You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુશાંતસિંહ રાજપૂત કેસ: ગુજરાતની ફૉરેન્સિક લૅબ 15 ફોનનું રહસ્ય કેવી રીતે ઉકેલશે?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતના પાટનગર ગાંધીનગરની ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીમાં દેશની મોટી સેલિબ્રિટીના મોબાઇલ ફોન તપાસ માટે આવેલા છે, અને તે માટે આ લૅબોરેટરીના નિષ્ણાતો કામે લાગી ચૂક્યાં છે. આગામી થોડા દિવસોમાં આ લૅબોરેટરીના સાઇબર ક્રાઇમ અને ડેટા ઍનાલિસિસના એક્પર્ટ વિવિધ રિપોર્ટસ બનાવીને મુંબઈની NCBની તપાસ ટીમને સોંપશે.
ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે NCBએ ગાંધીનગરની ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીમાં મોકલવામાં આવેલા 15 ફોનની તમામ મહિતી માગી છે, જેથી કે આ ફોન જેમનો હોય તેમની જુબાની સાથે ફોનની માહિતીને મેચ કરી શકાય.
ગાંધીનગરની આ લૅબોરેટરીમાં દેશભરમાંથી અનેક સ્થળોએથી ફોન, લેપટોપ, પેનડ્રાઇવ સહિતના ગૅઝેટ્સ વગેરેને ફૉરેન્સિક તપાસ માટે અહીં મોકલવામાં આવતા હોય છે.
સુશાંતસિંહ રાજપૂત કેસમાં કથિત રીતે ડ્રગ્સની વાત સામે આવી અને કથિત હત્યા થઈ હોવાની થિયરી સામે આવી પછી અને વિખ્યાત કલાકારો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્સ રૅકેટની ચર્ચાઓએ જોર પકડ્યું હતું.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ તપાસ આદરી એ પછી અને કલાકારોનું નામ લેવામાં આવ્યું છે જેની બીબીસી પુષ્ટિ કરતું નથી. એનસીબીએ જેમની પૂછપરછ કરી એવા દિપીકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંગ તેમજ રિયા ચક્રવર્તી ઉપરાંત અન્ય લોકોનાં ફોન ગાંધીનગરની ફૉરેન્સિક લૅબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જોકે, સુશાંતસિંહ રાજપૂતનો ફોન પણ આ 15 ફોનમાં છે કે નહીં તે અંગે અધિકારીઓ માહિતી આપવા તૈયાર નથી.
કોઈ પણ ફોન જ્યારે આ લૉબોરેટરીમાં ફૉરેન્સિક તપાસ માટે આવતા હોય તો તેની તપાસ કેવી રીતે થાય છે તે જાણવું રસપ્રદ બની ગયું છે.
બીબીસી ગુજરાતીએ એ જાણવાનો પ્રયાસ કર્યો કે ગાંધીનગરની આ ફૉરેન્સિક લૅબોરેટરીમાં જ્યારે કોઈ ફોન તપાસ માટે આવે ત્યારે તેની તપાસ કેવી રીતે થતી હોય છે.
કેવી રીતે ફોન ડિકોડ થાય છે?
ફૉરેન્સિક સાયન્સ લેબોરેટરીના એક એક્સપર્ટે પોતાનું નામ ન આપવાની શરત ફૉરેન્સિક તપાસ વખતે ઉપયોગમાં લેવાતી વિવિધ ટેકનૉલૉજી વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે ગાંધીનગરની લૅબોરેટરીમાં જ્યારે કોઈ ફોન આવે ત્યારે તેનો ડેટા લેવા માટે વિવિધ સૉફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અલબત્ત, સૉફ્ટવેરના નામ લૅબ આપતી નથી પરંતુ આખી દુનિયામાં મોબાઇલ ડેટા ઍનાલિસીસ માટે અનેક પ્રકારના સૉફ્ટવેર વિકસાવવામાં આવ્યા છે.
અધિકારીએ કહ્યું કે, આ સૉફ્ટવેર દુનિયાના નિષ્ણાતો દ્વારા બનાવવામાં આવેલા છે અને તે સૉફ્ટવેર ફોનનો તમામ ડેટાને ઍનાલિસીસ કરવાની ક્ષમતા ધરાવે છે.
મોબાઇલ ફોનની ફૉરેન્સિક તપાસ તેની બનાવટ પર આધારિત હોય છે. ફોન જેટલો અદ્યતન હોય અને જાણીતી કંપનીનો હોય એટલું જ તેનો ડેટા મેળવવું સહેલું થઈ પડે છે. જો ફોનની નિર્માતા કંપની ઓછી જાણીતી હોય તો ડેટા મેળવવો મુશ્કેલ બને છે.
અધિકારીનું છે કે, "જાણીતી કંપનીના ફોન માટે સૉફ્ટવેર તરત જ કામ કરી લેતું હોય છે, અને તેમાંથી તમામ ડીલિટેડ તેમજ હાલની માહિતી મેળવી આપે છે. કંપની ઓછી જાણીત હોય તેમ આ કામ કરવામાં વાર લાગી શકે છે."
ગાંધીનગરની લૅબોરેટરી પાસે ફોન આવે ત્યારબાદ તે ફોનને વર્કસ્ટેશન મારફતે સૉફ્ટવેરમાં રન કરવામાં આવે છે.
અધિકારી મુજબ "સામાન્ય રીતે 100 જીબી સુધીના ફોનનો ડેટા 3થી 4 કલાકમાં એક્સટ્રેક થઈ જતો હોય છે, અને જો તેનાથી વધુ જીબીનો ફોન હોય તો 6થી 7 કલાક પછી વર્કસ્ટેશનમાં તમામ ડેટા સ્ટોર થાય છે. આ ડેટાના આધારે સૉફ્ટવેર થકી એક રિપોર્ટ જનરેટ થાય છે."
રિપોર્ટમાં શું હોય છે?
આ રિપોર્ટમાં અલગ અલગ માહિતી ઉપલબ્ધ હોય છે, જેમ કે SMS, Whatsapp મૅસેજીસ, ઇમેલ્સ, ઓડિયો ફાઇલ, વીડિયો ફાઇલ વગેરે. આ રીપોર્ટમાંથી ફોનમાંથી કેટલી માહિતી ડીલીટ થઈ ચૂકી છે, અને કેટલી માહિતી ફોનમાં છે તેની વિગતો પણ મળી જતી હોય છે.
આ રિપોર્ટ કોઈ એક ચોક્કસ પ્રકારનાં લેપટોપ કે વર્કસ્ટેશન મારફતે જ તેમાં રહેલા સૉફ્ટવેરની મદદથી જ જનરેટ થઈ શકતો હોય છે. આ રિપોર્ટ તારીખ, સમય, વગેરે સહિત કોઈ વ્યક્તિએ ફોન ખરીદ્યો હોય ત્યારથી માંડીને તમામ વિગતો આપે છે.
રિપોર્ટનું ઍનાલિસીસ
આ રિપોર્ટ જનરેટ થયા બાદ, ફૉરેન્સિક એક્સપર્ટનું કામ શરુ થાય છે. અને પોલીસ કે તપાસસંસ્થાએ માગેલી માહિતી પ્રમાણે તેઓ આ રિપોર્ટનું ઍનાલિસીસ કરતા હોય છે. "જેમ કે જો પોલીસે એક્સપર્ટને પૂછ્યું હોય કે તેમને જાણવું છે કે વ્યક્તિએ પોતાના નિવેદનમાં લખાવેલી તારીખે કોઈ એક ચોક્કસ વ્યક્તિ સાથે વાત કરી હતી કે નહીં? તો તેની પુષ્ટિ ફોનના ડેટાથી થઈ શકે છે."
ફૉરેન્સિક એક્સપર્ટ સમય, તારીખ, કી વર્ડ, લોકેશન, વગેરે પ્રમાણે ડેટા ઍનાલિસીસ કરીને તપાસમાં મદદરૂપ થાય છે.
અધિકારી કહે છે કે, મોટાભાગના કેસોમાં મોબાઇલ ફોનમાંથી ડીલિટ કરી દેવામાં આવેલો ડેટા શોધી કાઢવાની જરૂરિયાત વધારે હોય છે, અને તેમાં પણ ખાસ કરીને મર્ડર, રેપ અને બાળકો સાથેનાં દુષ્કર્મના કેસોની સંખ્યામાં ફૉરેન્સિક મદદની વધારે જરૂર પડતી હોય છે.
કોલકાતાનો એ મર્ડર કેસ અને ગાંધીનગરની ફૉરેન્સિક લૅબની અગત્યની ભૂમિકા
ગાંધીનગરની ફૉરેન્સિક લૅબની આખા દેશમાંથી અલગ અલગ કેસમાં મદદ માગવામાં આવતી હોય છે. લૅબની મદદથી અનેક કેસો ઉકેલવામાં આવ્યા છે. જેમ કે, ગૌરી લંકેશના કેસમાં આરોપીઓને ઓળખવામાં ફૉરેન્સિક લૅબોરેટરીના નિષ્ણાતોએ મદદ કરી હતી.
આવો જ એક કેસ 2015માં લૅબમાં આવ્યો હતો. એ કેસ કોલકાતાનો મર્ડર કેસ હતો.
કોલકાતા મર્ડર કેસ વિશે વાત કરતા અધિકારી કહે છે કે, "2015નો એ કેસ અધિકારીઓ માટે એક પડકારજનક કેસ હતો એમ મને લાગે છે. કેસમાં સંપત્તિના વિવાદમાં એક પુત્રવધૂએ તેમના મિત્ર સાથે મળીને સાસુની હત્યા કરી હતી. ષડ્યંત્રની વાત સામે આવી હતી છતાં ફોનમાં કોઈ જ વિગતો મળી રહી ન હતી."
"જ્યારે એ ફોન અમારી પાસે આવ્યો ત્યારે અમે તેની તપાસ કરી. અમે ફોનની તમામ ઍપ્લિકેશનની સાઇઝમાંથી પગેરું શોધ્યું."
"અમને ખબર પડી કે ફોનમાં કૅલ્ક્યુલેટરની એક ઍપ્લિકેશન છે જેની સાઇઝ અન્ય કરતાં મોટી છે. અમે જ્યારે એ ઍપ્લિકેશનને ક્રેક કરી તો તેમાં તે મહિલાની ચેટ, પ્લાનિંગ માટે કરેલી વાતચીતનું રૅકોર્ડિંગ વગેરે વિગતો મળી આવી અને મર્ડરના ષડ્યંત્રનો પર્દાફાશ થઈ ગયો."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો