મહાકુંભ : સંગમઘાટ પર સ્નાન કર્યા બાદ લોકો માંદા પડી રહ્યા છે, કુંભનું પાણી સારું છે કે ખરાબ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, આનંદમણિ ત્રિપાઠી
- પદ, બીબીસી સંવાદદાતા
પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળાના સમાપન પહેલાં સંગમસ્થળે ગંગા-યમુનાના પાણીની શુદ્ધતાને લઈને બે રિપોર્ટ સામે આવ્યા છે. તેના કારણે એક નવો વિવાદ થયો છે.
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)એ નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ને એક રિપોર્ટ સોંપી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે ગંગા-યમુનાના પાણીમાં નક્કી માત્રા કરતાં અનેકગણા વધારે ફીકલ કૉલિફૉર્મ બૅક્ટેરિયા છે.
ત્યારપછી ઉત્તર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(યુપીપીસીબી)એ એનજીટીને એક નવો રિપોર્ટ સોંપ્યો છે. તેમાં સીપીસીબીના આ રિપોર્ટને ફગાવી દેવામાં આવ્યો છે.
તેના પર એનજીટીએ કડક ફટકાર લગાવીને યુપીપીસીબી પાસે નવો રિપોર્ટ માંગ્યો છે. આ મામલે હવે પછીની સુનાવણી 28 ફેબ્રુઆરીએ થશે. કુંભમેળો 26 ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ જશે.
પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી મહાકુંભ સ્નાન ચાલી રહ્યું છે. ઉત્તર પ્રદેશ સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર અત્યાર સુધીમાં 58 કરોડથી વધુ લોકો સંગમમાં ડૂબકી લગાવી ચૂક્યા છે.
ત્રિવેણી સંગમના પાણી પર આવેલા સીપીસીબીના રિપોર્ટમાં શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
કુંભમેળા દરમિયાન સીપીસીબીએ શ્રૃંગવેરપુર ઘાટ, લૉર્ડ કર્ઝન બ્રિજ, નાગ વાસુકી મંદિર, દીહા ઘાટ, નૈની બ્રિજ અને સંગમ વિસ્તારમાંથી પાણીના નમૂના એકત્રિત કર્યા હતા.
તેમાં 13 જાન્યુઆરી, 2025ના રોજ ગંગાના દીહા ઘાટ અને યમુનાના જૂના નૈની પુલ નજીકથી લેવામાં આવેલા નમૂનામાં 100 મિલી પાણીમાં ફીકલ કૉલિફૉર્મ બૅક્ટેરિયા 33,000 એમપીએન જેટલા મળી આવ્યા હતા.
શ્રૃંગવેરપુર ઘાટના નમૂનામાં ફીકલ કૉલિફૉર્મ બૅક્ટેરિયા 23,000 MPN હોવાનું જણાયું હતું. સીપીસીબી અનુસાર, 100 મિલી પાણીમાં નહાવા માટેનું સલામત સ્તર 2500 એમપીએન છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્રિવેણી સંગમ એ જગ્યા છે જ્યાં મોટાભાગના લોકો સ્નાન કરે છે. અહીં સવાર અને સાંજનાં પરીક્ષણો લેવામાં આવતાં હતાં. એવું જાણવા મળ્યું કે અહીં ફીકલ કૉલિફૉર્મ બૅક્ટેરિયાનું પ્રમાણ પ્રતિ 100 મિલી પાણીમાં 13000 એમપીએન હતું.
સામાન્ય ભાષામાં કહીએ તો પાણીમાં ફીકલ કૉલિફૉર્મ બૅક્ટેરિયાની હાજરી સૂચવે છે કે પાણી મનુષ્યો કે અન્ય પ્રાણીઓના મળથી દૂષિત થઈ ગયું છે.
રિપોર્ટમાં, માત્ર ફીકલ કૉલિફૉર્મ બૅક્ટેરિયા જ નહીં, પરંતુ અન્ય પરિમાણોમાં પણ આ વિસ્તારનું પાણી પીવા અને નહાવા માટે અયોગ્ય હોવાનું જાણવા મળ્યું હતું.
સીપીસીબીએ એમ પણ કહ્યું છે કે કુંભમાં મોટી સંખ્યામાં લોકો સ્નાન કરે છે. આના કારણે લોકોના શરીર અને કપડાંમાંથી ગંદકી નીકળે છે. આનાથી પાણીમાં મળમાં જોવા મળતા બૅક્ટેરિયાની ઘનતા વધી જાય છે.
કૉલિફૉર્મ બૅક્ટેરિયા શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
કૉલિફૉર્મ બૅક્ટેરિયા એ ઘણા બૅક્ટેરિયાનો સમૂહ છે. વૉશિંગ્ટન સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થ અનુસાર, તે મનુષ્યો અને પ્રાણીઓનાં આંતરડા અને મળમાં જોવા મળે છે.
જો તે શરીરમાં રહે તો તે હાનિકારક નથી પણ પાણીમાં ભળ્યા પછી આ બૅક્ટેરિયા ખતરનાક બની જાય છે.
ટોટલ કૉલિફૉર્મનો એક પ્રકાર ફીકલ કૉલિફૉર્મ છે. આનો એક પ્રકાર ઈ. કોલાઈ બૅક્ટેરિયા પણ છે.
ટોટલ કૉલિફૉર્મ માટી અથવા અન્ય સ્ત્રોતોમાં પેદા થઈ શકે છે, પરંતુ ફીકલ કૉલિફૉર્મ અને ઈ. કોલાઈ મળમાંથી જ આવે છે.
ઈ. કોલાઈના દરેક પ્રકાર ખતરનાક નથી હોતા, પરંતુ ઈ. કોલાઈ 0157:H7 ને હાનિકારક પણ માનવામાં આવે છે.
મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે રિપોર્ટને ફગાવ્યો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કુંભમાં ગંગા-યમુનાના પાણીને લઈને રાજકીય નિવેદનબાજી પણ શરૂ થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશ સરકારે CPCB રિપોર્ટને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે.
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે 19 ફેબ્રુઆરીએ વિધાનસભામાં આ અહેવાલને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે ત્રિવેણી સંગમનું પાણી ફક્ત સ્નાન માટે જ નહીં પરંતુ પીવા માટે પણ સંપૂર્ણપણે યોગ્ય છે.
મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, "ત્રિવેણી સંગમના પાણીની ગુણવત્તા પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. સંગમ અને તેની આસપાસના વિસ્તારોનાં તમામ નાળાઓને ટૅપ કરવામાં આવ્યાં છે અને શુદ્ધિકરણ પછી જ ત્યાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉત્તર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાણીની ગુણવત્તા જાળવવા માટે સતત દેખરેખ રાખી રહ્યું છે."
યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, "પ્રયાગરાજમાં ફીકલ કૉલિફૉર્મ બૅક્ટેરિયાનું સ્તર હાલમાં પ્રતિ 100 મિલીએ 2500 યુનિટથી ઓછું છે, જેનો અર્થ એ છે કે મહાકુંભની છબીને કલંકિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે."
તેમણે એમ પણ કહ્યું હતું કે સંગમ વિસ્તારમાં હાજર પાણીમાં રહેલા ઑક્સિજનનું પ્રમાણ 8-9 છે, જ્યારે બાયૉકેમિકલ ઑક્સિજનની માંગ 3 કરતા ઓછી છે, જેનો અર્થ એ છે કે સંગમનું પાણી ફક્ત નહાવા માટે જ નહીં પરંતુ પીવા માટે પણ યોગ્ય છે.
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું છે કે, "જો ભાજપના લોકો આ પાણીનો ઉપયોગ પીવા અને સ્નાન માટે કરશે, તો જ અમે સ્વીકારીશું કે ગંગાનું પાણી સ્વચ્છ છે."
આ અંગે બુધવારે વિધાનસભામાં રાજ્યપાલના અભિભાષણ પર ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટી નેતા શિવપાલ સિંહ યાદવે કહ્યું કે, "સરકારે ગંગાને ઇવેન્ટ મૅનેજમેન્ટનું કેન્દ્ર બનાવ્યું છે. ગંગાનું પાણી પીવાલાયક નથી. સરકારે ગંગાજળ હાથમાં લેવું જોઈએ અને સત્ય કહેવું જોઈએ. આ સરકારે 2025માં નિષ્ફળતાની ગંગા વહેવડાવી છે."
કેટલું હોવું જોઈએ પાણીમાં ફીકલ કૉલિફૉર્મ?

ઇમેજ સ્રોત, Getty Images
સીપીસીબીએ છ પરિમાણો પર સંગમ વિસ્તારના પાણીનું પરીક્ષણ કર્યું છે. પ્રદૂષણનાં ધોરણો અનુસાર, ફીકલ કૉલિફૉર્મનું સ્તર પ્રતિ 100 મિલીએ 2500 યુનિટથી ઓછું હોવું જોઈએ, જે વધુ હોવાનું જાણવા મળ્યું.
યુપીપીસીબી પ્રયાગરાજના પ્રાદેશિક અધિકારી સુરેશચંદ્ર શુક્લાએ 18 ફેબ્રુઆરીએ એનજીટીને 549 પાનાનો રિપોર્ટ આપ્યો છે.
આ અહેવાલમાં, UPPCB, જલ નિગમ, જીઓ ટ્યુબ અને મોતીલાલ નેહરુ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજી (MNIT)ના તપાસ અહેવાલોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે પાણીનાં ધોરણો પ્રમાણભૂત ગુણવત્તાના છે.
આ અહેવાલમાં ઉલ્લેખિત જીઓ ટ્યુબ એ સંગમમાં પાણીની અંદર પડેલી છે. તે પાણીની ગુણવત્તા વિશે માહિતી આપતી રહે છે.
નદીના પાણી પર સંશોધન કરનારા દીપેન્દ્ર સિંહ કપૂર કહે છે, "જો CPCBનો રિપોર્ટ દર્શાવે છે કે પ્રદૂષણ છે, તો તેને નકારી શકાય નહીં."
તેઓ કહે છે, "આની બે બાજુઓ છે. પહેલી બાજુ એ છે કે આટલા મોટા સ્નાનમાં કોઈને કોઈ બીમારી થઈ નથી. બીજી બાજુ એ છે કે જે કોઈ ત્યાં સ્નાન કરી રહ્યાં છે તેઓ ત્યાંથી સીધા જ ઘરે જઈ રહ્યાં છે. આથી તેમને ઘરે જ બીમારી થશે."
કુંભમાંથી પાછા ફર્યા બાદ શું તબિયત ખરાબ થઈ રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
કુંભથી પાછા ફર્યા પછી, ઘણા લોકોમાં તાવ, શરદી, છીંક, ખાંસી સહિતની ફરિયાદો જોવા મળી છે.
ગ્રેટર નોઈડાના સિમરન શાહે 7 ફેબ્રુઆરીએ પોતાના પરિવાર સાથે સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી.
તેમણે કહ્યું કે, "કુંભમાંથી પાછા ફર્યા પછી, પરિવારની દરેક વ્યક્તિ અસ્વસ્થતા અનુભવી રહી છે. તેમની તબિયત હજુ પણ સુધરતી નથી."
સિમરન શાહનું કહેવું છે કે પરિવારમાં બધાને ગળામાં ચેપ લાગ્યો છે અને બધા દવા લઈ રહ્યા છે.
ઉત્તર પ્રદેશના અયોધ્યાના રહેવાસી અંકિત પાંડે કહે છે કે, "17 ફેબ્રુઆરીએ તેમણે પણ તેમના પરિવારના 19 સભ્યો સાથે કુંભ સ્નાન કર્યું હતું."
તેઓ કહે છે, "પ્રયાગરાજથી આવ્યા પછી, લગભગ દરેકને શરદી, ખાંસી અને હળવા તાવની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તેમને ડૉક્ટરો પાસેથી દવાઓ પણ લેવી પડી હતી. હવે તેમને રાહત થઈ છે."
નવી દિલ્હીમાં મૌલાના આઝાદ મેડિકલ કૉલેજના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. પન્નાલાલ કહે છે, "આવું તો થવાનું જ છે. લોકો એટલી મોટી સંખ્યામાં આવ્યા છે કે તેનાથી બચવું ખૂબ જ મુશ્કેલ છે. જે લોકો આવ્યા છે તેમાંથી ઓછામાં ઓછા 20 ટકા લોકો આ બૅક્ટેરિયાથી પ્રભાવિત થશે. કેટલાકને થોડી વધુ અસર થશે અને કેટલાકને થોડી ઓછી."
ડૉ. પન્નાલાલ કહે છે કે, "ફીકલ કૉલિફૉર્મને કારણે લોકોને લોહીવાળા ઝાડા, ઊલટી અને પેટની અન્ય બીમારીઓ થઈ શકે છે. આ સાથે જ વ્યક્તિને હળવો તાવ, શરદી, ખાંસી અને અન્ય ચેપનો ભોગ બનવું પડી શકે છે. આવી ભીડમાં આવી સમસ્યાઓ તો થવાની જ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












