉષ્ણતામાન માઇનસ બે ડિગ્રી છે. તુર્કી તરફની સરહદે લોકોની ભીડ એકઠી થઈ રહી છે. દર પાંચ મિનિટે કોઈ મોટરકાર કે નાની વેન આવીને લોકોને મૂકી જાય છે. તેમાં બાળકો છે, વૃદ્ધો છે અને યુવા લોકો પણ છે. પુરુષો છે, મહિલાઓ છે.
એ બધા તેમને ઉજડેલાં ઘરોમાંથી જેટલો સામાન કાઢીને લાવી શક્યા છે એટલો જ છે. અચાનક એક કાર થંભે છે. તેમાંથી ચાર-પાંચ લોકો ઊતરે છે અને ડ્રાઈવરને અલવિદા કહે છે.
બધું જ ગુમાવી ચૂકેલા ગામલોકોનું દુ:ખ
એ પરિવારનું બે માળનું ઘર ભૂકંપના આંચકાથી ધરાશયી થઈ ગયું છે. એ પછી પાંચેય લોકો ટૅન્ટમાં રહેતા હતા. વ્યવસાયે શિક્ષક ઉબૈદ હરાકે નિર્ણય કર્યો હતો કે તેમના માથા પર છત હોવી જરૂરી છે.
ઉબૈદે કહ્યું હતું કે "તુર્કીમાં મારું કશું બચ્યું નથી. હવે હું મારાં માતા-પિતા પાસે ઇદલિબ જઈ રહ્યો છું. પાછો ફરી શકીશ કે નહીં તેની ખબર નથી. નવું ઘર બનાવવા માટે મારી પાસે કશું બચ્યું નથી."
તુર્કીમાં રહેતા સીરિયાના સેંકડો નાગરિકો તાજેતરમાં થયેલા વિનાશક ભૂકંપ બાદ પોતાના દેશમાં પાછા ફરી રહ્યા છે.
તુર્કી સરકારે જેમની પાસે ઓળખપત્ર હોય તેવા સીરિયાના નાગરિકોને પરત જવાની પરવાનગી આપી છે. તેમને છ મહિના સુધી તેમના દેશમાં રહેવાની છૂટ આપવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બૉર્ડર પર ભયનો માહોલ
બીજી તરફ સરહદે તંગદિલી અને ભયનો માહોલ યથાવત્ છે. છેલ્લા બે દિવસમાં અહીં અનેક ઝપાઝપી થઈ છે, કારણ કે જેમની પાસે ઓળખપત્ર ન હોય તેવા લોકોને પાછા મોકલવામાં આવી રહ્યા છે. સીરિયામાં 12 વર્ષ પહેલાં શરૂ થયેલા આંતરવિગ્રહ પછી લગભગ 40 લાખ સીરિયન નાગરિકો તુર્કીમાં વસવાટ કરી રહ્યા છે.
સીરિયાના કેટલાક લોકો એમ પણ જણાવે છે કે ધરતીકંપ પછી તેમને તુર્કીમાં શરણ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.
61 વર્ષના જલાલ દાગલી છેલ્લાં ઘણાં વર્ષોથી તુર્કીના અંતાક્યા શહેરમાં રહેતા હતા. અંતાક્યામાં છઠ્ઠી ફેબ્રુઆરી બે વખત આવેલા ભૂકંપના ભયાનક આંચકાને કારણે વ્યાપક નુકસાન થયું છે.
જલાલ દાગલીએ પોતાના મોબાઇલ ફોનમાં પરિવારના સભ્યોના મૃતદેહની તસવીરો દેખાડતાં કહ્યું હતું કે "મારી પત્ની, ચારેય બાળકો અને મારા ભાઈના પરિવારના છ લોકો કાટમાળમાં દટાઈ ગયાં હતાં. તેમના મૃતદેહ ચાર દિવસ પછી બહાર કાઢી શકાયા હતા. સીરિયામાં મારાં સગાં-સંબંધી જીવંત છે કે નહીં તેની મને ખબર નથી. કોઈ ફોન ઉઠાવતું નથી. ક્યાં રહીશ તે ખબર નથી. જીવનમાં આગળ શું થશે એ પણ ખબર નથી, પરંતુ તુર્કી પાછા ફરવું મુશ્કેલ છે."
તુર્કીની બબ અલ-હવા બૉર્ડર પછી સીરિયાનું ઇદલિબ શહેર આવે છે. ત્યાંથી આગળ જતાં જમણી બાજુ હાલેપ શહેર છે અને ડાબી બાજુનો માર્ગ અલેપો શહેર તરફ જાય છે.
સખાવતી સંસ્થાઓની સહાય
બબ અલ-હવા બૉર્ડર છેલ્લા એક વર્ષથી વિશેષ પરમિટ ધરાવતા લોકો માટે જ ખુલતી હતી, પરંતુ ધરતીકંપ પછી તેને સામાન્ય નાગરિકો માટે પણ ખોલવામાં આવી છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘે શુક્રવારે જણાવ્યું હતું કે તુર્કીથી રાહત સામગ્રી ભરેલી 140 ટ્રક ઉત્તર-પૂર્વ સીરિયામાં પ્રવેશી ચૂકી છે.
બૉર્ડર પર સવારે સાત વાગ્યે એકાદ ડઝન ટ્રક ઊભી હતી, જેની સંખ્યા સાંજ સુધીમાં 58 થઈ ગઈ હતી. આ મોટી ટ્રકોમાં રાહત સામગ્રી ભરેલી હતી.
મહમેત અલામત નામના એક ટ્રક ડ્રાઈવર સાથે મેં વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે "હું જે ધાબળા અને વસ્ત્રો લઈ જઈ રહ્યો છું તે તુર્કીની સરકારે નહીં, પરંતુ એક સખાવતી સંસ્થાએ આપ્યાં છે. ત્યાં પરિસ્થિતિ બહુ ખરાબ હોવાનું સાંભળ્યું છે. મદદના સામાન માટે લૂંટ થાય છે. હું જલદી પાછો ફરવા ઇચ્છું છું."
જે ખુશનસીબ રહ્યા
સીરિયા સાથેની સરહદ પરના બળવાખોર સૈનિકો સાથે વાત કરવાથી ખબર પડી હતી કે પરિસ્થિતિ કેટલી હદે વણસેલી છે.
29 વર્ષના શમીલ એ સવારે અલેપો શહેરની બહારની એક વસાહતમાં રોકાયા હતા.
તેમણે કહ્યું હતું કે "સીરિયાને આંતરરાષ્ટ્રીય મદદ પણ ઓછી મળી રહી છે, જ્યારે ઇદલિબ, અલેપો તથા દરકૂશ જેવાં શહેર બરબાદ થઈ ગયાં છે. માત્ર લોકો જ એકમેકને મદદ કરી રહ્યા છે. હા, રશિયા તથા ઈરાન તરફથી મદદ મળી છે."
સીરિયા પાછા ફરતા લોકોને ખબર છે કે ત્યાં પણ પરિસ્થિતિ વણસેલી હોઈ શકે છે, તેમ છતાં આ ભૂકંપના પ્રકોપમાંથી બચી ગયેલા લોકો ખુદને નસીબદાર ગણીને પાછા ફરી રહ્યા છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો