તુર્કીઃ 'ધરતીકંપ આવ્યો ત્યારે મને થયું - આવો, બધા એકસાથે એક જ જગ્યાએ મરીએ'

  • તુર્કી સહિત આસપાસના વિસ્તારમાં એક પછી એક કેટલાક આફ્ટરશૉક્સ આવ્યા છે
  • તુર્કી સહિત લેબનાન, સીરિયા, સાઈપ્રસ, ઈઝરાયલ અને પેલેસ્ટાઈનમાં ભૂકંપના આંચકા આવ્યા છે
  • અધિકારીઓ અનુસાર રાજ્યમાં 34 ઇમારતો ધરાશાયી થઈ છે
  • પ્રથમ આંચકાની કેટલીક મિનિટો બાદ ફરી શક્તિશાળી આંચકા અનુભવાયા હતા.

"મેં મારા જીવનમાં આવું કશું ક્યારેય જોયું નથી. અમે લગભગ એક મિનિટ સુધી અહીંથી તહીં ઝૂલતા રહ્યા હતા."

આ વાત દક્ષિણ તુર્કીના અદાના શહેરના રહેવાસી નીલોફર અસલાને કહી હતી. તેઓ સોમવારે સવારે તુર્કી ઉપરાંત સીરિયા અને લેબનનમાં થયેલા ભીષણ ધરતીકંપની ભયાનકતાને વર્ણવી રહ્યા હતા.

ધરતીકંપના સમયની વાત કરતાં અસલાને બીબીસીને કહ્યું હતું કે, "અમારો ઍપાર્ટમૅન્ટ હલવા માંડ્યો, ત્યારે મને લાગ્યું હતું કે હવે મારો પરિવાર બચશે નહીં. અમે બધા મરી જઈશું."

અસલાને ઍપાર્ટમૅન્ટના બીજા ઓરડામાં રહેતા તેમના સગાંઓને પોકાર કર્યાની વાત કરતાં કહ્યું હતું કે, "મેં તેમને કહ્યું હતું કે આ તો ધરતીકંપ છે. આવો, આપણે બધા એક સાથે, એક જ જગ્યાએ મરીએ. મારા દિલમાં આ જ વિચાર હતો."

ધરતીકંપના આંચકા થંભી ગયા ત્યારે અસલાન ઍપાર્ટમૅન્ટમાંથી બહાર ભાગ્યા હતા. બહાર આવીને જોયું તો તેમના ઍપાર્ટમૅન્ટની આજુબાજુની ચાર ઇમારત તૂટી પડી હતી.

તેમણે કહ્યું હતું કે, "ઘરમાંથી ભાગતી વખતે હું સાથે બીજું કશું લઈ શક્યો ન હતો. માત્ર ચપ્પલ પહેરીને ભાગ્યો હતો."

અફરાતફરી વચ્ચે રાહત કાર્ય

તુર્કીના ગૃહ પ્રધાન સુલેમાન સુવેલોના જણાવ્યા અનુસાર, આ ભયાનક ભૂકંપમાં 10 શહેરમાં વિનાશ વેરાયો છે. તેમાં ગાઝી અંતેપ, કહરમાન, મરઅશ, હતાએ, ઉસ્માનિયા, આદયામાન, માલાતિયા, શાનલીઅરફા, અદાના, દયાર બકર અને કીલીસનો સમાવેશ થાય છે.

ઉસ્માનિયાના ગવર્નરે જણાવ્યું હતું કે, "રાજ્યમાં 34 ઇમારતો ધ્વસ્ત થઈ છે. તુર્કીમાં એવા અનેક વીડિયો ઑનલાઇન શૅર કરવામાં આવ્યા છે, જેમાં અનેક ઇમારતો તૂટી પડતી જોવા મળે છે અને રાહત કર્મચારીઓ કાટમાળ તળે દટાયેલા લોકોને શોધતા દેખાય છે."

ધરતીકંપ પછી તરત જ બીબીસીએ તુર્કી અને તેની આસપાસના બીજા દેશોમાં આ ભૂકંપમાંથી બચી ગયેલા કેટલાક લોકો સાથે વાત કરી હતી અને તેની ભયાનકતાને જાણવાનો પ્રયાસ કર્યો હતો.

'અમારી નજર સામે ઇમારતની બારીઓ તૂટી'

તુર્કીના માલાતિયા શહેરમાં રહેતાં 25 વર્ષનાં ઓઝગુ કોનાકચીના કહેવા મુજબ, તેઓ ધરતીકંપમાંથી તો બચી ગયાં, પરંતુ એ પછીની અસર અને ઠંડીની મોસમ તેમના માટે મુશ્કેલીભરી છે.

કોનાકચીએ બીબીસીને કહ્યું હતું કે, "કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધવાના અને બચાવવાના પ્રયાસ ચાલુ છે. અહીં ઠંડી બહુ છે અને બરફવર્ષા પણ થઈ રહી છે. બધા લોકો રસ્તા પર છે. તેમને ખબર નથી પડતી કે શું કરવું. ધરતીકંપના આંચકાથી એક ઇમારતની બારી, અમારી નજર સામે તૂટી પડી હતી."

ભૂકંપ થયો ત્યારે કોનાકચી અને તેમના ભાઈ સોફા પર સૂતા હતા. તેમણે કહ્યું હતું કે, "અમે એકમેકની સામે જોયું અને પૂછ્યું કે કશું હલતું હોય તેવું લાગે છે? મેં લૅમ્પ તરફ નજર કરી ત્યારે એવું લાગ્યું હતું કે તે તૂટી પડશે. અમારો ત્રણ વર્ષનો ભત્રીજો રૂમમાં આવ્યો કે તરત જ અમે સોફા પરથી કૂદી પડ્યા હતા."

તેમના જણાવ્યા મુજબ, "તેમની ઇમારતને નુકસાન થયું છે અને આજુબાજુની પાંચ ઇમારત ધ્વસ્ત થઈ ગઈ છે. શહેરમાં ટ્રાફિક જામ છે, કારણ કે આફ્ટરશૉકથી ગભરાયેલા લોકો ઇમારતોથી દૂર જવાના પ્રયાસ કરી રહ્યા છે."

'હું બાળકના ઝૂલામાં ઝૂલતો હોઉં એવું લાગ્યું'

તુર્કી ઉપરાંત સીરિયાના લોકોએ પણ વહેલી સવારે થયેલા વિનાશકારી ધરતીકંપ પછીના પોતાના ડર અને પોતાની ચિંતાની વાત કરી હતી.

સીરિયાની રાજધાની દમિશ્કના એક નાગરિક સમરે સમાચાર એજન્સી રૉઇટર્સને જણાવ્યું હતું કે, "ઘરની દિવાલો પરથી પેઇન્ટિંગ્ઝ નીચે પડી ગયાં હતાં. હું ડરીને ઊભો થઈ ગયો હતો અને પછી અમે બધાં કપડાં પહેરીને દરવાજે પહોંચી ગયાં હતાં."

તુર્કીના ગાઝી અંતેપ શહેરના રહેવાસી અરદમે ભૂકંપ વખતની સ્થિતિની વાત કરતાં રૉઇટર્સને કહ્યું હતું કે, "હું બાળકના ઝૂલામાં ઝૂલી રહ્યો હોઉં એવું લાગ્યું હતું. મને 40 વર્ષમાં આવો અનુભવ ક્યારેય થયો નથી. બધા લોકો પોતપોતાની કારમાં બેઠા છે અથવા ઇમારતોથી દૂર ખાલી જગ્યામાં તેમના વાહન લઈ જવાના પ્રયાસ કરી રહ્યા છે. મને લાગે છે કે ગાઝી અંતેપમાં હવે એકેય માણસ તેના ઘરમાં નહીં હોય."

'આસપાસની ઇમારતો ધરાશયી થઈ છે, ઘરોમાં લાગી છે આગ'

તુર્કીના પઝારચક શહેરના એક રહેવાસીએ જણાવ્યું હતું કે, ભૂકંપના જોરદાર આંચકાથી તેમનો પરિવાર જાગી ગયો હતો અને તેનાથી થયેલા નુકસાનનો તાગ મેળવવા માટે તેમણે આકરા શિયાળામાં, ચિંતાતુર હાલતમાં, સૂર્યોદય થવાની રાહ જોઈ હતી.

નિહાદ આલતંદારાએ ધ ગાર્ડિયન અખબારને કહ્યું હતું કે, "મારા ઘરની આજુબાજુની ઇમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. ઘરોમાં આગ લાગી છે. અનેક ઇમારતમાં તિરાડો પડી છે. અત્યારે હું જ્યાં છું, ત્યાંથી 200 મીટર દૂર એક ઇમારત તૂટી પડી છે. બધા લોકો અત્યારે પણ ઘરની બહાર છે અને અત્યંત ભયભીત છે."

'ઇમારત ધ્રુજતી હતી, મને થયું કે વિસ્ફોટ થયો છે'

ધરતીકંપના કેન્દ્રસ્થાનથી લગભગ 450 કિલોમીટર દૂર લેબનનની રાજધાની બેરુતમાં એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે, "હું કશુંક લખતો હતો ત્યાં અચાનક આખી ઇમારત ધ્રુજવા લાગી હતી. મને થયું કે જોરદાર વિસ્ફોટ થયો છે. હું બારી પાસે ઊભો હતો અને મને ડર હતો કે તે તૂટી જશે. ધરતીકંપના આફ્ટરશૉક્સ ચાર-પાંચ મિનિટ સુધી આવતા રહ્યા હતા. એ ખોફનાક સ્થિતિ હતી."

બકર દાયરમાં બીબીસીના સંવાદદાતાએ જણાવ્યું હતું કે, " શહેરમાંનો એક શૉપિંગ મૉલ ધ્વસ્ત થઈ ગયો છે."

બીબીસીના પ્રોડ્યુસર રશ્દી અબુઔકે જણાવ્યું હતું કે, તેઓ જે ઘરમાં રહે છે તે 45 સેકન્ડ સુધી હલતું રહ્યું હતું.

તુર્કી વિશ્વમાં સૌથી વધુ સક્રિય ભૂકંપ ક્ષેત્રો પૈકીના એક ક્ષેત્રમાં આવેલો દેશ છે. 1999માં તુર્કીના ઉત્તર-પશ્ચિમ પ્રદેશમાં થયેલા એક મોટા ધરતીકંપમાં 17,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો