You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહાદેવ ઍપનો સૂત્રધાર પાટણથી પકડાયો, ક્રિકેટ સટ્ટામાં અબજોની લેવડદેવડનો દાવો
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
કચ્છ પોલીસે ક્રિકેટ બૅટિંગ માટે ચર્ચાસ્પદ બનેલી મહાદેવ ઍપના ગુજરાતના સૂત્રધાર ભરત ચૌધરીની પાટણમાંથી ધરપકડ કરી કરી છે. પોલીસને તપાસમાં રૂ. 30 હજારના ફોનમાંથી અબજો રૂપિયાના આર્થિક વ્યવહારો થયા હોવાનું જાણવા મળ્યું છે.
દુબઈસ્થિત સટ્ટાકાંડના આરોપીનું ગુજરાતમાં આગમન થયું એ પછી માટે પોલીસે ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ચૌધરીની હિલચાલ વિશે સચોટ માહિતી મેળવી હતી અને ધરપકડ કરવામાં સફળતા મળી હતી.
પોલીસે કેવી રીતે સટ્ટો રમાડવામાં આવતો અને કેવી રીતે તેનો ખુલાસો થયો તેની મૉડસ ઑપરેન્ડી વિશે પણ ખુલાસો કર્યો છે.
મૂળ રાધનપુરના ભરત ચૌધરીએ દસેક વર્ષ પહેલાં અમદાવાદમાં આઈટી કંપની પણ ખોલી હતી, બાદમાં દુબઈથી ચાલી રહેલા સટ્ટા ઑપરેશનમાં પણ તેમની ભૂમિકા હોવાનો આરોપ છે.
ઑપરેટર, ઑપરેન્ડી અને ઑપરેશન
કચ્છ પોલીસને માહિતી મળી હતી કે કચ્છ અને બનાસકાંઠામાં 'મહાદેવ ઍપ'માં ગેરકાયદેસર સટ્ટો રમાડવામાં આવે છે તથા આને માટે લિંક મોકલવામાં આવે છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.
સટ્ટાની મૉડસ ઑપરેન્ડી વિશે વાત કરતા કચ્છના સરહદી વિભાગ સાયબર ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ વાય. કે. ગોહિલના કહેવા પ્રમાણે, "કચ્છ-બનાસકાંઠામાં 'મહાદેવ ઍપ'માં ગેરકાયદે સટ્ટો રમાડવામાં આવતો હતો. અમે એની સાયબર તપાસ કરી રહ્યા હતા, ત્યારે ચોક્કસ નંબર પરથી ક્રિકેટ તથા અન્ય રમત પર સટ્ટો રમવા માટેની લિંક મોકલવામાં આવતી હતી, તેના સર્વર સુધી અમે પહોંચી ગયા હતા."
"આ નંબર ભારતનો હતો, પણ દુબઈથી ઑપરેટ થતો હતો, એટલે અમે તેને વૉચમાં રાખ્યો હતો."
જે નંબર પરથી લિંક મોકલવામાં આવતી હતી, તે ગુજરાતમાં ઍક્ટિવ થયો હોવાની પોલીસને માહિતી મળી હતી, જેના આધારે ટેકનિકલની સાથે હ્યુમન ઇન્ટેલિજન્સની તપાસ હાથ ધરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કચ્છ રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ બીબીસી સાથે વાત કરતા કહ્યું, "અમને ટેકનિકલ સર્વૅલન્સથી માહિતી મળી કે ફોનધારકનું દુબઈથી ગુજરાતમાં આગમન થયું છે. આ પછી અમે હ્યુમન ઇન્ટેલિજન્સને પણ કામે લગાડ્યું હતું, જેના આધારે ભરત ચૌધરી પાટણમાં હોવા વિશે તથા ચોક્કસ કાર અંગે પણ માહિતી મળી હતી. જેના આધારે અમારી ટીમે પાટણમાં રેડ પાડીને ચોક્કસ કારમાં બેસવા જતા કાર્યવાહી હાથ ધરી હતી."
મૂળ રાધનપુરના ભરત ચૌધરી વતન કે પાટણ ઓછા આવતા હતા. ચૌધરી પાટણમાં રહેતા સગાની મુલાકાતે આવશે એવી નક્કર માહિતી પોલીસને મળી હતી, જેના આધારે કાર્યવાહી હાથ ધરી હતી.
પાટણના સ્થાનિક પત્રકાર અલ્કેશ પંડ્યાએ બીબીસી સાથે વાત કરતા કહ્યું, "ભરત ચૌધરીનું વતન રાધનપુરનું કમાલપુર ગામ છે. આરોપીના પિતા અગાઉ નોકરી કરતા અને હવે બાપ-દાદાની જમીનમાં ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે છે. દસેક વર્ષ પહેલાં ચૌધરીએ રાધનપુર છોડીને અમદાવાદમાં આઈટી કંપની શરૂ કરી હતી."
"ચૌધરીનું બે-ત્રણ વર્ષે જ્વલ્લે જ પાટણ કે રાધનપુરમાં આગમન થતું. આ ગાળા દરમિયાન ચૌધરી દ્વારા પુષ્કળ પૈસા વાપરવામાં આવતા અને જીવનશૈલી ખૂબ જ વૈભવી રહેતી, પરંતુ આવકના સ્રોત અંગે સ્થાનિકોને કોઈ અંદાજ ન હતો. પોલીસને માહિતી મળી હતી કે ભરત ચૌધરી અંબાજી નેળિયા વિસ્તારમાં રહેતા એના સંબંધીને મળવા આવશે, ત્યારે પોલીસે આ ઑપરેશન હાથ ધર્યું હતું."
અબજોના આર્થિક વ્યવહાર ઉજાગર થયાનો દાવો
કચ્છ સરહદી સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભરત ચૌધરીની ધરપકડ કરી કબજામાં રહેલા મોબાઇલની તપાસ હાથ ધરી હતી, જેમાં અબજોના આર્થિક વ્યવહાર સામે આવ્યા હતા.
પીએસઆઈ ગોહિલના કહેવા પ્રમાણે, "ભરત ચૌધરી સાંજે છ વાગ્યે બહાર નીકળશે એવી ચોક્કસ માહિતી હતી, જેના આધારે કારમાં બેસવા જતી વેળાએ અમે કાર્યવાહી હાથ ધરી હતી. ચૌધરીના મોબાઇલમાં ચોક્કસ પ્લૅટફૉર્મ પરથી અલગ-અલગ ગેમથી સટ્ટો રમાડવાની 23 જેટલી ઍપ મળી આવી હતી."
ગોહિલ ઉમેરે છે કે ચૌધરીના વૉટ્સઍપમાં ભારતની ચલણી નોટોની તસવીરો મળી આવી હતી, જેનો ઉપયોગ હવાલા મારફત દુબઈ પૈસા મોકલવા માટે થનાર હતો. ચૌધરીના ફોનની ડૉક્યુમેન્ટ ફાઇલમાં અલગ-અલગ ઍપનાં નવ અલગ-અલગ એકાઉન્ટ હતાં.
કચ્છ રેન્જ આઈજી કોરડિયાના કહેવા પ્રમાણે, "ભરત ચૌધરીના મોબાઇલનો રેકૉર્ડ જોતા એક વર્ષમાં રૂ. 52 અબજ 15 કરોડ 65 લાખ જેટલી રકમના સટ્ટાનો હિસાબ અતુલ અગ્રવાલ તથા સૌરભ ચંદ્રાકરને મોકલ્યો હતો. તપાસ દરમિયાન ચૌધરીએ મહાદેવ ઍપ માટે દુબઈસ્થિત સૌરભ ચંદ્રાકર સહિત અન્ય પાંચ શખ્સો માટે કામ કરવાની કબૂલાત કરી હતી, જેમાંથી એક વ્યક્તિ પાટણની છે."
ભરતે અમદાવાદમાં અને પછી દુબઈમાં પણ બે આઈટી કંપની ખોલી હોવાનું બહાર આવ્યું છે. અલગ-અલગ સર્વર ભાડે લઈને કામ થતું. પોલીસ દ્વારા કચ્છ અને બનાસકાંઠા સાયબર ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને ડીવાએસપી સહિત સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ બનાવી છે, જેથી કરીને સટ્ટાકાંડમાં સંડોવાયેલા સ્થાનિક શખ્સોને પણ પકડી શકાય.
સૂત્રધાર અને સટ્ટો
મહાદેવ ઍપના નેજા હેઠળ અલગ-અલગ રમતો પર સટ્ટો રમાડવામાં આવતો તથા તેના માટે ચૅટઍપ્સ, હવાલા તથા વર્ચ્યુઅલ કરન્સીનો ઉપયોગ કરવામાં આવતો.
પીએસઆઈ વાય.કે. ગોહિલના કહેવા પ્રમાણે, "મહાદેવ ઍપમાં અધિકૃત લાગે એવા લૉગો બનાવવામાં આવતા. ત્યાર બાદ ઍન્ડ્રૉઇડ ફોન પર એક ઍપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવતું. એ પછી ક્રિકેટ સહિત 23 અલગ-અલગ રમત પર સટ્ટો રમાડવામાં આવતો. ઇચ્છુક શખ્સને વૉટ્સઍપ ઉપર લિંક મોકલવામાં આવતી અને સટ્ટા રમવા માટે અલગથી પાસવર્ડ આપવામાં આવતા. ત્યાર બાદ લૉગ-ઇન થનારી વ્યક્તિ સટ્ટો રમી શકતી."
"હારજીતના પૈસાની લેવડદેવડ ચલણી નોટ પર લખીને હવાલા મારફત મોકલવામાં આવતી અથવા તો વર્ચ્યુઅલ કરન્સથી ચુકવણી કરવામાં આવતી."
ધ ઇકૉનૉમિક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, સૌરભ ચંદ્રાકર તથા રવિ ઉપ્પલ નામના છત્તીસગઢના બે નાના ધંધાદારીએ મહાદેવ ઍપ શરૂ કરી હતી. ચંદ્રાકર જ્યૂસની દુકાન ચલાવતા, જ્યારે ઉપ્પલની ટાયરની દુકાન હતી. બંને જુગારની લતે ચઢી ગયા હતા અને બચત એકઠી કરીને દુબઈ ગયા હતા. જ્યાં તેમની મુલાકાત એક શેખ સાથે થઈ હતી, એ પછી તેમણે બૅટિંગ ઍપ બનાવી હતી.
તેઓ દુબઈમાં રહીને સોશિયલ મીડિયા દ્વારા ઍપ ચલાવતા. ભારતના સંપર્કને (એજન્ટ) 30 ટકા કમિશન આપતા, જ્યારે 70 ટકા તેઓ રાખી લેતા.
ઍન્ફોર્સમેન્ટ ડાયરેક્ટ્રેટ તથા ઇકૉનૉમિક ઑફેન્સ વિંગે પણ તપાસ હાથ ધરી હતી. કેટલાક રાજનેતા તથા ફિલ્મ અભિનેતાઓની ઈડીએ તપાસ કરી હતી, જેના કારણે આ કેસ હાઈ-પ્રોફાઇલ બની ગયો હતો.
એ પછી 1700-1800 પાનાંની નવી ચાર્જશીટ દાખલ કરી હતી. જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં છત્તીસગઢ પોલીસે સુરતમાં કાર્યવાહી હાથ ધરી હતી અને મહાદેવ ઍપના સટ્ટાના પૈસાની હવાલાથી હેરફેર કરવા સાથે સંકળાયેલા એક શખ્સની ધરપકડ કરી હતી. આ ઑપરેશનમાં સ્થાનિક પોલીસે પણ મદદ કરી હતી.