તુર્કી અમેરિકાની જગ્યાએ ‘સુપરપાવર’ બનવાનાં સપનાં જોઈ રહ્યું છે?

    • લેેખક, વિલિયમ આર્મસ્ટ્રૉંગ
    • પદ, તુર્કીની બાબતોના નિષ્ણાત, બીબીસી મૉનિટરિંગ

અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિશ્વભરને રસ છે પરંતુ તુર્કી તેમાં કંઈ વિશેષ જ રસ લઈ રહ્યું છે.

એક તરફ તુર્કી જ્યાં પોતાના પ્રભાવક્ષેત્રમાં વિસ્તાર કરવાની કોશિશ કરી રહ્યું છે, તો બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં અમેરિકાના પ્રભાવમાં થયેલા ઘટાડાને તે એક તક સ્વરૂપે જોઈ રહ્યું છે.

ટ્રમ્પના કાર્યકાળમાં અમેરિકાએ પોતાની પરંપરાગત ભૂમિકાથી પાછળ હઠીને એક એવી ખાલી જગ્યા સર્જી છે, જેને ભરવા માટે ઘણા દેશો કોશિશ કરી રહ્યા છે. અન્ય દેશોની જેમ તુર્કી પણ પોતાની આસપાસના ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ વધારવાની કોશિશમાં છે.

તુર્કીના અધિકારી આ પગલાની પ્રશંશા કરી રહ્યા છે. તેમને લાગે છે કે તેમનો દેશ ફરીથી એક મહાન તાકત બની શકશે.

તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ આર્દોઆને 3 ઑક્ટોબરે કહ્યું હતું, "જે રીતે તુર્કી વિકસિત થઈ રહ્યું છે, આગળ વધી રહ્યું છે અને મજબૂત થઈ રહ્યું છે, તે વિશ્વમંચ પર પોતાના અધિકારોની રક્ષા કરી શકે છે."

તેમણે પોતાના ભાષણમાં મિત્રરાષ્ટ્રોને ટેકો આપવાનો પણ વાયદો કર્યો હતો. પરંતુ તુર્કી એકમાત્ર એવો દેશ નથી જે હાલની સ્થિતિનો ફાયદો ઉઠાવવા માગે છે. આવા ઘણા દેશો છે જે આ બદલતી પરિસ્થિતિમાં પોતાની આંકાક્ષાઓને પૂરી કરવાની કોશિશ કરી રહ્યા છે.

ટ્રમ્પ-આર્દોઆન વચ્ચેના સંબંધ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તુર્કીના રાષ્ટ્રપતિ આર્દોઆન વચ્ચે ઘનિષ્ઠ સંબંધ વ્યાપક રણનીતિ પર આધારિત છે. તુર્કીએ તેના નાટો સહયોગીઓ સાથે વધી રહેલી અસહમતિ વિરુદ્ધ તેનો એક ઢાલ તરીકે ઉપયોગ કર્યો છે.

જ્યારે તુર્કીએ રશિયા પાસેથી એસ-400 મિસાઇલ ખરીદી ત્યારે અમેરિકાની સંસદ તુર્કી પર પ્રતિબંધ લગાવવા માગતી હતી પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પે તુર્કીને બાચાવી લીધું.

'જર્મન માર્શલ ફંડ'ના ડાયરેક્ટર ઓઝગુર ઉનલુહસારિસકિલી માને છે કે બગડી રહેલા સંબંધોને પગલે અમેરિકામાં ટ્રમ્પ જ તુર્કીના એકમાત્ર મિત્ર છે. સપ્ટેમ્બર 2019માં રાષ્ટ્રપતિ આર્દોઆને ન્યૂયોર્કમાં કહ્યું હતું, "અમે અમારા મિત્ર ટ્રમ્પની સાથેના સંબંધોને કારણે જ આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવી રહ્યા છીએ."

તુર્કીના મીડિયાએ ટ્રમ્પના હરિફ જૉ બાઇડનના એ નિવેદનની ટીકા કરી હતી જેમાં તેમણે તુર્કી મામલે માનવાધિકારના હનન વિરુદ્ધ કડક વલણ અપનાવવા અને કડક વિદેશનીતિની વાત કહી હતી.

ઑગસ્ટ મહિનામાં બાઇડને કહ્યું હતું કે આર્દોઆન માટે તેમનો દૃષ્ટિકોણ એકદમ અલગ હશે. તેમણે તેમના ભાષણમાં એ પણ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ તુર્કીમાં વિપક્ષી નેતૃત્ત્વનું સમર્થન કરશે.

બાઇડનના આ નિવેદન પછી તુર્કીના કેટલાક વિશ્લેષકો ટ્રમ્પનું સમર્થન કરતા જોવા મળી રહ્યા છે. તુર્કી સરકાર તરફે ઝુકાવ રાખતા અખબાર 'સબાહ'ના સ્તંભકાર મેહમત બરલાસ લખે છે, "હું ટ્ર્મ્પની નબળાઈથી વાકેફ છું. પરંતુ જો અમારે પસંદ કરવાનું આવે તો ટ્રમ્પ ફરી ચૂંટાઈ આવે એ અમારા હિતમાં હશે."

રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે તુર્કીના સંબંધો માત્ર દ્વિપક્ષીય મુદ્દાઓ સુધી જ મર્યાદિત નથી.

તુર્કી આવા સમયે પોતાની આંતરરાષ્ટ્રીય છબીને મજબૂત કરવાની કોશિશ કરી રહ્યું છે, બીજી તરફ રાષ્ટ્રપતિ ટ્રમ્પ આંતરરાષ્ટ્રીય અભિયાનોમાંથી અમેરિકાને અલગ કરવાની કોશિશમાં લાગ્યા છે.

તેનું એક ઉદાહરણ ગત વર્ષે ઑક્ટોબરમાં સીરિયામાં તુર્કીની સેનાના હસ્તક્ષેપ સ્વરૂપે જોવા મળ્યું હતું.

અમેરિકન સેના ઇસ્લામિક સ્ટેટ સમૂહ વિરુદ્ધ સીરિયાના કુર્દો સાથે મળીને લડાઈ લડી રહી હતી. પરંતુ ટ્રમ્પ અને આર્દોઆન વચ્ચે ફોન પર વાતચીત બાદ જે વિસ્તારો તુર્કીના નિશાના પર હતા ત્યાંથી અમેરિકાની સેના પાછી હઠી ગઈ હતી. તુર્કી સમર્થિત સેના, રશિયાની સેના અને સીરિયાની સરકારે બાદમાં ઉત્તર-પૂર્વી સીરિયાના વિસ્તારો પર નિયંત્રણ કરી લીધું હતું.

તુર્કી અને અમેરિકા કેટલાક મુદ્દે એકબીજાનો સહયોગ કરે છે. તુર્કી લિબિયામાં પોતાના વિરોધીઓ સામે અમેરિકન પ્રભાવનો ઉપયોગ કરવા માગે છે. જોકે તુર્કીમાં કેટલાક લોકોનું માનવું છે કે ટ્રમ્પનો બીજો કાર્યકાળ અમેરિકાની વિશ્વ સાથેની અલગતાને વધુ વ્યાપક બનાવશે જેથી તુર્કી માટે વધુ સંભાવનાઓ પેદા થશે.

તુર્કીની મહત્ત્વકાંક્ષા

વર્ષ 2016માં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પે ચૂંટણીના કેટલાક મહિનાઓ પૂર્વે તુર્કીના રાષ્ટ્રપતિના સંચારનિર્દેશક ફ્રેટન એલને કહ્યું હતું કે અમેરિકાની વિસ્તારવાદી નીતિઓ સમાપ્ત કરવા માટે ટ્રમ્પની પ્રતિબદ્ધતા અવરસ પેદા કરી શકે છે.

'સબાહ'ના સ્તંભકાર હસન બાસરી યાલસનિ કહે છે કે તુર્કી આ ક્ષેત્રમાં સૌથી શક્તિશાળી દેશ તરીકે ઊભરી રહ્યો છે.

18 જીને હસન બાસરીએ લખ્યું, "દુનિયા બદલાઈ ગઈ છે. તુર્કી બદલાઈ ગયું છે. અમેરિકાને કેન્દ્ર માનીને તેની તરફ ફરતો રહેતો 90નો દાયકો હવે બદલાઈ ગયો છે."

તેઓ વધુમાં કહે છે,"અમેરિકા હવે કંઈ પણ નથી કરી શકતું કેમ કે તે નબળું પડી રહ્યું છે અને તુર્કી એક મજબૂત પ્રભાવ બનવા તરફે સ્પષ્ટપણે ઊભરી રહ્યું છે."

સૈંચૈર વેબસાઇટ હેબર્ટર્કના મુખ્ય સંપાદક સૅટનિર સૅટની કહે છે,"પોતાના પારંપરિક પશ્ચિમી મિત્રો સાથેની અલગતાને વાસ્તવિકપણે તુર્કીના પરિપ્રેક્ષ્યમાં પોતાના 'આવરણને તોડવા' અને 'ડરની દીવાલ તોડવા'ની પ્રક્રિયાના સંદર્ભમાં જોવી જોઈએ."

'યેની શફાક' અખબારના મુખ્ય સંપાદક ઇબ્રાહિમ કારાગુલ કહે છે,"આજે તુર્કી આ ક્ષેત્રમાં એક ઊભરતી શક્તિ છે જે 20મી સદીની સ્થાપિત સંરચનાને બદલી રહી છે."

તુર્કીમાં સરકાર વિરોધી અવાજો પણ બદલતી સ્થિતિનો અનુભવ કરાવી રહ્યા છે.

ક્ષેત્રીય દુશ્મની

તુર્કી એકમાત્ર એવો દેશ નથી જે અમેરિકા પાછળ હઠવાના લીધે સર્જાયેલી ખાલી જગ્યા ભરવાની કોશિશ કરે છે.

પૂર્વિય ભૂમધ્યસાગરના ક્ષેત્રમાં શક્તિસંઘર્ષ ચાલુ છે, જ્યાં ફ્રાંસ, રશિયા, ઇજિપ્ત, ઇઝરાયલ અને સંયુક્ત આરબ અમિરાત સહિતના કેટલાક દેશો પોતાના પ્રભાવક્ષેત્રનો વિસ્તાર કરવાની કોશિશ કરી રહ્યા છે.

સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરેબિયાના કેટલાક મુદ્દે તુર્કી સાથે મતભેદો છે.

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમ્યેનુએલ મૅંક્રો પણ મધ્યપૂર્વમાં પોતાનો પ્રભાવ વધારવાની કોશિશ કરી રહ્યા છે. લેબેનોન અને ઇરાકના તેમના તાજેતરના પ્રવાસોને આ જ સંદર્ભમાં જોવામાં આવે છે.

વળી બીજી તરફ તુર્કી અને ફ્રાંસ આ પ્રયાસોની ટીકા કરી રહ્યા છે અને આને તેમણે કૉલૉનિયઝમ (સંસ્થાનવાદ) અને દમનકારી નીતિ સાથે જોડ્યું છે.

અમેરિકા ચૂંટણી પછીની સ્થિતિ

અમેરિકાની ચૂંટણીમાં ટ્રમ્પ જીતે અથવા બાઇડન, વૈશ્વિક સ્તર પર જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, તે ભવિષ્યમાં પણ યથાવત રહેશે.

તુર્કીશ સમચાર વેબસાઇટ 'મીડિયાસ્કૉપ'ના એક કૉલમિસ્ટ રુસેન લખે છે, "બાઇડન અમેરિકાને જૂની પદ્ધતિ હેઠળ આગળ લાવવાની કોશિશ કરી શકે છે અને વિશ્વ સંસ્થાનોમાં પોતાની ભૂમિકા વધારવાની કોશિશ પણ કરી શકે છે. પરંતુ તેનાથી કોઈ ફેર નથી પડતો."

તેઓ લખે છે,"અમેરિકાનું વૈશ્વિક પ્રભુત્ત્વ ઓછું થઈ રહ્યું છે અને એવું નથી લાગી રહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પને આ વાતનો કોઈ ફર્ક પડશે કે તેઓ વ્હાઇટ હાઉસમાં છે કે નહીં."

પરંતુ તુર્કીની આંકાક્ષાઓ ટ્રમ્પ સરકાર સુધી મર્યાદીત નથી.

તુર્કીએ ગત કેટલાંક વર્ષોમાં પોતાની સુરક્ષા માટે ઘણો ખર્ચો કર્યો છે અને કરી પણ રહ્યું છે. દેશમાં રાષ્ટ્રવાદી ભાવનાઓનો ઉદય થયો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના કાર્યકાળમાં નિશ્ચિત રીતે તેના પ્રભાવમાં હજુ વધુ વિસ્તાર થઈ શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો