You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કચ્છનું વીર બાળક સ્મારક : ચીનનું એ સ્મારક જેને જોઈને નરેન્દ્ર મોદીને આ સ્મારક બનાવવાનો વિચાર આવ્યો
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે, તેઓ અમદાવાદ અને કચ્છમાં કેટલાક પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. જેમાં કચ્છના વીર બાળક સ્મારક તથા સ્મૃતિવનનો સમાવેશ થાય છે.
આ સ્મારકો કચ્છના ભૂકંપમાં (2001) મૃત્યુ પામેલાં બાળકો તથા લોકોની સ્મૃતિમાં બનાવવામાં આવ્યાં છે. જે ખુવારીમાંથી બેઠા થવાની કચ્છીઓની ખુમારીને ઝીલે છે.
આ સ્મારકને પગલે ગુજરાત સહિત દેશના ઇતિહાસમાં 'ડાર્ક ટુરિઝમ'નું નવું પ્રકરણ ઉમેરાશે, જે વિકાસ તથા રોજગારની નવી તકો ઊભી કરશે.
મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા, ત્યારે વર્ષ સ્મૃતિસ્મારકનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો, સમય સાથે તેના કદ, સ્વરૂપ, આકાર અને બજેટમાં ફેરફાર થતા રહ્યા છે. જેમાં સૌથી મોટો ફેરફાર 2011ની તેમની ચીનયાત્રા દરમિયાન આવ્યો હતો.
મોદીએ સિચુઆનમાં ભૂકંપ દરમિયાન મૃત્યુ પામેલાં બાળકોનું સ્મૃતિસ્મારક જોયું હતું, જેના આધારે તેમણે પ્રોજેક્ટ સાથે સંકળાયેલી કોર ટીમને ચીનની મુલાકાત લઈને તેનો અભ્યાસ કરવા કહ્યું હતું.
કચ્છમાં તા. 26મી જાન્યુઆરી, 2001ના દિવસે દેશ 52મો ગણતંત્રદિવસ ઊજવી રહ્યો હતો, ત્યારે લગભગ દોઢ મિનિટ સુધી રિક્ટર સ્કૅલ ઉપર 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 12 હજાર કરતાં વધુ લોકો મૃત્યુ પામ્યા હતા તથા સેંકડો ઇમારતો ધ્વસ્ત થઈ ગઈ હતી.
કચ્છનું વીર બાળક સ્મારક અને ડાર્ક ટુરિઝમનો વિચાર
- વડા પ્રધાન મોદી રવિવારે કચ્છમાં કેટલાક પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે
- આ પ્રોજેક્ટમાં વીર બાળક સ્મારક અને સ્મૃતિવન સામેલ છે
- આ સ્મારકને પગલે સમગ્ર દેસમાં 'ડાર્ક ટુરિઝમ'ની નવી શરૂઆત થવાનો દાવો છે
- પરંતુ આ સ્ફુરણા પાછળ ચીનનું શું યોગદાન છે?
- સમગ્ર ગુજરાત સહિત કચ્છમાં 26 જાન્યુઆરીના 2001ના રોજ લગભગ દોઢ મિનિટ સુધી વિનાશક ભૂકંપ આવ્યો હતો અને હજારોએ જીવ ગુમાવવા પડ્યા હતા
ભૂકંપ, મોદી અને ચીનયાત્રા
મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા, ત્યારે ચીનની મુલાકાતે ગયા હતા. એ સમયે એસ. જયશંકર ત્યાનાં ઍમ્બેસેડર હતા, જેઓ આગળ જતાં ગુજરાતમાંથી રાજ્યસભાના સંસદસભ્ય તથા મોદી સરકારમાં વિદેશમંત્રી પણ બન્યા. એ મુલાકાત વિશે એસ. જયશંકરે 'Modi@20' પુસ્તકમાં લખ્યું છે અને તેના વિશે ચર્ચા કરતાં કહ્યું હતું કે:
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'નવેમ્બર-2011માં મોદી ગુજરાતના મુખ્ય મંત્રીની રૂએ ચીન આવ્યા, ત્યારે હું ત્યાં ભારતનો રાજદૂત હતો. તેમની સાથે મારી આ પ્રથમ મુલાકાત હતી. અલગ-અલગ રાજ્યના મુખ્ય મંત્રીઓની ચીનની મુલાકાત અમારે માટે નવી વાત ન હતી, પરંતુ તેમની કાર્યપદ્ધતિ અમારા માટે નવી હતી.'
'તેઓ અડધી રાત્રે પહોંચ્યા અને બીજા દિવસ વહેલી સવારથી તેમના કાર્યક્રમો શરૂ થઈ ગયા હતા. તેમણે ચાર દિવસમાં ત્રણ શહેરની મુલાકાત લીધી હતી. ગુજરાતમાં ભૂકંપ આવેલો હોવાથી તેમણે સિચુઆનમાં આવેલા ભૂકંપ વિશે માહિતી મેળવવામાં વિશેષ રુચિ લીધી હતી.'
'ગુજરાતના ભૂકંપ તથા સિચુઆનની મુલાકાતે CDRI (કૉલિશન ફૉર ડિઝાસ્ટર રિઝિલિયન્ટ) ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પાયો નાખ્યો હતો.'
તા. 12મી મે 2008ના રોજ ચીનના સિચુઆનમાં રિક્ટર સ્કૅલ ઉપર 7.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 80 ટકા ઇમારતો નાશ પામી હતી.
લગભગ 90 હજાર લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે, જેમાં પાંચ હજાર 300 જેટલાં બાળકોનો પણ સમાવેશ થતો હતો. લગભગ ત્રણ લાખ 75 હજાર લોકો તેમાં ઘાયલ થયા હતા.
જુલાઈ-1976માં તાંગસાન (Tangshan) પછી ચીનમાં આવેલો આ સૌથી ભયંકર ભૂકંપ હતો. જેમાં બે લાખ 42 હજાર લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે સાત લાખ કરતાં વધુ લોકો ઘાયલ થયા હતા. અનૌપચારિક મૃતકોનો આંકડો સાત લાખનો હતો. એ મૃતકોની સ્મૃતિમાં મેમોરિયલનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
એ પ્રમાણે જ 2008ના મૃતકોની યાદમાં સિચુઆનમાં પણ મેમોરિયલનું નિર્માણ કરવામાં આવ્યું છે. બિચુઆન મિડલ સ્કૂલમાં એક હજારથી વધુ બાળકો અને શિક્ષકોનાં મૃત્યુ થયાં હતાં.
જે ચીનના સિચુઆન સ્મૃતિસ્મારકના આકર્ષણનું કેન્દ્રબિંદુ છે. તેમાં મૃત બાળકોની પ્રતિકૃતિઓ, તેમનાં સ્મૃતિચિહ્નો તથા તસવીરોને સંગ્રહિત કરવામાં આવી છે. અગાઉ જે શાળાનું મેદાન હતું, ત્યાં હવે દિવગંતોના પરિવારજનો આવીને સ્મૃતિકાર્યક્રમો આયોજિત કરે છે.
જેણે, મોદીના મનમાં વીર બાળક સ્મારકના વિચારનો પાયો નાખ્યો હતો. ગુજરાત સરકારની માહિતી પ્રમાણે, કચ્છના અંજારમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવા જઈ રહેલાં 185 બાળકો તથા 20 શિક્ષકો ઇમારતોના કાટમાળમાં દબાઈ જવાથી મૃત્યુ પામ્યાં હતાં.
ડાર્ક ટુરિઝમના દરવાજા
ભારતમાં સામાન્ય રીતે દરિયાકિનારાનાં સ્થળો, પહાડી પ્રદેશો, ધાર્મિક, ઐતિહાસિક કે નૈસર્ગિક પર્યટનનું ચલણ છે, પરંતુ 'ડાર્ક ટુરિઝમ' સાથે સંકળાયેલાં સ્થળોની સંખ્યા બહુ ઓછી છે. વીર બાળક સ્મારક તે દિશામાં નવો અધ્યાય આરંભી શકે છે.
વંશીય નિકંદન (હિટલર દ્વારા યહુદીઓની સામૂહિક હત્યા), હત્યાસ્થળ, જેલ, માનવસર્જિત હોનારત કે કુદરતી હોનારતના સ્થળોની લોકો મુલાકાત લે, મૃતકોને અંજલિ અર્પે, ત્યાં બનેલી ઘટના વિશે જાણે તથા ભવિષ્યને માટે પાઠ લે, એ મુખ્યત્વે ડાર્ક ટુરિઝમનો હેતુ હોય છે.
ગુજરાતમાં માનગઢ હત્યાકાંડ સાથે સંકળાયેલો ગોવિંદગુરૂ સ્મૃતિવન, મુગલો સાથેની લડાઈમાં મૃત્યુ પામેલા રાજપૂતોની સ્મૃતિમાં શહીદવન (જામનગર) ગુજરાતમાં ડાર્ક ટુરિઝમ સ્પોટનાં ઉદાહરણ છે.
જ્યારે દેશમાં જલિયાવાલા બાગ, અંદમાન નિકોબારની સેલ્યુલર જેલ, દિલ્હીનું બિરલા હાઉસ (ગાંધીજીની હત્યાસ્થળ) વગેરેએ રાષ્ટ્રીયકક્ષાના ડાર્ક ટુરિસ્ટ સ્પોટ છે.
સ્મૃતિવન અને ભૂજિયો કિલ્લો
કચ્છના મૃતકોની યાદમાં ભુજિયા ડૂંગર પર સ્મૃતિવન ઊભું કરવામાં આવ્યું છે, જેમાં ત્રણ લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આર્કિટેચરનો નોબલ પારિતોષિક મનાતા પ્રિત્ઝકર પુરસ્કાર વિજેતા (વર્ષ 2018) દ્વારા સ્થાપિત વાસ્તુ શિલ્પ કન્સલ્ટન્ટ સાથે જોડાયેલા રાજીવ કઠપાલિયા શરૂઆતથી જ સ્મૃતિવનની ડિઝાઇનિંગ સાથે સંકળાયેલા છે. તેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું :
"શરૂઆતમાં જે જગ્યાએ સ્મૃતિસ્મારક આકાર લેવાનો હતો, ત્યાં જમીનઅધિગ્રહણના મુદ્દે કામ અટકી ગયું હતું, એ પછી સેના દ્વારા ભૂજિયો કિલ્લો પરત કરવામાં આવતાં ત્યાં સ્મૃતિવન પ્રોજેક્ટે આકાર લીધો."
"સ્મૃતિવનની સાથે કિલ્લાના જીર્ણોદ્ધારનું કામ પણ હાથ ધરવામાં આવ્યું છે, જેની ચારમાંથી એક દીવાલનું કામ પ્રથમ તબક્કામાં પૂર્ણ થઈ ગયું છે."
ચીનની મુલાકાત વિશે વાત કરતાં કઠપાલિયાએ કહ્યું, "ચીનના સિચુઆનના ભૂકંપ મેમોરિયલની મુલાકાત દરમિયાન પ્રોજેક્ટના અલગ-અલગ અંગો તથા હિસ્સાઓ વિશે જોવા અને જાણવા મળ્યું. આ સિવાય વ્યવસ્થાપન તથા નિયમનની બાબતમાં ઘણું શીખવા મળ્યું હતું. જે પ્રોજેક્ટ માટે મદદરૂપ રહ્યું."
મૂળ ભૂજના જાડેજા શાસકો દ્વારા ભૂજંગગિરિ ડુંગર પર કિલ્લાનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. ત્યાં ભૂજંગ (નાગ) દેવનું મંદિર આવેલું છે. બ્રિટીશ શાસનકાળ દરમિયાન આ કિલ્લો અંગ્રેજોના હાથમાં આવ્યો હતો, જ્યાં સૈન્યમથક હતું તથા દારૂગોળાનો સંગ્રહ કરવામાં આવતો હતો. આઝાદી પછી તે ભારતીય સેનાએ અધીન હતો. માત્ર નાગપંચમીના દિવસે તેને જાહેર જનતા માટે ખોલવામાં આવતો હતો.
2001ના ભૂકંપ પછી આ કિલ્લો સેના દ્વારા રાજ્ય સરકારને સોંપી દેવામાં આવે તે માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા, છેવટે 2009માં સેનાએ બિસ્માર કિલ્લો કોઈ ઉપયોગ ન હોય તથા દારૂગોળાના સંગ્રહની અન્યત્ર વ્યવસ્થા થઈ ગઈ હોય આ કિલ્લો સોંપી દીધો હતો.
'ગુજરાતીઓની લાગણીનો પડઘો'
કચ્છના પ્રભારી સચિવ હર્ષદ પટેલ 2012માં ગુજરાતના ડિસ્ટ્રિક્ટ ડેવલપમૅન્ટ ઓફિસર હતા. પોતાની ચીનની યાત્રા પરથી પરત ફર્યા બાદ મોદીએ પટેલ, આર્કિટેક્ટ રાજીવ કઠપાલિયા તથા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અન્ય લોકોને ચીન જઈને ત્યાંના સ્મૃતિસ્મારકનો અભ્યાસ કરવા માટે કહ્યું હતું.
ગુજરાતના રિલીફ કમિશનર હર્ષદ પટેલના કહેવા પ્રમાણે, "અમે ચીનના મેમોરિયલનો અભ્યાસ કરીને એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. એ તથા પછીની દરેક ચર્ચા દરમિયાન મોદીસાહેબનો ખાસ આગ્રહ રહેતો કે આ સ્મૃતિસ્મારકમાં કચ્છીઓ તથા ગુજરાતીઓની લાગણીઓનો પડઘો ઝિલાવો જોઈએ. તેમાં ખુંવારીમાંથી બેઠા થવાની ખુમારી પણ પ્રતિબિંબિત થવી જોઈએ."
મેમોરિયલમાં મુલાકાતીઓની સંખ્યા વધ્યે ત્યાં ગ્રામીણ હાટ, સ્થાનિક હસ્તકળા, મીનાકારી તથા અન્ય કામોનાં પ્રદર્શન તથા વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે. તેને ટુરિઝમ સર્કિટ સાથે પણ સાંકળી લેવામાં આવશે.
એક અહેવાલ મુજબ, વિશ્વકક્ષાના સ્મૃતિસ્મારક ઉપર અંદાજે રૂ. 350 કરોડનો ખર્ચ થશે, જેમાં પ્રથમ તબક્કામાં રૂ. 175 કરોડનો ખર્ચ થયો છે. આ મેમોરિયલને પાંચ વિભાગમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં પ્રથમ વિભાગમાં દિવંગતોનાં નામ, તસવીરો તથા ભૂતકાળનાં સ્મરણ રજૂ કરવામાં આવ્યાં છે.
તારાજીના વિભાગમાં કાટમાળની સાથે મૃત બાળકોનાં સ્મૃતિચિહ્નો તથા તેમની પ્રતિકૃતિઓને રજૂ કરવામાં આવી છે. આ સિવાય વિશેષ કક્ષમાં મુલાકાતીઓને 6.9ની તીવ્રતાનો ભૂકંપ કેવો હોય તેની અનુભૂતિ સિમ્યુલેશન દ્વારા કરાવવામાં આવશે.
જ્ઞાન-વિજ્ઞાન વિભાગમાં ભૂકંપ આવવાની પ્રક્રિયા, તેનાં વૈજ્ઞાનિક કારણો તથા અન્ય જરૂરી માહિતી આપવામાં આવશે. મેમોરિયલના ભાગરૂપ 'પ્રકાશપૂંજ' પણ હશે, જેમાં ઊંચાઈ ઉપરનો પ્રકાશ અંજાર શહેરમાંથી પણ જોઈ શકાશે.
પ્રોજેક્ટ સ્વાવલંબી બને તે માટે ચેકડૅમોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેની ઉપર મૃતકોનાં નામ મૂકવામાં આવ્યાં છે, આ સિવાય સોલાર પાવર દ્વારા વીજળી ઉત્પન્ન થાય તેવી જોગવાઈ કરવામાં આવી છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો