વિનાશકારી ભૂકંપમાં ભારતે કરેલી મદદથી તુર્કીનું વલણ કૂણું પડશે?

    • લેેખક, રજનીશ કુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા
  • તુર્કીમાં વિનાશક ભૂકંપ બાદ ભારતની મદદને મોદી સરકારની મધ્ય પૂર્વ પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે જોડવામાં આવી રહી છે.
  • 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસે ભારતે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ-સીસીને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું હતું.
  • ઈરાન સાથે ભારતનો જૂનો નાતો છે અને હવે તુર્કી સાથે પણ મિત્રતા મજબૂત કરવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે
  • આ દેશોમાં અમેરિકાની હાજરી નબળી પડી રહી હોવાની વાતો ચાલી રહી છે ત્યારે ભારત પોતાનો પગપેસારો કરવા પ્રયાસ કરી રહ્યું છે
  • ઘણા વિશ્લેષકો માને છે કે અમેરિકાનું વધુ ધ્યાન ચીન અને યુક્રેન સંકટ પર છે, આવી સ્થિતિમાં મધ્ય પૂર્વમાં તેની હાજરી નબળી પડી રહી છે

તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ભારત જે રીતે મદદ મોકલવા માટે આગળ આવ્યું તેને મોદી સરકારની મધ્ય પૂર્વ પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે જોડવામાં આવી રહી છે.

આ પહેલાં, 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસે ભારતે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ-સીસીને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું હતું.

મે 2014માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારથી ઇઝરાયેલ સાથેના સંબંધો વધુ ગાઢ બન્યા છે અને ખાડી દેશો સાથેના સંબંધો ગરમ હોવાનું કહેવાય રહ્યું છે. નરેન્દ્ર મોદી પ્રથમ વડા પ્રધાન છે જેમણે 2017માં ઇઝરાયેલની મુલાકાત લીધી હતી.

ઈરાન સાથે ભારતનો જૂનો નાતો છે અને હવે તુર્કી સાથે પણ મિત્રતા મજબૂત કરવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે.

જ્યારે આ દેશોમાં અમેરિકાની હાજરી નબળી પડી રહી હોવાની વાતો ચાલી રહી છે ત્યારે ભારત પોતાનો પગપેસારો કરવા પ્રયાસ કરી રહ્યું છે.

અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત હુસૈન હક્કાનીએ 'ધ ડિપ્લોમૅટ'માં લખ્યું છે કે ભારત આઝાદી બાદથી મધ્ય પૂર્વમાં સક્રિય રહ્યું છે, પરંતુ તાજેતરનાં વર્ષોમાં આ પ્રદેશોમાં ભારતની હાજરીની માત્રા બદલાઈ ગઈ છે.

મોદીની પ્રાથમિકતા મધ્ય પૂર્વ!

હુસૈન હક્કાની માને છે કે બહુધ્રુવીય વિશ્વમાં ભારત વૈશ્વિક શક્તિ બનવાની ઇચ્છા સાથે આગળ વધી રહ્યું છે.

હક્કાનીએ લખ્યું છે કે, "તુર્કી અને સીરિયામાં ભારતમાંથી મોટાપાયે રાહત સામગ્રીનું આગમન તેની મહત્ત્વકાંક્ષા દર્શાવે છે. ભારત હવે આપત્તિમાં તેના પડોશીઓથી પણ આગળ મદદ કરવા માટે ઉત્સુક દેખાઈ રહ્યું છે."

હુસૈન હક્કાનીએ લખ્યું છે કે, "ભારતે તુર્કીને જે તાજેતરની મદદ મોકલી છે તેમાં મશીનો, દવાઓ અને હૉસ્પિટલના બેડ સાથે એક સંપૂર્ણ ફિલ્ડ હૉસ્પિટલ અને મેડિકલ ટીમ છે. તે માત્ર માનવતાવાદી મદદ નહીં પણ વ્યૂહાત્મક મદદ છે. ભારતના આ વલણથી સમગ્ર મધ્ય પૂર્વમાં મજબૂત છબી ઊભી થશે. પશ્ચિમ એશિયા અંગે ભારતની ગંભીરતા સ્પષ્ટ દેખાઈ રહી છે. પછી તે ક્વાડ હોય કે આઈટૂયૂટૂ. I2U2 સમૂહમાં ઇઝરાયેલ, ભારત, અમેરિકા અને યુએઈ છે.

ઘણા વિશ્લેષકો માને છે કે અમેરિકાનું વધુ ધ્યાન ચીન અને યુક્રેન સંકટ પર છે. આવી સ્થિતિમાં મધ્ય પૂર્વમાં તેની હાજરી નબળી પડી રહી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતને ડર છે કે મધ્ય પૂર્વમાં ચીન અમેરિકાની જગ્યા લઈ શકે છે અને જો એમ થાય તો તે ભારતના હિતોની વિરુદ્ધ હશે.

મધ્ય પૂર્વમાં ભારતના હિતો

ભારત માટે મધ્ય પૂર્વ રોકાણ, ઉર્જા અને રેમિટન્સનો મહત્વનો સ્ત્રોત છે. આ વિસ્તારને ભારતની સુરક્ષાના દૃષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે ઇસ્લામિક ઉગ્રવાદને લગતી ચિંતાઓ હજુ સમાપ્ત થઈ નથી. ભારત ઈચ્છે છે કે જો અમેરિકા મધ્ય પૂર્વમાં નબળું પડે તો ભારતે તેના માટે આગોતરી તૈયારી રાખવી જોઈએ.

ભારતના લગભગ 89 લાખ લોકો ગલ્ફ દેશોમાં રહે છે. તેમાંથી 34 લાખ ભારતીય યુએઈમાં અને 26 લાખ સાઉદી અરેબિયામાં રહે છે. ગયા વર્ષે વિદેશમાં રહેતા ભારતીયોએ ભારતમાં 100 અબજ ડૉલર મોકલ્યા હતા, જેમાંથી અડધાથી વધુ ગલ્ફ દેશોમાંથી આવ્યા હતા.

છેલ્લા એક દાયકામાં ભારતનો વેપાર મધ્ય પૂર્વ સાથે પણ ઝડપથી વધ્યો છે. યુએઈ ભારતનો ત્રીજો સૌથી મોટો વેપારી ભાગીદાર છે અને સાઉદી અરબ ચોથા નંબરે છે.

2022માં ભારત અને યુએઈ વચ્ચે કૉમ્પ્રીહેન્સિવ ઇકોનૉમિક પાર્ટનરશીપ એગ્રીમેન્ટ (સીઈપીએ) થયો હતો. ત્યારથી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર 38 ટકા વધ્યો છે. ભારત અને યુએઈ વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 88 અબજ ડૉલર સુધી પહોંચી ગયો છે.

ભારત તેની જરૂરિયાતના 18 ટકા ક્રૂડ ઑઇલ સાઉદી અરેબિયામાંથી આયાત કરે છે. બીજી તરફ ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સાઉદી અરેબિયાનું રોકાણ સતત વધી રહ્યું છે.

ભારત તેની ક્રૂડ અને ગૅસની જરૂરિયાતના 80 ટકા આયાત કરે છે અને તેની 60 ટકા આયાત ખાડી દેશોમાંથી થાય છે. યુએઈ ભારતના વ્યૂહાત્મક ક્રૂડ ભંડારમાં પણ મદદ કરી રહ્યું છે. ઇજિપ્ત સાથે ભારતનો દ્વિપક્ષીય વેપાર 7.26 અબજ ડૉલર છે અને 50 ભારતીય કંપનીઓએ ઇજિપ્તમાં 3.15 અબજ ડૉલરનું રોકાણ કર્યું છે.

ઇઝરાયેલ સાથે ભારતના સુરક્ષા સંબંધો પણ ઘણા મજબૂત થયા છે. ભારતને સંરક્ષણ સાધનો પૂરા પાડવામાં ઇઝરાયેલ ત્રીજો સૌથી મોટો દેશ છે.

ઇઝરાયેલની 43 ટકા શસ્ત્રોની નિકાસ ભારતમાં થાય છે. ઇઝરાયેલની સાથે ભારત ઈરાનની પણ અવગણના કરતું નથી. જોકે ઈરાન અને ઇઝરાયેલ બંને સાથે એક સાથે સંબંધો જાળવી રાખવા સરળ બાબત નથી. એ તો જગજાહેર છે કે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ઐતિહાસિક દુશ્મનાવટ છે જેમાં દરરોજ વધારો થઈ રહ્યો છે.

ભારત અને તુર્કી મિત્રો કેમ નથી બની જતા?

તુર્કીનું વલણ પાકિસ્તાન તરફી રહ્યું છે. કહેવાય છે કે એની શરૂઆત 1950ના દાયકાની શરૂઆતમાં અથવા શીત યુદ્ધ દરમિયાન થઈ હતી.

આ સમયગાળામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે બે યુદ્ધો થયા હતા. તુર્કી અને ભારત વચ્ચે રાજદ્વારી સંબંધો 1948માં સ્થાપિત થયા હતા. ત્યારે ભારતને આઝાદ થયાને માંડ એક વર્ષ થયું હતું.

આ દાયકાઓમાં ભારત અને તુર્કી વચ્ચે ગાઢ સંબંધો વિકસિત થઈ શક્યા નહી. કહેવાય છે કે તુર્કી અને ભારત વચ્ચે તણાવનાં બે કારણો છે. પ્રથમ કાશ્મીરના મામલામાં તુર્કીનું પાકિસ્તાન તરફી વલણ અને બીજું શીત યુદ્ધમાં અમેરિકાના પક્ષે તુર્કી હતું જ્યારે ભારત બિનજોડાણની હિમાયત કરી રહ્યું હતું.

ઉત્તર ઍટલાન્ટિક સંધિ સંગઠન એટલે કે નાટોની રચના બીજા વિશ્વ યુદ્ધ પછી 1949માં થઈ હતી. તુર્કી તેનું સભ્ય હતું. નાટોને સોવિયેત સંઘ વિરોધી સંગઠન તરીકે જોવામાં આવતું હતું.

આ સિવાય 1955માં તુર્કી, ઈરાક, બ્રિટન, પાકિસ્તાન અને ઈરાને મળીને 'બગદાદ સંધિ' કરી હતી. બગદાદ સંધિને તે સમયે રક્ષણાત્મક સંગઠન કહેવામાં આવતું હતું.

આમાં, પાંચેય દેશોએ તેમના સામાન્ય રાજકીય, સૈન્ય અને આર્થિક ઉદ્દેશ્યોને હાંસલ કરવાની વાત કરી. તે નાટોની તર્જ પર રચાયું હતું.

ઈરાક 959માં બગદાદ સંધિમાંથી બહાર નીકળી ગયું હતું. ઈરાકના બહાર નીકળી જવાથી તેનું નામ બદલીને સેન્ટ્રલ ટ્રીટી ઑર્ગેનાઇઝેશન કરવામાં આવ્યું. બગદાદ સંધિ પણ સોવિયેત સંઘ સામે જોવા મળી હતી. બીજી તરફ બિનજોડાણની વાત કરતું ભારત સોવિયેત સંઘની નજીક જણાતું હતું.

જ્યારે શીતયુદ્ધ નબળું પડી રહ્યું હતું ત્યારે તુર્કીના 'પશ્ચિમ તરફી' અને 'ઉદાર' રાષ્ટ્રપતિ ગણાતા તુરગુત ઓઝલે ભારત સાથેના સંબંધોને પાટા પર લાવવાનો પ્રયાસ કર્યો હતો.

ઓઝલ 1986માં ભારતની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન ઓઝલે બંને દેશોના દૂતાવાસોમાં સેનાના પ્રતિનિધિઓની ઑફિસ શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પછી 1988માં ભારતના તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ તુર્કીની મુલાકાત લીધી હતી. રાજીવ ગાંધીની મુલાકાત બાદ બંને દેશો વચ્ચેના સંબંધો ઘણા મોરચે સુધરી ગયા હતા.

પરંતુ તેમ છતાં કાશ્મીર મામલે તુર્કીનું વલણ પાકિસ્તાનની તરફેણમાં રહ્યું, તેથી સંબંધોમાં કોઈ નિકટતા આવી નહીં.

1991માં ઑર્ગેનાઈઝેશન ઑફ ઈસ્લામિક કોઑપરેશન એટલે કે ઓઆઈસીના વિદેશમંત્રીઓની બેઠક થઈ હતી અને આ બેઠકમાં તુર્કીના વિદેશમંત્રીએ કાશ્મીરને લઈને ભારતની ટીકા કરી હતી.

2003માં ભારતના તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ તુર્કીની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં બંને દેશોના સંરક્ષણમંત્રીઓ વચ્ચે સંપર્ક જાળવી રાખવા માટે સમજૂતી થઈ હતી.

ભારત સમર્થક તુર્કીના રાષ્ટ્રપતિ

ધ મિડલ ઇસ્ટ ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર, "બુલાંત એજેવેત એકમાત્ર તુર્કીના વડા પ્રધાન હતા જેમને 'ભારત તરફી' તરીકે ગણાવી શકાય, કારણ કે તેમણે પાકિસ્તાનમાં જનરલ પરવેઝ મુશર્રફના બળવાને મંજૂરી આપી ન હતી. એજેવેત એપ્રિલ 2000માં ભારતની મુલાકાતે આવ્યા હતા. છેલ્લા 14 વર્ષમાં તુર્કીના રાષ્ટ્રપતિની આ પ્રથમ મુલાકાત હતી. એજેવેતે પાકિસ્તાનની મુલાકાતનું આમંત્રણ નકારી કાઢ્યું હતું.”

“સૌથી અગત્યનું, એજેવેતે કાશ્મીર પર તુર્કીના પરંપરાગત વલણમાં ફેરફાર કર્યો. કાશ્મીર પર તુર્કીનું વલણ રહ્યું છે કે તેનો ઉકેલ સંયુક્ત રાષ્ટ્રની દેખરેખ હેઠળ આવવો જોઈએ. પરંતુ એજેવેતે આ માટે દ્વિપક્ષીય ઉકેલની હિમાયત કરી હતી. તુર્કીના આ વલણને કારણે ભારત સાથેના સંબંધો મજબૂત થયા હતા.”

ધ મિડલ ઇસ્ટ ઇન્સ્ટિટ્યૂટનો એક રિપોર્ટ કહે છે કે, “જ્યારે જસ્ટિસ ઍન્ડ ડેવલપમેન્ટ પાર્ટી (એકેપી) તુર્કીમાં સત્તામાં આવી ત્યારે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનવાની શક્યતાઓ વધી ગઈ હતી. એકેપી ઈયુ સાથે આગળ વધવાની વાત કરતી હતી અને વેપાર સંબંધોને મધ્ય પૂર્વમાંથી બહાર લઈ જવા માગતી હતી. ભારત એક ઉભરતી અર્થવ્યવસ્થા હતી અને પાકિસ્તાન સાથે વેપાર માટે બહુ અવકાશ ન હતો. એકેપીએ ભારત સાથે સંબંધો વધારવાનો પ્રયાસ કર્યો, પરંતુ પાકિસ્તાન સાથેના સંબંધો બગડવાની શરતે નહીં.”

2008માં રેચેપ તૈયપ અર્દોઆને ભારતની મુલાકાત લીધી હતી. આ પ્રવાસમાં તેમણે ભારત સાથે મુક્ત વેપાર કરાર અંગે વાત કરી હતી. તે પછીના વર્ષે, ભારતે પીએસએલવી સી-14ની મદદથી તુર્કીનો પહેલો નેનો સૅટેલાઇટ અવકાશમાં મોકલ્યો હતો.

ત્યારબાદ 2010માં તત્કાલીન તુર્કીના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા ગુલે ભારતની મુલાકાત લીધી અને અવકાશ સંશોધનમાં સહયોગ વધારવાની વાત કરી હતી.

બંને દેશો વચ્ચેનો વેપાર પણ વધવા લાગ્યો. 2000માં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 50.5 કરોડ ડૉલર હતો, જે 2018માં વધીને 8.7 અબજ ડૉલર થયો હતો. ભારત પૂર્વ એશિયામાં તુર્કીનું ચીન પછીનું બીજું સૌથી મોટું વેપાર ભાગીદાર બની ગયું છે. બીજી તરફ તુર્કી સાથે પાકિસ્તાનનો વેપાર એક અબજ ડૉલર સુધી પણ નથી પહોંચ્યો.”

2017માં અર્દોઆન રાષ્ટ્રપતિ તરીકે ભારત આવ્યા હતા. અર્દોઆનની સાથે 100 સભ્યોનું વ્યાપારી પ્રતિનિધિમંડળ પણ હતું. પરંતુ વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ એક વખત પણ તુર્કીની મુલાકાત લીધી નથી.

મોદીના તુર્કી ન જવા પાછળ પાકિસ્તાનને પણ મહત્ત્વનું પરિબળ માનવામાં આવે છે. કાશ્મીર પર અર્દોઆનનું વલણ પાકિસ્તાન તરફી રહ્યું છે. 2010માં અફઘાનિસ્તાન પર તુર્કીની આગેવાની હેઠળની મંત્રણામાંથી ભારતને બાકાત રાખવામાં આવ્યું હતું.

આ સિવાય તુર્કીએ ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ એટલે કે એનએસજીમાં ભારતના સભ્યપદનો વિરોધ કર્યો હતો. કહેવાય છે કે તુર્કીએ આ વલણ પાકિસ્તાનના દબાણ હેઠળ અપનાવ્યું હતું.

પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં કાશ્મીર પ્રત્યે અર્દોઆનનું વલણ નબળું પડ્યું છે. ગયા વર્ષે 20 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્રની 77મી મહાસભાને સંબોધતા અર્દોઆને કહ્યું હતું કે, "75 વર્ષ પહેલાં ભારત અને પાકિસ્તાન બે સાર્વભૌમ દેશ બન્યા, પરંતુ બંને દેશો વચ્ચે શાંતિ અને એકતા સ્થાપિત થઈ શકી નથી. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અમે આશા રાખીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે કાશ્મીરમાં યોગ્ય અને કાયમી શાંતિ સ્થાપિત થાય."

અર્દોઆનની ટિપ્પણીના એક અઠવાડિયા પહેલા, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉઝબેકિસ્તાનના સમરકંદમાં શાંઘાઈ કૉર્પોરેશન ઑર્ગેનાઈઝેશન (એસસીઓ) સમિટને સમાંતર તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોઆનને મળ્યા હતા.

અર્દોઆન પહેલા પણ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે, પરંતુ ગયા વર્ષે તેમની ટિપ્પણી સંપૂર્ણપણે અલગ હતી. પહેલા તેઓ કહેતા હતા કે કાશ્મીર સમસ્યાનો ઉકેલ સંયુક્ત રાષ્ટ્રના ઠરાવ હેઠળ આવવો જોઈએ.

શું તુર્કી પોતાનું વલણ છોડી દેશે?

દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના સેન્ટર ફૉર વેસ્ટ એશિયન સ્ટડીઝનાં પ્રોફેસર સુજાતા ઐશ્વર્યા કહે છે કે તુર્કી અને ભારત બંને મિડલ પાવર છે અને બંને વૈશ્વિક શક્તિઓ બનવાની ઈચ્છા ધરાવે છે.

ઐશ્વર્યા કહે છે, "યુક્રેનમાં રશિયાના હુમલા પછી વૈશ્વિક સ્તરે મધ્યમ મિડલ પાવરવાળા દેશોનું મહત્વ વધી ગયું છે. તુર્કી અને ભારત બંને યુક્રેન સંકટનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કેટલીકવાર બંને દેશોના હિત એકબીજા સાથે ટકરાય પણ છે. જો પાકિસ્તાનની નજીક હોવાને કારણે તુર્કીને ભારત મદદ ન મોકલે તો તે મૂર્ખામીભર્યું જ ગણાત. ભારત ત્યાં માનવતાવાદી સહાય મોકલી રહ્યું છે, પરંતુ તેની અસર એટલી તટસ્થ નથી હોતી. તેની અસર દ્વિપક્ષીય સંબંધો પર પણ પડે છે.”

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના સેન્ટર ફૉર વેસ્ટ એશિયન સ્ટડીઝના પ્રોફેસર એ.કે. મહાપાત્રાને નથી લાગતું કે ભારતની માનવતાવાદી સહાયથી લાંબા ગાળા માટે તુર્કીની વિદેશ નીતિમાં ફેરફાર આવશે.

મહાપાત્રા કહે છે, “તુર્કીમાં હાલની સત્તા ઇસ્લામનું રાજકારણ કરે છે. તેની રાજનીતિમાં પાકિસ્તાનનો એક પક્ષ રહેશે. હા, શક્ય છે કે અર્દોઆન સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીરને લઈને ભારત વિરુદ્ધ બોલવાનું બંધ કરી દે. તુર્કી જ્યાં છે તે ખૂબ જ મહત્વપૂર્ણ વિસ્તાર છે. તુર્કીથી મધ્ય એશિયા જવાનું સરળ છે. તે યુરોપની સરહદે છે. મધ્ય પૂર્વમાં પ્રવેશ સરળ છે. તેની સાથે ઑટ્ટોમન સામ્રાજ્યનો વારસો છે.

એટલા માટે તે ઇસ્લામિક વિશ્વના નેતા પણ બનવા માગે છે. તુર્કીને પાકિસ્તાન પાસેથી કોઈ ફાયદો નથી, પણ ઇસ્લામના નામે એકસાથે ઊભા રહેવાની મજબૂરી છે. ભારત એક ઊભરતી અર્થવ્યવસ્થા છે અને તુર્કી તેની અવગણના કરી શકે નહીં, પરંતુ તે પાકિસ્તાનને છોડી દેશે, એવું થશે નહીં.”

મહાપાત્રા કહે છે, “પાકિસ્તાન ચોક્કસપણે ભારતની મદદથી નર્વસ છે. પાકિસ્તાનના વડા પ્રધાન શહેબાઝ શરીફની અસ્વસ્થતા સ્પષ્ટ દેખાઈ રહી છે. તે તુર્કી જઈ રહ્યા છે. પાકિસ્તાનને લાગે છે કે સાઉદી અને યુએઈની જેમ તુર્કી પણ ભારતની સોડમાં જઈ શકે છે. તુર્કીમાં ભારતની મદદ વિશ્વ ગુરુવાળી છબીને મજબૂત કરવા માટે છે ન કે નિકટતા વધારવા માટે.”

તુર્કી અત્યારે ભારતને મિત્ર કહી રહ્યું છે, અલબત્ત તે લાંબા સમયથી પાકિસ્તાનને ભાઈ કહી રહ્યું છે.