એ રાજરમત જેના લીધે અમિત શાહ અને શરદ પવાર એકબીજા વિરુદ્ધ તીખા પ્રહારો કરી રહ્યા છે

    • લેેખક, આર્જવ પારેખ
    • પદ, બીબીસી સંવાદદાતા

લોકસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યાંને હજુ દોઢ મહિનો જ વીત્યો છે, પરંતુ એટલામાં જ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનો ઢોલ જાણે કે ઢબૂકવા લાગ્યો છે.

છેલ્લાં પાંચ વર્ષ તરફ નજર દોડાવીએ તો પહેલેથી જ મહારાષ્ટ્રનું રાજકારણ સતત રાજકીય ઉઠાપટકને કારણે ચર્ચામાં રહ્યું છે.

એવામાં ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં આપેલા એક નિવેદનથી મહારાષ્ટ્રમાં રાજકીય માહોલ ગરમાયો છે.

ગત 21મી જુલાઈના રોજ અમિત શાહે મહારાષ્ટ્રમાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધતાં શરદ પવાર પર નિશાન તાક્યું હતું અને તેમને ‘દેશના સૌથી ભ્રષ્ટાચારી નેતા’ ગણાવ્યા હતા.

શરદ પવારે પણ તેમના આ નિવેદન પછી વળતો પ્રહાર કરતાં અમિત શાહ વિશે કહ્યું હતું કે તેમને તો ‘ગુજરાતમાંથી તડીપાર’ કરવામાં આવ્યા હતા અને તેઓ હવે દેશના ગૃહમંત્રી છે.

ત્યારબાદ ભાજપના પણ અનેક નેતાઓએ શરદ પવાર પર પ્રહારો કર્યા હતા. મહારાષ્ટ્રમાં ભાજપના નેતાઓ અને વિપક્ષના નેતાઓ વચ્ચેની નિવેદનબાજી સતત ચાલી રહી છે. ભૂતકાળમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિત ભાજપના નેતાઓના શરદ પવાર સાથે સુમેળભર્યા સંબંધો રહ્યા છે. એવામાં તાજેતરમાં અમિત શાહે શરદ પવાર વિશે કરેલા નિવેદનોનો શું અર્થ નીકળે છે?

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...

અમિત શાહે શરદ પવાર વિશે શું કહ્યું?

મહારાષ્ટ્રના પુણેમાં 'ભાજપ કૉન્ક્લૅવ'માં જુલાઈ 21ના રોજ કાર્યકર્તાઓને સંબોધિત કરતાં અમિત શાહે શરદ પવાર પર ‘ભ્રષ્ટાચારને સંસ્થાગત’ કરવાનો આરોપ મૂક્યો હતો.

તેમણે કહ્યું હતું કે, “વિપક્ષના નેતાઓ ભ્રષ્ટાચાર વિશે વાતો કરે છે પરંતુ તમને ખ્યાલ છે ને કે આ દેશમાં સૌથી મોટા ભ્રષ્ટાચારી કોણ છે? મને એ વાતમાં બિલકુલ શંકા નથી કે શરદ પવાર જ દેશના સૌથી મોટા ભ્રષ્ટાચારી નેતા છે. હવે તેઓ આપણા પર શું જોઈને આંગળી ઉઠાવે છે? જો કોઈએ આ દેશમાં ભ્રષ્ટાચારને સંસ્થાગત કરવાનું કામ કર્યું હોય તો એ શરદ પવાર છે.”

એ બાદ મહારાષ્ટ્રના સંભાજીનગરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં શરદ પવારે કહ્યું હતું કે, “થોડા દિવસ પહેલાં અમિત શાહે મારા વિશે કેટલીક વાતો કહી હતી અને મને નિશાન બનાવ્યો હતો. પરંતુ એ આશ્ચર્યની વાત છે કે આજે દેશના ગૃહમંત્રી એવી વ્યક્તિ છે કે જેને ક્યારેક સુપ્રીમ કોર્ટે કાયદાના દુરુપયોગ માટે ગુજરાતમાંથી તડીપાર કરી હતી.”

તેમના આ નિવેદન પછી કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું હતું કે, “શરદ પવારે આ નિવેદન બદલ ગૃહમંત્રી અમિત શાહની માફી માંગવી જોઈએ.”

ભાજપના મહારાષ્ટ્ર રાજ્ય પ્રમુખ ચંદ્રશેખર બવાનકુલેએ કહ્યું હતું કે, “કોર્ટે અમિત શાહને આ મામલે ક્લીન ચીટ આપી દીધી છે.”

જ્યારે ભાજપના મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલે કહ્યું હતું કે શરદ પવારે અંગત પ્રહારો કરવાથી બચવું જોઇએ.

શિવસેના(યુબીટી) નેતા સંજય રાઉતે પણ આ ચર્ચામાં ઝુકાવતાં કહ્યું હતું કે, “શું એ વાત સાચી નથી કે સુપ્રીમ કોર્ટે તેમને તડીપાર કર્યા હતા? શું અમિત શાહ થોડો સમય જેલમાં રહ્યા ન હતા? મોદી સરકાર આવી એ પછી જ તેમના પરના તમામ કેસોમાંથી તેમને છૂટ મળી છે.”

અહીં ઉલ્લેખનીય છે કે અમિત શાહે કથિતપણે એ જ ભાષણમાં ઉદ્ધવ ઠાકરેને ઔરંગઝેબ ફેન ક્લબના વડા ગણાવ્યા હતા.

અમિત શાહે શરદ પવાર પર કેમ નિશાન તાક્યું?

ભૂતકાળમાં ભાજપ અને શિવસેના એ એકબીજાના સાથીદારો રહ્યાં છે. એ સિવાય ભાજપ અને શરદ પવાર વચ્ચેના સંબંધો પણ સુમેળભર્યા રહ્યા છે.

વર્ષ 2014માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર બન્યા બાદ પણ શરદ પવાર સાથેના ભાજપના સંબંધોમાં મોટી ઓટ આવી નથી.

એવામાં અમિત શાહે શરદ પવાર પર કરેલો સીધો શાબ્દિક હુમલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

મહારાષ્ટ્ર સ્થિત રાજકીય વિશ્લેષક અભય દેશપાંડે બીબીસી સાથે વાત કરતાં કહે છે કે, “આ પ્રકારની નિવેદનબાજી પાછળ મહારાષ્ટ્રની ચૂંટણી જ મુખ્ય જવાબદાર કારણ છે. મહાવિકાસ અઘાડીએ મહારાષ્ટ્ર ચૂંટણી માટે હાલમાં પોતાના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર જાહેર કર્યા નથી. આથી, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે એ સંદર્ભમાં સૌથી મહત્ત્વના નેતા બની જાય છે.”

જોકે, તેઓ હાલમાં થઈ રહેલી નિવેદનબાજીને ગંભીર બાબત ગણતા નથી.

મહારાષ્ટ્રના વરિષ્ઠ પત્રકાર હેમંત દેસાઈ બીબીસી સાથે વાત કરતાં કહે છે, “મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની રચના જ શરદ પવારને કારણે થઈ તેવું કહી શકાય. આ ગઠબંધન બનાવવામાં તેમનો મુખ્ય રોલ રહ્યો છે. એ સિવાય ફડણવીસ અને અજિત પવારની સરકાર માત્ર ચાર દિવસમાં પડી ગઈ તેના પાછળ પણ તેમનો ફાળો મનાય છે."

તેમના મતે શરદ પવાર એ વિચારધારાની રીતે મહારાષ્ટ્રમાં ભાજપના મુખ્ય વિરોધી છે.

તેઓ કહે છે, “ભાજપને એવી કાયમ આશા રહી છે કે શરદ પવાર તેમની સાથે આવી જાય, પરંતુ તેઓ ન આવ્યા. આથી, તેમને એવું લાગ્યું કે જો શરદ પવાર પર આવાં નિવેદનો કરીએ તો તેમની શાખ ઓછી થાય અને અંતે તેનો ફટકો મહાવિકાસ અઘાડીને પડે.”

ગુજરાતસ્થિત વરિષ્ઠ પત્રકાર અને દેશના રાજકારણ પર નજર રાખનાર હરેશ ઝાલા કહે છે, “પોલિટિકલ સ્ટ્રેટેજીમાં લડાઈ બે રીતે લડી શકાય છે. એક સામસામેની લડાઈમાં અને બીજી રીત કૅરેક્ટર અસેસિનેશન કરીને. 2011માં યુપીએની સરકારનું પણ આ જ પ્રમાણે કૅરેક્ટર અસેસિનેશન થયું હતું. અમિત શાહ પણ આવાં નિવેદનો આપીને આમ કરવાની કોશિશ જ કરી રહ્યા છે. એ સ્પષ્ટ વાત છે કે મહારાષ્ટ્રમાં ઇન્ડિયા ગઠબંધનનું હાલનું સ્વરૂપ એ શરદ પવારને કારણે જ છે. આથી, જો તેમને બદનામ કરવામાં આવે, તેમના પર આરોપો મૂકવામાં આવે તો મહાવિકાસ અઘાડીને નુકસાન થાય.”

નરેન્દ્ર મોદી અને શરદ પવારના સંબંધો

છેલ્લા બે દાયકામાં નરેન્દ્ર મોદી અને શરદ પવારના સંબંધો ઉતાર-ચઢાવ ભર્યા રહ્યા છે. વડા પ્રધાન મોદીએ તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી દરમિયાન પ્રચારમાં કથિતપણે શરદ પવારને ‘ભટકતી આત્મા’ કહેતાં ભારે વિવાદ થયો હતો.

2014 દરમિયાન પણ શરદ પવાર અને અજિત પવાર પર નિશાન સાધતાં અનેક વાર મોદી એનસીપીને ‘નેચરલી કરપ્ટ પાર્ટી’ કહી ચૂક્યા છે.

પરંતુ ત્યારબાદ બારામતીમાં 2015માં એક કાર્યક્રમમાં મોદીએ જાહેરજીવનમાં શરદ પવારની લાંબી ઇનિંગને બિરદાવી હતી અને તેમને પોતાના રાજકીય ગુરુ ગણાવ્યા હતા.

મોદી સરકારમાં જ શરદ પવારને 2017માં પદ્મવિભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો.

અભય દેશપાંડે કહે છે, “ભૂતકાળમાં પણ આ પ્રકારનાં નિવેદનો અને એકબીજા પર પ્રહારો થતા રહ્યા છે. હાલમાં અમિત શાહે જે પ્રકારની ભાષા વાપરી એ જ પ્રમાણેની ભાષા વળતામાં શરદ પવારે પણ વાપરી છે. ભૂતકાળમાં નરેન્દ્ર મોદી પણ આ પ્રકારની કઠોર ભાષા વાપરી ચૂક્યા છે. આ પ્રકારની ભાજપની સ્ટ્રેટેજી ભવિષ્યમાં કેવી સાબિત થશે એ કહી ન શકાય પરંતુ ભૂતકાળમાં એ બૅકફાયર જ થઈ છે.”

હરેશ ઝાલા કહે છે, “રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન કે દોસ્ત નથી. શરદ પવાર મૂળ કૉંગ્રેસી ખરા, પરંતુ તેઓ ઍન્ટિ-કૉંગ્રેસ ગ્રૂપમાં પણ પહેલેથી જ એટલા પ્રખ્યાત હતા. તેમને નરેન્દ્ર મોદી સાથે પણ સારા સંબંધો હતા અને વાજપેયી તથા અડવાણી સાથે પણ સારા સંબંધો હતા. 2009માં બાળાસાહેબ ઠાકરે સાથે તેમણે મુલાકાત કરી હતી અને ત્યારે એવું લાગતું હતું કે શિવસેના અને શરદ પવાર ગઠબંધન કરી લેશે.”

હેમંત દેસાઈ કહે છે, “2014થી 2019 વચ્ચે અનેકવાર એવી ઘટનાઓ બની કે જેમાં મોદીએ શરદ પવારનાં વખાણ કર્યાં હોય. અરૂણ જેટલી અને મોદી સાથે બારામતી પણ ગયા. ભાજપે આ બધા પ્રયત્નો કદાચ શરદ પવારને સાથે લાવવાના પ્રયાસરૂપે કર્યા હોય તેવું બની શકે. ત્યારબાદ ભાજપે એક પછી એક ડગલું આગળ વધીને શરદ પવારના ઘણા સાથીદારોને પણ પોતાની તરફ ખેંચી લીધા. પરંતુ તેમ છતાં શરદ પવાર તેમની સાથે ન ગયા.”

મહારાષ્ટ્રની ચૂંટણીમાં શરદ પવાર કેન્દ્રમાં રહેશે?

લોકસભાની ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીને મળેલી સફળતા બાદ તેઓ ઉત્સાહમાં છે. શરદ પવારની એનસીપી, ઉદ્ધવ ઠાકરેની શિવસેના તથા કૉંગ્રેસ સાથે મળીને આગામી વિધાનસભાની ચૂંટણી લડશે તેવું નિશ્ચિત મનાઈ રહ્યું છે.

જ્યારે સામે પક્ષે ભાજપ એ શિંદે જૂથની શિવસેના તથા એનસીપીના અજિત પવાર જૂથ સાથે મળીને ચૂંટણી લડશે તેમ મનાય છે.

આ દરમિયાન વચ્ચે સતત એવા સમાચારો પણ આવતા રહે છે કે અજિત પવાર જૂથના અનેક નેતાઓ શરદ પવાર સાથે જઈ શકે છે.

મહત્ત્વપૂર્ણ છે કે 2024ની લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી ઇન્ડિયા ગઠબંધનને 30 બેઠકો મળી હતી. જેમાં કૉંગ્રેસે 13 બેઠકો, શિવસેના(યુબીટી) 9 બેઠકો અને એનસીપી(શરદચંદ્ર પવાર)એ 8 બેઠકો જીતી હતી.

તો સામે પક્ષે એનડીએ ગઠબંધનને માત્ર 18 બેઠકો જ મળી હતી. ભાજપે 9, શિંદે જૂથની શિવસેનાએ 7 અને અજિત પવાર જૂથની એનસીપીએ 1 બેઠક જીતી હતી.

અભય દેશપાંડે કહે છે, “મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણીની વાત કરીએ તો એ જરૂરી નથી કે લોકસભામાં એ જ પરિણામ પુનરાવર્તિત થાય. લોકસભાની ચૂંટણીમાં બંધારણ બદલવાની વાત, યુનિફૉર્મ સિવિલ કૉડ જેવા મુદ્દાઓની ઘણી અસર થઈ હતી. આ મુદ્દાઓની વિધાનસભામાં કેટલી અસર થશે એ મોટો સવાલ છે. બીજી તરફ શિંદે સરકાર પણ અનેક યોજનાઓ તથા જાહેરાતોથી લોકોનું ધ્યાન ખેંચી રહી છે.”

હેમંત દેસાઈ આ વાતને ભવિષ્ય સાથે જોડે છે અને કહે છે, “લાંબાગાળાની વાત કરીએ તો ભાજપને હજુ પણ ક્યાંક એવી આશા છે કે ઉદ્ધવ ઠાકરે તેમની સાથે ક્યારેક પાછા આવી શકે છે. કૉંગ્રેસ પાસે મહારાષ્ટ્રમાં કોઈ ચહેરો નથી. એવામાં શરદ પવાર સૌથી મહત્ત્વના બની જાય છે.”

તેમનુ કહેવું છે કે, “ભાજપ માટે રાજકીય રીતે આ દાવ કેવો નીવડે છે એ જોવું રહ્યું. કારણ કે શરદ પવાર પર થયેલા આ શાબ્દિક હુમલાની અજિત પવાર જૂથના નેતાઓએ પણ ટીકા કરી છે.”

હરેશ ઝાલાનું કહેવું છે કે શરદ પવાર એકલે હાથે મહારાષ્ટ્રની આવનારી વિધાનસભા ચૂંટણીનાં પરિણામો બદલવાની તાકાત ધરાવે છે.

તેઓ કહે છે કે, “ભાજપે હાલમાં લીધેલી હાર્ડલાઇનનું કારણ એ છે કે શરદ પવાર હજુ પણ પીઢ નેતા તરીકે સ્થાપિત છે. જો તેઓ નબળા પડે તો મહારાષ્ટ્રમાં શિવસેના અને કૉંગ્રેસ સાથેના તેમના ગઠબંધનને પણ નુકસાન થાય.”

તેમનું કહેવું છે કે, “મહારાષ્ટ્રમાં સ્થાનિક સમીકરણો ગોઠવવામાં શરદ પવાર પાવરધા છે. જ્ઞાતિગત સમીકરણોને લીધે તેમને સીધો ફાયદો થયો છે. વધુમાં, ખેડૂતો, સહકારી ક્ષેત્ર સહિત અનેક સમુદાયોમાં તેમની આજે પણ જબરદસ્ત પકડ છે. આ પ્રકારની પકડ કામને કારણે મળતી હોય છે જેનો તેમને સીધો ફાયદો ચૂંટણીઓમાં મળે છે. શરદ પવારને મહારાષ્ટ્રના લોકો ઓળખે છે. આથી, મને કોઈ આવાં નિવેદનોની જાજી અસર થશે તેવું લાગતું નથી.”

અભય દેશપાંડે કહે છે, “શરદ પવારને મળતી સહાનુભૂતિ કહો કે વિક્ટિમ કાર્ડ, લોકસભામાં તેનો તેમને ફાયદો થયો હતો. જો ભાજપ આ પ્રકારનાં નિવેદનો કરવાનું ચાલુ રાખશે તો વિધાનસભાની ચૂંટણીમાં પણ તેનો ફાયદો શરદ પવાર અને મહાવિકાસ અઘાડીને મળી શકે છે.”