તુર્કી ભૂકંપ : પૃથ્વીનો એ ખતરનાક ભાગ જેને લીધે પળેપળ તોળાઈ રહ્યો છે ભયંકર ભૂકંપનો ખતરો

    • લેેખક, પૌલા રોસેસ
    • પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ

બે મોટી ફૉલ્ટ લાઇન્સ વચ્ચે આવેલું અને ત્રણ મોટી ટેક્નોટિક પ્લેટ્સ વચ્ચે ભીંસાયેલું તુર્કી વિશ્વના સૌથી જટિલ તથા સક્રિય ભૂકંપશાસ્ત્રીય પ્રદેશો પૈકીનું એક છે.

દેશનો મોટો હિસ્સો પ્રમાણમાં નાની ગણાતી ઍનાટોલિયન પ્લેટ પર આવેલો છે, જે ઉત્તરમાં યુરેશિયન પ્લેટ અને દક્ષિણ તથા પૂર્વમાં આફ્રિકન તેમજ અરેબિયન પ્લેટ્સ સાથે જોડાયેલી છે. તે તુર્કીના ભૌગૌલિક પ્રદેશને સંકોચે છે અને તેના કારણે, સોમવારે થયો તેવા, વિનાશક ધરતીકંપ સર્જાય છે.

માત્ર 2022માં જ દેશમાં 22,000થી વધુ ભૂકંપ થયાનું તુર્કીની ઇમરજન્સી તથા ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથૉરિટીએ નોંધ્યું છે.

નેશનલ સિસ્મિક નેટવર્ક ઓફ સ્પેનના ભૂકંપશાસ્ત્રી અરાંચા ઇઝક્વીર્ડોએ બીબીસીને જણાવ્યું હતું કે ફાચરના આકારનો ઍનાટોલિયન બ્લૉક "અન્ય બે પ્લેટની મધ્યમાં આવેલો છે, જે અન્ય બે પ્લેટ નજીક આવે છે ત્યારે તેને દબાય છે અને તેને પશ્ચિમ તરફ ધકેલે છે."

આ પ્લેટ્સ બે ફૉલ્ટ્સ સર્જે છે. ફ્રૅક્ચરને લીધે ટેક્ટોનિક અવરોધાય છે કે પ્લેટ્સ આગળ સરકે છે તેને ભૂસ્તરશાસ્ત્રમાં ફૉલ્ટ્સ કહેવામાં આવે છે.

કથિત ઉત્તર ઍનાટોલિયન ફૉલ્ટ તાજેતરના દાયકાઓમાં સૌથી વધુ સક્રિય જોવા મળ્યો છે. તેને લીધે વિનાશકારી ભૂકંપ સર્જાય છે. 1999માં ઇઝમિટમાં થયેલા 7.4ની તીવ્રતાના આવા ધરતીકંપમાં 17,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.

આ ફૉલ્ટ પર વિજ્ઞાનીઓની ચાંપતી નજર છે, કારણ કે તે દેશના સૌથી વધુ વસતીવાળા ઇસ્તંબુલ ક્ષેત્ર નીચેથી પસાર થાય છે અને ત્યાં મોટો ધરતીકંપ થાય ત્યારે તેનું પરિણામ વિનાશક હોય છે.

સોમવારનો ધરતીકંપ ઇસ્ટર્ન ઍનોટોલિયન ફૉલ્ટલાઇનમાં થયો હતો. તે અનુક્રમે 7.8 અને 7.5ની તીવ્રતાનો હતો, પરંતુ ઇસ્ટર્ન ઍનાટોલીયન ફૉલ્ટલાઇનમાં છેલ્લાં 100 વર્ષમાં કોઈ નોંધપાત્ર હિલચાલ નોંધાઈ નથી.

ગર્ભિત જોખમ

અલબત, વિજ્ઞાનીઓ આ જોખમ વિશે જાણતા હતા. આ ફૉલ્ટલાઇન પર છેલ્લો મોટો, 7.4ની તીવ્રતાનો ધરતીકંપ 1882ની 13 ઑગસ્ટે થયો હતો અને તે વિનાશક હતો. આ વિસ્તારની ઘણી નગરપાલિકાઓ તેમાં તબાહ થઈ ગઈ હતી અને સીરિયાના અલેપ્પો શહેરમાં જ 7,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. તેના આફટરશૉક્સ આખું વર્ષ આવતા રહ્યા હતા અને તેને લીધે વધારે નુકસાન થયું હતું.

યુનિવર્સિટી કૉલેજ, લંડનના અર્થક્વેક જિયોલૉજી અને ડિઝાસ્ટર રિસ્ક રિડક્શનના પ્રોફેસર જોઆના ફોર વોકરે બીબીસીને જણાવ્યું હતું કે એ ઘટનામાં લેફ્ટ-લેટરલ ફૉલ્ટ કારણભૂત હતો. ફૉલ્ટનો ઉત્તર હિસ્સો ડાબી તરફ ખસી રહ્યો હતો, જ્યારે દક્ષિણ હિસ્સો જમણી તરફ આગળ વધતો હતો. આ પ્રકારના ફૉલ્ટ્સ "હજારો કિલોમીટર લાંબા હોઈ શકે છે અને તેની લંબાઈ જેટલી વધારે હોય તેટલો શક્તિશાળી ભૂકંપ થાય છે."

જોઆના ફૉર વૉકરે સ્પષ્ટ કર્યું હતું કે "અરેબિયન પ્લેટ ઉત્તર તરફ આગળ વધે છે અને ઍનાટોલિયન બ્લૉકને ભીંસે છે, પશ્ચિમ તરફ ધકેલે છે. તેને દક્ષિણમાં એજિયન તથા ભૂમધ્ય સમુદ્રની વચ્ચે પહોંચાડી દે છે."

ધરતીકંપ ક્યારે અને ક્યાં થશે તે જાણવાનું લગભગ અશક્ય છે, પરંતુ તેના થોડા સંકેત જરૂર મળતા હોવા બાબતે વિજ્ઞાનીઓ સહમત છે.

અરાંચા ઇઝક્વીડોએ કહ્યું હતું કે "સક્રિય હોય, તૂટી રહ્યા હોય એવા વિસ્તારો છે, પરંતુ ઇઝમીટના ભૂકંપમાં થયું તેમ અલગ સ્થિતિ હોય છે. ઇઝમીટના ભૂકંપમાં ખેંચાયેલી ફૉલ્ટલાઇન તૂટેલી હતી અને જેમાં તે હતી એક છિદ્ર હજુ અખંડ છે."

અરાંચા ઇઝક્વીડોએ તેને ચિત્રાત્મક ઉદાહરણ વડે સમજાવતાં કહ્યું હતું કે "આપણે મુઠ્ઠી વાળીએ ત્યારે તેમાં બળ એકઠું થાય છે અને ખોલીએ ત્યારે તે આવેગ સાથે છૂટી પડે છે. ફૉલ્ટમાં પણ આવું જ થાય છે. તે ચરમ બિંદુ પર ન પહોંચે ત્યાં સુધી સંકોચાતી રહે છે."

તેમણે જણાવ્યું હતું કે આ ફૉલ્ટ્સની હિલચાલ નિશ્ચિત સમયાંતરે થતી નથી. તેથી ધરતીકંપની ફ્રીકવન્સીની આગાહી કરવી મુશ્કેલ છે.

ઈસ્ટર્ન ઍનાટોલિયન ફૉલ્ટની વાત કરતાં તેમણે કહ્યું હતું કે "દાખલા તરીકે 500 વર્ષમાં ભૂકંપ થશે એવી આગાહી કરવામાં આવે ત્યારે પણ 100 વર્ષ, 200 વર્ષ કે પછી 1,000 વર્ષના સમયગાળામાં ધરતીકંપ થઈ શકે છે. આ માત્ર સરેરાશ છે. તેથી ફૉલ્ટને નિષ્ક્રિય અથવા સક્રિય ગણાવતા પહેલાં કે આવો કોઈ શબ્દ વાપરતા પહેલાં બહુ સાવધ રહેવું પડે, કારણ કે લોકો માટે અથવા ભૂસ્તરશાસ્ત્રીઓ માટે તેના અર્થ અલગ-અલગ હોઈ શકે છે."

અલબત, આફટરશૉક્સની શક્યતા ઘણી વધારે છે. આ કિસ્સામાં પછીના ભૂકંપ ભૂસ્તરશાસ્ત્રના નિયમ અનુસારના છે અને સમય જતાં તેનું પ્રમાણ અને તીવ્રતા ઘટતાં જશે.

અલબત, એક ફૉલ્ટ પર ધરતીકંપ થાય છે ત્યારે નજીકના ફૉલ્ટ્સ પરના દબાણમાં ફેરફાર થવાને કારણે વધુ એક ભૂકંપની શક્યતા વધી જાય છે. આ ઘટનાને ભૂસ્તરશાસ્ત્રમાં 'કુલોમ્બ સ્ટ્રેસ ટ્રાન્સફર' કહેવામાં આવે છે.

દાખલા તરીકે, હિન્દ મહાસાગરમાં 2004ની 26 ડિસેમ્બર થયેલા ધરતીકંપમાં આવું થયું હતું. તેના ત્રણ મહિના પછી ઉત્તરમાં બીજો ભૂકંપ થયો હતો. ઇટલીમાં ઑગસ્ટ, 2016માં ભૂકંપ થયા બાદ ઑક્ટોબર, 2016માં બીજો ધરતીકંપ થયો હતો.

જોઆના ફોર વોકરે કહ્યું હતું કે "તે ખતરનાક સાબિત થઈ શકે છે, કારણ કે પહેલા ધરતીકંપમાં જે ઇમારતોને નુકસાન થયું હોય છે તેનું આકલન કરવામાં આવ્યું હોતું નથી અને તેમાં રહેતા લોકો કદાચ તે નુકસાનથી વાકેફ હોતા નથી."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો