કચ્છનો ભૂકંપ : બે દિવસ સુધી કાટમાળમાં દટાયેલી રહેનાર યુવતીની આપવીતી

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • 2001ના કચ્છ ભૂકંપમાં સ્કૂલે જતાં દસમા ધોરણમાં ભણતાં નીતા પંચાલ મકાન નીચે બે દિવસ સુધી દટાયેલાં રહ્યાં
  • ભૂકંપના કાળમાળ નીચેથી બહાર આવ્યાં બાદ તેમને ખબર પડી કે તેઓ બે દિવસથી પથ્થરો નીચે દટાયેલાં હતાં
  • નીતા પંચાલના છ મહિનામાં 21 ઑપરેશન થયાં હતાં
  • તેઓ પરીવારની અસંમતિ છતા પરણ્યાં અને તેમને રહેવા માટે કોઈ ભાડે ઘર આપતું નહોતું
  • નીતા પંચાલને ડિસેબિલિટી સોશિયલ વર્કર, ઉદ્ગમ વિમેન અચીવર ઍવૉર્ડ, વિલ્સ્ટર ઍવૉર્ડ અને નેશનલ ડિસેબિલિટી વર્કર ઍવૉર્ડ સહિતના 15 જેટલા ઍવૉર્ડ મળ્યા છે

"ધરતીકંપમાં હું મકાનના કાટમાળ તળે બે દિવસ દટાયેલી રહી, લશ્કરના જવાનોએ બહાર કાઢી ત્યારે મારી કરોડરજ્જુ તૂટી ગઈ હતી. આર્મી હૉસ્પિટલમાં શરૂઆતની સારવાર મળી અને મને વિશેષ સારવાર માટે મુંબઈ ખસેડવામાં આવી. મારું જેની સાથે વેવિશાળ થયું હતું એમણે જોયું કે હું જીવનભર પથારીવશ રહીશ એટલે મને છોડી દીધી. પહેલાં તો મને થયું કે ભગવાને મને જિવાડી એના કરતાં ઉપર બોલાવી લીધી હોત તો સારું થાત, પણ પછી જીવન સામેનો જંગ લડ, માનભેર જીવતા શીખી. આજે વિકલાંગ મહિલાઓની મદદ કરું છું."

ઉપરના શબ્દો છે 2001ના કચ્છ ભૂકંપમાં સ્કૂલે જતી વખતે મકાન નીચે દટાયેલાં અને બે દિવસ સુધી આ જ અવસ્થામાં રહેલાં નીતા પંચાલના. નીતા પંચાલે પૅરા મેડિકલ ગેમ્સમાં નેશનલ મેડલ મેળવ્યા છે અને આજે દિવ્યાંગ મહિલાઓની સેવા કરે છે.

નીતા પંચાલ 26 જાન્યુઆરી 2001ની એ સવારને યાદ કરતાં આજે પણ ધ્રુજી ઊઠે છે. 17 વર્ષની વયે ભૂકંપમાં ઇમારતની નીચે દબાઈ ગયેલાં અને એ પછી પણ જીવનના અનેક ઝંઝાવાતોને સહેતાં આવેલાં નીતા પંચાલની અત્યાર સુધીની સફર પ્રેરણાસ્રોત સમાન છે. આગળની વાત વાંચો નીતાના જ શબ્દોમાં:

એ વખતે કચ્છના મારા ગામ નાની દુધઈમાં હું દસમા ધોરણમાં અભ્યાસ કરતી હતી. શાળામાં ધ્વજવંદન કરવા હું અને મારી બહેનપણીઓ ઘરેથી નીકળી ગયાં હતાં. રસ્તામાં મસ્તી કરતાં જઈ રહ્યાં હતાં. મારું વેવિશાળ થઈ ગયું હતું અને આવતાં વર્ષે મારાં લગ્ન થવાનાં હતાં. મારી બહેનપણીઓ મારી મશ્કરી કરતી હતી અને અમે મસ્તી કરતાં શાળાએ જઈ રહ્યાં હતાં.

અચાનક ધરતી ઘ્રૂજવા માંડી અમને કઈ સમજાય એ પહેલા અમારી ઉપર ઇમારત પડી. અમે બધાં દટાઈ ગયાં. હું કમરથી દબાઈ ગઈ હતી, હલનચલન કરી શકાય એમ નહોતું. કેટલા કલાકો હું પથ્થરો નીચે દબાઈને રહી મને ખબર નથી. અચાનક પથ્થર તોડવાનો અવાજ આવ્યો અને મને પ્રકાશનું કિરણ દેખાયું. મેં બૂમ પાડી, "હું નીચે છું". પહેલાં તો સામો જવાબ ન મળ્યો. એટલે મેં તાકાત એકઠી કરીને ફરી બૂમ પાડી. પથ્થર તોડવાનુ કામ રોકાયું.

કલાકોની મહેનત બાદ લશ્કરના જવાનોએ મને બહાર કાઢી. બહાર આવ્યા પછી મને ખબર પડી કે હું બે દિવસથી પથ્થરો નીચે દટાયેલી હતી. મારી કરોડરજ્જુ પર પથ્થરો પડવાને કારણે તૂટી ગઈ હતી. સરકારી વિમાનમાં મને મુંબઈ લઈ જવામાં આવી. છ મહિનામાં 21 ઑપરેશન થયાં, પણ કમરથી નીચેનો ભાગ ખલાસ થઈ ગયો હતો.

વેવિશાળ થયું ત્યારે વારંવાર મને મળવા આવતો મારો ભાવિ પતિ એક દિવસ મુંબઈ મને જોવા આવ્યો. એને ખબર પડી કે મારો કમરથી નીચેનો ભાગ ખતમ થઈ ગયો છે એટલે એણે સગાઈ તોડી નાખી. મારી કરોડરજ્જુ તૂટવાની જેટલી પીડા મને હતી એનાથી વધુ દુઃખ મને એમણે વેવિશાળ તોડ્યું એનું થયું. હું માનસિક રીતે ભાંગી પડી હતી. છ મહિનાની સારવારને અંતે હું કચ્છ પાછી આવી. મારી બાકીની સારવાર ગાંધીધામમાં થઈ. નાના ગામમાંથી આવતી હું વેવિશાળ તૂટી ગયું એટલે ઉદાસ રહેતી. મારાં વધુ 12 ઑપરેશન થયાં. મને સધિયારો અપાયો કે હું મારા ગામ નાની દુધઈમાં રહીને કોઈના પર બોજ બન્યા વગર જીવન જીવી શકીશ.

હું વ્હીલચેરમાં ફરતી થઈ, રમતોમાં ભાગ લેતી થઈ. ડૉકટરોના કાઉન્સેલિંગના પગલે મારામાં આત્મવિશ્વાસ આવતો ગયો અને 2003ના અંતમાં હું મારા ગામ દુધઈ ગઈ. એ જમાનામાં મોબાઇલ ફોનનું બહુ ચલણ નહોતું. મેં ગામમાં સરકારી સહાય અને સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી કટલરીની દુકાન અને પીસીઓ શરુ કર્યાં.

ગામમાં મારી બધી બહેનપણીઓ ભૂકંપમાં મૃત્યુ પામી હતી. ગામમાં મારી પીડા ઘટવાને બદલે વધી ગઈ. ગામલોકો મારી દયા ખાતા કે 'અરે ભગવાન આ છોકરી નું શું થશે?' 'સાજીનરવી હોત તો લગ્ન થઈ જાત.' રોજરોજ આવી વાત સાંભળી નિરાશ થઈ જતી. બીજા દિવસે દુકાન નહીં ખોલવાના વિચાર આવતા. ઘણી વખત એમ થતું કે હું મારાં ઘરડાં માતા-પિતા માટે બોજ છું.

એવામાં 2004માં મને ખબર પડી કે બેંગલુરુંમાં 'હૅન્ડીકેપ ઇન્ટરનેશનલ ગેમ્સ' રમાવા જઈ રહી છે. મેં વ્હીલચેર રેસમાં ભાગ લીધો અને હું સિલ્વર મેડલ જીતી લાવી. એ દિવસથી ગામ લોકોની મારા પ્રત્યેની દૃષ્ટિ જ બદલાઈ ગઈ. લોકો કહેવા લાગ્યા કે ગોવિંદભાઈની દીકરી મજબૂત છે.

પણ મને ક્યાં ખબર હતી કે જીવનમાં મારે હજુ મોટી પરીક્ષા આપવાની બાકી છે? ગામમાં ઉંમરલાયક, વિધુરના સગપણ માટે માગા આવતા. આ બધાની વચ્ચે 2005માં દુકાને જતાં વ્હીલચેર ઊંધી થઈ ગઈ મને કમરમાં ઈજા થઈ. અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં મને દાખલ કરાઈ.

બાળકને દૂધ પિવડાવા માટે દસ રૂપિયા પણ નહોતા

મને મદદ કરવા માટે અમારી સંસ્થા વિકલાંગ સંકલન સમિતિ દ્વારા પરાગ પંચાલની નિમણૂક કરવામાં આવી. પોલિયોના શિકાર પરાગ નિ:સ્વાર્થ ભાવે મારી સેવા કરતા હતા. દવાખાનામાં અમારો સંબંધ વધુ ગાઢ થયો. 2006માં અમે લગ્ન કરવાનું નક્કી કર્યું. જ્ઞાતિ અલગ હોવાના કારણે અમે પરીવારની અસંમતિ છતાં પરણ્યાં. અમને રહેવા માટે કોઈ ભાડે ઘર આપતું નહોતું. હું સગર્ભા થઈ. કોઈ ડૉક્ટર મારી પ્રસૂતિ કરાવવા તૈયાર નહોતા કારણકે મને કરોડરજ્જુની તકલીફ હતી અને એનેસ્થેસિયા આપવો પડે તો જીવનું જોખમ હતું . છેવટે સિવિલ હૉસ્પિટલમાં મારી પ્રસૂતિ થઈ અને પુત્રનો જન્મ થયો.

હજુ તકલીફો મારો પીછો છોડતી નહોતી. પુત્ર નાનો હતો અને પરાગની નોકરી છૂટી ગઈ. મારા સસરાનું નિધન થયું. બચત ધીમે ધીમે ખાલી થઈ. એક સમય એવો આવ્યો કે મારા દીકરા ભવ્યને દૂધ પિવડાવવાના દસ રૂપિયા પણ અમારી પાસે નહોતા.

આઠ વિકલાંગ બહેનોનાં લગ્ન કરાવ્યાં

મેં અમદાવાદમાં કટલરીની દુકાન ખોલી અને પરાગને વડોદરા નોકરી મળી. અમારો સંઘર્ષ રંગ લાવ્યો. ઘર ખરીદ્યું. આ અરસામાં મેં મારા જેવી આઠ વિકલાંગ બહેનોનાં લગ્ન કરાવ્યાં.

એક દિવસ પરાગને ક્લાર્કની સરકારી નોકરીનો લેટર આવ્યો. મેં કટલરીની દુકાન બંધ કરી અપંગ બહેનોની સેવાનું કામ શરૂ કર્યું. ભાલાફેંક જેવી રમતોમાં ભાગ લીધો. ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા. જીવનના આ સંઘર્ષ પર બે પુસ્તકો 'ગર્ભથી કબર સુધી' અને 'નિયતિને પડકાર' લખ્યાં. અત્યારે હું વિકલાંગ બહેનો માટે સરકારી પ્રોજેક્ટ ચલાવું છું અને સેવાનાં કામ કરું છું. ગુજરાત સ્ટેટ ડિસેબિલિટી રિસ્પોન્સ સેન્ટરમાં કો-ઑર્ડિનેટર તરીકે પણ કામ કરું છું.

ડિસેબિલિટી સોશિયલ વર્કર, ઉદગમ વિમેન અચીવર ઍવૉર્ડ, વિલ્સ્ટર ઍવૉર્ડ અને નેશનલ ડિસેબિલિટી વર્કર ઍવૉર્ડ સહિતના 15 જેટલા ઍવૉર્ડ મળ્યા છે.

આમ, 26 જનયુઆરી 2001થી સતત મુસીબતોનો સામનો કરતાં આવેલાં નીતા પંચાલ જાણે જિંદગીને કહી રહ્યાં છે કે 'એ જિંદગી થોડીવાર ત્યાં જ થોભી જજે, હું હાલત સુધારીને આવું છું.'

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો